હિમાચલનો પ્રવાસ - 11 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

હિમાચલનો પ્રવાસ - 11

હિમાચલનો પ્રવાસ - 11 (જોગીની વોટરફોલની પગદંડીએ)

તારીખ : 11, ડિસેમ્બર 2022

અગાઉના ખંડમાં અમે વશિષ્ઠ ગામની બહાર નીકળીને જોગીની વોટર ફોલની પગદંડી એ પગલાં માંડ્યા.

જેમ જેમ ગામની બહાર નીકળ્યા તેમ આજુ બાજુનો પરિવેશ બદલાતો નજરે ચડી રહ્યો હતો. ગામની નાની ગલીઓને બદલે હવે હવે આજુ બાજુ વનરાજી નજરે પડી રહી છે. એકાદ મીટર પહોડી કાચી પાકી પગદંડી અમારી નજરે પડી રહી છે. ગામની બહાર નીકળતા જ અમારી ત્રિપુટીમાં એક સાથીદારનો ઉમેરો થયેલ છે. એક સુંદર મજાનો પહાડી કૂતરો અમારી આગળ આગળ ચાલી રહ્યો છે અને જાણે અમને કહી રહ્યો છે કે ભેરુ, જરાય મૂંઝાતા નહિ હું તમને રસ્તો દેખાડી દઇશ. તમે બસ મારી પાછળ પાછળ ચાલ્યા આવો. અમે આ સાથીદારનું નામ "ટોમી" પાડ્યું છે. બાબાજીને શ્વાન મિત્રથી 36નો આંકડો છે એટલે તે થોડું અંતર જાળવીને ચાલી રહ્યા છે. સૌથી આગળ ટોમીભાઈ ચાલી રહ્યા છે. કોઈ વાર દોડી રહ્યા છે તો કોઈ વાર ધીમે ધીમે પોતાની આગવી છટામાં ચાલે છે, જાણે કે રેમ્પવોક કરવા ના નીકળ્યા હોય. ટોમીની પાછળ હું ચાલી રહ્યો છું. કોઈ વાર ટોમી આગળ નીકળી જાય છે તો બુમ પાડીને થોભવાનું કઈ દવ છે અને કોઈ વાર આમતેમ ફાંફા મારતો પાછળ રહી જાય તો કહેવું પડે કે ટોમીભાઈ ચાલો આગળ વધો, અને બેય વખતે આજ્ઞાકારી બાળકની જેમ ચાલવા લાગે છે.

શરૂઆતનો રસ્તો વનરજીથી ભરપૂર હતો. આજુબાજુ અને ઉપર પણ ઝાડની ડાળીઓ ગોઠવાઈને તોરણ બનાવીને પ્રકૃતિ આ પગદંડી પર પોતાની રખડપટ્ટી શરૂઆત કરનારાઓ નું સ્વાગત કરી રહી હોય એવું લાગી રહ્યું છે. હવે જેવી રીતે આભમાં ઉઘાડ નીકળે એવી રીતે રસ્તામાં પણ ઉઘાડ નજરે પડ્યો છે. સામે ઊંચા પહાડ અને દેવદારના વૃક્ષો નજરે પડી રહ્યા છે. અમુક જગ્યાએ પથ્થરને કારણે રસ્તો થોડો ઉબડ-ખાબડ અને સાંકડો આવી રહ્યો છે.

રસ્તાની ડાબી બાજુ તરફ નીચેના ભાગે એક સફરજનનો બગીચો નજરે પડી રહ્યો છે. સફરજનના નાના અને પાતળી ડાળીઓ વાળા ઝાડનો સમૂહ દેખાઈ રહ્યો છે. ત્યાં એક ઝાડ પર એક માનવીનો ઓળો દેખાયો, નજીક જઇને જોયું તો જગતના તાત એવા ત્યાંના ખેડુ ઝાડ પર ચડીને એનું સમારકામ અને સફાઈ કરી રહ્યા છે. નજરે જોતા આ દ્રશ્ય જેટલું રળિયામણું લાગે એટલું મુશ્કેલી ભર્યું પણ છે. નીચેની તરફ ઢોળાવ છે, નાનકડું અને પાતળી ડાળીઓ વાળા સફરજનના ઝાડ પર ઊભા રહી સમતોલન જાળવીને કામ કરવું સહેલું નથી. મારા જેવો 90 કિલો વજન વાળો અહી ચડવા જાય તો ઝાડ સાથે ગબડતો ગબડતો જાય નીચેના ઢોળાવ વાળી ખીણમાં. અમે ખેડુતભાઈ સાથે થોડી વાતચીત કરી. એમનું નામ જગદીશભાઈ છે. મે પૂછ્યું કે આ અમુક ડાળીઓ કાઢવાનું શું કારણ ? એના પ્રત્યુતરમાં તેઓએ જણાવ્યુ કે આમાં જે સુકાયેલી અને જરૂર વગરની ડાળીઓ કાઢી લેવાથી મોસમમાં સારા એવા ફળ આવે જેથી આગામી સીઝન સારી રહે. તેઓએ અમુક વાક્ય ગુજરાતીમાં બોલ્યા એ જાણીને આનંદ થયો.

સફરજનના ખેતરની પાછળનો અને નીચેનો નજારો ખુબજ સુંદર જણાઈ રહ્યો છે. નીચેની તરફ બિયાસ નદીનો પટ અને એની આજુબાજુ હોટેલ અને મકાનો દેખાઈ રહ્યા છે. એની ઉપરની તરફ પર્વત અને એની પાછળ બર્ફીલા પહાડો નજરે પડી રહ્યા છે. અહી થી આગળ વધતા રસ્તામાં એક નાનકડું એવું ઝરણું આવ્યું. ઝરણાં પાસે રસ્તો થોડો નીચે તરફ જાય છે અને પથ્થર અને પાણીને કારણે થોડું ધ્યાન રાખીને ઉતરવું પડે નહિતર લપસી જવાય.

નાનકડું ઝરણું જેમાં નિર્મળ જળ ખળખળ વહી રહ્યું છે. એનો કર્ણપ્રિય નાદ સંભળાઈ રહ્યો છે. આજુબાજુની પ્રકૃતિ એ જાણે ઝરણાં જોડે તાદાત્મ્ય સાધી લીધું હોય એમ સર્વે શાંત નજરે પડે છે ફક્ત ઝરણાંના વહેતા પાણીની જ અનુભૂતિ થાય છે. અમારા ટોમીભાઈ એ પણ અહીં ઝરણાનું શીતળ જળનું પાન કર્યું અને થોડો આરામ કર્યો. હવે અમે આગળ પ્રયાણ કર્યું.

આ ટ્રેક જોવા જઈએ તો હળવાથી મધ્યમ પ્રકારમાં ગણાવી શકાય. ઝરણાં પછી રસ્તો થોડો પથ્થરો અને ખાડા ટેકરા વાળો છે. નાની મોટી ચડાઈ ઉતરાઈ આવતી રહે છે. રસ્તો સાંકડો છે, ડાબા હાથ બાજુ ખીણનો ઢોળાવ છે અને જમણી તરફ ઉપરની બાજુ પહાડ આવેલ છે જ્યાં ઉપર વનરાજી આવેલી છે અને આ પગદંડી માંથી બીજી ઘણી પગદંડી ઉપરની તરફ પણ જાય છે. રસ્તામાં એક બે જગ્યાએ નાની ચા અને મેગી પોઇન્ટની દુકાનો પણ આવે છે. એક દુકાને થોડા આરામ માટે ઊભા રહ્યા ત્યાં ટોમીને થોડા બિસ્કીટ ખવરાવ્યા.

રસ્તામાં આગળ જતા એક વિશાળ દેવદારના વૃક્ષના સમૂહ નજરે પડ્યો, જાણે નાનકડું વન જ જોઇલ્યો. ચારેતરફ દેવદારના ઊંચા ઝાડ દ્રશ્યમાન થઈ રહ્યા હતા. વૃક્ષોની ગીચતા ને કારણે નીચે સૂર્યપ્રકાશની સાવ પાંખી હાજરી વરતાઈ રહી હતી. હવે લાગી રહ્યું કે અને વોટર ફોલની નજીક પહોંચવા આવ્યા છીએ. લખાણ લંબાઈ ગયું છે તો જોગીની ફોલ અને અન્ય ટ્રેકિંગની વાતો આવતા ખંડમાં...

જોગિની વોટરફોલની સુંદર સફર આગળના ખંડમાં...
ક્રમશ:

©-ધવલ પટેલ
તારીખ : 11-09-2023

સફરના નાનકડા વીડિયોની લિંક કોમેન્ટમાં મુકેલ છે.

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#મનાલી
#જોગીની_ફોલ
#ધવલપટેલ_હિંદુસ્તાની
#himachal
#tripwithdhaval
#manalitrip
#Kulluvalley
#joginifalls