જોશ - ભાગ 8 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોશ - ભાગ 8

૮ : દિવ્યાની ભેદી હરકત

દિવ્યાનો ચહેરો ગંભીર હતો અને આંખોમાં સાવચેતી... ! અત્યારે તે પ્રોફેસર વિનાયકના ડ્રોઇંગ રૂમમાં હતી. દિવ્યા ઉપરાંત અત્યારે ત્યાં પ્રોફેસર વિનાયક તથા ઇન્સ્પેક્ટર વામનરાવ પણ હાજર હતો.

'મિસ દિવ્યા !' સહસા વામનરાવે વેધક નજરે દિવ્યા સામે જોતાં કહ્યું, પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ મમતા મૅડમનું ખૂન બપોરના બે ને પાંત્રીસ મિનિટથી ચાલીસ મિનિટની વચ્ચે થયું છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા રૂમમાં બેસીને નવલકથા વાંચતાં હતાં, એવું તમે તમારી જુબાનીમાં જણાવ્યું છે બરાબર ને?'

'હા...' દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું.

'કોઈના પર ખૂની હોવાની શંકા ઊપજે, એવું કશુંય તમે જોયું હતું?'

'ના...'

‘બનવાજોગ છે કે તમે કંઈ જોયું કે સાંભળ્યું હોય... જેમ કે ચીસ ! જો આવું કંઈ સાંભળ્યું છે તમે? તમે બરાબર યાદ કરી જુઓ. જો ખૂની તાત્કાલિક નહીં પકડાય તો પછી મમતા મૅડમ બાદ એ બીજા કોઈકનું પણ ખૂન કરી શકે છે.'

વામનરાવની વાત સાંભળીને પળભર માટે દિવ્યાના ચહેરાનો રંગ ઊડી ગયો. એની આંખોમાં મોતનો ખોફ તરવરી ઊઠ્યો.

'ઇન્સ્પેક્ટર સાહેબ...' એ ધીમેથી બોલી, ‘મેં એક ખૂબ જ હળવી ચીસ સાંભળી હતી !'

'ક્યારે? કેટલા વાગ્યે ?' વામનરાવે ઉત્સુક અવાજે પૂછ્યું. 'બે ને પાંત્રીસથી બે ને ચાલીસ મિનિટની વચ્ચે.'

'કોની ચીસનો અવાજ હતો એ...?'

'અવાજ તો કોઈક સ્ત્રીની ચીસનો જ હતો.”

'આ વાત તમે પૂરી ખાતરીથી કહો છો?!

'ઇન્સ્પેક્ટર સાહેબ !' દિવ્યા ખમચાટભર્યા અવાજે બોલી, 'એ અવાજ કોઈ સ્ત્રીની ચીસનો જ છે કે કેમ તે હું ત્યારે કંઈ નક્કી નહોતી કરી શકી. મેં કોઈક સ્ત્રીની ચીસ સાંભળી હતી, એ વાત પણ હું ત્યારે નહોતી માની શકી. મેં એને માત્ર મારો ભ્રમ જ માન્યો હતો, પરંતુ જયારે મને મમતા આંટીના મોતની ખબર પડી, ત્યારે હું એવા પરિણામ પર આવી કે એ મારી ભ્રમ નહીં, પણ હકીકત હતી. મેં ખરેખર કોઈકની ચીસનો જ અવાજ સાંભળ્યો હતો.'

‘આનો અર્થ એવો થયો કે જ્યાં સુધી તમને મમતા મૅડમના ખૂનની ખબર નહોતી પડી, ત્યાં સુધી તમે ચીસના અવાજને તમારો ભ્રમ જ માનતા રહ્યા હતા ખરું ને ?'

‘ખેર, જે વખતે તમને ચીસના અવાજનો ભ્રમ થયો હતો, એ વખતે ખાતરી કરવાના હેતુથી તમે તમારા રૂમમાંથી બહાર નીકળ્યાં હતાં ?'

'ઇન્સ્પેક્ટર સાહેબ !' દિવ્યા એક ઊંડો શ્વાસ લેતાં બોલી, 'એ વખતે મેં ચીસના અવાજને માત્ર ભ્રમ માન્યો હતો એટલે રૂમમાંથી બહાર નીકળીને ખાતરી કરવાનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો કે ચીસનો અવાજ કોનો છે ને કઈ દિશામાંથી આવ્યો છે.'

'અર્થાત્ તમે તમારા ભ્રમની ખાતરી માટે કોઈ પ્રયાસ નહોતો કર્યો ખરું ને ?'

'ના... મને એવી કોઈ જરૂર નહોતી લાગી, પણ...'

'પણ, શું...?' એને અટકી ગયેલી જોઈને વામનરાવે પૂછ્યું.

'ઇન્સ્પેક્ટર સાહેબ !' આ વખતે દિવ્યાના અવાજમાં પશ્ચાત્તાપનો સૂર હતો, ‘જયારે મને આંટીના ખૂનની ખબર પડી, એ વખતે મારી જે માનસિક હાલત થઈ હતી એની તો તમે કલ્પના પણ નહીં કરી શકો. મને એક જ વિચાર આવ્યો હતો કે જો એ વખતે હું ચીસના અવાજને મારો ભ્રમ માનવાને બદલે બહાર નીકળી હોત તો હું કદાચ આંટીને બચાવી શક્ત. આ વિચાર આવ્યા પછી મને મારી જાત પર ખૂબ જ ગુસ્સો પણ ચડયો હતો. મેં હંમેશાં આંટી પર શંકા કરી હતી. તેમને કોઈના તરફથી જોખમ નથી અને તેઓ 'મમી' તથા 'કપાયેલા હાથ' વગેરેનું નાટક કરતાં હતાં, એમ હું માનતી હતી, પરંતુ હવે જયારે આંટીનું ખૂન થઈ ગયું છે ત્યારે હું ખાતરીથી કહું છું કે તેમને કોઈક ભયભીત કરતું હતું અને એણે જ એમનું ખૂન પણ કર્યું હતું. '

'તમને કોઈના પર શંકા છે !'

'ના...' દિવ્યાએ નકારમાં માથું હલાવ્યું.

'મમતા મૅડમ પર ધમકીભર્યા પત્રો આવતા હતા, એની તમને કંઈ ખબર છે ?'

'ના... આંટીએ તો આવા કોઈ પત્રો વિશે ક્યારેય કંઈ નથી જણાવ્યું.' વામનરાવે ટૂંકમાં પત્રોની વિગતો તેને જણાવી અને પછી ઉમેર્યું, 'અત્યારે એ પત્રો ગુમ થઈ ગયા છે. પરંતુ જે કોઈએ આ પત્રો જોયા છે, એના કહેવા મુજબ એ પત્રોના અક્ષરો મમતા મૅડમના અક્ષરો સાથે ઘણા અંશે મળતા આવતા હતા. મમતા મૅડમે પોતે જ એ પત્રો લખ્યા હોય એવું બને ખરું ?'

'હા... મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી એ શક્ય છે, પરંતુ મમતા આંટીનું ખૂન થઈ ગયું છે એટલે હવે હું ખાતરીથી કહું છું કે એવું નથી બન્યું.'

'મમતા મેડમના ખૂન પછી તમે વધુ પડતાં ગંભીર રહેવાં લાગ્યાં છો. તમારી આ ગંભીરતાનું કારણ જણાવશો?' કહીને વામનરાવ પ્રશ્નાર્થ દૃષ્ટિએ દિવ્યાના ચહેરા સામે તાકી રહ્યો.

'ઇન્સ્પેક્ટર સાહેબ, જે પરિસ્થિતિમાં મમતા આંટીનું ખૂન થયું છે, એને ધ્યાનમાં રાખતા આ કામ અંદરના જ કોઈક માણસનું લાગે છે. અર્થાત્ અહીં જેટલા લોકો રહે છે, એમાંથી જ કોઈક ખૂની છે. હું ખૂનીની વચ્ચે રહું છું, એ વાત શું ગભરાવી નાંખવા માટે પૂરતી નથી ?' 'ખેર, તમને કોઈ ખાસ વાત યાદ આવે તો મને ચોક્કસ જાણ કરજો. હવે તમે જઈ શકો છો.’ વામનરાવે કહ્યું. દિવ્યા રૂમમાંથી બહાર નીકળી ગઈ.

'ઇન્સ્પેક્ટર સાહેબ !' એના ગયા પછી પ્રોફેસર વિનાયકે વામનરાવ સામે જોતાં પૂછ્યું, 'દિવ્યાની વાતો પરથી તમને શું લાગે છે?'

'હાલ તુરત તો ખાતરીપૂર્વક કશું ય કહી શકાય તેમ નથી.' વામનરાવ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'પરંતુ એટલું તો હું જરૂર કહીશ કે દિવ્યા ખૂની વિશે ચોક્કસ કંઈક જાણે છે પણ કોઈક ખાસ કારણસર પોતાનું મોં એણે બંધ રાખ્યું છે. ખેર, જે હશે તે વહેલા-મોડું સામે આવી જશે. ખેર, હવે મને રજા આપો પ્રોફેસર સાહેબ! મારે હજુ કર્નલ ઈન્દ્રમોહનને પણ મળવાનું છે.'

વિનાયકે ધીમેથી માથું હલાવ્યું.

વામનરાવ બહાર નીકળીને કર્નલ ઇન્દ્રમોહનના રૂમમાં પહોંચ્યો. એ વખતે ઈન્દ્રમોહન પોતાની રિવોલ્વર સાફ કરતો હતો.

‘મમતાના ખૂનીનો કંઈ પત્તો લાગ્યો ઇન્સ્પેક્ટર સાહેબ ?' વામનરાવ અંદર પ્રવેશ્યો કે તરત જ એણે પૂછ્યું.

“ખૂનીનો પત્તો લાગ્યો હોત તો હું પૂછપરછ કરવા માટે તમારી પાસે ન આવત મિસ્ટર ઇન્દ્રમોહન !'

'આરામથી બેસો અને પછી જે કંઈ પૂછવું હોય તે પૂછો.' ઈન્દ્રમોહને રિવૉલ્વરની ચેમ્બર બંધ કરતા કહ્યું.

વામનરાવે પોતાની કેપ ટેબલ પર તથા રિવોલ્વર ખોળામાં મૂકી અને પછી બોલ્યો, 'મારે તમારી પાસે કેપ્ટન ભાસ્કર વિશે થોડી માહિતી જોઈએ છે.'

'કેપ્ટન ભાસ્કર ?' વામનરાવના મોંએથી ભાસ્કરનું નામ સાંભળીને ઇન્દ્રમોહન ચમક્યો.

'ચમકવાની જરૂર નથી મિસ્ટર ઈન્દ્રમોહન !' વામનરાવ નરમ અવાજે બોલ્યો, 'મમતા મૅડમે મરતાં પહેલાં પોતાના પ્રથમ પતિ તથા ધમકીપત્રો વિશે બધું જ જણાવી દીધું હતું. તેમણે જે કંઈ જણાવ્યું હતું, તે સાચું છે કે નહીં, એની ખાતરી હું કરવા માગું છું.'

' મમતાએ શું જણાવ્યું હતું?'

જવાબમાં મમતાએ રજનીને જે કંઈ જણાવ્યું હતું, એની વિગતો વામનરાવે ઈન્દ્રમોહનને કહી સંભળાવી અને પછી પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહ્યો.

એની વાત સાંભળીને ઇન્દ્રમોહનના ચહેરા પર ગંભીરતા ફરી વળી. એની આંખોમાં લાલિમા ઊતરી આવી અને જડબાં સખતાઈથી ભીંસાઈ ગયાં. 'ઇન્સ્પેક્ટર સાહેબ !' એણે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું,

'મારી દીકરીને ખોટું બોલવાની ટેવ નહોતી. એણે જે કંઈ કહ્યું છે, તે બિલકુલ સાચું જ છે.'

'જો તેમણે સાચું જ કહ્યું હતું તો અમુક સવાલો એવા છે કે જેના જવાબ એમની પાસે પણ નહોતા.'

'ક્યા સવાલો...?'

'શું કેપ્ટન ભાસ્કર ખરેખર જ વિદેશી એજન્ટ હતો? ક્યાંક એને ખોટી રીતે ફસાવવામાં તો નહોતો આવ્યો ને?'

'ઇન્સ્પેક્ટર સાહેબ !' ઈન્દ્રમોહન ગંભીર અવાજે બોલ્યો, 'કૅપ્ટન ભાસ્કર વાસ્તવમાં વિદેશી એજન્ટ જ હતો. તે કયા કારણસર દુશ્મન રાષ્ટ્ર માટે કામ કરતો હતો એની તો મને ખબર નથી. પરંતુ તેના ક્વાર્ટરમાંથી મળેલ ચીજવસ્તુઓ તેને સ્પષ્ટ રીતે વિદેશી એજન્ટ પુરવાર કરતી હતી. એનો કોડ નંબર કે.બી. હતો. આ માહિતી અમને દુશ્મન રાષ્ટ્રમાં મોજૂદ આપણા એજન્ટ પાસેથી મળી હતી. પકડાયા પછી પહેલાં તો કે.બી.એ. પોતે વિદેશી એજન્ટ હોવાનો ઘસીને ઈન્કાર કર્યો હતો. પોતાને ફસાવવામાં આવ્યો છે, એ વાતનો જ કક્કો તે ઘૂંટતો હતો, પરંતુ જયારે મિલિટરી ઇન્ટેલિજન્સ બ્યુરોવાળાએ તેને રિમાન્ડ દરમિયાન યાતનાઓ આપી, ત્યારે પોતે જ વિદેશી એજન્ટ કે.બી. હોવાનું એણે કબૂલી લીધું હતું.’

'ટોર્ચરિંગથી બચવા માટે એણે ખોટી રીતે ગુનો કબૂલી લીધો હોય, એવું ન બને...?'

'ના, એવી કોઈ વાત નહોતી.'

‘ખેર, પછી શું થયું ?'

'આવા કેસમાં જે થાય છે, એ જ થયું... !' ઈન્દ્રમોહન ઊંડો શ્વાસ લેતા બોલ્યો, 'કૅપ્ટન ભાસ્કરને દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી, પરંતુ એ પોતાના મિત્રોની મદદથી નાસી છૂટ્યો, પણ જ્યારે તે સરહદ પાર કરતો હતો, ત્યારે બી.એસ.એફ. ની નજરે ચડી ગયો. તેમણે ભાસ્કર પર ફાયરિંગ કર્યું. ભાસ્કરને ગોળીઓ વાગી પણ હતી, પરંતુ ગોળીઓ લાગતાં જ તે નદીમાં ઊથલી પડ્યો હતો.

'નદીમાં ઊથલી પડ્યો હતો?' વામનરાવે ચમકીને પૂછ્યું.

'હા...'

'હું કંઈ સમજયો નહીં મિસ્ટર ઇન્દ્રમોહન !'

‘વાત એમ છે ઇન્સ્પેક્ટર સાહેબ કે... !' ઈન્દ્રમોહન ગંભીર અવાજે બોલ્યો, 'ભાસ્કર જે સરહદી વિસ્તારમાં દેખાયો હતો, ત્યાં એક નદી વહે છે અને નદીની ઉપર પુલ બાંધેલો છે. પુલની આ તરફ ભારતની સરહદ છે, જ્યારે બીજી તરફ પાડોશી રાષ્ટ્રની સરહદ શરૂ થઈ જાય છે. ભાસ્કર પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે તે એ જ વિસ્તારમાં પુલ પર દોડતો હતો. ગોળીઓ લાગતા જ તે નદીમાં ઊથલી પડ્યો. એનો મૃતદેહ તો નહોતો મળ્યો, પરંતુ પુલની રેલિંગ પાસે લોહીના ડાઘ જરૂર દેખાયા હતા. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે તે ગોળીઓથી ગંભીર રીતે ઘવાયો હતો.’

‘ભાસ્કર બચી ગયો હોય, એવું ન બને?'

‘તેનો મૃતદેહ નથી મળ્યો એટલે એ કદાચ જીવતો રહી ગયો હોય, એ બનવાજોગ છે.'

‘તો તે પછી ભાસ્કરે જ તમારી દીકરીને ધમકીભર્યા પત્રો લખ્યા હોય, અને એણે જ તેનું ખૂન પણ કર્યું હોય, એવું પણ બની શકે છે.'

‘પત્રોની વાતને ધ્યાનમાં રાખતાં એવું જ બન્યું લાગે છે !'

'તમારી પાસે કેપ્ટન ભાસ્કરનો કોઈ ફોટો છે?' વામનરાવે પૂછ્યું.

'ના...' ઈન્દ્રમોહને નકારમાં માથું હલાવ્યું, ‘ભાસ્કરનું અસલી રૂપ સામે આવતાં જ અમે એના બધા ફોટાઓનો નાશ કરી નાખ્યો હતો. આ વાતને સાત-આઠ વરસ વીતી ગયાં છે, પરંતુ તેમ છતાં ય જો ભાસ્કર કોઈ પણ રૂપમાં મારી સામે આવશે કે તરત જ હું એને ઓળખી કાઢીશ.'

'મિસ્ટર ઇન્દ્રમોહન !' કશુંક વિચારીને વામનરાવે પૂછ્યું, 'કેપ્ટન ભાસ્કર જીવતો હોઈ શકે છે, એ વાત તમે મમતાથી શા માટે છુપાવી હતી?'

'હું મારી દીકરીને ભયભીત કરવા નહોતો માંગતો.'

‘જયારે તમને ખબર હતી કે ભાસ્કર જીવતો પણ હોઈ શકે છે તો પછી તમે તમારી દીકરીના રક્ષણ માટેની વ્યવસ્થા શા માટે ન કરી?'

'ઇન્સ્પેક્ટર સાહેબ, મમતાને માત્ર ગભરાવવા માટે એ પત્રો ભાસ્કરના નાના ભાઈ રાજેશે લખ્યા હશે. બાકી વાસ્તવમાં એનો ઇરાદો મમતાનું ખૂન કરવાનો નથી, એમ જ હું માનતો હતો. હવે રહ્યો સવાલ ભાસ્કરનો... તો તે ચોક્કસ મૃત્યુ પામ્યો હશે એવું મને લાગ્યું હતું, પરંતુ હવે જયારે મમતાનું ખૂન થઈ ગયું છે, ત્યારે મારે મારી માન્યતા બદલવી પડી છે અને મને એવો વિચાર આવે છે કે ભાસ્કર જીવતો તો નથી ને... ? ક્યાંક એણે જ તો મમતાનું ખૂન નથી કર્યું ને? જો ખરેખર એવું જ હોય તો ભાસ્કર વિશે મને અહીંથી જ કોઈક કડી મળી શકે તેમ છે !'

‘મિસ્ટર ઇન્દ્રમોહન !' વામનરાવ વિચારવશ અવાજે બોલ્યો, 'તમારી દીકરીનું ખૂન ભાસ્કરે જ કર્યું હોય, એ કંઈ જરૂરી નથી. આ ખૂન એણે કોઈ બીજાની પાસે પણ કરાવ્યું હોઈ શકે છે !!

જે હોય તે ઈન્સ્પેક્ટર સાહેબ !' ઈન્દ્રમોહને કહ્યું, 'પણ હું ગમે તે રીતે મારી દીકરીના ખૂનીને શોધી કાઢીશ !'

'એક વાત યાદ રાખજો કર્નલ સાહેબ !' વામનરાવના અવાજમાં આડકતરી ચેતવણી છુપાયેલી હતી, ‘મહેરબાની કરીને કાયદાનું ઉલ્લંઘન કરશો નહીં. તમે જે કંઈ કરો, તે કાયદાની મર્યાદામાં રહીને જ કરજો.'

‘એ તો વખત આવ્યે જોયું જશે !' ઈન્દ્રમોહને ગંભીર અવાજે કહ્યું. વામનરાવે કેપ ઊંચકીને મસ્તક પર ગોઠવી અને પછી રિવોલ્વરને ડાબા હાથની હથેળી ટપટપાવતો બહાર નીકળી ગયો.

ઇન્દ્રમોહનને મળ્યા પછી મામલો ઊલટું વધુ ગૂંચવાઈ ગયો હતો. શંકાસ્પદ ખૂની તરીકે હવે કેપ્ટન ભાસ્કરના નામનો પણ સમાવેશ થઈ ગયો હતો.

એ સીધો રજનીના રૂમમાં પહોંચ્યો અને તેની સાથે વાતચીત કરી. રજનીએ તેને દિવ્યાની વર્તણૂક તથા હાવભાવમાં આવેલ પરિવર્તન વિશે જણાવ્યું અને પછી ઉમેર્યું, 'વામનરાવ સાહેબ, હું માનું છું ત્યાં સુધી કાં તો દિવ્યા ખૂની છે અથવા તો ખૂની સાથે ભળેલી છે અગર તો ખૂની વિશે ચોક્કસ કંઈક જાણે છે. હું મારી રીતે એની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ.”

વામનરાવે ધીરેથી માથું હલાવ્યું.

ત્યારબાદ રજનીને જરૂરી સૂચના આપીને એ વિદાય થઈ ગયો.

ડાર્કરૂમમાં અમુક જરૂરી કામ હોવાથી આજે રજનીકાંત સાઇટ પર નહોતો ગયો. ઉપરાંત તેને રઘુવીરના આવવાની પણ રાહ જોવાની હતી. રઘુવીરને રહેવા માટે સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહના ફલેટમાં જ વ્યવસ્થા થઈ ગઈ હતી. આમેય પ્રતાપસિંહ ફલેટમાં એકલો જ રહેતો હતો.

બપોર પછી રઘુવીરનું આગમન થયું. ચા-પાણી પીધા પછી રજનીકાંતે દીનુકાકાને બોલાવીને તેનો સામાન પ્રતાપસિંહના ફલેટમાં પહોંચાડવાની સૂચના આપી અને પછી પોતે પણ રઘુવીરને લઈને પ્રતાપસિંહના ફલેટમાં પહોંચ્યો.

પ્રતાપસિંહ ફલેટમાં જ હતો. રજનીકાંતે રઘુવીર તથા પ્રતાપસિંહનો પરિચય કરાવ્યો. 'મિસ્ટર રઘુવીર !' પ્રતાપસિંહ બોલ્યો, 'તમે મુસાફરી કરીને આવ્યા છો એટલે થોડો આરામ કરી લો. હું ગાર્ડ્સને જરૂરી સૂચના આપીને આવું છું.' કહીને એ ચાલ્યો ગયો.

‘મિસ્ટર રજનીકાંત !' એના ગયા પછી રઘુવીરે કહ્યું, 'હું અહીં આરામ કરવા માટે નથી આવ્યો. તમે અહીં રહેતા તમામ લોકો સાથે મારો પરિચય કરાવી આપો. તેમ જ આ ઈમારત વિશે પણ મારે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે. ત્યાર પછી જ હું મારી તપાસ શરૂ કરીશ.'

‘અત્યારે બધા સાથે તો મુલાકાત નહીં થાય ચૌધરી સાહેબ !' રજનીકાંત દિલગીરીભર્યા અવાજે બોલ્યો, 'અલબત્ત, જેટલા લોકો હાજર છે, તેમની સાથે ચોક્કસ તમારી ઓળખાણ કરાવી દઉં છું. બાકી રહેતા લોકોનો પરિચય રાત્રે થઈ જશે.'

'ઠીક છે ચાલો...'

બંને દરવાજા તરફ આગળ વધી ગયા. રઘુવીર ચૌધરીનો ચહેરો અત્યારે એકદમ શાંત અને ગંભીર હતો.

*******************

સાંજ આથમવાની તૈયારી હતી. ધરતી પર ધીમે ધીમે અંધકારનું સામ્રાજ્ય ફેલાતું જતું હતું. રજનીકાંત ડાર્કરૂમમાં વ્યસ્ત હતો. એની પત્ની અર્થાત્ સુનિતા, શશીકાંતના પત્ની માધવી પાસે બેઠી હતી. દિવ્યા પોતાના રૂમમાં એકલી જ હતી. અચાનક એણે દરવાજો બંધ કર્યો.

ત્યારબાદ કબાટમાંથી એક કાગળ કાઢીને તે રસોડામાં પહોંચી. પછી એણે લાઇટરની મદદથી ગેસ પેટાવીને ગેસની જવાળા પર કાગળનો ખૂણો મૂક્યો. તે કોઈક પત્ર હતો, જે હવે સળગવા લાગ્યો હતો. એ જ વખતે દરવાજો ઉઘાડીને રજની અંદર પ્રવેશી.

રજનીના અણધાર્યા આગમનથી દિવ્યા એકદમ ચમકી ગઈ. એના ચહેરાનો રંગ ઊડી ગયો અને હોઠ સુકાવા લાગ્યા. જાણે કોઈકે ચોરી કરતા રેડ હેન્ડ પકડી પાડી હોય એમ એની આંખોમાં ગભરાટના હાવભાવ ઊપસી આવ્યા. એના હાથમાંથી કાગળ છટકીને નીચે જઈ પડયો.

રજની સહેજ નજીક આવી તો એણે અચાનક જ સળગતા કાગળ પર પગ દબાવી દીધો. આ દરમિયાન રજની નજીક આવી પહોંચી હતી.

'શું વાત છે દિવ્યા?' રજનીએ વેધક નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું, 'તું કંઈ સળગાવતી હતી?'

'ન... ના...' દિવ્યાએ પોતાના ગભરાટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં કહ્યું.

'પાછળ ખસ !' સહસા રજની કઠોર અવાજે બોલી, ‘નહીં તો હું બૂમો પાડીને બધાને તારાં કરતૂત વિશે જણાવી દઈશ. એટલું જ નહીં, ઇન્સ્પેક્ટર વામનરાવને પણ બોલાવી લઈશ.'

રજનીની ધમકી સાંભળીને દિવ્યાના રહ્યા સહ્યા હોશ પણ ઊડી ગયા.

'મિસ આરતી !' એ નિર્ણયાત્મક અવાજે બોલી, ‘જો તમે આ ભેદને તમારા સુધી જ જાળવી રાખવાનું વચન આપો તો હું આ પત્ર વિશે તમને જણાવી શકું તેમ છું.'

'તો તું પત્ર સળગાવતી હતી એમ ને?'

'હા..'

'લાવ... બતાવ...!'

દિવ્યાએ પગ નીચે દબાવેલો કાગળ ઊંચકીને એના હાથમાં મૂકી દીધો. પત્ર પર નજર પડતાં જ રજની એકદમ ચમકી ગઈ. આ એ જ ધમકીપત્રો માંહેનો એક હતો કે જેને તે મમતા પાસે જોઈ ચૂકી હતી.

'આ પત્ર તારી પાસે ક્યાંથી આવ્યો?' એણે આશ્ચર્યથી દિવ્યા સામે જોતાં પૂછ્યું.

'મિસ આરતી!' દિવ્યા ધીમેથી બોલી, “અત્યારે હું જે નવલકથા વાંચું છું, એમાંથી જ મને આ પત્ર મળ્યો હતો. પૂછપરછ દરમિયાન ઇન્સ્પેક્ટર વામનરાવે મને મમતા આંટીને મળેલા ધમકીપત્રો વિશે જણાવ્યું હતું. નવલકથામાંથી નીકળેલો પત્ર પણ એ એના જેવો જ છે એટલે મને થયું કે જો હું આ પત્ર પોલીસને સોંપીશ તો તેમને ભરોસો નહીં બેસે... જ હું ન સોંપું અને આ પત્ર મારા કબજામાંથી મળે તોપણ પોલીસ એમ જ માને કે મમતા આંટીને ભયભીત કરવા માટે મેં જ અક્ષરો બદલીને મમતા આંટીને પત્રો લખ્યા હતા. એટલે આ પત્રનો નાશ કરી નાંખવામાં જ મને મારું હિત દેખાયું. પરંતુ તમે અત્યારે અચાનક આવી ચડશો એની મને કલ્પના પણ નહોતી અને...' કહેતાં-કહેતાં એ ચૂપ થઈ ગઈ. 'અને શું... ?' એને અટકી ગયેલી જોઈને રજનીએ પૂછ્યું.

'અને... આ...'

અચાનક દિવ્યાએ બાજની જેમ એના હાથમાંથી પત્ર આંચકી લીધો. ત્યારબાદ રજની કંઈ સમજે એ પહેલા જ એણે પત્રનો ડૂચો વાળીને મોંમાં મૂક્યો અને તેને ચાવીને ગળે ઉતારી ગઈ.

'આ... આ તેં સારું નથી કર્યું દિવ્યા !' રજની નારાજગીભર્યા અવાજે બોલી.

'માફ કરજો મિસ આરતી !' દિવ્યા દિલગીરી વ્યક્ત કરતાં બોલી, ‘હું મારો જીવ જોખમમાં મૂકવા નથી માંગતી. ખૂનીએ પોતાની કોઈક યોજનાના ભાગરૂપે આ પત્ર મારી નવલકથામાં મૂક્યો હશે. જો આ પત્ર મારી પાસેથી મળે તો મારે ફાંસીના માચંડે લટકવું પડે. હવે કદાચ તમે આ બાબતમાં કોઈને કહેશો તોપણ પુરાવા વગર કોઈ તમારી વાત નહીં માને.'

'દિવ્યા... !' રજનીએ ગંભીર અવાજે કહ્યું, ‘મને સમજવામાં ખરેખર તારી ભૂલ થઈ છે. હું કોઈને કશું ય જણાવાની નહોતી. તેમ હજુ પણ મારો એવો કોઈ ઇરાદો નથી. તું મને તારી બહેનપણી માની શકે. ચાલ, ઉપર ચાલ...'

બંને છત પર પહોંચીને વાતો કરવા લાગી. દિવ્યા ઘણી બધી વાતો છુપાવે છે, એની રજનીને ખાતરી થઈ ગઈ હતી. કાં તો તે ખૂની સાથે ભળેલી હતી અથવા તો તેને કોઈના પર ખૂની હોવાની શંકા હતી. તે દિવ્યા પાસેથી આ બધી વાતો જાણી લેવા માંગતી હતી, કારણ કે ખૂની કદાચ દિવ્યાને પણ મોતને ઘાટ ઉતારી દેશે એવો ભય એને સતાવતો હતો. અને દિવ્યા પાસેથી આ બધી વાતો જાણવા માટે પહેલાં એનો વિશ્વાસ કેળવવો જરૂરી હતો.

'મિસ આરતી !' સહસા દિવ્યા ઈમારતના એક ભાગ તરફ તાકી રહેતાં બોલી, 'કોઈ માણસ કેવી રીતે મમતા આંટીનું ખૂન કરીને પોતાની જાતને કાયદાના સંકજામાં સપડાતી બચાવી શકે તેમ છે, એ વાતની મને ખબર પડી ગઈ છે.'

રજનીએ પણ દિવ્યા જે તરફ તાકી રહી હતી, એ તરફ જોયું. પણ દિવ્યાના કહેવાનું તાત્પર્ય સમજાય, એવું એને કશું જ દેખાયું નહીં.

'તું કહેવા શું માંગે છે?' છેવટે એણે એક ઊંડો શ્વાસ લેતાં પૂછ્યું.

'મિસ આરતી... !' દિવ્યા બોલી, ‘મમતા આંટીનું ખૂન કેવી રીતે કરવામાં આવ્યું હતું, એ પણ વખત આવ્યે હું જણાવી દઈશ.'

'આ બધી વાતોની તને કેવી રીતે ખબર પડી?' રજનીએ પૂછ્યું.

'તમે આજની રાત આને એક કોયડો માનીને તેનો ઉકેલ વિચારી જુઓ. સવાર સુધીમાં જો તમને ઉકેલ નહીં મળે તો પછી હું તમને જણાવી દઈશ.”

‘તારો જીવ જોખમમાં ન મૂક દિવ્યા !'

પરંતુ દિવ્યાએ કંઈ જવાબ ન આપ્યો.

બંને નીચે ઊતરવા માટે પગથિયાં તરફ આગળ વધી ગયા.