હિમાચલનો પ્રવાસ - 10 (વશિષ્ઠ ગામની મુલાકાત)
તારીખ : 11, ડિસેમ્બર 2022
અગાઉના એપિસોડમાં વહેલી સવારમાં પ્રકૃતિનું પાન કરી વશિષ્ઠ ગામની મુલાકાતે આવ્યા.
આજના એપિસોડમાં આપડે જાણીશું વશિષ્ઠ ગામના વિશેની પૌરાણિક માહિતી.
પૌરાણિક કથા અનુસાર, વિશ્વામિત્ર ઋષિ દ્વારા વશિષ્ઠ ઋષિના પુત્રોની હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાને લઈને વશિષ્ઠ ઋષિ ખુબજ શોકમગ્ન થઇ ગયા. તેઓએ પોતાના પ્રાણ ત્યાગી દેવાનું નક્કી કર્યું. પ્રાણત્યાગ કરવા માટે તેઓએ વીપાસા નદી એટલે કે હાલની બિયાસ નદીમાં જળસમાધી લીધી. પરંતુ વિપાસા નદી એ વશિષ્ઠ ઋષિના પ્રાણ લેવાની ના પાડી દીધી. ત્યારબાદ વશિષ્ઠ ઋષિએ ત્યાં ગામની સ્થાપના કરી અને ત્યાં રહીને તપસ્યા કરવા લાગ્યા અને એમના નામ ઉપરથી આ ગામનું નામ વશિષ્ઠ પડ્યું. ત્યારબાદ ભગવાન શ્રીરામ અને વશિષ્ઠ ઋષિને સમર્પિત મંદિર બનાવામાં આવ્યુ. મુખ્ય મંદિર અંદાજે ૪૦૦૦ વર્ષ પહેલા બાંધવામાં આવ્યું હતું.
વશિષ્ઠ ગામમાં આવેલ ગરમ પાણીના કુંડને લઈને અન્ય એક કથા પણ પ્રચલિત છે. ભગવાન શ્રીરામ લંકામાં રાવણ જોડે યુદ્ધ કરીને અયોધ્યા આગમન બાદ વિશાળ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરે છે. તે સમયે તેમના કુલગુરુ વશિષ્ઠ ઋષિ વિપાસા નદીના કિનારે તપસ્યામાં લીન હોય છે. વશિષ્ઠ ઋષિને શોધવાનું કાર્ય ભગવાને નાના ભાઈ લક્ષ્મણ ને સોપ્યું. લક્ષમણજી વશિષ્ઠ ઋષિને શોધતા શોધતા વિપાસા નદીના કિનારે આવી પહોંચે છે. જ્યાં તેઓ વશિષ્ઠ ઋષિને સાધના કરતા નિહાળે છે. એ સમયે શિયાળાની ઋતુ હોવાથી વશિષ્ઠ ઋષિના સ્નાન માટે લક્ષ્મણજી એ પોતાનું અગ્નિબાણ મારી ગરમપાણી ની ધારા પ્રગટ કરેછે. ઋષિ વશિષ્ઠ ચમત્કારી ઋષિ હોવાથી એમને ગરમપાણીની કોઈ જરૂરિયાત નહોતી, જેથી તેઓએ લક્ષ્મણજીને થાકેલા જોઈ એ ગરમ પાણીની ધારામાં સ્નાન કરવાની આજ્ઞા કરી અને વરદાન આપ્યું કે જે કોઈ યાત્રી અહી સ્નાન કરશે તેનો થાક દુર થશે અને એના ચર્મરોગ નષ્ટ થશે.
૪૦૦૦ વર્ષ પહેલા આ શૈલ શિખર મંદિરની સ્થાપના કરવામાં આવી છે. રાજા પરીક્ષિતના મૃત્યુ પ્રયાત એમના પુત્ર જન્મેજય દ્વારા પિતાના આત્માને મોક્ષ પ્રાપ્તિ માટે તીર્થસ્થાનની યાત્રા કરી અને આરાધ્યદેવ શ્રીરામનું મંદિર બનાવ્યું. સમયાન્તરે મૂર્તિ ઓની ચોરી થતી રહી. ઇસ. ૧૬૦૦માં રાજા જગતસિંહ દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવી.
અહીં મંદિરમાં દર્શન કર્યા બાદ અમારું આગળનું સ્થળ હતું પ્રકૃતિની કેડી. હા હવે અમે નાનકડું ટ્રેકિંગ કરીને જોગીની વોટરફોલ જવાના હતા. આ વોટર ફોલ જવા માટે વશિષ્ઠ મંદિરની પાછળના ભાગે ગામ માંથી એક રસ્તો જાય છે અને આગળ જઇ નાનકડી પગદંડીને જઈને મળી જાય છે. શરૂઆતી ટ્રેકમા અમે ગામ માંથી પસાર થયા. રસ્તો પથ્થર માંથી કેડી જેવો બનાવેલો હતો. આ રસ્તા પર પશુઓ નું ગોબર પડેલું જોવા મળતું હતું. શરૂઆતનો રસ્તો એને કારણે થોડો અસ્વચ્છ લાગતો હતો. ગામમાં વચ્ચે અવેળા જેવું એક સ્થળ દેખાયું જ્યાં થોડીક પહાડી બહેનો કપડાં ધોઈ રહી હતી. આવી ઠંડીમાં ઠંડા પાણીથી કપડાં ધોવા થોડું મુશ્કેલ કામ છે. ખરેખર તમે નજીકથી જુઓ તો દરેક પહાડીનું અને ખાસ કરી પહાડી સ્ત્રીઓનું જીવન સંઘર્ષમય હોય છે.
ગામની બહાર નીકળ્યા પછી હવે મકાન ઓછા દેખાઈ રહ્યા હતા. અમુક સ્થળે નવા મકાનનું બાંધકામ નજરે પડી રહ્યું હતું. અહીં અમુક સફરજનના બગીચા પણ નજરે પડી રહ્યા હતા. અને આજુ બાજુનો પરિવેશ હવે લીલોતરી થી સભર નજરે ચડી રહ્યો હતો. હજુ આગળ જતાં ગાઢ પ્રકૃતિનો સાથ સાંપડવાનો હતો. અને અમારા ટ્રેકમાં એક સાથીદાર પણ અમારી રાહ જોઈ રહ્યો હતો.
હવે પછીની જોગીની વોટરફોલની પગદંડીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:
©-ધવલ પટેલ
14-08-2023
વોટ્સએપ : 09727516505
પેકેજ કે યાત્રાને લગતા માર્ગદર્શન માટે વોટ્સએપ કરી શકો છો.
#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#ધવલપટેલ_હિંદુસ્તાની
#himachal
#tripwithdhaval
#manalitrip
#Kulluvalley
#vashisth
#manali