બે ઘૂંટ પ્રેમના - 25 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 25



પંદર દિવસ સુધી સખત મહેનત અને પ્રેક્ટીસ કર્યા બાદ આખરે એ સમય આવી જ ગયો જ્યાં સ્ટેજ પર રિયા અને કરન ડાન્સ પરફોર્મન્સ કરવાના હતા.

" કરન આર યુ ઓકે? આના પર્ફોમન્સ બાદ આપણે જ પર્ફોર્મન્સ કરવાનું છે..."

કરનનું આખુ શરીર ધ્રુજી રહ્યું હતું છતાં પણ હિંમત દાખવતા તેણે કહ્યું. " હા હા હું રેડી છું.. ટેન્શન લેવા જેવી કોઈ વાત નથી..."

" તો તારું આ શરીર કેમ ધ્રૂજે છે હે? કરન તું બસ એટલું યાદ રાખ કે હું હંમેશા તારી સાથે જ છું... ઓડિયન્સ શું વિચારશે?એ વિશે જરા પણ વિચાર કર્યા વિના બસ તું મારી સાથે એક થઈને ડાન્સ કરજે....ઓકે?" રિયા એ કરનને મજબૂતાઈથી હાથ પકડતા કહ્યું.

ત્યાં જ એંકરે રિયા અને કરનને સ્ટેજ પર પર્ફોર્મન્સ કરવા માટે આગ્રહ કર્યો. સ્ટેજ પર પ્રથમ વખત પગ મૂકતા જ કરનનું દિમાગ કામ કરતું જ બંધ થઈ ગયું અને એ પોતાની જગ્યાએ જ સ્થિર ઊભો રહી ગયો. કરનના આ વર્તાવ સામે ઓડિયન્સમાં ચર્ચાઓ થવા લાગી. ત્યાં જ રિયા એમની નજદીક થઈ અને કરનને હોશમાં લાવતા બોલી. " કરન યુ કેન ડુ ઇટ..."

સોંગ શરૂ થતાં જ કરને ઊંડો શ્વાસ લીધો અને આત્મવિશ્વાસ સાથે પર્ફોર્મન્સ શરૂ કર્યું. ઓડિયન્સને ઈગનોર કરતો કરન રિયા સાથે એકમેક થઈને ડાન્સ કરવા લાગ્યો. જ્યાં પ્રેક્ટિસ દરમિયાન કરને ચહેરા પર એક એક્સપ્રેસન પણ નહોતા આપ્યા ત્યાં કરન અહીંયા સ્ટેજ પર રિયા સાથે જરૂરી એક્સપ્રેશન પણ આપવા લાગ્યો. રિયા પણ ચાલુ ડાન્સમાં ચોંકી ઉઠી. ઓડિયન્સ મનમૂકીને આ ડાન્સ પર્ફોર્મન્સનો આનંદ માણવા લાગી. થોડી વારમાં ડાન્સ પૂર્ણ થયો અને આખો ઓડિટોરિયમ તાળીઓના નાદ સાથે ગુંજી ઉઠ્યો.


પર્ફોર્મન્સ પૂર્ણ કરીને બન્ને બેક સ્ટેજ પર ગયા અને રીયા તુરંત કરનને ભેટીને આભાર વ્યકત કરવા લાગી. " વાહ કરન તું તો છુપા રુસ્તમ નીકળ્યો !..."

" ડાન્સ નથી આવડતો કરીને આખા ઓડિટોરિયમને ગુંજાવી નાખ્યો તે હે!" સંજય પણ કરનની તારીફ કરવા લાગ્યો. બધા ખૂબ ખુશ હતા પણ અચાનક એક સમાચારે બધાને ચોંકાવી દીધા. રિયા અને કરનના પર્ફોમન્સ બાદ હવે હેપી અને શ્રુતિનો વારો હતો. પણ હેપી અને શ્રુતિ બન્ને એકસાથે ગાયબ જ થઈ ગયા હતા. જેથી એંકરે વધુ સમય ન બગાડતા હેપી અને શ્રુતિનો ડાન્સ પરફોર્મન્સ કેન્સલ કરીને આગળનો કાર્યક્રમ યથાવત રાખ્યો.

" આ શ્રુતિ અચાનક ક્યાં જતી રહી?" રિયા એ સવાલ કર્યો.

" શ્રુતિ તારી સાથે નહોતી આવી?" સંજયે પૂછ્યું.

" ના એ કહેતી હતી કે હું હેપી સાથે આવી જઈશ પણ ન હેપી ક્યાંય દેખાયો કે ન શ્રુતિના કોઈ સમાચાર છે....ક્યાં રહી ગયા હશે એ?" રિયાને હવે ચિંતા થવા લાગી હતી.

ત્યાં જ શ્રુતિનો રિયા પર ફોન આવ્યો. " શ્રુતિનો ફોન!"
રિયા એ તુરંત ફોન ઉપાડ્યો અને કહ્યું. " શ્રુતિ ક્યાં છે તું?? અમે તમને ક્યારના અહીંયા શોધીએ છીએ... તું ઠીક તો છે ને!"

સામેથી શ્રુતિ સીધી રડવા જ લાગી.

" શ્રુતિ શું થયું? તું રડે છે! તું અત્યારે છે ક્યાં બોલ..."

શ્રુતિ એ રડતા રડતા જ એક ગાર્ડનનું એડ્રેસ આપ્યું અને રિયા , સંજય અને કરન એ ગાર્ડન તરફ જવા નીકળી ગયા.

ગાર્ડનમાં પહોંચીને જોયું તો રિયા શરીર પર દુપ્પટો ઓઢીને એક ખૂણામાં પડેલા બાંકડા પર બેઠેલી હતી. " શ્રુતિ!'
રિયાને જોઈને શ્રુતિ એને જઈને સીધી ભેટીને રડવા લાગી.

" શું થયું? તું આ સમયે ગાર્ડનમાં! અને તું અને હેપી સાથે આવવાના હતા ને! એ હેપી ક્યાં છે?"

શ્રુતિ એ આખરે હિંમત રાખીને ખભા પર ઢાંકીને રાખેલો દુપ્પટો થોડોક નીચો કર્યો અને રિયાને દેખાડ્યો. શ્રુતિના ખભા પર નખના નિશાન દેખાયા. જાણે શ્રુતિ પર કોઈ જાનવરે હમલો કર્યો હોય એવી દશા શ્રુતિની થઈ ગઈ હતી. શ્રુતિનો ડ્રેસ ઉપરની તરફથી થોડોક ફાટી ગયો હતો. રિયા એ શ્રુતિના પીઠને જોયો તો ત્યાં પણ નખના નિશાન દેખાયા. આ બઘું જોઈને રિયા ક્રોધથી ભરાઈ ગઈ.

" શ્રુતિ તારી આવી હાલત કોણે કરી??"

સંજય અને કરન પણ શ્રુતિને હિંમત આપતા બોલ્યા. " બોલ શ્રુતિ બેજિજક બોલ, કોણ છે એ કે જેણે તારી આવી હાલત કરી નાખી..."

ત્યાં જ ટપકતા આંસુ સાથે શ્રુતિ એ કહ્યું. " હેપી...."

ક્રમશઃ