હિમાચલનો પ્રવાસ - 7 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

હિમાચલનો પ્રવાસ - 7

હિમાચલનો પ્રવાસ - 7 (પહાડોની રોમાંચક યાત્રા)
તારીખ : 10, ડિસેમ્બર 2022

અગાઉના એપિસોડમાં જોયું કે મંડી-મનાલી હાઇવે બ્લોક હોવાથી કંડી - કટોલા વાળા સિંગલ પટ્ટી અને દુર્ગમ રસ્તા પર સફરની શરૂઆત કરી. આ રસ્તાને મંડી બજોરા માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંડીથી ઉપરની તરફ આ રસ્તા ઉપર અમે ચડાણ શરૂ કર્યું. ધીમે ધીમે અમે એક ડુંગરની ફરતે ફરતે ઘુમરા લેતા લેતા ઉપર ચડી રહ્યા છીએ. શરૂઆતનો રસ્તો એક દમ નવો બન્યો હોય એવો દેખાઈ રહ્યો છે. ઉપરાંત આ રસ્તો થોડો પહોળો પણ છે જેથી સરળતા થી બે વાહન આમને સમને આવી શકે છે. જોઈએ તો શરૂઆત સારી રહી છે હવે અંત કેવો આવે છે એ જોવું રહ્યું. સામેની તરફ માટી અને વૃક્ષની હરિયાળીથી મિશ્રિત ડુંગરા દેખાઈ રહ્યા છે. ડુંગરની ટોચના ભાગે વીજળીના મોટો ટાવર દેખાઈ રહ્યો છે. ખરેખર જોઈએ તો આપડે બાંધકામ બાબતે ઘણી પ્રગતિ કરી છે કે આટલે ઊંચે પણ વીજળી લઈ આવ્યા છીએ.

થોડા આગળ વધ્યા કે લાંબો એવો ટ્રાફિક જામ જોવા મળ્યો. કારણકે હવે પછીનો રસ્તો થોડો સાંકડો છે. થોડો સમય રાહ જોવાને અંતે દેખાયું કે સામેથી હિમાચલ સ્ટેટ ટ્રાન્સફરની બસ આવી રહી હતી જેથી ટ્રાફિક થયો હતો. હવે બસ આગળ વધી ગઈ છે અને અમારી સફર ફરી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ટ્રાફિક લાગવાનું મોટું કારણ સ્વંય શિસ્તનો અભાવ અને ટ્રાફિકના નિયમો અવગણવાનો સ્વભાવ છે. અત્યારે જોયેલ તાજી ઘટનાની વાત જણાવું તો, અમારી આગળ એક રાજસ્થાન પાર્સિંગની અલટ્રોઝ ઉભી હતી. તેનો ચાલક ત્યાંથી આગળ થોડી જગ્યા થઈ કે તરત એ ખાલી જગ્યામાં જવા માટે જે તરફથી સામેનો ટ્રાફિક આવે એ બાજુથી આગળ વધવા ગયો. તો એની આગળ ઉભેલ લોકલ બોલેરો ડ્રાયવરે એને રોક્યો. વિચારો જો એ ખોટી દિશામાં ઘુસી જાય તો આ જામ વધુ લાંબો ખેંચાય. આવી ઉતાવળ ખાસ કરીને અન્ય રાજ્ય માંથી જાતે ગાડી ચલાવીને આવવા વાળા વધુ કરતા હોય છે. અને મુખ્યત્વે અકસ્માત પણ આ લોકોને લીધે થતા હોય છે. શક્ય હોય તો પહાડી વિસ્તારમાં જાવ ત્યારે નિયમોને સારી રીતે જાણી લ્યો અને જો તમને કાર ચલાવાનો વધુ અનુભવ ના હોય તો ડ્રાયવર કે ટેક્સી લઈ લેવી હિતાવહ છે.

હવે અમેં ચડાઈ પુરી કર્યા બાદ ઉતરાણ શરૂ કર્યું છે. રોડ સાંકડો અને ખરાબ છે. ઉપરાંત ઘણી જગ્યાએ ભુસ્ખલન થયેલ જોવા મળી રહ્યું છે. ત્યાં સાફ સફાઈ અને રીપેરીંગનું કાર્ય પ્રગતિમાં જણાઈ રહ્યું છે એના કારણે બધા વાહનો ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો આવી સુંદર પ્રકૃતિ વચ્ચે ધીમે ધીમે જઈએ તો એનો આસ્વાદ વધુ માણી શકાય. રસ્તાની જમણી તરફ હવે ચીડ અને દેવદારના વૃક્ષ નજરે આવી રહયા છે. જેથી પહાડો નયનરમ્ય અને સુંદર દેખાઇ રહ્યા છે. દેવદારના વૃક્ષની હાજરી જાણે કહી રહી છે કે યાત્રીઓ મનાલી હવે નજીકમાં જ છે. સાચી વાત છે મનાલીને યાદ કરીએ એટલે દેવદારના ઝાડનો સમૂહ કે જંગલો અવશ્ય આંખો સામે તરવરી ઉઠે.

ટ્રાફિક ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. હજુ એક પર્વત ચડીને એની પાછળ જવાનું છે. નીચેના ભાગે સુંદર નાનકડા ઝરણાં રુપે ઉહલ નદી વહેતી દેખાય છે. આ નદી બિયાસ નદી કે જે હિમાચલ પ્રદેશની પ્રમુખ નદી છે એમાં જઈને મંડી - પંડોહ પાસે જઈને ભળી જાય છે. નદીઓ પાસેથી આ સમર્પણ શીખવા જેવું છે પોતાનું સર્વે ત્યાગીને મુખ્ય નદીમાં અને છેલ્લે સમુદ્રમાં સમાઈ જાય છે. શિયાળાનો સમય હોવાથી પાણીનું વહેણ ઘણું ઓછું દેખાય છે. થોડા આગળ વધ્યા પછી રાહલા નામના ગામ પાસે ફરી નાનકડો એવો ટ્રાફિક જામ થઈ ગયો છે. પરંતુ આ ટ્રાફિક જામ ગમે એવો છે કારણકે અહીંની આજુબાજુની પ્રકૃતિ છોળે કળાએ ખીલેલી દેખાય છે. રોડની નીચે તરફ ઉહલ નદી વહી રહી છે. એમાં નાના પથ્થર હોવાથી એના પછડાટને લીધે કર્ણપ્રિય સંગીત સંભળાઈ રહ્યું છે. નદીના સામે કિનારે એક નાનકડું મેદાન છે જ્યાં દેવદારના ઝાડ દેખાય છે. ઝરણાંની આગળની બાજુ રોડ પર જતા એજ નાનકડું એવું પહાડી ઘર દેખાય છે. ઘર એક દમ નદીને કિનારે છે જેથી એના રહેવાસી ઓને અવિરત નદીનું ખળખળ વહેતુ સંગીત સાંભળવા મળતું હશે. એ ઘરની પાછળની ભાગે ઘાસના ઓઘલા (ઘાસ કે એના પૂળાને શંકુ આકારમાં ગોઠવવામાં આવે એનું ઓઘલુ કહેવાય) કરેલ છે. તેઓ આ ઘાસ પશુ માટે રાખ્યું હોય એવું લાગે છે. અહીં પહાડી લઢણથી બનાવેલા ઘર જોવા મળે છે. પહાડી ઘરના બાંધકામમાં અહીંના પથ્થરને યોગ્ય ઘાટ આપી એની દીવાલ બનાવવામાં આવે અને છત પણ પહાડના પાતળા પથ્થર માંથી બનાવવામાં આવે છે.

થોડા આગળ વધ્યા તો હવે ગામના નામનું બોર્ડ મારેલુ નજરે પડે છે. ગામનું નામ છે "રાહલા" અને જનસંખ્યા છે 248 વ્યક્તિ. અને હા જોજો હું વસ્તી ગણતરી કરવા નથી ગયો આતો ત્યાં બોર્ડમાં લખેલ હતું તો જણાવ્યું. ઉહલ નદીના બન્ને કિનારે વસેલ સુંદર ગામ છે. નાનકડી શાળા પણ દેખાય છે. હવે ટૂંક સમયમાં લગભગ 4-5 કિલોમીટર પછી આ રસ્તો પુરો થઈને બીજોરા નામના ગામ પાસે હાઇવે ને જઈને મળી જશે એટલે અમે મુખ્ય રસ્તા ઉપર આવી જઈશું.

લગભગ એકાદ કલાકની સફર કર્યા બાદ અમે કુલ્લુ પાસે બિયાસ નદીના કિનારે આવેલા એક "111 - કુલું મનાલી હાઇવે ઢાબા" પર અમે નાનકડો ટી બ્રેક લીધેલ. બપોરનું ભોજન પણ ટ્રાફિકને લીધે ટાળેલું તો એ બહાને ડ્રાયવરને પણ હળવા નાસ્તાની જરૂર હતી. ઢાબાનો બેઠક એરિયા નદીને એક દમ કિનારે જ છે. ત્યાં બેઠા બેઠા બિયાસ નદીનો વિશાળ પટ અને વહેતુ પાણી જોઈ શકાય છે. અત્યારે પાણી ઓછું હોવાથી વહેતા પાણીની ઊંડાઈ વધારે નથી. ઉપરાંત એક જગ્યાએ જમીનનો ભાગ વધુ ઉપસી આવ્યો છે તો ત્યાંથી નદીના વહેંનના બે ભાગ પડી ગયેલા દેખાય છે. એ જમીનનો ટુકડો નદીમાં કોઈ નાનકડો ટાપુ હોય એવો દિશે છે. એના પર નાનું ઘાસ અને નાનકડા એક બે ઝાડ પણ ઉભા છે. સામેની તરફ ઊંચા પર્વતો નજરે પડે છે. બન્ને કાળા પહાડ ઉપર આકાશમાં એક લાબું કાળું વાદળું છે જે આભના માર્ગે બેય પહાડને જોડીને રસ્તો બનાવતું હોય એવું લાગે છે. આથમતા સુરજનું આછું અજવાળું ગગનમાં પથરાઈ રહ્યું છે. સામેની કુલું ઘાટી અને એમાં ઘણા બધા મકાનો દેખાઈ રહ્યા છે.

અહીં ઢાબા પર ખાસી એવી ચહલ-પહલ વર્તાઈ રહી છે. રોમેન્ટિક ગીતો વાગી રહ્યા છે. ઘણા ખરા ગુજરાતી સહેલાણીઓ નજરે પડી રહ્યા છે. આપડે ગુજરાતી ઓ ફરવામાં ખરેખર અવ્વલ આવીએ. તમે કોઈ પણ સ્થળ પર ફરવા જાવ એટલે તમને ગુજરાતી તો જરૂર જોવા મળે. હળવી ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. અમે પણ અહીં ગરમા ગરમ ચાની ચૂસકીઓ માણી. પહાડ ઠંડી અને ચા તો અનોખો સંગમ છે.

"पहाड़ों में वक्त बिताने के लिए क्या चाहिए।
एक मैं, एक रेडियो और एक कप चाय..."
-अज्ञात

રેડિયોની ખોટ અહીંના રોમેન્ટિક ગીતો પુરી કરી રહ્યા છે.

હવે ધીમે ધીમે અંધારું વ્યાપી રહ્યું છે ઠેર ઠેર લાઈટોના અજવાળા પથરાઈ રહ્યા છે અમારે પણ હજુ મનાલી પહોંચવાનું છે જેથી અમે પણ મનાલી તરફ અમારી સફરની શરૂઆત કરી.

હવે પછીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:

©-ધવલ પટેલ
13-05-2023
વોટ્સએપ : 09727516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#ધવલપટેલ_હિંદુસ્તાની
#himachalpradesh
#tripwithdhaval
#manalitrip
#kulluvalley