જોશ - ભાગ 4 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોશ - ભાગ 4

૪ : ભેદી હિલચાલ

 

બીજે દિવસે વામનરાવ આરતી ઉર્ફે રજનીને લઈને રવાના થઈ ગયો.. રસ્તો ઊબડખાબડ હોવાને કારણે ક્યારેક એની જીપ ઊછળી પડતી હતી. જ્યારે તેઓ પુરાતત્ત્વખાતાની વિશાળ ઈમારતના કંપાઉન્ડમાં પહોંચ્યા, એ વખતે તેમણે જોયું તો પ્રોફેસર વિનાયક સાઈટ પર જવાની તૈયારીમાં હતો. એ પુરાતત્ત્વખાતાની વાન પાસે ઊભો હતો. અમુક કર્મચારીઓ વાનમાં બેસી ચૂક્યા હતા.

વાન પાસે પહોંચીને વામનરાવે જીપ ઊભી રાખી અને પછી નીચે ઊતરતાં બોલ્યો, 'હલ્લો, પ્રોફેસર સાહેબ !'

વિનાયકે એના અભિવાદનનો જવાબ આપ્યો અને પછી પ્રશ્નાર્થ નજરે જીપમાંથી ઊતરી રહેલી રજની સામે જોયું.

'પ્રોફેસર સાહેબ !' એની નજરનો અર્થ પારખીને વામનરાવ બોલ્યો, 'એનું નામ આરતી છે અને તે નારંગ હોસ્પિટલમાં કામ કરે છે. એને હું મમતા મૅડમની સાર-સંભાળ માટે લાવ્યો છું. આરતીની હાજરીથી મૅડમને એકલવાયું નહીં લાગે અને તેઓ સલામત પણ રહેશે. બાકીની વાતો હું તમને પછી નિરાંતે જણાવી દઈશ !'

એ જ વખતે વામનરાવની નજર એક આધેડ વયના શખ્સ પર પડી. એ શખ્સના ગળામાં આધુનિક બનાવટનો કેમેરો તથા ફલેશગન લટકતાં હતાં અને એ તેમની તરફ જ આવતો હતો.

'એ મિસ્ટર શશીકાંત પાટીલ છે !' વામનરાવની આંખોમાં પ્રશ્નાર્થચિહ્ન જોઈને વિનાયકે કહ્યું, 'સુનિતા એમની પત્ની અને રીમા તેમની દીકરી છે. તેઓના ડિપાર્ટમેન્ટના કામ અંગે ચાર-પાંચ દિવસ માટે બહારગામ ગયા હતા.'

આ દરમિયાન શશીકાંત તેમની નજીક આવી પહોંચ્યો હતો. વિનાયકે પરસ્પર બંનેનો પરિચય કરાવ્યો. ત્યારબાદ એ બોલ્યો, 'ચાલો ઇન્સ્પેક્ટર સાહેબ, હું મિસ આરતી સાથે મમતાની ઓળખાણ કરાવી દઉં.”

આરતી ઉર્ફે રજનીએ જીપમાંથી પોતાની સૂટકેસ ઊંચકી અને પછી વિનાયક સાથે તેના ફલેટ તરફ આગળ વધી. વામનરાવ તેમની પાછળ જ હતો. ફ્લેટમાં પહોચીને વિનાયકે રજની ઉર્ફે આરતીનો પરિચય પોતાની પત્ની મમતા સાથે કરાવ્યો. મમતાને જયારે ખબર પડી કે આરતી હવે તેની સાથે જ રહેશે, ત્યારે એણે રાહતનો શ્વાસ લીધો. એની આ પ્રતિક્રિયા વામનરાવની ચકોર નજરથી છૂપી નહોતી રહી. મમતા ચોક્કસ જ કોઈકના તરફથી પોતાના જીવનું જોખમ અનુભવે છે, એ વાતની તેને ખાતરી થઈ ગઈ. રજનીને ત્યાં જ મૂકીને વામનરાવ ચાલ્યો ગયો.

થોડીવાર પછી વિનાયક પણ પોતાના સ્ટાફ સાથે સાઇટ પર જવા માટે વિદાય થઈ ગયો.

રૂમમાં હવે રજની તથા મમતા બે જ જણ રહ્યાં હતાં. રજની ત્યાં રહેતા લોકો, તેમની આદતો તથા સ્વભાવ વિશે મમતા સાથે વાતો કરવા લાગી. હજુ સુધી એણે મમતાને તેની અંગત એકેય વાત નહોતી પૂછી.

બપોરે બંને સાથે જ જમ્યાં.

જમ્યા પછી મમતાને સૂઈ જવાની ટેવ હતી એટલે રજની પોતાને આપવામાં આવેલા રૂમમાં જઈને પલંગ પર આડી પડી.

અહીંનું વાતાવરણ એને ખૂબ જ રહસ્યમય લાગતું હતું. શહેરથી દૂર જૂની, વિશાળ ઈમારતમાં રહેતા લોકો...!

અહીં રહેતા લોકોનું વર્તુળ પણ સીમિત હતું. આમ ને આમ વિચારતાં વિચારતાં જ સાંજ પડી ગઈ.

સાંજે સાઇટ પરથી પાછા ફર્યા બાદ વિનાયકે પહેલાં રજનીનો પરિચય ડૉક્ટર શરદકુમાર સાથે કરાવ્યો. અત્યારે આ સમયે પણ શરદકુમાર શરાબ પીતો હતો. વિનાયકના જણાવ્યા અનુસાર શરદકુમારને રાત્રે જમતાં પહેલાં વ્હિસ્કીનાં બે-ત્રણ પેગ પીવાની ટેવ હતી. ક્યારેક તે વ્હિસ્કીની સાથે તળેલા કાજુ કે ફ્રૂટ ખાઈ લેતો. આ સંજોગોમાં જમવાનું એ માંડી વાળતો હતો. પોતાનું કોઈક દુઃખ દર્દ ભૂલવા માટે જ એણે અહીંની ઉજ્જડ હોસ્પિટલમાં નોકરી સ્વીકારી હતી. મોટે ભાગે તે ચૂપ જ રહેતો હતો અને બહુ વાતો નહોતો કરતો. વિનાયક રજનીને દિવ્યાની માન્યતા વિશે પણ જણાવ્યું. આ માન્યતા મુજબ ડોક્ટર શરદકુમાર ચોક્કસ કોઈક છોકરીના પ્રેમમાં પડ્યો હશે એ છોકરી બેવફા નીકળી હશે. પરિણામે શરદકુમારને લોકો પ્રત્યે નફરત થઈ ગઈ હોવી જોઈએ અને એટલા માટે જ તે હંમેશાં ગુમસૂમ અને ઉદાસ રહેતો હોવો જોઈએ.

ત્યારબાદ રજનીની મુલાકાત ફાધર જોસેફ સાથે થઈ.

ફાધર જોસેફ આઠ વાગ્યે ચર્ચ બંધ કરીને ત્યાં આવી જતો હતો. એની ઉંમર આશરે પચાસેક વર્ષ હતી. એનાં દાઢી-મૂંછ વધેલાં હતાં. એ હંમેશા પાદરી જેવાં વસ્ત્રો પહેરતો હતો. અહીં તો નહીં, પણ થોડે દૂર આવેલી વસતિમાં જરૂર થોડા ખ્રિસ્તીઓ રહેતા હતા, પરંતુ તેમાંથી બહુ ઓછા લોકો નિયમિત રીતે ચર્ચમાં આવતા હતા. ફાધર જોસેફને અહીં આવ્યાને હજુ બે-ત્રણ મહિના જ વીત્યા હતા. એની પહેલાં ચર્ચમાં પાદરી તરીકે ફાધર પીટર હતા, પરંતુ એકાએક હૃદયરોગનો હુમલો આવતાં, સારવાર મળે એ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના સ્થાને ફાધર જોસેફનું આગમન થયું હતું. ફાધર જોસેફનો અવાજ એકદમ કોમળ અને શાંત હતો. એના સૌમ્ય ચહેરા પર અનોખું તેજ અને આંખોમાં તીવ્ર ચમક પથરાયેલી હતી. આ તેજ અને ચમક કદાચ એની પવિત્રતાની જ હતી.

ત્યારબાદ વિનાયકે અન્ય લોકો સાથે પણ રજનીનો પરિચય કરાવ્યો અને છેવટે તેને લઈને મમતા પાસે પહોંચ્યો અને બોલ્યો, 'મિસ્ટર...! મારે અમુક પરીક્ષણ કરવાના છે એટલે હું પ્રયોગશાળામાં જઉં છું. ત્યાં જ ડાર્કરૂમમાં મિસ્ટર શશીકાંત પણ હશે. તેમને પણ અમુક નેગેટિવો પરથી પ્રિન્ટો કાઢવાની છે. હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ મમતા પાસે રહેજો.”

'ભલે...' રજનીએ ધીમેથી હકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ વિનાયકે સ્નેહથી મમતાનો ખભો થપથપાવ્યો અને રૂમમાંથી બહાર નીકળીને પ્રયોગશાળા તરફ આગળ વધી ગયો. રજની મમતા સાથે વાતો કરવા લાગી. રાત્રે બે વાગ્યે પ્રોફેસર વિનાયક પાછો ફર્યો. ઉજાગરો અને થાકનાં ચિહ્નો એના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.

રજની પોતાના રૂમમાં ચાલી ગઈ. એ રાત નિર્વિઘ્ને પસાર થઈ ગઈ, કશુંય અજુગતું ન બન્યું. પરંતુ ત્યાર પછીની રાત્રે... 'ઊઠો... ઊઠો...' અચાનક મમતાએ વિનાયકનો ખભો પકડીને તેને ઢંઢોળ્યો . વિનાયકે તરત જ બેઠા થઈને મમતા સામે જોયું. મમતાનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો. એની આંખોમાં ખોફ છવાયો હતો અને કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી. 'શું થયું મમતા?' એનો ગભરાટ પારખીને વિનાયકે પૂછયું. 'તમને મ્યુઝિયમમાં કોઈકના ચાલવાનો અવાજ નથી સંભળાતો ?' મમતાએ પૂછયું.

મમતાની વાત સાંભળીને વિનાયક એકદમ ચમક્યો.

એના બેડરૂમ તથા મ્યુઝિયમની વચ્ચે એક જ દીવાલ હતી.

એણે ધ્યાનથી સાંભળ્યું તો દીવાલની બીજ તરફ કોઈકનાં પગલાંનો અવાજ એના કાને સ્પષ્ટ રીતે અથડાયો. પછી સહસા મ્યુઝિયમમાં જાણે કોઈ વસ્તુ જમીન પર પડી હોય એવો અવાજ ગુંજ્યો.

‘મ્યુઝિયમમાં ચોક્કસ કોઈક છે...' વિનાયક પલંગ પરથી નીચે ઊતરતાં બોલ્યો, 'હું હમણાં જ તપાસ કરીને આવું છું.'

‘પ્લીઝ, મને એકલી છોડીને ન જાઓ.’ મમતાએ એનું બાવડું પકડતાં કહ્યું, ‘ક્યાંક કંઈ થઈ જશે તો...”

'કશું જ નહીં થાય... તેમ છતાંય જો તને ડર લાગતો હોય તો તું પણ મારી સાથે ચાલ.'

મમતા ત્યાં એકલી રોકાઈ શકે તેમ નહોતી એટલે એ પણ વિનાયકની સાથે બહાર નીકળી.

એ જ વખતે તેમને મ્યુઝિયમ પાસે એક માનવઆકૃતિ દેખાઈ.

'કોણ છે ત્યાં...?' વિનાયકે જોરથી બૂમ પાડીને પૂછ્યું. 'હું છું પ્રોફેસર સાહેબ!' જવાબમાં પ્રભાકરનો અવાજ ગુંજ્યો.

પ્રભાકર શિંદે આશરે બત્રીસેક વર્ષનો મહારાષ્ટ્રીયન યુવાન હતો. એનું શરીર મજબૂત તથા ચહેરો આકર્ષક હતો.

‘તમે અહીં શું કરો છો?' વિનાયકે એની નજીક પહોંચીને શંકાભર્યા અવાજે પૂછ્યું.

'મને ઊંઘ નહોતી આવતી એટલે બહાર લટાર મારવા નીકળ્યો હતો.' પ્રભાકરે જવાબ આપતાં કહ્યું, ‘પછી અચાનક જાણે મ્યુઝિયમમાં કોઈક હોય એવું મને લાગ્યું.'. 'એવું તમને શા માટે લાગ્યું હતું?'

“બારીના કાચમાંથી મને મ્યુઝિયમમાં અજવાળું દેખાયું હતું. હું તપાસ કરવા માટે જતો હતો, ત્યાં જ તમે મને ટોક્યો.' કહીને પ્રભાકરે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું, 'પણ તમે...?'

‘મ્યુઝિયમમાં કોઈકનાં પગલાંનો અવાજ સાંભળીને મમતાની ઊંઘ ઊડી ગઈ હતી. પછી મેં પણ ત્યાં કોઈક વસ્તુના પડવાનો અવાજ સાંભળ્યો. પછી શું હકીકત છે, એ જાણવા માટે હું બહાર નીકળ્યો, ત્યાં જ મેં તમને જોયા...!

બંને વાતો કરતા કરતા મ્યુઝિયમ પાસે પહોંચ્યા અને બારીના કાચમાંથી અંદર નજર કરી, પરંતુ અંદર ન તો તેમને અજવાળું દેખાયું કે ન તો કોઈનો પગરવ સંભળાયો.

બંનેએ પ્રશ્નાર્થ દૃષ્ટિએ એકબીજાની સામે જોયું.

'આપણે અત્યારે મ્યુઝિયમમાં તપાસ કરવી પડશે... ?' પ્રભાકરે પૂછ્યું. 'હા... પણ એ પહેલાં આપણે મિસ્ટર શશીકાંતને પણ અહીં બોલાવી લઈએ.' વિનાયકે હકારમાં માથું હલાવતાં કહ્યું, 'ગમે તેમ તોય તેઓ અહીંના એક જવાબદાર ઑફિસર છે.’

'ઠીક છે...' કહીને પ્રભાકર શશીકાંતના રૂમ તરફ આગળ વધી ગયો. આ દરમિયાન પ્રભાકરની પત્ની દેવયાની તથા રજની પણ પોતપોતાના રૂમમાંથી બહાર નીકળી આવી હતી.

રજનીને મ્યુઝિયમવાળી વાત જાણવા મળતાં જ તે મમતા તથા દેવયાનીને સાથે લઈને તેના રૂમમાં ચાલી ગઈ.

થોડીવારમાં જ શશીકાંત પણ આવી ગયો.

મ્યુઝિયમનું તાળું ઉઘાડવામાં આવ્યું અને સૌથી પહેલા શશીકાંત જ અંદર પ્રવેશ્યો. શશીકાંતે લાઈટ ચાલુ કરી. મ્યુઝિયમમાં અજવાળું ફેલાઈ ગયું. ત્યાં જૂના જમાનાનાં વાસણો, માટી, પિત્તળ તથા પથ્થરની પ્રાચીન મૂર્તિઓ તેમજ એવી જ બીજી ઘણી બધી વસ્તુઓ પડી હતી. તેઓએ જે-જે સ્થળે કોઈના છુપાવાની શક્યતા હતી, એ બધાં સ્થળોએ તપાસ કરી જોઈ. પરંતુ ક્યાંય કોઈ જ નહોતું. બધી બારીઓ તથા વેન્ટિલેશન અંદરથી બંધ હતા અને તેમની સ્ટોપરો ચડાવેલી હતી. આ સંજોગોમાં કોઈ કેવી રીતે અંદર પ્રવેશીને ચાલ્યું ગયું, એ વાત નવાઈ પમાડે એવી હતી. અલબત્ત, જમીન પર પિત્તળની એક ફૂલદાની જરૂર પડી હતી, જેને ઊંચકીને યથાસ્થાને મૂકી દેવામાં આવી. “તમારા લોકોની કોઈ ગેરસમજ તો નથી થઈ ને?' સહસા શશીકાંતે પૂછ્યું.

'મિસ્ટર શશીકાંત... !' પ્રોફેસર વિનાયક બોલ્યો, 'મમતાની કદાચ ગેરસમજ ભલે થઈ હોય, પણ મારી તો બિલકુલ નથી થઈ. મેં મારા સગા કાને અહીં, મ્યુઝિયમમાં કોઈ વસ્તુ પડવાનો અવાજ સાંભળ્યો હતો. છતાંય માની લઈએ કે મારી ગેરસમજ થઈ હશે, પણ મિસ્ટર પ્રભાકરની કંઈ ગેરસમજ ન જ થઈ હોય. એમણે પોતાની નજરો નજર મ્યુઝિયમની બારીના કાચમાંથી બહાર રેલાતો પ્રકાશ જોયો હતો. ઉપરાંત પિત્તળની ફૂલદાની જમીન પર પડી હતી એનાથી પણ મારી વાતને સમર્થન મળી જાય છે. અહીં, આ બધું શું થાય છે, એ જ મને કંઈ નથી સમજાતું...!'

'મિસ્ટર શશીકાંત...!' પ્રભાકરનો અવાજ મક્કમ હતો, ‘હું સોગંદપૂર્વક કહું છું કે મેં ખરેખર મ્યુઝિયમમાં અજવાળું જોયું હતું.’

'જો તમારા બંનેની વાત સાચી માનીએ તો સવાલ એ ઊભો થાય છે કે મ્યુઝિયમમાં કોણ હતું ? એ કેવી રીતે અંદર આવ્યો અને કેવી રીતે ચૂપચાપ બહાર પણ ચાલ્યો ગયો. સૌથી અગત્યની બાબત તો એ કે તે શા માટે મ્યુઝિયમમાં દાખલ થયો હતો?'

‘ક્યાંક એનો ઇરાદો ચોરી કરવાનો તો નહોતો ને?' પ્રોફેસર વિનાયકે પોતાની શંકા વ્યક્ત કરતાં પૂછ્યું.

પ્રોફેસરની વાતે પ્રભાકર તથા શશીકાંતને ચમકાવી મૂક્યા. બંને મોં વકાસીને એકબીજાની સામે જોવા લાગ્યા.

'મિસ્ટર પ્રભાકર !' છેવટે શશીકાંત બોલ્યો, ‘તમે કાલે મ્યુઝિયમની ચીજવસ્તુઓ ચેક કરી લેજો. તમને જરૂર લાગતી હોય તો મિસ્ટર રજનીકાંતને પણ સાથે રાખજો.'

'ભલે... હું કાલે ચેક કરી લઈશ, પણ સાઈટનું કામ...'

'એની ફિકર ન કરો... !' શશીકાંતે વચ્ચેથી જ તેને અટકાવીને કહ્યું,

'સાઈટનું કામ હું અને પ્રોફેસર સાહેબ સંભાળી લેશું... !'

'ઓ.કે...' પ્રભાકરે ધીમેથી માથું હલાવ્યું. ત્રણેય મ્યુઝિયમમાંથી બહાર નીકળ્યા.

પ્રભાકર દરવાજો બંધ કરીને તાળું મારવા લાગ્યો. અચાનક તેમને એક દિશામાંથી કોઈકનાં પગલાંનો અવાજ સંભળાયો. પગલાંનો એ અવાજ પ્રત્યેક પળે નજીક આવતો જતો હતો.

ત્રણેયે અવાજની દિશામાં નજર કરી. તેમણે જોયું તો ફાધર જોસેફ ઉતાવળા પગલે તેમની તરફ જ આવતો હતો.

આ દરમિયાન પ્રભાકરે દરવાજાને તાળું મારી દીધું હતું.

'શું વાત છે?' નજીક આવીને ફાધર જોસેફે પૂછ્યું, 'તમે લોકો હજુ પણ જાગો છો?’

જવાબ આપવાને બદલે પ્રભાકર તથા વિનાયકે શશીકાંત સામે જોયું. 'ફાધર... !' એ બંનેની નજરનો અર્થ સમજીને શશીકાંત બોલ્યો, 'અહીં, મ્યુઝિયમમાં કોઈ છે, એવી શંકા અમને ઊપજી હતી !!'

'શંકા ઊપજવાનું કારણ?'

'શંકા ઊપજવાનું કારણ એ છે કે પ્રોફેસર સાહેબ તથા મમતા મૅડમે મ્યુઝિયમમાંથી કોઈકનાં પગલાંનો તેમ જ કોઈક વસ્તુના જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો હતો જયારે મિસ્ટર પ્રભાકરે મ્યુઝિયમમાં અજવાળું જોયું હતું. બસ, એ કારણસર અમે તપાસ કરવા માટે મ્યુઝિયમમાં આવ્યા હતા. પણ અહીં તો એવું કશુંય અમને જોવા નથી મળ્યું.' શશીકાંતે કહ્યું.

‘અહીં ચિત્ર-વિચિત્ર બનાવો શા માટે બને છે, એ કંઈ નથી સમજાતું.! ફાધર જોસેફ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'કોણ જાણે આ બધું શું થવા બેઠું છે ?'

'ફાધર...!' શશીકાંતે કહ્યું, 'અપરાધીને પોતાનો હેતુ પાર પાડવાની તક ન મળે એટલા માટે આપણે બધાએ એકદમ સજાગ અને સાવચેત રહેવું પડશે.'

'તમારી વાત સાચી છે.' ફાધર જોસેફે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું, 'ખેર, તમે આ બનાવની પોલીસને જાણ કરશો ?’

'આ બાબતમાં આપનો શું અભિપ્રાય છે ?' શશીકાંતે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'મારો અભિપ્રાય તો એવો છે કે પોલીસને જાણ કરવી જ જોઈએ. અલબત્ત, પોલીસ આ બનાવને મહત્ત્વ આપે કે નહીં, એ જુદી વાત છે.'

‘ખેર, ઇન્સ્પેક્ટર વામનરાવ સાથે મુલાકાત થશે, ત્યારે હું તેને આ બનાવ વિશે ચોક્કસ જણાવી દઈશ.'

ત્યારબાદ સૌ પોતપોતાના રૂમ તરફ આગળ વધી ગયા. પ્રોફેસર વિનાયક પોતાના રૂમમાં પહોંચ્યો.

એણે ત્યાં મમતા પાસે મોજૂદ રજનીને ટૂંકમાં બધી વિગતો જણાવી દીધી.

રજની કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કર્યા વગર પોતાના રૂમમાં આવીને સૂવાનો પ્રયાસ કરવા લાગી.

પરંતુ એની આંખોમાં ઊંઘનું નામોનિશાન પણ નહોતું. તે અત્યાર સુધી બનેલા બનાવોને એકબીજાની સાથે સાંકળવાનો પ્રયાસ કરવા લાગી.

પણ પ્રત્યક્ષમાં તેને દરેક બનાવો વચ્ચે કોઈ સંબંધ નહોતો દેખાતો. છેવટે વિચારી વિચારીને મગજ થાકતાં જ એની આંખો ઘેરાવા લાગી. થોડીવારમાં જ એને ઊંઘ આવી ગઈ.

********************

બીજે દિવસે પ્રભાકર, રજનીકાંત સાથે મ્યુઝિયમની એક-એક વસ્તુઓ ચેક કરતો હતો. બપોરે તેમણે માત્ર એક કલાકનો આરામ લીધો હતો. ત્યારબાદ તેઓ ફરીથી કામે વળગી ગયા હતા.

ચાર વાગ્યે ઈન્સ્પેક્ટર વામનરાવ જીપમાં બેસીને આવી પહોંચ્યો. વામનરાવ સીધો મ્યુઝિયમમાં ગયો. ત્યાં એણે પ્રભાકર તથા રજનીકાંત સાથે વાતો કરી. પ્રભાકરે તેને રાત્રે બનેલા બનાવ વિશે વિસ્તારપૂર્વક જણાવી દીધું. બધી વિગતો સાંભળ્યા પછી વામનરાવે હોલમાં ચારે તરફ શોધપૂર્ણ નજરે જોયું. સહસા તેને ધાતુની બનેલી એક સ્ત્રીની મૂર્તિના માથા પર મીણ ચોંટેલું દેખાયું. એણે આગળ વધીને મીણ પર પોતાના જમણા હાથની પહેલી આંગળી ફેરવી.

'મિસ્ટર પ્રભાકર... !' એણે ગરદન ફેરવીને પ્રભાકર સામે જોતાં પૂછ્યું, 'રાત્રે અહીં લાઈટ ન હોય, અથવા તો અચાનક જ વિદ્યુત પુરવઠો ખોરવાઈ જાય તો તમે અહીં મીણબત્તી પેટાવો છો?.'

'ના...' પ્રભાકરે નકારમાં માથું હલાવ્યું.

‘તો પછી હું ખાતરીથી કહું છું કે રાત્રે ચોક્કસ કોઈક અહીં આવ્યું અને આવ્યા પછી એણે મીણબત્તી પણ પેટાવી હતી.'

'મીણબત્તી?' પ્રભાકરે ચમકીને પૂછ્યું.

'હા... જો એવું ન હોત તો આ મૂર્તિ પર મીણ ન ચોંટ્યું હોત !' વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, 'આવનાર શખ્સ મીણબત્તી લઈને શા માટે આવ્યો, એ મને કંઈ નથી સમજાતું. તે ટોર્ચ લઈને પણ આવી શકે તેમ હતો.'

વામનરાવની આ વાતનો કોઈની પાસે જવાબ નહોતો એટલે બંને ચૂપ જ રહ્યા.

‘મ્યુઝિયમમાંથી કોઈ ચીજવસ્તુ ગુમ થઈ છે?' વામનરાવે પૂછ્યું. 'એ તો અત્યારે કેમ કહી શકાય ?' પ્રભાકરે કહ્યું, 'અમે બધી ચીજવસ્તુઓ જ ચેક કરીએ છીએ.'

‘ઠીક છે... જો કોઈ વસ્તુ ગુમ થઈ હોય તો મને જાણ કરજો.’

'ભલે...'

ત્યારબાદ વામનરાવે રજનીના રૂમ પાસે પહોંચીને દરવાજા પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ રજનીએ દરવાજો ઉઘાડયો. બહાર વામનરાવને જોઈને તે એક તરફ ખસી ગઈ.

વામનરાવ અંદર પ્રવેશીને એક ખુરશી પર બેસી ગયો. રજનીએ દીનુ નામના એક નોકરને બોલાવીને બંને માટે ચા મંગાવી. ચા પીવા દરમિયાન બંને વચ્ચે થોડી ઔપચારિક વાતો થઈ.

‘મમતા પાસેથી કંઈ જાણવા મળ્યું?' છેવટે વામનરાવે મુદ્દાની વાત પર આવતાં પૂછ્યું.

'મમતા સાથે અત્યાર સુધીમાં મારી જે કંઈ વાતચીત થઈ છે, તેના પરથી મને એવું લાગે છે કે એને મારા પર ભરોસો નથી. ક્યારેક ક્યારેક તો મેં એની આંખોમાં મારા પ્રત્યે શંકાના હાવભાવ પણ જોયા છે. જે શખ્સ તરફથી એને જોખમ છે, એ શખ્સ સાથે હું સંકળાયેલી છું, એવું કદાચ એ માને છે. જો તેને મારી વાસ્તવિકતાની ખબર પડે અને જાણ થાય કે હું અહીં એના રક્ષણની સાથે સાથે જે શખ્સથી તે ભયભીત છે, એનો પત્તો લગાવવા માટે આવી છું, તો કદાચ એ કંઈક જણાવશે.’

'હમણાં તારી વાસ્તવિકતા વિશે મમતાને કંઈ કહેવું યોગ્ય નહીં ગણાય.' વામનરાવ વિચારવશ અવાજે બોલ્યો, 'અર્થાત્ તું સી.આઈ.ડી.ની એજન્ટ છો, એની ચોખવટ કરવાની જરૂર નથી.'

'કેમ?'

'એટલા માટે કે મમતાની હાલત અત્યારે એવી છે કે એ તાબડતોબ કોઈના પર ભરોસો કરી શકે તેમ નથી. આ સંજોગોમાં તારી વાત પર ભરોસો ન બેસે અને તે તને દોસ્તનાં રૂપમાં દુશ્મન માની બેસે, એ બનવાજોગ છે.'

'તમારી માન્યતા સાચી પણ હોઈ શકે છે ?'

'તને અહીં કોઈ જાતની તકલીફ તો નથી ને...?’

રજનીએ કશુંક કહેવા માટે મોં ઉઘાડયું કે અચાનક વામનરાવે નાક પર આંગળી મૂકીને તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો. ત્યારબાદ તે સ્ફૂર્તિથી ઊભો થઈને દબાતે પગલે દરવાજા તરફ આગળ વધ્યો. એણે પડદો ખસેડીને જોયું તો તેને મમતા પોતાના રૂમ તરફ જતી દેખાઈ. પછી જોતજોતામાં જ એ રૂમમાં પ્રવેશીને નજરે ચડતી બંધ થઈ ગઈ. આ દરમિયાન રજની પણ દરવાજા પાસે આવી પહોંચી હતી.

'કોણ હતું વામનરાવ સાહેબ?' એણે પૂછ્યું.

'મિસ્ટર વિનાયકની પત્ની... મમતા !' વામનરાવે ધીમેથી જવાબ આપ્યો.

‘તો શું એ છુપાઈને આપણી વાતો સાંભળતી હતી?'

'હા...' વામનરાવ સ્મિત ફરકાવતાં બોલ્યો, 'અને હું માનું છું ત્યાં સુધી એ સારું જ થયું છે.'

'કેમ?' રજનીએ સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

'આપણે મમતાના સાચા અર્થમાં શુભેચ્છક છીએ, તેની એને ખબર પડી જાય, એવી જ આપણી ઇચ્છા હતી ખરું ને? તો આપણી વાત સાંભળીને તેને આ વાતની ખાતરી થઈ ગઈ હશે. હવે એ ટૂંક સમયમાં જ મોકળા હૃદયે તારી સાથે વાતો કરશે. અને જો એવું બને તો તરત જ મને જાણ કરજે. મારો નંબર તો છે જ તારી પાસે.'

રજનીએ ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

ત્યારબાદ વામનરાવ ત્યાંથી વિદાય થઈ ગયો.

એ જ સાંજે મમતા, રજનીને લઈને ફરવા માટે નીકળી પડી. રજની ઝીણવટભરી નજરે મમતાના હાવભાવનું અવલોકન કરીને એના મનનો તાગ મેળવવા મથતી હતી. મમતાનો ચહેરો ગંભીર હતો અને આંખોમાં મૂંઝવણ તરવરતી હતી. બંને એક પગદંડી પર આગળ વધતાં ખૂબ દૂર નીકળી આવ્યાં હતાં. મમતા કોઈનાથી જીવનું જોખમ અનુભવે છે, તો આટલે દૂર સુધી શા માટે આવી છે, એ રજનીને કંઈ નહોતું સમજાતું, પરંતુ બંને ચૂપ હતી. રજનીએ એક વખત મમતા પાસેથી પુરાતત્ત્વ ખાતાના ખોદકામ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મમતાને પતિના કામકાજમાં કંઈ રસ ન હોવાથી એ કશુંય નહોતી જણાવી શકી. 'મેડમ...!' છેવટે સૂર્યાસ્ત થતાં જ રજની બોલી ઊઠી, 'આપણે હવે પાછા ફરી જવું જોઈએ, કારણ કે થોડી વારમાં જ અંધારું થઈ જશે.'

'ચાલ...'

બંને પાછી ફરી. તેઓ જે પગદંડી પર ચાલતી હતી, તે વિશાળ ઈમારતના પાછલા ભાગ તરફ હતી. સહસા ઇમારત પાસે પહોંચતાં જ મમતા એકદમ ચમકી ગઈ. એનો ચહેરો સફેદ થઈ ગયો. એની આંખો ભય અને ખોફથી પહોળી થઈ ગઈ. ઇમારતના પાછલા ભાગ સામે જોતાં જોતાં એના કંઠમાંથી ચીસ નીકળી ગઈ. સાથે જ એણે મજબૂતીથી રજનીનો હાથ પકડી લીધો.

'શું વાત છે મૅડમ?' રજનીએ ચમકીને પૂછ્યું. 'એ... એ...' એક તરફ આંગળી ચીંધીને મમતા માત્ર આટલું જ બોલી શકી.

રજનીએ જોયું તો એક શખ્સ ઈમારતની બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કરતો હતો. એણે ચેક્સવાળી ડિઝાઈનનો કોટ તથા કાળું પેન્ટ પહેર્યા હતા. એના માથા પર મફલર વીંટાળેલું હતું. કદાચ પોતાનો ચહેરો છુપાવવા માટે એણે આવો વેશ ધારણ કર્યો હતો.

'ચિંતા ન કરો મૅડમ !' રજનીએ મમતાને આશ્વાસન આપતાં કહ્યું, 'ડરવાની પણ જરૂર નથી. હું હમણાં જ જઈને તેને પૂછું છું કે એ કોણ છે ને અહીં શું કરે છે?'

'ના... આરતી! તું એની સાથે કોઈ વાત કરીશ નહીં!' એ જ વખતે જાણે તેમની હાજરીનો આભાસ મળી ગયો હોય એમ તે શખ્સ બારી પાસેથી ખસીને એક તરફ આગળ વધવા લાગ્યો.

‘એ મિસ્ટર, ઊભા રહો.' રજનીએ જોરથી બૂમ પાડી. એ માનવી ઊભો રહી ગયો. એણે ત્યાંથી નાસી છૂટવાનો કોઈ પ્રયાસ ન કર્યો.

રજની એની નજીક જઈ પહોંચી. તે આશરે પચાસેક વર્ષનો એક યુવાન હતો. એના દાઢીમૂછ વધેલા હતા. એની આંખો અંગારાની જેમ ચમકતી હતી. એના ચહેરા પર ક્યાંક ક્યાંક ચણાની દાળ જેવડાં શીતળાનાં ચાઠાં હતાં અને ડાબી આંખની ઉપરના ભાગે કપાળ પર કોઈ જૂના ઝખમનું નિશાન હતું. '

'ફરમાવો...' એણે પ્રશ્નાર્થ દૃષ્ટિએ રજની સામે જોયું.

'કોણ છો તું?'

'મારું નામ જાણીને શું કરશો? કામ હોય, એ કહી નાંખો.'

‘તું ત્યાં બારીમાંથી શું જોતો હતો?’

'આ ઈમારતના કોઈક રૂમમાં ખોદકામ દરમિયાન મળી આવેલી પુરાતન વસ્તુઓ રાખવામાં આવે છે, એવું મને જાણવા મળ્યું હતું એટલે હું બારીમાંથી એ વસ્તુઓ જોવાનો પ્રયાસ કરતો હતો.'

‘તું એ વસ્તુઓ જોવા માટે જ અહીં આવ્યો હતો?' રજનીએ કઠોર અવાજે પૂછ્યું.

'હા... બીજું કોઈ કારણ નથી.'

ત્યારબાદ રજની વધુ કંઈ પૂછપરછ કરે, તે પહેલાં જ એ શખ્સ પીઠ ફેરવીને વસતિ તરફ જતા માર્ગ પર લાંબા-લાંબા ડગ માંડતો આગળ વધીને જોતજોતામાં જ દેખાતો બંધ થઈ ગયો.

રજનીએ પીઠ ફેરવીને મમતા સામે જોયું તો એના ચહેરાનો રંગ હજુ પણ ઊડેલો જ હતો.

'મૅડમ, તમે એ માણસને જોઈને આટલાં ભયભીત શા માટે થઈ ગયાં...?' એણે પૂછ્યું.

'હું... હું...' મમતા કંપતા અવાજે બોલી, ‘હું એમ માનતી હતી કે આ શખ્સ, જેનાથી મને જોખમ છે, એ જ અથવા તો એનો કોઈ સાથીદાર છે અને ઈમારતના હું કઈ જગ્યાએ મારા પતિ સાથે રહું છું, તે બારીમાંથી જાણીને મારું ખૂન કરવા માંગે છે.’

'તમે કોની વાત કરો છો? કોણ છે એ માણસ અને શા માટે તમારું ખૂન કરવા માંગે છે?.

'આરતી... !' મમતા એક ઊંડો શ્વાસ લેતાં બોલી, 'મને તારા પર ભરોસો બેસી ગયો છે એટલે મેં તને બધું જ જણાવી દેવાનો નિર્ણય લીધો છે, પરંતુ તારે મને એક વચન આપવું પડશે કે હું જે કંઈ જણાવું, એ તારે કોઈનેય કહેવાનું નહીં. ઈન્સ્પેક્ટર વામનરાવને પણ નહીં. હા, જો મારું ખૂન થઈ જાય તો તું ચોક્કસ પોલીસને બધું જણાવી દેજે જેથી પોલીસ મારા ખૂનીને ફાંસીના માંચડે પહોંચાડી શકે.'

રજનીએ ધીમેથી માથું હલાવ્યું અને તેની સાથે આગળ વધી ગઈ.