જોશ - ભાગ 6 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોશ - ભાગ 6

૬ : મમતાનું ખૂન

બીજે દિવસે સવારનો નાસ્તો રજનીએ પોતાના રૂમમાં જ ફર્યો અને પલંગ પર બેસીને ગઈ કાલના બનાવો વિશે વિચારવા લાગી.

મમતાએ પોતાના ભૂતકાળ વિશે જે કંઈ જણાવ્યું હતું તે ખૂબ જ આશ્ચર્યજનક અને મૂંઝવણમાં મૂકી દે તેવું હતું.

એના દિમાગમાં અનેક સવાલો ગુંજતા હતા.

શું ખરેખર ભાસ્કર વિદેશી જાસૂસ હતો ?

શું એ નિર્દોષ હતો?

જો હા, તો પછી કોણે તેને ફસાવ્યો હતો અને ફસાવવા પાછળ એનો હેતુ શું હતો ?

જો ખરેખર ભાસ્કર માર્યો ગયો હતો તો પછી મમતાને ધમકીભર્યો પત્ર કોણ લખતું હતું? ભાસ્કરના નાના ભાઈ રાજેશ કે પછી બીજો કોઈક? પત્ર લખનારનો મુખ્ય ધ્યેય મમતાનું ખૂન કરવાનો છે કે પછી તે આ રીતે એને ફક્ત ડરાવી ધમકાવીને માનસિક સુખ મેળવવા માંગે છે? આ બધા સવાલો રજનીને ખૂબ જ અકળાવતા હતા.

પ્રોફેસર વિનાયક વાનમાં બેસીને પોતાના સહકારીઓ સાથે સવારે સાઈટ પર જવા માટે રવાના થાય, ત્યારે જ રજની મમતા પાસે જતી હતી.

એણે ઘડિયાળમાં સમય જોયો. નવ વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી.

પ્રોફેસર વિનાયક સવારે સાડા આઠ વાગ્યે જ ચાલ્યો જતો હતો. રજનીએ બહાર નીકળીને જોયું તો મમતાના રૂમનો દરવાજો બંધ હતો. તે કોઈને મમતા વિશે પૂછપરછ કરે એ પહેલાં જ મમતા તેને પ્રોફેસર વિનાયકની સાથે ફાટકમાંથી અંદર આવતી દેખાઈ. તે વરંડામાં ઊભી રહીને મમતાના નજીક આવવાની રાહ જોવા લાગી. વરંડામાં પહોંચ્યા પછી વિનાયક મમતાથી અલગ થઈને શશીકાંતના રૂમ તરફ આગળ વધી ગયો જયારે મમતા, રજનીની પાસે આવીને ઊભી રહી.

'સવારના પહોરમાં તમે પ્રોફેસર સાહેબ સાથે કઈ તરફ ગયા હતા ?' રજનીએ પૂછ્યું.

'હું ક્લિનિક પર ગઈ હતી.' મમતાએ જવાબ આપતાં કહ્યું, 'કાલે રાતથી મારી તબિયત બગડી હતી. થોડો તાવ પણ હતો. ડોક્ટર શરદકુમારે બે દિવસની દવા આપી છે. ખેર, ચાલ રૂમમાં જઈને નિરાંતે બેસીએ.' બંને રૂમમાં પહોંચીને બપોર સુધી વાતો કરતા રહ્યા.

બપોરે ડાઇનિંગ હોલમાં જઈને તેમણે ભોજન લીધું, ત્યારબાદ મમતા રાબેતા મુજબ સૂવા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ.

રજની પણ પોતાના રૂમમાં પહોંચીને સૂઈ ગઈ. રાત્રે ઉજાગરો થયો હોવાથી થોડી વારમાં જ તેને નીંદર આવી ગઈ. એની ઊંઘ ઊડી ત્યારે બપોરના ચાર વાગ્યા હતા.

એ રૂમમાંથી બહાર નીકળી ત્યારે એની નજર હરી નામના એક નોકર પર પડી. હરિ મમતાના રૂમમાંથી બહાર નીકળ્યો હતો અને તેના હાથમાં એક કવર જકડાયેલું હતું.

'આ પત્ર?' રજનીએ અમસ્તો જ તેને અટકાવીને પૂછ્યું.

'મમતા મૅડમે પોસ્ટ કરવા માટે આપ્યો છે... !' હરિએ જવાબ આપ્યો. રજનીએ ઉત્સુકતાવશ એના હાથમાંથી પત્ર લીધો. એનો હેતુ મમતાએ કોને પત્ર લખ્યો છે એ જાણવાનો હતો. પત્ર કોઈક ઈન્દ્રમોહન શર્માને લખવામાં આવ્યો હતો. કવર પર ઇન્દ્રમોહનનું નામ તથા સરનામું લખેલું હતું. હરિને કવર પાછું સોંપતી વખતે અનાયાસે જ રજની મનોમન એકદમ ચમકી ગઈ, કારણ કે કવર પરના અક્ષરો તેને જાણીતા લાગ્યા હતા.

પોતે આ અક્ષરો અગાઉ ક્યાં જોયા છે, એ યાદ કરવાનો તે પ્રયાસ કરવા લાગી.

વળતી જ પળે એની ચેતનાને ઝાટકો લાગ્યો. નર્યા અચરજ અને અવિશ્વાસથી એની આંખો વિસ્ફારિત થઈ ગઈ. એ ફાટી આંખે કવર પર લખેલા અક્ષરો સામે તાકી રહી. આ અક્ષરો મમતાને મળેલા ધમકી પત્રોના અક્ષરો સાથે મહદ્ અંશે મળતા આવતા હતા. ફર્ક માત્ર એટલો જ હતો કે મમતાના અક્ષરો સહેજ નાના અને એકસરખા હતા, જયારે પત્રોમાં લખેલા અક્ષરો મોટા તથ અલગ અલગ સાઈઝના હતા, પરંતુ બંને અક્ષરો વચ્ચે આશ્ચર્યજનક સમાનતા હતી.

'મેડમ...!' હરિના અવાજથી એની વિચારધારા તૂટી.

' 'આ લે...!' એણે હરિને પત્ર પાછો આપતાં કહ્યું, ‘અને સાંભળ... રસોડામાં દીનુકાકા હશે, તેમને મારા રૂમમાં ચા લાવવાનું જણાવી દેજે.

હરિ ધીમેથી હકારમાં માથું હલાવીને આગળ વધી ગયો. રજની પોતાના રૂમમાં આવીને ખુરશી પર બેસી ગઈ. એનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હતી. તે આ બનાવને જોગાનુજોગ માનવા માટે બિલકુલ તૈયાર નહોતી. ધમકીભર્યા પત્રો ક્યાંક મમતાએ પોતે જ તો પોતાની જાત પર નહોતા લખ્યા ને? એનો વિચાર તે કરતી હતી.

જો ખરેખર એમ હોય, તો મમતાએ આવું શા માટે કર્યું? આ સવાલ વારંવાર હથોડાની માફક રજનીના દિમાગ સાથે અથડાતો હતો, પરંતુ એનો કોઈ જ જવાબ એને નહોતો સૂઝતો.

બીજે દિવસે રજાનો દિવસ હતો. વસતિ પાસે મેળો ભરાયો હતો અને ખોદકામ કરતા મજૂરો એ મેળામાં જતા હોવાથી આજે રજા જાહેર કરવામાં આવી હતી.

આજે પ્રોફેસર વિનાયક ઘેર જ હોવાથી રજનીને મમતાની ખાસ કોઈ ફિકર નહોતી. એ ચાતક નજરે વામનરાવની રાહ જોતી હતી. મમતા પાસેથી જે કંઈ માહિતી મળી હતી, એ તે જેમ બને તેમ જલદીથી નાગપાલને પહોંચાડી દેવા માંગતી હતી.

આકાશ વાદળછાયું હતું, પરંતુ વરસાદ આવે એવું પણ નહોતું લાગતું. પ્રોફેસર વિનાયક, મમતા, પ્રભાકર તથા દેવયાની છત પર ચાલ્યા ગયા હતા.

ચારેય બપોરે નીચે ઊતરીને સાથે જમ્યા. જમી લીધા પછી મમતાએ આરામ કરવાની ઇચ્છા દર્શાવી તો વિનાયકે કહ્યું, 'ઠીક છે... તું આરામ કર. મારે પરીક્ષણ માટે અમુક જરૂરી નોંધ તૈયાર કરવાની છે એટલે હું છત પર જઉં છું. મિસ્ટર પ્રભાકર પણ મારી સાથે છે. તારી ઇચ્છા હોય તો તું પણ મારી સાથે ઉપર ચાલ !

"ના, મારી તબિયત સારી નથી એટલે હું તો આરામ જ કરીશ !'

'ઓ.કે, જેવી તારી મરજી... !'

ત્યારબાદ મમતા પોતાના રૂમમાં ચાલી ગઈ.

પ્રોફેસર વિનાયક પ્રયોગશાળામાંથી થોડાં પુસ્તકો લઈને પ્રભાકરની સાથે છત પર ચાલ્યો ગયો. એ વખતે બપોરના બે વાગ્યા હતા.

રજની પણ આરામ કરવા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. બપોરે એની ઊંઘ ઊડી ત્યારે ચાર વાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી. એ પલંગ પરથી ઊતરી, વસ્ત્રો તથા વાળ વ્યવસ્થિત કરીને બહાર નીકળી. એણે જોયું તો મમતાની રૂમનો દરવાજો ઉઘાડો હતો, પરંતુ એના પર પડદો લટકતો હતો.

એ વરંડામાં પાથરેલી ખુરશી પર બેસી ગઈ અને રસોડાની બહાર બેઠેલા દીનુને સંકેતથી ચા લાવવાનું જણાવ્યું.

એ જ વખતે એને કોઈકનાં પગલાંનો અવાજ સંભળાયો. એણે અવાજની દિશામાં નજર કરી તો તેને સીડીના પગથિયાં ઊતરીને પ્રોફેસર વિનાયક નીચે આવતો દેખાયો. એના ચહેરા પર થાકને બદલે સફળતાની તાજગી તરવરતી હતી. કદાચ તેને પુસ્તકોમાંથી જોઈતા પ્રયોગો મળી ગયા હતા.

‘ગુડ ઇવનિંગ પ્રોફેસર સાહેબ...!' રજનીએ એનું અભિવાદન કર્યું.

'ગુડ ઇવનિંગ... !' વિનાયકે સ્મિત ફરકાવીને એના અભિવાદનનો જવાબ આપ્યો અને પૂછ્યું, ‘મમતા ઊઠી ગઈ છે?’

'ખબર નથી !' રજનીએ જવાબ આપ્યો, ‘હું હજુ તેમની પાસે નથી ગઈ.'

'કંઈ વાંધો નહીં.'

વિનાયક પડદો ખસેડીને મમતાના રૂમમાં દાખલ થઈ ગયો અને બે જ મિનિટમાં તે વંટોળિયાની જેમ બહાર નીકળી આવ્યો.

એના ચહેરાનો રંગ ઊડેલો જોઈને રજની એકદમ ચમકી ગઈ.

'શું વાત છે પ્રોફેસર સાહેબ?' એણે પૂછ્યું.

'અંદર અંદર...' પ્રોફેસર વિનાયક કંપતા, લથડતા અને ત્રૂટક અવાજે જવાબ આપતાં બોલ્યો, 'અંદર મમતા...' બાકીના શબ્દો એના ગળામાં જ અટવાઈ ગયા.

'શું થયું છે મમતા મેડમને?' રજનીએ ઝડપથી ઊભી થઈને તેની નજીક પહોંચતાં પૂછ્યું.

“ક... કોઈકે એનું ખૂન કરી નાખ્યું છે !' વિનાયકે કંપતા અવાજે કહ્યું, ‘શું ?' રજની હેબતાઈને બોલી ઊઠી, ‘ઓહ ગોડ... !’ એનો અવાજ ચીસ જેવો હતો.

થોડી પળોમાં જ મમતાના ખૂનના સમાચાર આખી ઈમારતમાં ફરી વળ્યા. પ્રભાકર ઝપાટાબંધ પગથિયાં ઊતરીને આવ્યો અને રજનીને સાથે લઈને મમતાના રૂમમાં પ્રવેશ્યો.

મમતાનો મૃતદેહ પલંગ પાસે પડયો હતો. ખૂનીએ કોઈક વજનદાર વસ્તુનો પ્રહાર એના લમણાં પર ઝીંક્યો હોય એવું મૃતદેહની હાલત પરથી લાગતું હતું. લમણા પર એક મોટું ઢીમચું ઊપસી આવ્યું હતું અને થોડું લોહી પણ નીકળીને જામી ગયું હતું.

મમતાના ચહેરા પર અચરજ, ખોફ અને પીડાના હાવભાવ હતા. એની ઉઘાડી, નિર્જીવ આંખોમાંથી ભયંકરતા ટપકતી હતી.

પ્રભાકરે મૃતદેહનું નિરીક્ષણ કર્યું અને પછી પીઠ ફેરવીને રજની સામે જોતાં બોલ્યો, “આપણે તાબડતોબ પોલીસને જાણ કરવી પડશે. સાથે જ આ રૂમમાં કોઈ ન આવે, એવી સૂચના પણ આપી દેવી પડશે.'

રજનીએ ધીમેથી માથું હલાવ્યું.

બંને બહાર નીકળ્યા.

પ્રભાકરે રૂમાલની મદદથી હેન્ડલ પકડીને દરવાજો બંધ કર્યો અને ઇન્સ્પેક્ટર વામનરાવને ફોન કરવા માટે એક તરફ આગળ વધી ગયો. આ દરમિયાન સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પ્રોફેસર વિનાયક ઊંડા ઊંડા શ્વાસ ખેંચતો હતો. રજની તેને પાણી પિવડાવતી હતી. પાણીના બે-ચાર ઘૂંટડા ભર્યા પછી વિનાયકે રજનીને ગ્લાસ પાછો આપી દીધો અને પછી પ્રતાપસિંહ સામે જોતાં અફસોસભર્યા અવાજે બોલ્યો, 'મિસ્ટર પ્રતાપ, મમતાને સમજવામાં મેં કેટલી ભૂલ કરી નાંખી? હું હંમેશાં એમ જ વિચારતો હતો કે કોઈક પોતાનું ખૂન કરી નાંખવા માંગે છે, એવો ભ્રમ મમતાના મગજમાં ઘૂસી ગયો છે. છતાંય એના સંતોષ ખાતર મેં મિસ આરતીને પણ અહીં બોલાવી લીધી, પરંતુ મમતાની શંકા સાચી પડી અને ખૂની પોતાનું કામ પાર પાડી ગયો. કાશ... મને આવી ખબર હોત તો હું તેને એક મિનિટ માટે પણ એકલી ન રહેવા દેત.'

'જે થવાનું હતું, તે થઈ ગયું. પ્રોફેસર સાહેબ!' કહીને પ્રતાપસિંહ તેને આશ્વાસન આપવા લાગ્યો.

થોડીવારમાં જ ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાના લાવ-લશ્કર સાથે ત્યાં આવી પહોંચ્યો.

અહીં આવતાં પહેલાં એણે નાગપાલને પણ આ બનાવની જાણ કરી દીધી હતી.

વામનરાવે પ્રભાકર સાથે મમતાના રૂમમાં પહોંચીને બારીકાઈથી મૃતદેહનું નિરીક્ષણ કર્યું અને પછી બોલ્યો, 'ખૂન અત્યારથી લગભગ બે-અઢી કલાક પહેલા થયું હોય એવું લાગે છે. પ્રોફેસર સાહેબે મૃતદેહ ક્યારે જોયો, એ તમે કહી શકશો ?’

'પ્રોફેસર સાહેબ નીચે આવ્યા ત્યારે ચાર વાગીને ઉપર પાંચ-સાત મિનિટ થઈ હતી. ત્યારબાદ બે-ત્રણ મિનિટમાં જ મને પ્રોફેસરની ચીસ સંભળાઈ હતી.

‘અર્થાત્ પ્રોફેસર સાહેબે લગભગ ચાર ને દસ મિનિટે મૃતદેહ જોયો હતો અને ખૂન તેની એક-દોઢ કલાક પહેલાં એટલે કે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે થયું હતું.'

વામનરાવે ફરીથી નીચા નમીને મૃતદેહનું નિરીક્ષણ કર્યું અને પછી બોલ્યો, 'પ્રહાર અચાનક જ કરવામાં આવ્યો હતો. મમતા મૅડમ ખૂનીને ઓળખતાં હોય અને તેને રૂમમાં પ્રવેશતો જોઈને એમણે પલંગ પરથી ઊતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ સફળ થાય એ પહેલાં જ ખૂનીએ એમના લમણા પર પૂરી તાકાતથી કોઈક નક્કર વસ્તુનો ઘા ઝીંકી દીધો પરિણામે તરત જ એમનું મોત નીપજી ગયું.'

'મને પણ એવું લાગે છે.' પ્રભાકરે સહમતિસૂચક અવાજે કહ્યું.

‘રૂમમાં કોઈ વસ્તુને આડાઅવળી તો કરવામાં નથી આવી ને ?' 'ના... મૃતદેહ જોતાં જ મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.'

વામનરાવની શોધપૂર્ણ નજર રૂમમાં ચારે તરફ ફરવા લાગી. રૂમની બધી બારીઓ બંધ હતી. એણે પડદા સરકાવીને જોયું તો દરેક બારીઓની સ્ટોપર પણ અંદરથી ચડાવેલી હતી.

"રૂમમાં આવવા-જવા માટે એક જ દરવાજો છે.’ છેવટે એ પીઠ ફેરવીને પ્રભાકર સામે જોતાં બોલ્યો, 'બધી બારીઓ અંદરથી બંધ છે અને તેની સ્ટોપર પણ ચડાવેલી છે. આનો અર્થ એવો થયો કે ખૂની દરવાજામાંથી રૂમમાં પ્રવેશ્યો અને ખૂન કર્યા પછી એ જ માર્ગેથી બહાર ચાલ્યો ગયો.'

‘જી...' પ્રભાકરે ધીમેથી માથું હલાવ્યું.

થોડી વારમાં જ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ફોટોગ્રાફર તથા પોલીસ ડૉક્ટર પણ ત્યાં આવી પહોંચ્યા.

મૃતદેહને તપાસ્યા પછી પોલીસ ડૉક્ટરે જણાવ્યું કે મમતાનું ખૂન અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે થયું હતું. ખૂનીએ ખૂન કરવા માટે કોઈક લોખંડ, પથ્થર અથવા તો મિશ્રિત ધાતુની નક્કર વસ્તુનો ઉપયોગ કર્યો હતો.

વામનરાવે ફોટોગ્રાફર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને જરૂરી સૂચના આપી અને પછી જુબાની લેવા માટે બહાર નીકળી ગયો.

એણે શશીકાંતના ડ્રોઇંગરૂમમાં બેસીને વારાફરતી બધાની પૂછપરછ કરી. પૂછપરછમાં તેને જે માહિતી મળી, તે આ મુજબ હતી. બપોરે બેથી ચાર વાગ્યા સુધી પ્રોફેસર વિનાયક છત પર બેસીને પ્રયોગો માટે જરૂરી નોંધ તૈયાર કરતો હતો. પ્રભાકરનો પણ મોટાભાગનો સમય ઉપર જ વીત્યો હતો, પરંતુ આ દરમિયાન તે બે વખત નીચે આવ્યો હતો-પહેલીવાર બે ને પાંત્રીસ મિનિટે... ! એ વખતે તે પોતાના રૂમમાંથી સિગારેટનું પેકેટ તથા બે પુસ્તકો લઈને ઉપર ચાલ્યો ગયો હતો. બીજી વાર એ ત્રણને પાંચ મિનિટે નીચે આવ્યો હતો અને લગભગ પંદર મિનિટ સુધી નીચે રોકાયો હતો.

ફાધર જોસેફ પોતાના રૂમમાં હતો.

શશીકાંત જમ્યા પછી સાઇટ પર ચાલ્યો ગયો હતો યારે એની પત્ની માધવી પોતાની વિધવા પુત્રી રીમા સાથે શોપિંગ કરવા માટે ગઈ હતી. અને હજુ સુધી પાછી નહોતી ફરી. દેવયાની જમ્યા પછી સૂઈ ગઈ હતી, પરંતુ દિવ્યા પોતાના રીડિંગ રૂમમાં બેસીને એક નવલકથા વાંચતી હતી.

ડૉક્ટર શરદકુમારે દોઢ વાગ્યે ક્લિનિકેથી પાછા ફરી, વસ્ત્રો બદલીને ભોજન કર્યું હતું અને એક વખત મમતાના રૂમમાં જઈ, ત્યાં દસેક મિનિટ સુધી રોકાયા પછી બહાર નીકળીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. શરદકુમારના કહેવા મુજબ તે બે વાગીને પાંત્રીસ કે ચાલીસ મિનિટે મમતાના રૂમમાં ગયો હતો અને એ વખતે તે જીવતી હતી. પોતે મમતાની તબિયતના સમાચાર પૂછવા ગયો હતો, એમ પણ વધુમાં એણે જણાવ્યું હતું.

ફાટક પર મોજૂદ ચોકીદારોએ પણ આ સમયગાળા દરમિયાન અર્થાત્ અઢીથી ચાર વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સને અંદર આવતો કે અંદરથી બહાર જતો નહોતો જોયો.

મમતાના મોતનું સૌથી વધુ દુઃખ રજની તથા પ્રતાપસિંહને હતું. બનાવના સમયે સુનિતા પોતાના રૂમમાં હતી ત્યારે એનો પતિ રજનીકાંત ખરીદી માટે બહાર ગયો હતો.

ફોટોગ્રાફર તથા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટનું કામ પત્યા પછી ખૂનના હથિયારની શોધ કરવામાં આવી, પરંતુ મમતાના ફલેટમાંથી આવી કોઈ વસ્તુ ન મળી.

રજનીએ વામનરાવને ધમકીભર્યા પત્રો તથા મમતા સાથે થયેલી વાતચીત વિશે અક્ષરશ: જણાવી દીધું હતું.

પરંતુ વિનાયકની હાલત જોતાં અત્યારે તેને મમતાના પતિ ભાસ્કર કે ધમકીભર્યા પત્રો વિશે કશુંય જણાવવાનું વામનરાવને યોગ્ય ન લાગ્યું.

'રજની...' બધું કામ પતી ગયા પછી છેવટે એણે પૂછ્યું, 'મમતા મૅડમે એ પત્રો ક્યાં મૂક્યા હતા ?'

'ગોદરેજના કબાટમાં... અને કબાટની ચાવીઓ પણ તેમની પાસે જ રહેતી હતી.' રજનીએ જવાબ આપ્યો.

ત્યારબાદ ચાવી શોધીને કબાટ ઉઘાડવામાં આવ્યો.

એ વખતે પ્રભાકર પણ તેની સાથે જ હતો.

પરંતુ પછી તિજોરી ઉઘાડતાં જ એમના આશ્ચર્યનો પાર ન રહ્યો.

એમાં પત્રો તો ઠીક, કાગળનો એક નાનો ટુકડો પણ નહોતો.

તેમણે આખા કબાટની તલાશી લીધી. પરંતુ ધમકીપત્રોવાળું કવર ક્યાંય નહોતું.

'વામનરાવ સાહેબ !' રજની પોતાની શંકા વ્યક્ત કરતાં બોલી, 'પોતાની વિરુદ્ધ પોલીસને કોઈ કડી ન મળે એટલા માટે ખૂની મમતા મૅડમનું ખૂન કર્યા પછી ધમકીપત્રોવાળું કવર પણ પોતાની સાથે લઈ ગયો હોય એવું મને લાગે છે.'

'હું ...' વામનરાવે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘અત્યારે તો એમ જ માનવું રહ્યું ?'

ત્રણેય બહાર નીકળી આવ્યા. પોલીસની કાર્યવાહી પૂરી થઈ ત્યારે સાંજ આથમી ગઈ હતી. મમતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. વામનરાવ ત્યાંથી નીકળીને નાગપાલ પાસે પહોંચ્યો ત્યારે રાતના સાડા આઠ વાગી ગયા હતા. નાગપાલે હકલાને બોલાવીને વામનરાવ માટે કોફી મંગાવી.

વામનરાવે બધી હકીકત તેને કહી સંભળાવી અને પછી ઉમેર્યું, 'નાગપાલ સાહેબ, સાધારણ રીતે એમ કહી શકાય કે મમતાનું ખૂન બપોરે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે થયું છે. અને આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ત્યાં આવતો જતો નથી દેખાયો.'

'હૂ...' નાગપાલના ગળામાંથી હુંકાર નીકળ્યો.

'આ બધી વાતો પરથી આપને શું લાગે છે નાગપાલ સાહેબ?! ‘તને શું લાગે છે?' જવાબ આપવાને બદલે નાગપાલે સામો સવાલ કર્યો. 'મને તો આ કામ અંદરના જ કોઈક માણસનું હોય એવું લાગે છે!!'

‘બનવાજોગ છે કે એવું જ હોય.' નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો. ‘તો આવું જ બન્યું હશે, એની આપને પૂરી ખાતરી નથી શું?' 'વામનરાવ...!' નાગપાલ પોતાની પાઈપ પેટાવીને ઉપરાઉપરી બે- ત્રણ કસ ખેંચ્યા બાદ ગંભીર અવાજે બોલ્યો, 'આપણે કોઈ પણ પરિણામ પર પહોંચતાં પહેલા દરેક શક્યતાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. કેસના દરેક પાસાને પૂરેપૂરા ચકાસવા જોઈએ. પહેલી શક્યતા એ કે આ કામ અંદરના જ કોઈક માણસનું છે. બીજી શક્યતા એ કે આ કામ બહારના કોઈક માણસનું છે. બંને શક્યતાઓને નજર સામે રાખ. સૌથી પહેલાં અંદરના માણસને એક એક કરીને ચેક કર અને જો કંઈ વિશેષ જાણવા ન મળે તો પછી ખૂનીને

શોધવા માટે બહાર પ્રયત્ન કર. ખેર, તને કોઈના પર શંકા છે?'

‘લોકો તો ડૉક્ટર શરદકુમાર સાથે શંકાભરી નજરે જુએ છે, પણ આ કામ એનું હોય એવું મને નથી લાગતું... !' વામનરાવે કહ્યું.

'કેમ?'

'એટલા માટે કે ડોક્ટર શરદકુમાર જ એક એવો માણસ છે કે જેને મમતાના રૂમમાં આવતો-જતો જોવામાં આવ્યો હતો.’

'તો...?'

'નાગપાલ સાહેબ !' વામનરાવ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, 'જો ડોક્ટર શરદકુમાર જ ખૂની હોત તો એ ચૂપચાપ પાછો ન ચાલ્યો જાત. બલકે બહાર નીકળતાં જ એ શોર મચાવી મૂક્ત કે એણે મમતાનો મૃતદેહ જોયો છે. કોઈકે એનું ખૂન કરી નાખ્યું છે, પરંતુ શરદકુમારના કહેવા મુજબ એ જ્યારે મમતાના રૂમમાંથી બહાર નીકળ્યો, ત્યારે તે જીવતી હતી. અને જીવતી હતી એટલે તેને બુમરાણ મચાવવાની કંઈ જરૂર નહોતી એ તો સ્પષ્ટ જ છે.'

'આ રીતે તો પ્રોફેસર વિનાયક પણ ખૂની હોઈ શકે છે.' નાગપાલે કહ્યું. 'ના, પ્રોફેસર વિનાયક ખૂની ન હોઈ શકે.' વામનરાવે નકારમાં માથું હલાવ્યું.

'કેમ?'

'એટલા માટે કે પ્રોફેસર વિનાયક બપોરના બેથી ચાર વાગ્યા સુધી છત પર બેઠો હતો અને પ્રભાકર આ વાતનો સાક્ષી છે. ચાર ને પાંચ મિનિટે વિનાયક નીચે આવીને પત્નીના રૂમમાં ગયો ત્યારે જ તેને એના ખૂનની જાણ થઈ. ખૂન પણ તે અંદર ગયો, તેના એક દોઢ કલાક પહેલાં જ થઈ ચૂક્યું હતું. આ સંજોગોમાં પ્રોફેસર વિનાયક આપોઆપ જ શંકાની પરિધિમાંથી બહાર નીકળી જાય છે.’

'તો પછી ડૉક્ટર શરદકુમારને ચેક કર અને હા, ઈમારતની પાછળ જે માણસ દેખાયો હતો, એને પણ શોધવાનો પ્રયાસ કર. એને શોધવો ખૂબ જ જરૂરી છે. એની પાસેથી ઘણી અગત્યની વાતો જાણવા મળી શકે તેમ છે.'

'જરૂર...' વામનરાવે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. 'મમતાના પિતા કર્નલ ઇન્દ્રમોહનને જાણ કરી દીધી છે?'

'હા..' નાગપાલ થોડી પળો સુધી કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. 'વામનરાવ !' કશુંક વિચારીને છેવટે એ બોલ્યો, ‘મમતાએ જે પત્રોનો ઉલ્લેખ કર્યો છે એને ધ્યાનમાં રાખતાં તેના ખૂન પાછળ ભાસ્કરના નાના ભાઈ રાજેશનો જ હાથ હોય એવું લાગે છે. તારા કોઈક બાહોશ સહકારીને એ શહેરમાં મોકલીને મમતાએ જે કંઈ જણાવ્યું હતું, તે કેટલી હદ સુધી સાચું હતું, એની તપાસ કરાવ. આ ઉપરાંત ત્યાં મોજૂદ એકેએક માણસનો ભૂતકાળ ચેક કર. ખાસ કરીને જે લોકો છેલ્લા બે-ત્રણ મહિનાથી જ આવ્યા હોય એનો ભૂતકાળ ખાસ તપાસવાનો છે.'

'ઠીક છે...’

‘પોસ્ટમોર્ટમ અને ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ ક્યારે આવશે ?'

'કાલે સાંજ સુધીમાં આવી જશે.'

‘બંને રિપોર્ટની એક એક ઝેરોક્ષ મને પણ આપી જજે. રિપોર્ટ પરથી કોઈક કડી મળી આવે એ બનવાજોગ છે.'

'નાગપાલ સાહેબ, આપ ત્યાં રૂબરૂ આવ્યા હોત તો ચોક્કસ કોઈક કડી મળત.'

‘જરૂર પડશે તો હું પણ ત્યાં ચક્કર મારી આવીશ.'

આ દરમિયાન હકલો આવીને કૉફીનો કપ મૂકી ગયો હતો. વામનરાવે કોફી પીધી. ત્યારબાદ એણે નાગપાલની વિદાય લીધી ત્યારે રાતના દસ વાગી ગયા હતા. બીજે દિવસે કર્નલ ઇન્દ્રમોહન પુરાતત્ત્વ ખાતાની ઈમારતમાં પહોંચી ગયો હતો.

દીકરીના મોતે તેને સ્તબ્ધ કરી મૂક્યો હતો. એના ચહેરા પર પીડાની સાથે સાથે ક્રોધ તથા પ્રતિશોધના હાવભાવ સ્પષ્ટ જોઈ શકાતા હતા.

પ્રોફેસર વિનાયક જાણે વરસોથી બીમાર હોય એમ એનો ચહેરો એકદમ નૂર વગરનો અને ફિક્કો પડી ગયો હતો. માંડ માંડ એણે સવારે અડધો કપ ચા પીધી હતી અને બે બિસ્કિટ ખાધાં હતાં. કોઈ બાળકનું પ્રિય રમકડું તૂટી જાય અને તેની જે હાલત થાય, બિલકુલ એવી જ હાલત અત્યારે પ્રોફેસર વિનાયકની હતી. રડી રડીને એની આંખો સૂજી ગઈ હતી. પ્રભાકરે માંડ માંડ એને સંભાળ્યો હતો.

રહી રહીને તે એક જ વાતનું રટણ કરતો હતો.

મારી બેદરકારીએ જ મમતાનો ભોગ લીધો છે. હું મારી જાતને કદાપિ માફ નહીં કરી શકું.

પોસ્ટમોર્ટમની વિધિ પછી એ જ સાંજે મમતાના અંતિમ સંસ્કાર કરી નાંખવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કાર કરીને પાછા ફરતી વખતે કર્નલ ઇન્દ્રમોહન જરૂર કરતાં વધારે ગંભીર થઈ ગયો હતો. એનો ચહેરો એકદમ કઠોર હતો અને જડબાં સખતાઈથી ભીંસાઈ ગયાં હતાં.

એની આંખો અંગારાની જેમ લાલઘૂમ થઈ ગઈ હતી.

ઘેર આવતાં જ એ ક્રોધાવેશથી બોલી ઊઠ્યો હતો, ‘જે કોઈએ મારી દીકરીનું ખૂન કર્યું છે, એને હું જીવતો નહીં રાખું. હું એની સાથે મારી દીકરીના મોતનું વેર લઈશ. પછી ભલે મારે ફાંસીના માંચડે લટકી જવું પડે.'

એ વખતે દિવ્યા પણ ત્યાં હાજર હતી.

કર્નલ ઈન્દ્રમોહનની વાતની સૌથી વધુ અસર દિવ્યા પર જ થઈ હતી.

એના ધબકારા એકદમ વધી ગયા હતા અને કપાળ પરથી પરેસવાની ધાર નીતરવા લાગી હતી.

માંડ માંડ પોતાની હાલત પર કાબૂ મેળવીને એ પોતાના રૂમ તરફ આગળ વધી.

અલબત્ત, એના ચહેરા પર આવેલું આ પરિવર્તન રજનીની ચકોર દ્રષ્ટિથી જરા પણ છૂપું નહોતું રહ્યું.