જોશ - ભાગ 7 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોશ - ભાગ 7

૭ : મા-બાપનો ભય

રઘુવીર ચૌધરી ! આધેડ વય... ગોરોચીટ્ટો ચહેરો... લાંબા અને કાળા વાળ...! માંજરી આંખોવાળા એલ.આઈ.સી. ના આ જાસૂસ વિશે એમ કહેવાતું કે એની નજરબાજ જેવી, બુદ્ધિ બિરબલ જેવી અને નિશાન અર્જુન જેવું હતું.

આ રઘુવીર ચૌધરી થોડા દિવસોથી વિશાળગઢની એક ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો. હમણાં એની પાસે કોઈ કેસ નહોતો. કોઈ પણ વીમાધારકનું પોલિસીની પાકતી મુદત પહેલા મોત નીપજે ત્યારે વીમાની રકમ ચૂકવતા પહેલાં જે તે વીમાધારકની ફાઈલ સૌથી પહેલાં રઘુવીર ચૌધરી પાસે જ મોકલવામાં આવતી. રઘુવીર મૃત્યુ સંબંધિત માહિતી પરથી જ તારવી લેતો કે મરનારનું મોત કુદરતની રીતે થયું છે કે પછી એનું ખૂન કરવામાં આવ્યું છે ? જો મોત સ્વાભાવિક હોય તો તે ફાઈલને મંજૂરીની મ્હોર મારી દેતો અને સહેજ પણ શંકા ઊપજે તો એ કેસની તપાસ કરીને તેના ભેદ પરથી પડદો ઊંચકીને અપરાધીઓને બેનકાબ કરી નાંખતો.

રઘુવીરને આજ સુધીમાં જે કેસમાં શંકા ઊપજી હોય, અને એ કેસ ગુનાહિત પુરવાર ન થયો હોય એવું કદાપિ નહોતું બન્યું.

એ પોતાની શંકાને પુરાવાઓના માધ્યમથી સાચી પુરવાર કરી દેતો હતો. અને આ જ કારણસર રઘુવીર જે વિસ્તારમાં હોય, એ વિસ્તારનો કોઈ પણ શખ્સ વીમાકંપનીને છેતરવાની વાત તો એક તરફ રહી, એની કલ્પના સુધ્ધાં કરી શકે તેમ નહોતો.

આ જ રઘુવીર ચૌધરી અત્યારે ફાઈવ સ્ટાર હોટલ નટરાજ ખાતે પોતાના રૂમમાં બેસીને સિગારેટના કસ ખેંચતો હતો, ત્યાં જ અચાનક રૂમના દરવાજા પર ટકોરા પડ્યા.

રઘુવીર એકદમ સાવચેત અને સજાગ થઈ ગયો. આજ સુધીમાં એણે વીમા કંપની સાથે છેતરપિંડી કરવાના આરોપસર કેટલાય અપરાધીઓને જેલના સળિયા પાછળ પહોંચાડયા હતા એટલે પોતાના રક્ષણ માટે સાવચેતીને એ પહેલું હથિયાર માનતો હતો.

રઘુવીરે સિગારેટનું ઠૂંઠું એશ ટ્રેમાં પધરાવ્યું અને પછી ઊભા થઈને સાવચેતીથી દરવાજો ઉઘાડયો. બહાર આધેડ વયનો એક શખ્સ તેનાથી દસ- પંદર વર્ષ ઓછી વય ધરાવતી યુવતી સાથે ઊભો હતો.

'આપ જ એલ.આઈ.સી. ના સુવિખ્યાત જાસૂસ ચૌધરી સાહેબ છો?’ રઘુવીરે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'હા... પરંતુ મેં તમને ન ઓળખ્યા?' રઘુવીરે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'મારું નામ રજનીકાંત પટેલ છે અને આ મારી બીજી પત્ની સુનિતા છે. હું અત્યારે અહીંથી વીસેક કિલોમીટર દૂર પુરાતત્ત્વ ખાતા તરફથી ચાલી રહેલા ખોદકામની ફોટોગ્રાફી કરું છું.'

'ઓહ... તો તમે પુરાતત્ત્વ ખાતામાં નોકરી કરો છો એમ ને?'

'અંદર આવો...' કહીને રઘુવીર દરવાજા પરથી એક તરફ ખસતાં બોલ્યો. રજનીકાંત અને સુનિતા અંદર પ્રવેશીને રઘુવીરનાં સંકેતથી એક સોફા પર બેસી ગયા. 'ફરમાવો...' રઘુવીરે બંનેની સામે બેસતાં પૂછ્યું.

'ચૌધરી સાહેબ, અમને તમારી મદદની જરૂર છે.' રજનીકાંતના અવાજમાં વિનંતીનો સૂર હતો, 'આશા છે, આપ અમને નિરાશ નહીં કરો.'

'મારાથી થઈ શકે તેમ હશે તો જરૂર કરીશ.' વાત પૂરી કર્યા બાદ એણે રિસીવર ઊંચકીને રૂમ સર્વિસને કૉફીનો ઓર્ડર આપ્યો અને પછી વારાફરતી રજનીકાંત તથા સુનિતા સામે જોઈને કહ્યું, ‘બોલો, તમે મારી પાસેથી કઈ જાતની મદદની આશા રાખો છો?'

‘વાત એમ છે ચૌધરી સાહેબ કે... !' રજનીકાંત બોલ્યો, 'મારી પહેલી પત્નીની એક દિવ્યા નામની એક દીકરી છે, જે અમારી સાથે જ રહે છે. એની ઉંમર લગભગ વીસેક વર્ષની છે. દિવ્યા જયારે પંદર વર્ષની હતી ત્યારે મેં એનો પચાસ લાખ રૂપિયાનો જીવનવીમો ઊતરાવ્યો હતો. પાંચ વર્ષ પછી એની પોલિસીની મુદત પૂરી થતા જે કંઈ રકમ મળશે, એમાંથી હું દિવ્યાનાં લગ્ન કરવા માગું છું.’ 'એ તો બહુ સારી વાત છે. પરંતુ આ લગ્ન મંડપમાં હું કેવી રીતે પહોંચી ગયો, એ મને કંઈ નથી સમજાતું.' રઘુવીરે સ્મિત ફરકાવતાં કહ્યું 'ચૌધરી સાહેબ...' કહેતાં કહેતાં રજનીકાંતના ચહેરા પર ગંભીરતા ફરી વળી, 'હમણાં-હમણાં મારી દીકરી દિવ્યાનું વર્તન એકદમ બદલાઈ ગયું છે. એ કોઈનાથી ભયભીત અને ગભરાયેલી રહે છે. જાણે તે કોઈકના તરફથી જીવનું જોખમ અનુભવતી હોય એવું લાગે છે. કદાચ તે કોઈકના વિશે ન જાણવા જેવી વાત જાણી ચૂકી છે. બસ, એટલા માટે અમે આપની પાસે આવ્યા છીએ.’

‘શું તમે પોલીસ પાસે ગયા હતા ?'

'ના...' રજનીકાંત નકારમાં માથું હલાવતાં બોલ્યો, 'આ બાબતમાં અમને પોલીસ કરતાં આપની પાસે આવવાનું વધુ યોગ્ય લાગ્યું છે.'

'કેમ?' રઘુવીરે ચમકીને પૂછ્યું.

'ચૌધરી સાહેબ !' રજનીકાંત બોલ્યો, 'આપના આ સવાલનો જવાબ મારા કરતાં સુનિતા વધુ સારી રીતે આપી શકશે.' કહીને એણે સુનિતાને સંબોધી, ‘આપણે પોલીસ પાસે જવાને બદલે રઘુવીર સાહેબ પાસે શા માટે આવ્યા છીએ એ તું પોતે જ જણાવી દે.”

'ચૌધરી સાહેબ !' સુનિતા ગંભીર અવાજે બોલી, 'હું દિવ્યાની સાવકી મા છું, એ તો આપ જાણી જ ચૂક્યા છો અને આ સમાજમાં રહેતા મોટાભાગના લોકો સાવકી માને ડાકણ અને સંતાનની દુશ્મન માને છે, એની પણ આપને ખબર જ હશે. સાહેબ, ન કરે નારાયણ ને જો દિવ્યાનું ખૂન થઈ જશે તો એના વીમાની રકમ અમને જ મળશે કારણ કે પોલિસી અનુસાર જો દિવ્યા મૃત્યુ પામે તો અમે જ એ રકમ મેળવવા માટે દાવેદાર બનીશું. બલકે પોલિસીની રકમની માત્ર હું જ વારસદાર છું. ભગવાન કરે ને એવું ન જ બને, પણ ઘડીભર માટે માની લો કે એવું બનશે, તો શું થશે? લોકો એમ જ માનશે કે વીમાની રકમ મેળવવાની લાલચમાં એક સાવકી માએ દીકરીને મારી નાંખી છે. હવે આપ જ કહો સાહેબ કે જો આ જાતની કોઈ પોલિસીનો કેસ આપની સમક્ષ આવે તો એ સંજોગોમાં આપને મારા પર શંકા નહીં ઊપજે ?'

રઘુવીર ચમકી ગયો. સુનિતાની વાતથી એ ખૂબ જ પ્રભાવિત થયો. પરંતુ પછી વળતી જ પળે એનું જાસૂસી દિમાગ સક્રિય બની ગયું.

'તમારી વાત સાચી છે મૅડમ!' એ બોલ્યો, 'આ જાતની પોલિસીના દાવાને પૂરતી તપાસ વગર મંજૂરી અપાય અને સૌથી પહેલાં તમારી ઉપર જ શંકા ઊપજે. ખેર..” કહેતાં કહેતાં એની માંજરી આંખો સીધી જ તીરની માફક સુનિતાની આંખોમાં પરોવાઈ ગઈ, ‘ક્યાંક તમે દિવ્યાના ખૂનની યોજના બનાવી કાઢી હોય અને મારી સહાનુભૂતિ સાથે સાથે તમારી નિર્દોષતાનો પુરાવો મેળવવાના હેતુથી મારી પાસે આવ્યા હો, એવું તો નથી ને ?'

જાણે અચાનક પગે સાપ વીંટળાયો હોય એમ રઘુવીરની વાત સાંભળીને સુનિતા ઊછળી પડી. પળભરમાં જ એના ચહેરાનો રંગ ઊડી ગયો. એની આંખો વિસ્ફારિત બની ગઈ અને મોં ઉઘાડું જ રહી ગયું.

થોડી પળો સુધી તો તે કિંકર્તવ્યવિમૂઢની જેમ રઘુવીરના ચહેરા સામે તાકી રહી.

'આપ... આપ મારી મશ્કરી તો નથી કરતા ને?' છેવટે એણે પૂછ્યું. 'ના, બિલકુલ નહીં... !' રઘુવીરનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો, ‘મને મશ્કરી કરવાની જરા પણ આદત નથી.'

'આ... આ વાત ખોટી છે. આવું તો હું સપનામાં પણ વિચારી શકું તેમ નથી.' સુનિતાએ વિરોધભર્યા અવાજે કહ્યું, 'દિવ્યાને હું મારી સગી દીકરી કરતાં પણ વિશેષ ચાહું છું. એના ખૂનનો વિચાર મને આવે પણ કેવી રીતે?'

'સુનિતા સાચું કહે છે ચૌધરી સાહેબ!' રજનીકાંત વચ્ચેથી જ બોલ્યો. ‘મેં તો માત્ર મારી માન્યતા જ વ્યક્ત કરી હતી અને એ સાચી પણ હોઈ શકે છે.’ રઘુવીરે પૂર્વવત્ અવાજે કહ્યું.

'ચૌધરી સાહેબ, અત્યારે ભલે આપ સુનિતા પર શંકા કરો.' રજનીકાંત બોલ્યો, 'પણ જયારે આપને ખબર પડશે કે દિવ્યાના સુખ ખાતર સુનિતાએ કેટલો મોટો ભોગ આપ્યો છે ત્યારે ચોક્કસ જ આપની માન્યતા બદલાઈ જશે. સાંભળો... અમારા લગ્ન થયાં ત્યારે દિવ્યા બહુ નાની હતી. લગ્નના બીજા જ વરસે સુનિતાએ ઓપરેશન દ્વારા ગર્ભાશયની કોથળી કઢાવી નાંખી હતી જેથી બીજું સંતાન ઉત્પન્ન થવાની કોઈ શક્યતા જ ન રહે. દિવ્યાનો વીમો પણ મેં સુનિતાના આગ્રહથી જ ઊતરાવ્યો હતો જેથી દિવ્યાના લગ્ન સમયે ખર્ચની કોઈ ચિંતા ન રહે. વીમાની પોલિસીમાં વારસદાર તરીકે સુનિતા મારું જ નામ લખાવવાનો આગ્રહ રાખતી હતી, પરંતુ મેં જ મારે બદલે સુનિતાનું નામ લખાવ્યું હતું. હવે આપ જ કહો કે સુનિતા, દિવ્યાના ખૂન વિશે વિચારે ખરી ? જે માએ સાવકી દીકરીના સુખ ખાતર પોતાના માતૃત્વનું પણ બલિદાન આપી દીધું હોય એને ક્યારેય આવો નીચ વિચાર આવે ખરો ?'

'ના...' રઘુવીરે નકારમાં માથું હલાવતાં કહ્યું, 'આવી પરિસ્થિતિમાં તો સુનિતા મૅડમ પર શંકા કરી શકાય તેમ નથી.' 'બસ, આ કારણસર જ જ્યારે અમને લાગ્યું કે દિવ્યાનો જીવ જોખમમાં છે, તો અમે આપની પાસે આવ્યા છીએ. જો દિવ્યાનું ખૂન થશે તો વીમા કંપની કરતાં પણ અમને વધુ નુકસાન થશે. એવું નુકસાન કે જે રૂપિયા પૈસાથી કદાપિ ભરપાઈ ન થઈ શકે. આપ કમ સે કમ આપની કંપનીને

થતું નુકસાન અટકાવવાનો પ્રયાસ કરો. આપના પ્રયાસથી કદાચ દિવ્યાનું ખૂન નહીં થાય. ઉપરાંત જે શખ્સથી દિવ્યા જીવનું જોખમ અનુભવે છે, એ પણ કદાચ પકડાઈ જશે. આ રીતે આપની કંપનીને તો ફાયદો થશે જ સાથે સાથે એક માની મમતા પણ બદનામીના કલંકથી બચી જશે.!'

રઘુવીરે સિગારેટના પેકેટમાંથી એક સિગારેટ કાઢીને પેટાવી અને પછી બોલ્યો, ‘ખેર, હવે મારા અમુક સવાલના જવાબ આપો.'

'પૂછો...'

‘દિવ્યાને કોના તરફથી જીવનું જોખમ છે?'

'ખબર નથી...'

'વાંધો નહીં...' રઘુવીર સિગારેટનો લાંબો કસ ખેંચતાં બોલ્યો, 'દિવ્યા પર કોઈકના તરફથી જીવનું જોખમ છે, એવું તમને કેવી રીતે લાગે છે?’

'આપે મમતા મર્ડર કેસ વિશે અખબારોમાં વાંચ્યું જ હશે?'

મમતા મર્ડર કેસનું નામ સાંભળતાં જ રઘુવીર મનોમન એકદમ સાવચેત થઈ ગયો. એની આંખોમાં એક વિશેષ ચમક પથરાઈ ગઈ.

'તમે એ જ મમતા મર્ડર કેસ વિશે કહો છો કે જેની તપાસ ઇન્સ્પેક્ટર વામનરાવ કરે છે?' એણે પૂછ્યું.

'હા, હું એ જ કેસની વાત કરું છું.'

‘તો શું હજુ સુધી એનો ખૂની પકડાયો નથી ?'

“ખૂની પકડાઈ ગયો હોત તો અમારે આપની પાસે આવવાની શું જરૂર હતી ?'

'ઓહ...” રઘુવીર ધીમેથી બબડયો.

'ચૌધરી સાહેબ... !' સુનિતા કરગરતા અવાજે બોલી, 'હવે હું કદાપિ મા બની શકું તેમ નથી. એની તો આપને ખબર પડી જ ગઈ છે. હવે તો દિવ્યા જ મારું સર્વસ્વ છે. આપ ગમે તેમ કરીને એને બચાવી લો.

આપનો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.' "તમે એ બધી ફિકર હવે છોડી દો મેડમ...!' રઘુવીરે તેને આશ્વસાન આપતાં ગંભીર અવાજે કહ્યું, ‘પરંતુ વાત આગળ ચલાવતાં પહેલાં ખરેખર જ એલ.આઈ.સી. મારફત દિવ્યાનો વીમો ઊતરાવવામાં આવ્યો છે કે નહીં, એની ખાતરી હું કરવા માંગું છું.' જવાબમાં રજનીકાંતે તેને દિવ્યાની વીમા પોલિસીના કાગળો બતાવી દીધા. કાગળો તપાસ્યા પછી રઘુવીરે સંતોષથી માથું હલાવ્યું.

'ઓ.કે. ...' છેવટે એ બોલ્યો, 'હું આ કેસ હાથમાં લેવા માટે તૈયાર છું. ખૂની હવે દિવ્યાની નજીક પણ નહીં ફરકી શકે, પરંતુ મમતાના ખૂન વિશે અખબારોમાં જેટલું છપાયું છે, એટલું જ હું જાણું છું. તમે એના ખૂન કેસ વિશે જે કંઈ જાણતા હો, તે મને કહો.'

રજનીકાંતે પોતે મમતાના ખૂન વિશે જે કંઈ જાણતો હતો, એની બધી વિગતો તેને કહી સંભળાવી.

'તો મમતાનું ખૂન થયું ત્યારે તમે ફોટોગ્રાફીને લગતી ચીજવસ્તુઓ ખરીદવા માટે શહેરમાં ગયા હતા એમ ને?'

'હા..'

'અને મિસ્ટર શશીકાંત સાઈટ પર ગયા હતા ?'

'ખેર, બાકીની પૂછપરછ તો હું ત્યાં આવીને જ કરીશ. હાલતુરત તો મને એટલું જ જણાવો કે દિવ્યા ખૂનીથી ભયભીત છે, એવી શંકા તમને કેવી રીતે ઊપજી ?'

'ચૌધરી સાહેબ !' રજનીકાંત બોલ્યો, ‘મમતાનું ખૂન થયું, એ પહેલાં દિવ્યાનું વર્તન એકદમ સાધારણ હતું. એટલું જ નહીં, દિવ્યાને મમતાની વાતો પર વિશ્વાસ પણ નહોતો. તે એમ જ કહેતી હતી કે ‘મમતા આંટી કોઈનાથી ભયભીત નથી. પ્રોફેસર અંકલનું ધ્યાન પોતાના પ્રત્યે જ કેન્દ્રિત રાખવા માટે તે આ જાતની નાટકબાજી કરે છે.' દિવ્યા ચોરીછૂપીથી મમતા પર નજર પણ રાખતી હતી, પરંતુ મમતાના ખૂન પછી દિવ્યાનું વર્તન એકદમ બદલાઈ ગયું છે. એની શરારતો તથા નટખટપણાનું સ્થાન ગંભીરતાએ લઈ લીધું છે. વાતવાતમાં એ ચમકી જાય છે. કોઈ અચાનક તેની પાસે જઈ ચડે તો એના મોંમાંથી ચીસ નીકળી જાય છે.’

'આ જાતનો કોઈ બનાવ તમે જોયો કે અનુભવ્યો છે ?'

'હા... ગઈકાલે સાંજની જ વાત છે. હું ફોટોગ્રાફસની પ્રિન્ટો તૈયાર કરીને પાછો ફર્યો ત્યારે મેં દિવ્યાને ડ્રોઇંગરૂમમાં બારી પાસે બેઠેલી જોઈ. તે બહાર તાકી રહીને પોતાના વિચારોમાં એવી તો ડૂબી ગયેલી હતી કે મારા આગમનની પણ એને ખબર નહોતી પડી. હું દિવ્યાની નજીક પહોંચ્યો. મારા પગલાંના અવાજથી પણ એની વિચારધારા નહોતી તૂટી. પછી મેં તેના ખભા પર હાથ મૂક્યો તો જાણે પગ પાસે બાઁબ ફૂટ્યો હોય એમ તે ઊછળી પડી. એના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ. એના ચહેરાનો રંગ ઊડી ગયો અને આંખોમાં ભય ઊપસી આવ્યો. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. દિવ્યાની આવી હાલત જોઈને હું એકદમ ચમકી ગયો. પછી જયારે મેં તેને કહ્યું કે, 'દીકરી, હું છું.' ત્યારે મારો અવાજ ઓળખીને એણે રાહતનો શ્વાસ લીધો.’

'પછી...? તમે એના આ રીતે અચાનક ભયભીત થવાનું કારણ એને ન પૂછ્યું ?'

'પૂછ્યું હતું ને !' રજનીકાંત ધીમેથી માથું હલાવતાં બોલ્યો, 'પહેલાં તો એણે મારા દરેક સવાલના જવાબ આપવાનું ટાળી દીધું, પરંતુ મેં સોગંદ આપીને અનહદ આગ્રહ કર્યો ત્યારે એણે માત્ર એટલું જ જણાવ્યું હશે કે - 'ડેડી, ક્યારેક-ક્યારેક ખૂન કરવાની પણ માણસને ટેવ પડી જાય છે. જે માણસ એક ખૂન કરી શકતો હોય તે પોતાનો ગુનો છુપાવવા માટે અથવા તો ટેવને કારણે બીજું ખૂન પણ કરી શકે છે. બસ, આ કારણસર જ મને જ્યારે મમતા આંટીના ખૂનનો વિચાર આવે છે, ત્યારે હું ખૂબ જ ગભરાઈ જાઉં છું. એ સિવાય બીજી કોઈ ખાસ વાત નથી.' ચૌધરી સાહેબ, દિવ્યાની વાતો પરથી તે કંઈક છુપાવે છે, એવું મને લાગ્યું હતું. પરંતુ હું પુષ્કળ પ્રયાસો કરવા છતાંય તેની પાસેથી એના ભયભીત થવાનું કારણ નથી જાણી શક્યો. મમતા પણ પોતાના ખૂન પહેલાં આટલી જ ભયભીત અને ગભરાયેલી રહેતી હતી. દિવ્યાની હાલત પણ લગભગ એના જેવી જ હતી એટલે અમને તેની ચિંતા થાય, એ સ્વાભાવિક છે.'

'મિસ્ટર રજનીકાંત !' રઘુવીરે ગંભીર અવાજે કહ્યું, 'તમારી વાતો પરથી મને એવું લાગે છે કે ખરેખર દિવ્યાનો જીવ જોખમમાં છે. તે મમતાના ખૂની વિશે કંઈક જાણી ચૂકી હોય અથવા તો ખૂની વિરુદ્ધ કોઈક પુરાવો એણે મેળવી લીધો હોય, એ બનવાજોગ છે. એટલે એના રક્ષણની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે, તમારે આ બાબતમાં ઈન્સ્પેક્ટર વામનરાવને જણાવી દેવું જોઈતું હતું. ખેર, તમારે માત્ર આજની રાત પૂરતું જ દિવ્યાનું ધ્યાન રાખવાનું છે. કાલે સવારે તો હું ત્યાં પહોંચી જઈશ.”

'આપની ફી ?'

‘એની કંઈ જરૂર નથી કારણ કે હું એલ.આઈ.સી. ના હિતને ધ્યાનમાં રાખીને આ કેસ પર કામ કરવાનો છું. અલબત્ત, આ બહાને દિવ્યાના રક્ષણની વ્યવસ્થા પણ થઈ જશે એ વાત અલગ છે. ખેર, ત્યાં મારા રહેવાની વ્યવસ્થા શું છે ?'

પુરાતત્ત્વ વિભાગની ઈમારતની બાજુમાં જ એક રેસ્ટ હાઉસ છે. હું ત્યાં જ આપના રહેવાની વ્યવસ્થા કરી આપીશ.'

'ઠીક છે...' રઘુવીરે ધીમેથી માથું હલાવ્યું. ત્યારબાદ કૉફી પી, રઘુવીરનો આભાર માનીને રજનીકાંત તથા સુનિતાએ વિદાય લીધી.

*****************

સાંજ આથમવાની તૈયારી હતી.

દિવ્યા પોતાના રૂમમાં હતી. એના હાથમાં પુસ્તક જકડાયેલું હતું પરંતુ તે વાંચતી નહોતી. જાણે ખૂબ જ માનસિક ગડમથલમાં હોય એવા હાવભાવ અત્યારે એના ચહેરા પર છવાયેલા હતા. સહસા પુસ્તકને ટેબલ પર મૂકીને તે ઊભી થઈ. હવે તે એકદમ સાવચેત અને સજાગ દેખાતી હતી. એના ચહેરા પર ભય કે ગભરાટનું નામોનિશાન પણ નહોતું. સૌથી પહેલાં આગળ વધીને એણે દરવાજાને પડદો સરકાવીને ઢાંક્યો પછી બારી બંધ કરીને તેને પણ પડદાથી ઢાંકી દીધી.

પછી આગળ વધીને એણે એક કબાટ ઉઘાડયો. કબાટમાં એના કપડાં તથા મેકઅપનો સામાન વગેરે પડયું હતું. એણે કપડાંનો ઢગલો ખસેડીને તેની પાછળથી રૂમાલથી બાંધેલી એક નાનકડી પોટલી કાઢી.

એણે રૂમાલમાં કોઈક વસ્તુ બાંધી રાખી હતી.

એણે રૂમાલની પોટલીને ઉપરના ભાગેથી ઊંચક્યા બાદ કબાટ બંધ કર્યો.

અત્યારે એનો ચહેરો એકદમ વિચિત્ર લાગતો હતો. એ ફરીથી ખુરશી પર આવીને બેઠી અને પોટલીને ઉઘાડી. રૂમાલમાં પથ્થર જેવી કોઈક વસ્તુ હતી. એનો આકાર પેપર વેઇટ જેવો હતો. પેપરવેઈટ જેવો દેખાતો એ પથ્થર વરસો જૂનો હતો. અગાઉના જમાનામાં એનો ઉપયોગ કદાચ પેપરવેઇટ તરીકે જ થતો હતો.. દિવ્યાની નજર થોડી પળો માટે પથ્થર પર પડેલા એક ડાઘ પર સ્થિર થઈ ગઈ.

એ ડાઘ લોહીનો હતો જે સુકાઈને સહેજ કાળો પડી ગયો હતો. દિવ્યાએ ફરીથી પથ્થરને રૂમાલમાં બાંધીને તેની પોટલીને પોતાની નાનકડી હેન્ડબેગમાં મૂકી દીધી અને પછી ઊભી થઈને દરવાજા તરફ આગળ વધી.

એ બહાર નીકળી.

હેન્ડબેગ એના હાથમાં જ હતી. બહાર નીકળીને એણે પોતાનો રૂમ લોક કર્યો.

પોતાના મમ્મી-ડેડી આવે, એ પહેલાં જ તે પોટલીમાં રહેલી વસ્તુને ઠેકાણે પાડી દેવા માંગતી હતી, કારણ કે જો આ પથ્થર પોતાના કબજામાંથી મળશે તો પોતે મમતાનું ખૂન કરવાના આરોપસર પકડાઈ જશે, એ વાત તે બહુ સારી રીતે જાણતી હતી.

આ સંજોગોમાં દુનિયાની કોઈ તાકાત એને સજામાંથી બચાવી શકે તેમ નહોતી.

દિવ્યાએ દરવાજો લોક કરીને પીઠ ફેરવી ત્યાં તે ચમકી ગઈ. એણે જોયું તો દેવયાની તેની તરફ જ આવતી હતી.

‘તું ક્યાંક બહાર જાય છે દિવ્યા ?' નજીક આવીને દેવયાનીએ પૂછ્યું. દિવ્યાના રોમેરોમમાં ક્રોધાગ્નિ ફરી વળ્યો.

'આ કમબખ્તને પણ અત્યારે જ આવવાનું સૂઝ્યું?' મનોમન એ બબડી. 'તેં મારી વાતનો જવાબ ન આપ્યો?' દેવયાનીએ ધ્યાનથી એની સામે તાકી રહેતાં પૂછ્યું.

'હા...' દિવ્યા તરત જ પોતાના મનોભાવ પર કાબૂ મેળવતાં બોલી, 'મમ્મી-ડેડી તો કોઈક કામસર શહેરમાં ગયા છે. હું અહીં એકલી બેઠી બેઠી કંટાળી ગઈ હતી એટલે મને થયું કે ચાલ, બહાર લટાર મારી આવું. એ બહાને 'ઈવનિંગ વૉક' પણ થઈ જશે.’

'કંટાળી તો હું પણ ગઈ છું.' દેવયાનીએ કહ્યું, ‘તારા અંકલ તો અત્યારે પ્રોફેસર સાહેબ પાસે છે અને ભગવાન જાણે ક્યારે તેઓ ફ્રી થશે. ચાલ, હું પણ તારી સાથે આવું છું.’

દેવયાનીની વાત સાંભળીને દિવ્યા એકદમ ચમકી ગઈ. એને પોતાની યોજના પર પાણી ફરી વળતું લાગ્યું.

'અંકલ તમને રજા આપશે ?' એને ટાળવાના હેતુથી દિવ્યાએ પૂછ્યું.

'ચોક્કસ... તું અહીં જ રોકાજે. હું જરા તારા અંકલને જાણ કરતી આવું.' વાત પૂરી કરીને જવાબની રાહ જોયા વગર જ દેવયાની પ્રોફેસર વિનાયકના રૂમ તરફ આગળ વધી ગઈ.

દિવ્યા સ્તબ્ધ હાલતમાં એને જતી તાકી રહી. દેવયાનીએ આવીને એને મૂંઝવણમાં મૂકી દીધી હતી. ઘડીભર તો દેવયાનીને પડતી મૂકીને ચાલ્યા જવાનો વિચાર પણ એને આવ્યો, પરંતુ પછી તરત જ એણે પોતાનો આ વિચાર માંડી વાળ્યો. દેવયાનીને શંકા ઊપજે એવું કોઈ પગલું ભરવા એ નહોતી માંગતી.

થોડી પળોમાં જ દેવયાની પાછી આવી એટલે બંને ફાટકમાંથી બહાર નીકળ્યાં.

બંને ચૂપ હતી. દિવ્યાને અત્યારે એક જ વિચાર આવતો હતો. જે પથ્થર વડે મમતાનું ખૂન થયું છે, એ પથ્થર અત્યારે પોતાની હેન્ડબેગમાં છે, એની જો દેવયાનીને ખબર પડે તો? થોડીવાર પછી દેવયાનીએ જ વાતચીતની શરૂઆત કરી. દિવ્યા બહુ ઓછું બોલતી હતી.

એ તો પોટલીને ઠેકાણે પાડી શકાય, એવી કોઈક અનુકૂળ તક શોધતી હતી, પરંતુ આવી કોઈ તક હજુ સુધી નહોતી સાંપડી, કારણ કે દેવયાની એની સાથેસાથે જ ચાલતી હતી.

છેવટે દિવ્યાએ જ પાછા ફરવા માટે કહેવું પડ્યું. પાછા ફરતી વખતે તેઓ ઈમારતની નજીક પહોંચ્યા ત્યારે અચાનક કોઈકને જોઈને દેવયાની ચમકી ગઈ.

'આ વળી કોણ છે અને પાછળના ભાગમાં શા માટે આંટા મારે છે ?' દિવ્યાએ પૂછ્યું.

‘ચાલવાની ઢબ પરથી તો મને તે ડૉક્ટર શરદકુમાર હોય એવું લાગે છે.' દેવયાનીએ કહ્યું.

દિવ્યાએ ધ્યાનથી જોયું તો તે ડૉક્ટર શરદકુમાર જ હતો. પોતે નજરે ચડી ગયો છે, એની કદાચ શરદકુમારને પણ ખબર પડી ગઈ હતી એટલે તે લાંબા લાંબા ડગલાં ભરતો આગલા ભાગ તરફ ચાલતો થયો.

'ડૉક્ટર શરદકુમાર અત્યારે અહીં શું કરતો હશે ?' દિવ્યાએ વિચારવશ અવાજે પૂછ્યું.

'શું ખબર પડે !' દેવયાની ખભા ઉછાળતાં બોલી, ‘જોકે મને આ ડૉક્ટરનું વ્યક્તિત્વ એકદમ રહસ્યમય લાગે છે. મેં અગાઉ પણ એકાદ- બે વખત તેને પાછળના ભાગમાં આંટા મારતો જોયો હતો. ભગવાન જાણે એના પર એવું તે કયું દુઃખ આવી પડયું છે કે જેને તે શરાબ પીને ભૂલવાનો પ્રયાસ કરે છે.'

દિવ્યા ચૂપ રહી.

તેઓ અંદર પ્રવેશ્યા ત્યારે તેમણે ડોક્ટર શરદકુમારને પોતાના રૂમમાં દાખલ થતો જોયો. પછી તેમની નજર શશીકાંતની વિધવા દીકરી રીમા પર પડી. રીમા પણ પોતાના રૂમના દરવાજા પાસે ઊભી ઊભી ડોક્ટર શરદકુમારને જતો તાકી રહી હતી. એ જ વખતે માધવ બહાર નીકળીને તેને અંદર લઈ ગઈ અને ઝડપથી રૂમનો દરવાજો બંધ કરી દીધો. દેવયાની પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ. દિવ્યાએ પોતાના રૂમની વાટ પકડી. રૂમમાં પાછી ફરીને એણે પોટલીને કબાટમાં સંતાડયા બાદ કબાટને તાળું મારી દીધું.

દેવયાનીના અણધાર્યા આગમને એની બાજી ઊંધી વાળી દીધી હતી.