Himachal No Pravas - 4 books and stories free download online pdf in Gujarati

હિમાચલનો પ્રવાસ - 4

હિમાચલનો પ્રવાસ - 4 (પ્રયાણ - સફર છુક છુક ગાડીની)

તારીખ : 09.12.2022

ગાતંકમાં જોયું કે સવારે વહેલા આવી સાબરમતી BG સ્ટેશનમાં મિત્ર નિર્મલ સાથે જૂની યાદોને વાગોળી.

જુના એપિસોડ માટે #હિમાચલનોપ્રવાસ લખીને શોધવું.

મિત્ર આંનદ 9:00 વાગ્યા આસપાસ પહોંચી ગયો. ત્યારબાદ અમે વેઇટિંગ રૂમની સામે આવેલ પગથિયાં ચડીને પુલ થી પ્લેટફોર્મ - 2 તરફ પ્રયાણ કર્યું. કારણકે અમારી સફરની સાથી ટ્રેન : 19411 - દોલતપુર ચોક એક્સપ્રેસ ત્યાં અમારી રાહ જોઈ રહી હતી. જેવા પ્રતિક્ષાખંડની બહાર નીકળ્યા કે મિત્ર નિર્મલની ટ્રોલી બેગનું ટાયર નીકળી ગયું. સફરની શરૂઆતમાં જ નાનકડું વિઘ્ન આવી ગયું, હવે બાબાજીને (નિર્મલનું હુલામડું નામ બાબાજી છે, નિર્મલ બાબા) આ બેગ આખીય સફરમાં સારી એવી પજવણી કરવાની હતી. નિર્મલના બીજા નાના બેઉ બેગ મેં અને આનંદે ઉપાડી લીધા અને નિર્મલ ઢસરવાની બેગ ઊંચકી ને પાછળ ધીમે ધીમે આવી રહ્યો હતો. નસીબની કઠણાંઇ કહો કે જે કહો અમારો કોચ પણ ઘણો આગળ હતો. પરંતુ હેમેખેમે બધો રસાલો લઈને કોચ જોડે પહોંચ્યા ખરા. અહીં પણ કોચના દરવાજાની બહાર બેગનો ઢગલો પડેલ હતો. અહીં પણ માહોલ ધડબળાટનો હતો. કોઈ ટ્રેનમાં સામાન ચડાવી રહ્યા હતા, તો કોઈ હાંફડા ફાફડા થઈ પોતાનો કોચ શોધી રહ્યા હતા. સૌથી વધુ શ્રમ અને દોડા દોડી જનરલ ડબા વાળા ને હતી. કારણકે એકાદ બે કોચ છેક એન્જીનની પાછળ હોય છે. એને તો ટ્રેનની મુસાફરી કરતા પહેલા આખી ટ્રેનને ઓળંગવાની પણ સફર કરવી પડે એમ હતી. જેનું બધું ગોઠવાઈ ગયું હતું એ વાતો કરી રહ્યા હતા. અને અમુક અમારા જેવા ફક્કડ રખડુ પણ વાતો કરી રહ્યા હતા અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. સામાન ઓછો હતો એટલે ચડવાની કોઈ ઉપાઘી નહોતી. બસ બાબાજીનો મરૂન કલરનો બેગ ચડી જાય એટલે ગંગા ન્હાયા..

ટૂંકમાં ટ્રેન ચાલતી થશે અને ગતિ નહિ પકડે ત્યાં સુધી આ માહોલ રહેવાનો હતો. આ માહોલ ને માણવાની અને એમાં ભળી જવાની પણ એક મજા છે. આ બધું જોઈને અને અનુભવીને તો જ લાગે કે રેલવે સ્ટેશન પર છીએ. પણ આ બધી ભાગ દોડમાં નાના બાળકો અને વૃદ્ધ કોઈ વાર હેરાન થઈ જતા હોય છે. જેથી શક્ય હોય ત્યાં સુધી ટ્રેન ઉપડવાના સમયથી વહેલા આવી જવું હિતાવહ છે.
અમારા ડબા આગળ પણ બેગોનો ખડકલો હતો અને ટ્રેનને ઉપડવાની હજુ વાર હતી તેથી અમે સામાન સાઈડમાં મૂકીને ફોટો પાડવાની કસરત શરૂ કરી. પાછું સોશિયલ મીડિયામાં લખવું પડેને કે ફલાણા ઢીકના કોલિંગ....પણ હા હોં મેં ટીકીટનો ફોટો નતો મુક્યો. વિમાનનો બોર્ડિંગ પાસ હોય તો વળી મૂકી પણ દેવાય. પણ આપડને એવી મોંઘી અને ટૂંકી યાત્રા પરવડે નહિ. બાકી મિત્રોનો સાથ હોય અને સફરનો આનંદ માણતા આવડે તો ગમે એવી લાંબી સફર ટૂંકી જ લાગે, અને અમારી સફરમાં તો ખુદ (મિત્ર) આંનદ સાથે હતો પછી કાંઈ ઘટે ? અમારી ત્રિપુટી જોઈને મને કાકા સાહેબનો "હિમાલયનો પ્રવાસ" યાદ આવી ગયો. તેઓ પણ ત્રિપુટીમાં હતા. એમાંય સ્વામી આંનદ હતા અને બુઆ હતા, અહીં બુઆ નહિ પણ બાબા છે બીજું શું. આમ કાકા સાહેબ કે સ્વામી આંનદ જોડે તો આપણી કોઈ સરખામણી થાય ના કરી શકાય. આપડે તો એમના વ્યક્તિત્વ અને એમની યાત્રા સામે વામણા પુરવાર થઈએ પણ આવા પ્રસંગે એમને યાદ કરવા એ પણ એમને ગરમ સાલ ઓઢાડીને કરેલા સન્માન જેટલાજ ગર્વની અનુભૂતિ કરાવે છે. સાચું કહું તો ક્યાં રખડવું અને કેવી રીતે રખડવું એનું માર્ગદર્શન તો સૌ આપશે પરંતુ રખડવાનો આંનદ કેવી રીતે લેવો, પ્રકૃતિમય કેવી રીતે થઈ જવું, વાદળાં અને વહેતા ઝરણાં સાથે વાત કરતા શીખવી હોય તો એ કાકા સાહેબ જ શીખવી શકે. દરેક યાત્રા પ્રેમીએ એમના પુસ્તક વાંચવા રહ્યા.

હવે ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો હોવાથી અમે પણ અમારા બોરીયા-બિસ્તરા લઈને અમારી શીટ પર ગોઠવાઈ ગયા. ત્યાં પણ હરોળમાં બેસીને એક સેલ્ફી તો લઇજ લીધી. ટ્રેનના ડબામાં બેઠા પછી અંદરની બાજુ બહાર જેવોજ માહોલ હોય છે. કોઈ ખોટા ડબામાં આવી ચડ્યા હોય તો કોઈ અપર-લોઅરમાં ગૂંચવાયા હોય. અમુક વાર એકજ શીટ પર બે વ્યક્તિ દાવો કરતા હોય. મોટું ટોળું હોય તો શીટની વહેચણી ચાલતી હોય. ટૂંકમાં ઉતાવળમાં આવું બધું થતું હોય.

મારી જોડે પણ એક વાર એવું થયેલું. ગયા વર્ષની વાત છે. હું વેરાવળ થી રાત્રીની ટ્રેનમાં વતનમાં જઇ રહ્યો હતો. હું ટિકિટ બુક કરું ત્યારે હું હમેશા રેલવેના "ઓટો અપગ્રેડ" ના વિકલ્પમાં ટિક માર્ક જરૂર કરી દવ. આ બુકીંગમાં પણ એમજ કરેલ. હવે તમને ઓટોમાં અપગ્રેડ મળ્યું હોય તો એનો મેસેજ ટ્રેન ઉપડવાના કલાક થી અડધો કલાકના સમયમાં આવે. મારે 21:45 ની આ ટ્રેન પકડવા માટે ઘરેથી 20:15 ના નીકળવું પડે, ટૂંકમાં સફર પહેલાના કલાક થી દોઢ કલાક ભાગમભાગ ના હોય. એ દિવસે પણ એવુંજ થયું, હું મારી ટિકિટ મુજબ શીટ ઉપર જઈને બેઠો. ત્યાં બીજા ભાઈ આવ્યા એમને કહ્યું કે આ શીટ તો મારી છે, તો તમારો શીટ નમ્બર કયો ? રેલવે એ બે યાત્રી ને એક શીટ તો આપી ના હોય સિવાય કે RAC હોય. પછી અચાનક ઓટો અપગ્રેડ વાળું યાદ આયુ તો, મેસેજ ચેક કર્યો તો મને 3AC ને બદલે 2AC માં શીટ મળી હતી. આ મારું 10 વર્ષમાં રેલવે તરફ થી આપવામાં આવેલ પહેલું અપગ્રેડ હતું અને એ પણ આવી રીતે યાદગાર બની ગયું.

ઘડિયાળના કાંટા 09:45 સમય બતાવી રહ્યા હતા. કાન ક્યારનાય ટ્રેન ઉપડવાના હોર્ન સાંભળવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સમય થયો હોવા છતાં કેમ હોર્ન નથી વાગતો ? ટ્રેન અહીંથી જ મોડી હાલશે કે શું, આવતી કાલે ચંદીગઢ પહોંચવામાં મોડું તો નહીં થાયને ? અંદરથી માનવ સ્વભાવ સહજ ઉચાટ થતો હતો. વધુ પાંચ મિનિટ ગઈ પણ હજુ નથી ઉપડી, ચિંતા વધી અને કારણ જાણવાની ઉત્સુકતા પણ વધી. છેલ્લે હોર્ન વાગ્યો ખરો, અને ધીમે ધીમે દોલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતી ને અલવિદા કહી પહાડોની સફરે ઉપડી. સમય થઈ ગયો 10:05 એટલે અમે સફરની શરૂઆત જ 20 મિનિટ મોડા કરી હતી. પણ યાત્રા-પ્રવાસ માં બધું સ્વીકાર્ય છે. ઘરની બહાર નીકળ્યા પછી ચલાવી લેવાનું, અને ના ચલાવી શકો તો પણ તમારું થોડું ચાલવાનું છે ભારતીય રેલવે જોડે.

ટ્રેનમાં અમે અમારી જગ્યા શોધીને ગોઠવાઇ ગયા. અમને સીટ એવી રીતે મળી હતી કે ત્રણેય એકજ સાથે બેસી શકાય. ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને જો બારી માંથી નજારો જોવા ના મળે તો યાત્રા સાર્થક ના થઇ કહેવાય. જેથી હું બારીની બાજુમાં જ ગોઠવાયો. ધીરે ધીરે અમદાવાદ પાછળ સરકી રહ્યું હતું અને અમારી ટ્રેન અમદાવાદ થી આગળ સરકી રહી હતી. અમારી સામેની બર્થમાં કોઈ રાજસ્થાનનું કુટુંબ હતું. માં, દીકરો અને પૌત્ર હતા. તેઓ કોઇમ્બતુર થી અમદવાદ ટ્રેનમાં આવેલ અને અમદવાદ થી રાજસ્થાન જવા માટે અમારી સાથે મુસાફરી કરી રહ્યા હતા. એમની સાથે ઘણી ચર્ચા થઇ તેઓ ત્યાં ફર્નિચરનું કામ કરે છે અને ત્યાજ સેટલ થઇ ગયા છે. સમય વિતાવવા માટે અમે મોબાઈલમાં “લૂડો” ની ગેમ શરુ કરી. ગેમ રમતા રમતા હું બારીની બહાર પણ જોતો રહું છું. રેલ્વે દ્વારા ઘણી જગ્યા પર ઓવરબ્રિજ અને ઈલેક્ટ્રીફીકેશન માટેનું બાંધકામનું કાર્ય પ્રગતિમાં દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી જોવું છું કે ભારતીય રેલ્વે એ પ્રગતીમાં હરણફાળ ભળી રહ્યું છે. રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ, નવી ફાળવવામાં આવતી ટ્રેનો અને ટ્રેનમાં અદ્યતન સુવીધામાં સતત થતો સુધારો આની સાક્ષી આપે છે. કોઇપણ સમસ્યા હોય તો એનું નિવારણ ફેસબુક કે ટ્વીટર જેવા સોશિયલ મીડિયા માધ્યમથી થઇ જાય છે. અમારા ટ્રેન કમપાર્ટમેન્ટમાં એક પંખાની સ્વીચ કામ કરતી નહતી જેથી મેં ટ્વીટર માં ફરિયાદ કરી અને એની ૧૫ મીનીટમાં ત્યાનો સ્ટાફ હાજર થઇ ગયો અને ફરિયાદનું નિવારણ કરી આપ્યું.

વાતો વાતોમાં મહેસાણા, ઊંઝા અને સીધપુર સ્ટેશન તો જતા રહ્યા. સિદ્ધપુર પહોચતા સુધીમાં ટ્રેન પોતાનો નિર્ધારિત સમય પકડી લીધો હતો. પાલનપુર સ્ટેશન ગયા બાદ આબુ રોડ સ્ટેશન આવવાની તૈયારી હતી. જેની ચાડી આજુબાજુની ભૌગોલિક પરીસ્થિતિ ખાઈ રહી હતી. દુરથી રળીયામણા ડુંગરા નજરે પડી રહ્યા હતા. જેમ જેમ આબુ રોડ નજીક આવતું ગયું એમ અરવલ્લીની પર્વતમાળા વધુ ગાઢ થતી ગઈ. ટ્રેનની બંને બાજુ ડુંગરોની હારમાળા દેખાઈ રહી હતી. આતો કદાચ ટ્રેલર હતું, હજુ તો અમારે હિમાલયમાં પહોચવાનું હતું. પછી જ્યાં જુઓ ત્યાં બસ પર્વતોનું સામ્રાજ્ય સાંપડવાનું હતું.

આબુ રોડની રબડી વખણાય છે તો જેવી ટ્રેન પ્લેટફોર્મ પર પહોચી અમે રબડી અને બપોરના ભોજન માટે દહીં લઈ આવ્યા. રબડી પીધેલ હોવાથી ભૂખ હવે મોડા લાગવાની હતી. ટ્રેનમાં બેઠા બેઠા અમે રાજસ્થાનનું દર્શન કરી રહ્યા હતા. અને વચ્ચે લુડૉની રમત પણ રમાઈ જતી હતી. આબુ રોડ ગયા એને કદાચ એકાદ કલાક થયો હશે પછી અમે બપોરનું ભોજન લીધું. ભોજનમાં ઘરેથી લાવેલ શુદ્ધ ગુજરાતી ભોજન હતું. થેપલા, બટેટાની ભાજી, ખમણ અને આબુ રોડથી લીધેલ દહીં પણ ખરું. જમ્યા બાદ ટ્રેનના આજુ બાજુના કોચમાં ચક્કર લગાવી આવ્યા અને તપાસ કરી આવ્યા કે કોણ કોણ અમારી સાથે મુસાફરી કરી રહ્યા છે. તમે જ્યાર્રે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો અમુક આવા લોકો જોવા મદશે કે જેઓ જંપીને બેસવા કરતા, આમથી આમ આંટા મારતા રહેતા હોય. ત્યારબાદ કોચની બહાર દરવાજાની બાજુમાં ઉભા ઉભા ક્યાય સુધી રાજસ્થાનની ખુલી હવા માણી અને રાજસ્થાનનું દર્શન કર્યું. જ્યાં જુઓ ત્યાં સુધી મુખ્યત્વે પડતર જમીનમાં ગાંડા બાવળના ઝાડના નાના જંગલ જોવા મળ્યા. ઉપરાંત ખેતર વિસ્તારમાં રાઇ-રાયડાનું વાવેતર થયેલ હતું જેની ઉપર ફૂલ આવી ગયા હોવાથી દુર દુર સુધી પીળા રંગની ચાદર પાથરી હોય એવો નજારો દેખાઈ રહ્યો હતો. ઉપરાંત નાનું ગામ કે શહેર આવે તો જૈન દેરસર અચૂક દેખાતા જોઇને એવું અનુમાન લગાવી શકાય કે અહી જૈન સમુદાયની વસ્તી વધારે હશે.

લગભગ ટ્રેન બપોરના 15:40 વાગ્યા આજુબાજુ મારવાર જંકશન પહોચી. મારવાર મોટું સ્ટેશન ઉપરાંત જંકશન પણ છે. આ સ્ટેશન અમદાવાદ - દિલ્હી મુખ્ય લાઇન ઉપર આવેલ છે. અહીંથી મુનાબાઓ તરફ એક રેલવે લાઇન જાય છે, આ ગામ બાડમેર જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ છે. અહી ૫ મીનીટ સુધી ટ્રેન ઉભી રહેવાની હતી. જેથી ટ્રેનમાંથી ઉતરીને ત્યાં રાખેલ બાકડા ઉપર જઈને બેઠો અને મારવાર સ્ટેશનનું અવલોકલ કર્યું. સામેના પ્લેટફોર્મ ઉપર “રાનીખેત એક્સપ્રેસ” પડી હતી જે ઉત્તરાખંડના કાઠગોદામથી છેક રાજસ્થાનના છેડે જેસલમેર સુધી પોતાની સફર ખેડે છે. એક છેડે ઉત્તરાખંડના હિમાલયના લીલાછમ પહાડો છે તો બીજા છેડે રાજસ્થાનનું મરું સ્થળ જેવું થારનું રણ આવેલું છે. આ બંને વચ્ચે સાંકળ એવી આ “રાનીખેત એક્સપ્રેસ”. આ ટ્રેનને જોઇને મને ૨૦૧૮ ની “નૈનીતાલ, કૌસાની અને મુન્સીયારીના પ્રવાસ”ની યાદ આવી ગઈ. અચાનક ટ્રેનનું હોર્ન વાગતા તંદ્રા અવસ્થામાં થી બહાર નીકળ્યો. ઉત્તરાખંડની વિચાર યાત્રા માંથી હિમાચલની યાત્રામાં પોરવાઈ ગયો.

રાત્રીના ૯:૩૦ થવા આવ્યા છે. હમણાજ રાત્રીનું ભોજન પુરુ કર્યું છે. ભોજનમાં બપોરના મેનુનું પુનરાવર્તન કરવામાં આવેલ અને સાથે જયપુર રેલ્વે સ્ટેશનથી લીધેલ મસાલા છાસ પીધી. જમ્યા પછી છાસ ના પીવે તો ગુજરાતી ના કહેવાય. રાજસ્થાનનું પાટનગર અને “ગુલાબી સીટી” એવું જયપુર હમણાજ ગયું છે. રાત્રીનો સમય હોવાથી ગુલાબીસીટી નું દર્શન જોવે એવું થયું નહીં. હવે દૌસા સ્ટેશન આવવાની તૈયારી છે. હજુ નિંદર આવતી નથી જેથી થોડો સમય લુડોની રમત રમીશું અને પછી આવતી કાલના પ્રવાસની કલ્પનાઓ કરતા કરતા સુઈ જઈશ.

હવે પછીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:

©-ધવલ પટેલ

વોટ્સએપ : 09727516505

યાત્રા પ્રવાસને લગતી માહિતી, માર્ગદર્શન અને બુકીંગ માટે ઉપરના નંબર પર સંપર્ક કરી શકો છો.

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#himachal
#tripwithdhaval
#sabaramtijunction
#trainjourneyvlog
#trainjourney
#manalitrip

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED