નારદ પુરાણ - ભાગ 35 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 35

નારદ બોલ્યા, “હે મહાભાગ, મેં આધ્યાત્મિક આદિ ત્રણે તાપોની ચિકિત્સાનો ઉપાય સાંભળ્યો તોપણ મારા મનનો ભ્રમ હજી દૂર થયો નથી. મન સ્થિર થતું નથી. આપ બીજાઓને માન આપો છો, પણ મને જણાવો કે દૃષ્ટ મનુષ્યો કોઈના મનથી વિરુદ્ધ વર્તન કરે તો મનુષ્ય કેવી રીતે સહન કરી શકે?”

        સૂત બોલ્યા, “નારદજીની આ વાત સાંભળીને બ્રહ્માના પુત્ર સનંદનને ભારે હર્ષ થયો અને કહેવા લાગ્યા.”

        સનંદને કહ્યું, “નારદ, આ વિષયમાં એક પ્રાચીન ઈતિહાસ કહું છું, જે સાંભળીને આપનું ચિત્ત સ્થિર થશે. પ્રાચીન કાળમાં ભરત નામના એક રાજા થઇ ગયા. તેઓ ઋષભદેવના પુત્ર હતા અને એમના નામ પરથી દેશને ‘ભારતવર્ષ’ કહેવામાં આવે છે. રાજા ભરતે વંશપરંપરાગત ચાલતા આવેલા રાજ્યને પ્રાપ્ત કરી ધર્મપૂર્વક પાલન કર્યું. પિતા જેમ પોતાના પુત્રને સંતુષ્ટ કરે છે, તેવી જ રીતે તેઓ પ્રજાને પ્રસન્ન રાખતા હતા. તેમણે વિવિધ પ્રકારના યજ્ઞો કરીને ભગવાન વિષ્ણુનું યજન કર્યું. તેઓ ભગવાનમાં મન લગાડીને સત્કર્મો કર્યા કરતા. કેટલાક પુત્રો થયા પછી રાજા ભારત વિષયોથી વિરક્ત થઇ ગયા અને રાજ્યનો ત્યાગ કરી પુલસ્ત્ય તથા પુલહ મુનિના શાલગ્રામ નામક મહાક્ષેત્રમાં આવેલા આશ્રમમાં ચાલ્યા ગયા. રાજા ભરત ત્યાં રહી ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. તેઓ પરબ્રહ્મની સ્તુતિ કરતા અને પ્રણવ સહિત વેદના મંત્રોનું ઉચ્ચારણપૂર્વક સૂર્યોપસ્થાન કરતા અને આશ્રમે આવીને પોતે જ આણેલા સમિધ, દર્ભ તથા માટી આદિ દ્રવ્યોથી તેમ જ ફળ, ફૂલ, તુલસીદલ અને સ્વચ્છ જળથી ભગવાન વાસુદેવની પૂજા કરતા.

`       એક દિવસ રાજા ભારત પ્રાતઃકાલે નદીમાં સ્નાન કરી એકાગ્રચિત્તે જળમાં ઊભા રહીને જાપ કરતા હતા. એ જ સમયે એક હરણી જળ પીવા માટે વનમાંથી નદીના તટ ઉપર આવી. તેનો પ્રસવકાળ નજીક હતો. તેણે પાણી પી લીધું હતું. એવામાં જ તેને ભય પમાડે એવી સિંહની ડણક તેને સંભળાઈ. તેથી તે ભય પામીને ઊછળી. તેનો ગર્ભ નદીમાં પડ્યો ને પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો. રાજા ભરતે તે ગર્ભને તે મૃગ-શાવકને કરુણાવશ થઇ ઉપાડી લીધું. બીજી તરફ તે હરણી ઊછળવાને લીધે નીચે પડવાથી તેમ જ ગર્ભ પડી જવાની વેદનાને લીધે ત્યાં જ મરણ પામી. હરણીને અવસાન પામેલી જોઈ રાજા ભરત તે મૃગશિશુને આશ્રમ પર લાવ્યા અને તેને ઉછેરવા લાગ્યા. પોષણ પામવાને લીધે તે મૃગશિશુ વધવા લાગ્યું. રાજા ભરતનું ચિત્ત તેનામાં આસક્ત થયું તેવું ભગવાનમાં પણ થયું ન હતું.

        તેમને એ હરણના બચ્ચામાં મમત્વ પેદા થયું. મૃગની મમતામાં તેમનું ચિત્ત વશીભૂત થવાને લીધે તેમની સમાધિનો ભંગ થયો. થોડા સમય બાદ રાજા ભરત અવસાન પામ્યા. તે સમયે પુત્ર પિતાને જોતો હોય તેમ તે મૃગ આંખમાં આંસુ સાથે તેમને જોઈ રહ્યું હતું. રાજા પણ પ્રાણત્યાગ કરતી વખતે તે મૃગ ભણી જોઈ રહ્યા હતા. મૃગમાં જ તેમની ભાવના હોવાને લીધે રાજા ભરત બીજા જન્મમાં મૃગ થયા. પરંતુ પૂર્વજન્મનું સ્મરણ હોવાથી તેમના મનમાં સંસાર પ્રતિ વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. તેઓ પોતાની માતાનો ત્યાગ કરીને ફરી શાલગ્રામ તીર્થમાં આવ્યા અને સૂકું ઘાસ અને પાંદડાં ખાઈને શરીરનું પોષણ કરવા લાગ્યા. આમ કરવાથી મૃગશરીરને પ્રાપ્ત કરાવનાર કર્મનું પ્રાયશ્ચિત થઇ ગયું, તેથી ત્યાં જ શરીરનો ત્યાગ કરીને તેઓ જાતિસ્મર (પૂર્વજન્મની વાતોનું સ્મરણ કરનારા) બ્રાહ્મણના રૂપમાં ઉત્પન્ન થયા. તેઓ સંપૂર્ણ વિજ્ઞાનથી સંપન્ન તથા સમસ્ત શાસ્ત્રોના તત્વજ્ઞ થયા.

        હે મુનિશ્રેષ્ઠ, તેઓ આત્માને પ્રકૃતિથી પર માનતા હતા; તેઓ આત્મજ્ઞાનથી સંપન્ન હોવાને લીધે દેવતા આદિ સર્વ ભૂતોને પોતાનાથી અભિન્ન જોતા હતા. ઉપનયનસંસ્કાર થયા પછી તેઓ ગુરુએ ભણાવેલ વેદ-શાસ્ત્રનું અધ્યયન કરતા ન હતા. કોઈ પણ વૈદિક કર્મો પ્રત્યે તેઓ ધ્યાન આપતા નહિ તેમ શાસ્ત્રોનો ઉપદેશ ગ્રહણ કરતા નહિ. જયારે તેમને કોઈ પૂછતું ત્યારે તેઓ જડની જેમ ગામથી ભાષામાં ગમે તે કહી દેતા. તેમનું શરીર મેલું-ઘેલું રહેતું હોવાથી ગોબરું લાગતું. તેઓ હંમેશાં મેલાં લૂગડાં પહેરતા. આથી ત્યાંના બધાં માણસો તેમનું અપમાન કરતા. સન્માન યોગસંપત્તિની હાનિ કરે છે અને બીજા માણસોથી યોગી યોગમાર્ગમાંથી જલદી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે – આવો વિચાર કરી તે પરમબુદ્ધિ બ્રાહ્મણ સામાન્ય રીતે લોકોમાં પોતાની જાતને જડ અને ઉન્મત્ત જેવી જ પ્રકટ કરતા.

        જે વખતે જે મળી આવે તેને પ્રેમથી આરોગી લેતા. પિતાના મરણ પછી તેમના ભાઈ-ભાંડુઓએ તેમની પાસે ખેતી કરાવવા માંડી. તેઓ જે સડેલો-ગળેલો ખોરાક આપતા તેનાથી તેમનું શરીર પોષાવા લાગ્યું. તેમનું એક એક અંગ બળદના અંગ જેવું પુષ્ટ હતું અને કામકાજમાં તેઓ જડની જેમ મંડ્યા રહેતા. એમને ખાવાનું મળે તે જ તેમનું વેતન હતું, તેથી બધા એમની પાસે પોતાનું કામ કરાવી લેતા.

        બ્રહ્મન, એક સમયે સૌવીરરાજાએ શિબિકા (પાલખી) પર સવાર થઇ ઇક્ષુમતી નદીના તીરે આવેલા મહર્ષિ કપિલના આશ્રમે જવાનો નિશ્ચય કર્યો. ‘આ દુઃખમય સંસારમાં મનુષ્યોના માટે કલ્યાણકારી સાધનકારી સાધન કયું છે?’

        આ પ્રશ્નનો ઉત્તર તેઓ મોક્ષધર્મના જ્ઞાતા મહામુનિ કપિલ પાસેથી મેળવવા માગતા હતા. તે દિવસે રાજાની વેઠમાં ઘણા બધા માણસોને પકડી લાવવામાં આવ્યા હતા. તેમની સાથે ભરત મુનિને પણ વેઠ માટે પકડવામાં આવ્યા. તેઓ સંપૂર્ણ જ્ઞાનના એક માત્ર પાત્ર હતા. તેમને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું; તેથી પોતાના પાપમય પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તે શિબિકાને ખભા ઉપર ઉપાડીને ચાલવા માંડ્યા. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ જડભરત ચાર હાથ આગળની ધરતીને જોતા જોતા મંદ ગતિએ (ક્ષુદ્ર જીવો પગ નીચે કચડાઈ ન જાય તેથી તેમને બચાવવા માટે) ચાલવા લાગ્યા; પરંતુ તેમના સિવાય બાકીના ભોઈ લોકો ઝડપી ચાલતા હતા. એક સરખી ગતિથી પાલખી વહન કરવામાં આવતી નથી એવું જોઇને રાજાએ તેમને કહ્યું, “અરે! પાલખી ઉપાડનારા ભોઈઓ તમે આ શું કરો છો? બધા સરખી ગતિથી ચાલો.”

        કહેવા છતાં પાલખીની ગતિમાં સુધારો ન થયો તેથી રાજા ક્રોધિત થઇ ગયા એટલે અન્ય ભોઈઓએ જડભરત ભણી સંકેત કરીને કહ્યું, “આ જ ધીરે ધીરે ચાલે છે.”

        રાજાએ પૂછ્યું, “અરે! શું તું થાકી ગયો? હજી તો તેં થોડી જ વાર પાલખી ઊંચકી છે. શું તારાથી આ થાક વેઠાતો નથી? આમ તો તું તગડો દેખાય છે.”

        બ્રાહ્મણ બોલ્યા, “રાજન, હું તગડોય નથી તેમ મેં પાલખી ઊંચકી નથી. હું થાક્યોય નથી તેમ મને કંઈ મહેનત પણ જણાતી નથી. આ પાલખીને ઊંચકનારો કોઈ બીજો જ છે.”

        રાજાએ કહ્યું, “તગડો છે એ તો તું દેખાઈ રહ્યો છે અને પાલખી હજુય તારા ખભા ઉપર છે. જયારે ભાર ઉપાડવામાં દેહધારીઓન્વ મહેનત તો પડે જ છે ને થાક પણ લાગે છે.”

        બ્રાહ્મણે કહ્યું, “હે રાજન, આ વિષયમાં મારી વાત સાંભળો. બધાથી નીચે પૃથ્વી છે, પૃથ્વી પર બે પગ છે, બે પગ પર બે જંઘાઓ પર બે ઊરુ છે ને તેમના પર ઉદર છે. પછી ઉદરની પર છાતી, હાથ અને ખભા છે ને ખાભાઓની ઉપર આ પાલખી મૂકવામાં આવી છે. આવી દશામાં મારા ઉપર ભાર કઈ રીતે રહેલો છે? પાલખીમાં પણ જેને તમારું કહેવામાં આવે છે તે શરીર મુકાયેલું છે. રાજન, હું, તમે અને બીજા બધા જીવ પંચભૂતો દ્વારા જ વહન કરાતા હોઈએ છીએ તેમ જ આ ભૂતવર્ગ પણ ગુણોના પ્રવાહમાં પડીને તણાતો જઈ રહ્યો છે. આ સત્વ આદિ ગુણો પણ કર્મોને વશીભૂત છે અને તે કર્મ સર્વ જીવોમાં અવિદ્યા દ્વારા જ સંચિત છે. આત્મા તો શુદ્ધ, અક્ષર, શાંત, નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે. તે એક જ સર્વ જીવોમાં વ્યાપ્ત છે. હે જયારે આત્મામાં વૃદ્ધિ નથી થતી કે હ્રાસ થતો નથી તો તમે શાથી કહ્યું કે હું જાડો છું?           

જો પૃથ્વી, પગ, જંઘા, ઊરુ, કેડ, ઉદર આદિ અંગો ઉપર મુકાયેલી આ પાલખી મારા માટે ભારરૂપ થઇ શક્તિ હોત તો તેવી જ રીતે તમારા માટે પણ થઇ શકે છે. હે રાજન, આ રીતે તો બીજા બધા જીવોએ પાલખી ઉપાડેલી નથી, પરંતુ પર્વત, વૃક્ષ, ગૃહ અને પૃથ્વી આદિનો ભાર પણ પોતાની ઉપર ઉપાડેલો છે. હે રાજન, જે દ્રવ્યથી આ પાલખી બનેલી છે, તેનાથી જ આ તમારું, મારું અને બીજાં બધાનું શરીર બનેલું છે, ને એમાં જ બધાંનું મમત્વ છે.”

સનંદન બોલ્યા, “આટલું બોલીને તે બ્રાહ્મણ ખભા પર પાલખી ઉપાડી રાખીને મૌન થઇ ગયા એટલે રાજાએ પણ તુરત નીચે ઊતરીને ચરણો પકડી લીધા.”  

રાજા બોલ્યા, “હે વિપ્રવર, આ પાલખીને નીચે મૂકી દઈ કૃપા કરીને કહો આ છદ્મવેશ ધારણ કરેલા આપ કોણ છે? કોના પુત્ર છો? અથવા આપના આગમનનું કારણ શું છે?”

બ્રાહ્મણ બોલ્યા, “ભૂપાલ, સાંભળો હું કોણ છું તે કહી શકાય તેમ નથી ને અહીં આવવાનું જે કારણ તમે પૂછ્યું તે વિષે જણાવવાનું કે ક્યાંય પણ આવવા જવાનું કર્મ એ કર્મોનુંફળ ભોગવવા માટે જ થતું હોય છે. ધર્મ અને અધર્મથી ઉત્પન્ન થયેલાં સુખ-દુઃખને ભોગવવા માટે જ જીવ દેહ ધારણ કરે છે. સર્વ જીવોની બધી દશાઓનાં કારણ કેવળ તેમના ધર્મ-અધર્મ જ છે.”

રાજા બોલ્યા, “આ વાત ખરી છે કે સર્વ કર્મોના ધર્મ અને અધર્મ જ કારણ છે ને કર્મફળ ભોગવવા માટે એક દેહમાંથી બીજા દેહમાં જવાનું થાય છે; પરંતુ તમે જે કહ્યું કે, ‘હું કોણ છું.’ એ વાત કહી શકાય તેમ નથી, તેથી આ જ વાત સાંભળવાની ઈચ્છા છે.”

ક્રમશ: