હિમાચલનો પ્રવાસ - 13 (અંજની મહાદેવની પગદંડીએ)
તારીખ : 11, ડિસેમ્બર 2022
અગાઉના ખંડમાં અમે સુંદર વનરાજી વચ્ચે રમણીય જોગીની ધોધની ધારાઓ જોઈ અને ત્યાંથી સોલાંગ વેલી પહોંચ્યા. હવે આગળ...
સોલંગવેલીનું જે મેદાન આવે એના પહેલાજ અંજની મહાદેવ જવા માટેની ટ્રેક શરૂ થાય છે. ત્યાં એક ગેટ જેવું બનાવેલ છે જેની ઉપર અર્ધ વર્તુળબોર્ડ મારેલ છે એની ઉપર શ્રી શ્રી સંત શીરોમણી પ્રકાશપુરીજી મહારાજનું નામ લખેલ છે. એ જોતાં એવું લાગે છે કે ત્યાં તેઓનું પણ કોઈ સંસ્થાન હશે. અહીં થી અમે ભોલેબાબા અને બજરંગબલીની જય બોલી અમારી પદયાત્રાનો પ્રારંભ કર્યો. અહીં થી લગભગ 2.5 થી ત્રણ કિલોમીટરના અંતરે આ પવિત્ર સ્થળ આવેલુ છે. આમતો બપોરનો સમય થવા આવ્યો છે પરંતુ હજુ ઠંડીની અનુભૂતિ થઇ રહી છે. મનાલી કરતા સોલાંગવેલી 2000 ફૂટ વધુ ઊંચાઈ ઉપર એટલે કે 8400 ફૂટ પર આવેલ છે.
ટ્રેક કર્યાની થોડી જ વારમાં ઠંડી દૂર થઈ ગઈ છે. જેકેટની ચેન ખુલ્લી કરીને ટોપી પણ કાઢવી પડી છે. શરૂઆતનો ટ્રેકનો રસ્તો નાના પથ્થર અને કપચી વાળો છે અને ક્યાંક ક્યાંક પથ્થર થી બનેલ પાકી પગદંડી પણ આવે છે. બીજી તકલીફ એ છે કે આ શરૂઆતી રસ્તા ઉપર 4 પૈડા વાળી બાઇક તેમજ ઘોડા પણ ચાલી શકે છે જેના થકી ધૂળ ઊડતી જોવા મળી રહી છે. સામે ની તરફ દેખાઈ રહેલા પહાડોની ટોચ પરનો બરફ ચમકી રહ્યો છે. રસ્તામાં ક્યાંક એકલ દોકલ વૃક્ષ નજરે પડે છે જેના પાંદડા ખરી ગયા છે ફક્ત સૂકી ડાળીઓ દેખાઈ રહી છે. તેઓ જાણે કહી રહ્યા છે તમે અમારું અત્યારનું સ્વરૂપ ભલે આવું હોય પણ અમારો પણ એક જમાનો હતો... સુંદર ખીલેલી વસંત હતી. અને આમ જોવા જઈએ તો જીવનનું આ પરમ સત્ય છે કે જીવનમાં પાનખર અને વસંત આવન જાવન કરતા હોય છે. જે પાનખરને ખેલદિલી થી માણી શકે એનેજ વસંતનું વૈભવ અને સર્જન પણ માણવા મળે છે.
લગભગ પોણો રસ્તો પૂરો થાય ત્યાં એક ઝરણા જેવું આવે છે. ઘોડા અને બાઇક અહિયાં સુધીજ જાય છે, અહીં થી આગળની મુસાફરી પગપાળા જ શક્ય છે. રસ્તામાં ઝીપ લાઇનિંગની સાહસિક પ્રવૃત્તિ જોવા મળે છે. આપણે નીચે ચાલતા હોય અને ઉપર આ પ્રવૃત્તિ ચાલતી હોય, એને કહેવું પડે ભાઈ જોજે હોં, માથે ના પડતો. ઝરણાને પાર કર્યા બાદ સામેની તરફ પ્રકાશપુરી મહારાજની કુટિર અને એની પાછળ અંજની મહાદેવનું સ્થાનક નજરે પડે છે.
હવે જેમ જેમ નજીક પહોંચી રહ્યા છીએ તેમ ઠંડી વધુ લાગી રહી છે, કારણકે ઊંચા પહાડોની છાયામાં અહીં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. ઉપરાંત થોડા દિવસ પહેલા પડેલો બરફ જમીન પર પથરાઈ ગયો છે અને જામી ગયો છે તો એવા ભાગમાં પગ મુકતા પણ સાવધ રહેવું પડે નહિતર જમીન મપાઈ જાય. પ્રકાશપુરી મહારાજની કુટિર માંથી ધાર્મિક ભજનોની સરવાણી સંભળાઈ રહી છે, જે અહીંના વાતાવરણને વધુ આધ્યાત્મિક બનાવી રહ્યુ છે. અહીં બરફ હોવાથી નાની મોટી એડવેન્ચર એક્ટિવિટી પણ જોવા મળી રહી છે. હવે પગથિયાં ત્યાર બાદ મોટો ઓટલો અને ત્યાર બાદ પગથિયાં આવે છે અને છેલ્લે શિવલિંગ પર જવા માટેના પગથિયાં આવે છે જે લગભગ 150 જેવા છે. અહીં પગરખાં પહેરીને જવાની મનાઈ છે તો આવી ઠંડી અને બરફમાં ઉઘાડા પગે ચાલવું થોડું મુશ્કેલ લાગે છે પરંતુ અમે હર હર મહાદેવ કરતા આગળ વધવા લાગ્યા.
જ્યાં પગથિયાં પુરા થાય પહેલા એક નાનકડું મંદિર અને ત્યાર બાદ ખુલ્લી જગ્યામાં અંજની મહાદેવનું શિવલિંગ આવેલું છે. અહીં પણ બાબા અમરનાથની જેમ બરફથી સ્વયંભૂ શિવલિંગ બને છે. અહીં પહોંચ્યા બાદ એવી જ અનુભૂતિ થાય કે જાણે અમરનાથ બાબાના શરણે પહોંચી ગયા હોય. શિવલિંગની આજુ બાજુ ફરતે 1-1.5 ફૂટ બરફનો થર છવાયેલો છે. શિવલિંગની બાજુમાં શિવજીના સેવક એવા નંદી મહારાજ પણ બરફની ચાદર ઓઢેલ દેખાય છે. અત્યારે શિવલિંગ 1.5 ફૂટ જેટલી ઊંચાઈનું છે. અહીં જેમ જેમ ઠંડી પડે તેમ શિવલિંગની ઊંચાઈ વધે છે, ફેબ્રુઆરીમાં જાવ તો મહત્તમ 30 ફૂટ જેટલું પણ દેખાય છે. હવે શિવલિંગની કુદરતી રીતે રચના કેવી રીતે બને છે, એની કુતૂહલતા આપને જરૂર હશે ને ! શિવલિંગની ઉપરના ભાગે સીધો ઊંચો પર્વત આવેલો છે. એની ઉપરથી નાનકડું એક ઝરણું વહેછે, અમે ગયા ત્યારે પણ એનો કર્ણપ્રિય નાદ સંભળાઈ રહ્યો હતો. જ્યારે અહીં તાપમાન ઓછું કે શૂન્ય થી નીચે જાય એટલે ઝરણાનું પાણી બરફમાં બદલાઈ જાય અને એમાંથી ધીમે ધીમે શિવલિંગ બનવા લાગે છે.
આ પવિત્ર સ્થળની સાથે એક પૌરાણિક કથા સંકળાયેલ છે. ત્રેતાયુગમાં શ્રીરામ ભક્ત હનુમાનજીના માતાજી અંજની માં અહીં રહીને પુત્રપ્રાપ્તિ માટે શિવજીની સાધના કરેલી. ત્યારથી અહીં બરફનું શિવલિંગ બને એવી માન્યતા છે. છેલ્લા કેટલાય વર્ષથી અહીં સંતશ્રી પ્રકાશપુરી મહારાજ કુટિર બનાવીને રહેલા અને ભોલેનાથ બાબાની સાધના કરેલી. એમના દેહાંત બાદ અહીં તેમના શિષ્યો રહીને આ પવિત્ર કામ કરી રહ્યા છે.
બરફાની બાબા અંજની મહાદેવના દર્શન અને આર્શીવાદ લઈને અમે નીચે ઉતર્યા. ઠંડીમાં ગરમ મેગી અને થોડો તાપણાનો લાભ લીધો અને પાછા સોલંગવેલી આવી ગયા. હવે અમે મનાલી તરફ પ્રયાણ કર્યું.
આવતા અંકે મનાલીની દેવી હિંડિમ્બા દેવી અને જેમના નામ પરથી મનાલી નામ પડ્યું એવા મનુ ભગવાનના મંદિરની મુલાકાત લઈશું.
©-ધવલ પટેલ
તારીખ - 31, ડિસેમ્બર, 2023
વોટ્સએપ : 9726516505
આવીજ અવનવી ફેસબુક પોસ્ટ માટે તમે મારી વોટ્સએપ ચેનલ ફોલો કરી શકો છો. જેની લિંક કોમેન્ટમાં આપેલ છે.
#હિમાચલનો_પ્રવાસ
#અંજનીમહાદેવ
#ધવલપટેલ_હિન્દુસ્તાની
#manali
#manalidiaries
#anjanimahadev
#solangvalley
#મહાદેવ
#himachalpradesh