જોશ - ભાગ 2 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

જોશ - ભાગ 2

૨ : દુષ્ટ આત્મા... !

પ્રોફેસર વિનાયકને બેડરૂમમાં પ્રવેશતો જોઈને સુનિતા તથા દેવયાની ઊભી થઈ ગઈ.

મમતા પલંગ પર સૂતી હતી. પતિને જોઈ એણે પણ બેઠા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિનાયકે તેને એમ કરતી અટકાવીને લાગણીભીના અવાજે કહ્યું, 'સૂતી રહે મમતા... ! અત્યારે તને આરામની ખૂબ જ જરૂર છે.' મમતાએ એક ઊંડો શ્વાસ ખેંચીને બેઠા થવાનો પ્રયાસ પડતો મૂકી દીધો.

દેવયાની તથા સુનિતાએ ફરીથી એકવાર મમતાને સમજાવી અને પછી વિનાયકની રજા લઈ, અભિવાદન કરીને વિદાય થઈ ગઈ.

વિનાયકે દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી તે મમતાની પાસે આવીને બેસી ગયો. એણે ધ્યાનથી મમતાના ચહેરાનું નિરીક્ષણ કર્યું. મમતાનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો. એની મોટી મોટી આંખોમાં મોતનો ખોફ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. એના હોઠ કંપતા હતા. છાતી ધમણની માફક ઊછળતી હતી અને કપાળ પર પરસેવાનાં બિંદુઓ ચમકતાં હતાં.

'તું નાહક જ ડરે છે મમતા...' વિનાયકે અત્યંત સ્નેહથી એના માથા પર હાથ ફેરવતાં કોમળ અવાજે કહ્યું, ‘જરૂર તેં કોઈક સપનું જોયું હશે.'

'તો શું તમે પણ એમ માનો છો કે હું જૂઠું બોલું છું ને મેં કોઈક સપનું જોયું હતું ?' વાત પૂરી કર્યા બાદ મમતા રૂમમાં ચારે તરફ નજર દોડાવવા લાગી. સહસા એની નજર એક સ્થળે સ્થિર થઈ ગઈ. પછી તે એ તરફ આંગળી ચીંધતાં બોલી, 'ત્યાં જમીન પર જુઓ... એ જગ્યાએ તમને પાઉડર જેવો પદાર્થ પડેલો નથી દેખાતો ?' વિનાયકે એણે બતાવેલ જગ્યા તરફ દૃષ્ટિ કરી. પછી ત્યાં પાઉડર જોતાં જ એ ચમક્યો. એણે ઝડપભેર ત્યાં પહોંચીને જમીન પર વેરાયેલા પાઉડરનું નિરીક્ષણ કર્યું. એની ચપટી ભરીને સૂંધ્યો તથા બે આંગળીઓ વચ્ચે ફેરવીને તેને મસળ્યો. આવું કરતી વખતે તેને લાગ્યું કે મમતાની વાત સાચી છે, કારણ કે તાબૂતમાં પણ એવો જ રાસાયણિક પાઉડર હતો.

'હવે તો તમને મારી વાત ભરોસો બેસે છે ને?' મમતાએ પૂછયું. વિનાયક ઊભો થઈને પલંગની ધાર પર બેઠો અને પછી બોલ્યો, 'આ પાઉડર અહીં કેવી રીતે આવ્યો, એ તો હું નથી જાણતો. ખેર, જે હોય તે.... તું હવે એ વાતને ભૂલીને સૂઈ જા.’ મમતા આંખો મીંચીને સૂવાનો પ્રયાસ કરવા લાગી.

જ્યારે વિનાયકનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. બીજી તરફ સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહ પોતાના રૂમમાં પહોંચી, સિગારેટ પેટાવીને તેના કસ ખેંચતો વિચારવશ હાલતમાં આમથી તેમ ટહેલવા લાગ્યો.

મમતા સાથે બનેલા બનાવે તેને અકળાવી મૂક્યો હતો. પછી અચાનક કંઈક યાદ આવતાં તે બહાર નીકળીને શશીકાંતના રૂમ પાસે જઈ પહોંચ્યો અને ધીમેથી દરવાજો ખટખટાવ્યો.

થોડી પળો બાદ શશીકાંતે દરવાજો ઉઘાડ્યો.

'અંદર આવો... !' પ્રતાપસિંહને ઓળખીને એણે દરવાજા પરથી એક તરફ ખસતાં કહ્યું. 'હું અંદર આવું, એના કરતાં તમે પોતે જ બહાર આવી જાઓ મિસ્ટર શશીકાંત.'

'કેમ?' શશીકાંતે ચમકીને પૂછ્યું. કોઈક અજાણી આશંકાથી એના ધબકારા વધી ગયા હતા.

'મિસ્ટર શશીકાંત !' પ્રભાકરે જવાબ આપતાં કહ્યું, ‘મમતા મૅડમની હાલત જોઈને આપણે એટલા બધા હેબતાઈ ગયા હતા કે ગાર્ડ્સ તો આપણને યાદ જ ન રહ્યા !'

‘ગાર્ડ્સ?’ શશીકાંતે ભવાં સંકોચીને પૂછ્યું.

'હા...” પ્રતાપસિંહ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, 'રાતના સમયે બે ગાર્ડ્સ પુરાતત્ત્વ ખાતાની આ ઈમારતની ચોકી કરે છે. તેઓ વારાફરતી થોડી થોડી વારે ઈમારતની ચારે તરફ ચક્કર પણ મારે છે.'

'એ તો હું જાણું છું.”

'રાઈટ... તો આપણામાંથી કોઈને ય એવો વિચાર ન આવ્યો કે મમતા મેડમની ચીસ સાંભળીને આપણી ઊંઘ ઊડી ગઈ તો એ ચીસનો અવાજ ગાર્ડ્સના કાન સુધી પણ પહોંચ્યો જ હશે.'

'હા, એ તો સ્પષ્ટ જ છે.' શશીકાંતે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

'તો પછી એ બંનેમાંથી કમ સે કમ એક ગાર્ડે તો અંદર આવીને ચીસનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ બેમાંથી એકેયે આવો કોઈ પ્રયાસ નથી કર્યો.'

'અરે હા...' શશીકાંત ચમકીને બોલ્યો, 'આ વાત પ્રત્યે તો કોઈનું ધ્યાન જ નથી ગયું.'

'આપણે અત્યારે જ બંને ગાર્ડ્સની તપાસ કરવી જોઈએ.’ 'હા, ચાલો... તમારી પાસે અત્યારે રિવોલ્વર તો છે ને?'

'નથી... પણ અહીંથી જતી વખતે મારા રૂમમાંથી મારી સર્વિસ રિવૉલ્વર અને ટોર્ચ લેતા જઈશું.’

શશીકાંતે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને પ્રતાપસિંહ સાથે આગળ વધ્યો.

પ્રતાપસિંહે પોતાના રૂમમાંથી રિવોલ્વર તથા ટોર્ચ લીધી અને પછી બંને ઈમારતના ફાટક તરફ આગળ વધ્યા. ફાટકનો દરવાજો ખૂબ જ ઊંચો અને પહોળો હતો. રાત પડતાં જ દરવાજો બંધ કરી દેવામાં આવતો હતો અને બાજુમાં રહેલી નાની ઝાંપલી ઉઘાડી નાખવામાં આવતી હતી. રાતના બાર વાગ્યા પછી આ ઝાંપલી બંધ કરી દેવાતી હતી. હજુ બાર નહોતા વાગ્યા એટલે અત્યારે એ ઉઘાડી હતી.

બંને ધબકતા હૃદયે ઝાંપલીમાંથી બહાર નીકળ્યા.

તેમની શોધપૂર્ણ નજર ચોમેર ફરી વળી. એક તરફ ગાર્ડ રૂમ હતો જેમાં અત્યારે બે ગાર્ડ્સ સૂતા હતા. એ લોકોની ડયૂટી સવારે ચાર વાગ્યે શરૂ થવાની હતી.

પ્રતાપસિંહ ટોર્ચ ચાલુ કરીને આમતેમ એનો પ્રકાશ ફેંકતો શશીકાંત સાથે આગળ વધવા લાગ્યો. સહસા દૂર આવેલી વસતિ તરફથી કોઈક કૂતરાનો રડવાનો અવાજ હવાની સપાટીને કાપતો-ચીરતો તેમના કર્ણપટલ સાથે અથડાયો. અવાજ સાંભળીને ભયથી શશીકાંતના રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એણે કંપતા હાથે પ્રતાપસિંહનું બાવડું પકડી લીધું.

‘ શું વાત છે મિસ્ટર શશીકાંત?' પ્રતાપસિંહે પૂછ્યું.

'આ કૂતરાના રુદનનો અવાજ સાંભળ્યો તમે ?' શશીકાંતે ધ્રૂજતા સારું બોલ્યો, 'યમરાજા પાડા પર સવાર થઈને કોઈના પ્રાણ લેવા નીકળ્યા હોય ત્યારે તેમને જોઈને કૂતરાં રડે છે, એમ કહેવાય છે ! આવા સમયે કોઈકના મોતના સમાચાર અચૂક મળે છે.’

'મિસ્ટર શશીકાંત !' પ્રતાપસિંહ હસ્યો, 'તમારી આવી વિચારધારા જોઈને મને નવાઈ લાગે છે.”

‘જો હું હૃદયરોગનો દર્દી ન હોત તો કદાપિ આવું ન વિચારત !!'

'અરે... આ શું?' અચાનક પ્રતાપસિંહ આગળ વધતો અટકી ગયો. ટોર્ચના અજવાળામાં એણે જોયું તો દીવાલને ટેકે એક ગાર્ડ બેભાન હાલતમાં પડયો હતો. બાજુમાં જ એની રાઈફલ પણ પડી હતી. ગાર્ડ માત્ર બેભાનાવસ્થામાં જ છે, એની ચકાસણી કર્યા પછી એણે રાહતનો શ્વાસ લીધો. ગાર્ડની હાલત જોઈને શશીકાંતના ગભરાટનો પણ પાર નહોતો રહ્યો.

એના ચહેરાનો રંગ પણ થોડી પળો માટે ઊડી ગયો હતો.

‘ગભરાવાની જરૂર નથી મિસ્ટર શશીકાંત... !' ગોઠણભેર બેઠેલો પ્રતાપસિંહ ઊભો બોલ્યો, 'આ માત્ર બેભાન જ છે. તમે ગાર્ડ રૂમમાં જઈને બંને ગાર્ડ્સને ઉઠાડો અને તેમની મદદથી આને ત્યાં લઈ જઈને ભાનમાં લાવવાનો પ્રયાસ કરો. એટલી વારમાં હું બીજા ગાર્ડને શોધી લાવું છું. એ ચોક્કસ પાછળના ભાગમાં હશે...'

શશીકાંતે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

પ્રતાપસિંહ ઇમારતના પાછલા ભાગ તરફ આગળ વધી ગયો. એની શંકા સાચી ઠરી.

બીજો ગાર્ડ પણ પાછળના ભાગમાંથી બેભાનાવસ્થામાં મળી આવ્યો. પ્રતાપસિંહ તેને ખભા પર ઊંચકીને ગાર્ડ રૂમમાં લઈ ગયો. આ દરમિયાન પહેલો ગાર્ડ ભાનમાં આવી ગયો હતો. પ્રતાપસિંહે બેભાન ગાર્ડને રૂમમાં પડેલ ફોલ્ડિંગ પર સુવડાવ્યો અને પછી ભાનમાં આવેલા ગાર્ડને સંબોધતાં ગંભીર અવાજે પૂછ્યું, 'તું બેભાન કેવી રીતે થઈ ગયો હતો?’

'સાહેબ... !' ગાર્ડે જવાબ આપતાં કહ્યું, 'હું ફાટક પર ઊભો હતો અને આ...' એણે બેભાન ગાર્ડ સામે આંગળી ચીંધી, 'પાછળના ભાગમાં ચક્કર મારવા ગયો હતો. થોડીવાર પછી એકાએક હું ચમક્યો. મેં એક તરફ કંઈક સળવળાટ સાંભળ્યો હતો. સળવળાટ શેનો છે, એ જાણવાના ઇરાદાથી હું તરત જ ત્યાં પહોંચી ગયો કે અચાનક મારી પાછળ ગાઢ અને સફેદ ઘુમાડાનું આવરણ છવાઈ ગયું. જાણે ધરતી ફાડીને ધુમાડો નીકળ્યો હોય એવો મને ભાસ થયો. આંખના પલકારામાં જ હું ધુમાડાના આવરણમાં લપેટાઈ ગયો. એ કોઈક તીવ્ર ગંધવાળો ગેસ હતો. પછી એકાએક જ મારું મગજ શૂન્ય થઈ ગયું. મને સખત ચક્કર ને અંધારાં આવ્યાં... મારા પગ ધ્રૂજવા લાગ્યા અને હું ત્યાં જ ઢળી પડયો. ત્યારબાદ શું થયું એની મને ખબર નથી. જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે મેં મારી જાતને અહીં જોઈ.'

'આપણે આને પણ ભાનમાં લાવીને બેભાન થવાનું કારણ પૂછવું જોઈએ.’ શશીકાંત બેભાન પડેલા ગાર્ડ તરફ સંકેત કરતાં બોલ્યો. 'એવું કરવાથી કોઈ લાભ નહીં થાય.' પ્રતાપસિંહે ગંભીર અવાજે કહ્યું, 'આ ગાર્ડે જે કારણ જણાવ્યું છે, તે જ કારણ એ પણ જણાવશે.' 'આપણે આ બનાવની પોલીસને જાણ કરવી જોઈએ ખરી ?' શશીકાંતે પૂછ્યું.

જો મામલો ફક્ત મમતા મૅડમનો જ હોત તો તેમની વાતને ખોફનાક સપનું માનીને એના પ્રત્યે આંખ આડા કાન કરી શકાત, પરંતુ ગાર્ડ્સના બેભાન હાલતમાં મળ્યાનો બનાવ સ્પષ્ટ રીતે સંકેત કરે છે કે અહીં કોઈક બહુ મોટો અપરાધ થવાનો છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી કોઈક દુર્ઘટના કે બનાવ બનવાનો છે. એટલે પોલીસને જાણ કરવી ખૂબ જરૂરી છે.’

ત્યારબાદ બીજા ગાર્ડને પણ ભાનમાં લાવવામાં આવ્યો અને તેમની ડયૂટી અન્ય ગાર્ડ્સને સોંપ્યા પછી શશીકાંત તથા પ્રતાપસિંહ ત્યાંથી પાછા ફર્યા, પરંતુ એક વાતથી તેઓ બિલકુલ અજાણ હતા.

ફાટકથી થોડે દૂર એક ઘેઘૂર વૃક્ષ પાછળથી બે આંખોએ તેમની સમગ્ર કાર્યવાહીને નિહાળી હતી. પછી એ આંખો ધીમે ધીમે આગળ વધીને અદૃશ્ય થઈ ગઈ.

બીજે દિવસે સવારે બનાવની જાણ થતાં જ એ વિસ્તારનો અત્યંત ચાલાક, બુદ્ધિશાળી અને બાહોશ ઇન્સ્પેક્ટર વામનરાવ પુરાતત્ત્વ ખાતાની ઇમારતમાં આવી પહોંચ્યો.

વામનરાવે સૌથી પહેલાં બનાવની વિગતો જાણી અને પછી સૌને અલગ- અલગ બોલાવીને તેમની જુબાની લેવા લાગ્યો.

પરંતુ હજુ સુધી તેને કોઈ નવી વાત જાણવા નહોતી મળી.

જ્યારે દેવયાની જુબાની આપવા માટે ડ્રોઇંગરૂમમાં પ્રવેશી ત્યારે વામનરાવને કઠોર ચહેરો, ગંભીર આંખો તથા સખતાઈથી બિડાયેલા હોઠ જોઈને મનોમન એ ધ્રૂજી ઊઠી.

'બેસો મેડમ...!'

દેવયાની વામનરાવની સામે એક સોફા પર બેસી ગઈ અને તેની વેધક આંખોથી બચવા માટે નીચું જોઈને પોતાના હોઠ પર જીભ ફેરવવા લાગી.

વામનરાવે દેવયાની પાસેથી સમગ્ર બનાવની વિગતો સાંભળી અને પછી પૂછ્યું, 'તો મિસ દિવ્યાને મમતા મૅડમની હાલત પર ભરોસો નહોતો બેઠો ખરું ને ?'

'જી, હાં...” દેવયાનીએ હકારમાં માથું હલાવ્યું.

'તો તો પછી મિસ દિવ્યાએ, મમતા મૅડમ ખરેખર બેભાન થઈ ગયા છે કે તેઓ નાટક કરે છે, એની ચકાસણી કરવા માટે કોઈક ને કોઈક અખતરો પણ જરૂર કર્યો હશે બરાબર ને ?' વામનરાવે એની આંખોમાં પોતાની વેધક આંખો પરોવતાં પૂછ્યું.

'જ... જી... વ... વાત... એમ છે કે...' દેવયાની થોથવાઈ. 'તમે ગભરાયા વગર જે હોય તે કહી નાંખો.' વામનરાવ આ વખતે સહેજ નરમાશથી બોલ્યો, 'અને તમે મને જે કંઈ જણાવશો, એ માત્ર મારા સુધી જ સીમિત રહેશે એની ખાતરી રાખજો. એથી વિપરીત જો તમે કોઈ હકીકત છુપાવશો તો હું એમ જ માનીશ કે તમે પણ અપરાધીઓ સાથે ભળેલાં છો.'

દેવયાનીએ ગભરાઈને દિવ્યાએ મમતાના સાથળ પર સોય ખૂંચાડી હતી, એ વાત તેને જણાવી દીધી.

ત્યાર પછી થોડી પૂછપરછ બાદ દેવયાનીએ વિદાય કરીને વામનરાવે દિવ્યાને બોલાવી.

દિવ્યાએ પણ દેવયાનીએ જે કંઈ જણાવ્યું હતું, એ જ વિગતો આપી. અલબત્ત, પોતે મમતાને સોય ખૂંચાડી હતી, એ વાત એણે ખૂબીપૂર્વક છુપાવી હતી.

'તો મમતા મેડમ નાટક કરે છે, એવું તમે માનો છો ખરું ને ?' વામનરાવે વેધક નજરે એની સામે જોતાં પૂછ્યું.

હું' આવું માનું છું, એની આપને કેવી રીતે ખબર પડી ઇન્સ્પેક્ટર સાહેબ...?' જવાબ આપવાને બદલે દિવ્યાએ ચમકીને સામો સવાલ કર્યો.

'મિસ દિવ્યા, મમતા મેડમ નાટક કરે છે કે કેમ, એ પારખવા માટે તમે શું કર્યું હતું એની પણ મને તો ખબર છે!'

હવે દિવ્યાએ કશું ય છુપાવ્યા વગર તેને બધી હકીકત કહી સંભળાવી. એટલું જ નહીં, પોતે શા માટે મમતા આ જાતનું નાટક કરે છે, એવું માનતી હતી, એ વિશે પણ જણાવી દીધું.

‘ખેર, છેવટે તમે શું પરિણામ પર આવ્યા ?'

'એ જ કે કાં તો મમતા આંટીમાં ગજબનાક સહનશક્તિ છે અથવા તો પછી ખરેખર ભયભીત છે.'

વામનરાવે ધીમેથી માથું હલાવ્યું. ત્યારબાદ જો કંઈ અવનવું બને તો તરત જ પોતાને જાણ કરવાની બધાને સૂચના આપીને એ વિદાય થઈ ગયો.

સાંજનો સમય હતો.

મમતા છત પર બેઠી બેઠી પશ્ચિમ દિશામાં આથમી રહેલા સૂર્ય સામે સૂનકાર, શૂન્ય નજરે તાકી રહી હતી. એનો ચહેરો નિસ્તેજ હતો. હોઠ સુકાયેલા અને હૃદયના ધબકારા સામાન્ય હતા. અચાનક એ ચમકી ગઈ. કોઈક દબાતે પગલે નજીક આવતું હોય એવો અવાજ એને સંભળાયો.

'ક્યાંક એ જ તો નથી ને...?' આ વિચાર મગજમાં ગુંજતાં જ એ જડવત્ થઈ ગઈ.

જાણે કોઈકે સમગ્ર લોહી નિચોવી લીધું હોય એમ એનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. ભય, ખોફ અને દહેશતથી એની આંખો ફાટી પડી. એનો સમગ્ર દેહ પરસેવાથી ભીંજાઈ ગયો. એણે બૂમ પાડવાનો પ્રયાસ કર્યો પણ ન પાડી શકી. એની જીભ જાણે કે તાળવે ચોંટી ગઈ હતી અને હૃદયના ધબકારા એકદમ વધી ગયા.

એ જ વખતે ખભા પર લાંબા લાંબા નખવાળો હાથ પડયો તો એના રહ્યા સહ્યા હોંશ પણ ઊડી ગયા. એના મોંમાંથી દબાતી-ઘૂંટાતી ચીસ નીકળે એ પહેલા જ પાછળથી દિવ્યાનો અવાજ ગુંજી ઊઠયો,

'ડરી ગયાં આંટી...?'

દિવ્યાનો અવાજ સાંભળીને મમતાના જીવમાં જાણે કે જીવ આવ્યો. માંડમાંડ એણે પોતાની હાલત તથા ઉખડેલા શ્વાસ પર કાબૂ મેળવ્યો.

‘તુ તો સાઈટ પર ગઈ હતી દિવ્યા!' એણે સ્વસ્થ થવાનો પ્રયાસ કરતાં પૂછ્યું, ‘આટલી જલદી કેવી રીતે પાછી આવી ગઈ?’

'આંટી...!' દિવ્યા એની સામે પડેલી ખુરસી પર બેસતાં બોલી, 'હું ગઈ તો હતી, પરંતુ સાઇટ પર મેં જે કંઈ જોયું, એ જોયા પછી હું વધુ સમય સુધી ત્યાં ન રોકાઈ શકી.’

‘કેમ? તેં એવું શું જોયું ત્યાં... ?' મમતાએ પૂછ્યું.

‘જાણીને શું કરશો આંટી? તમને ખબર પડશે તો નાહક જ આખી રાત તમારે ઉજાગરો થશે. તમને ઊંઘ નહીં આવે.'

'તું માને છે એટલું કમજોર હૃદય મારું નથી સમજી ? બોલ, તેં ત્યાં શું જોયું છે?’

'ઠીક છે, આંટી... !' દિવ્યા ખચકાતા અવાજે બોલી, “મારે કહેવું તો નહોતું પણ તમે આટલો આગ્રહ કરો એટલે કહું છું. સાંભળો, આજે સાઇટ પરથી ખોદકામ દરમિયાન પિત્તળનું એક બોક્સ મળ્યું છે. બોક્સ પર તાળું મારેલું હતું. માંડમાંડ એ તાળું ઉઘડ્યું. એ પિત્તળના બોક્સમાંથી શું નીકળ્યું, એની તમને ખબર છે ?'

'ક્યાંથી ખબર હોય... ? તું કહે તો ખબર પડે ને?'

'સાંભળો... બોક્સમાંથી કોણી સુધી કપાયેલા બે હાથ નીકળ્યા ! કમાલની વાત તો એ છે કે આ બંને હાથને એવા રાસાયણિક પદાર્થોની વચ્ચે રાખવામાં આવ્યા હતા કે જેને કારણે તે સેંકડો વર્ષ જૂના હોય એવું બિલકુલ લાગે જ નહીં. એટલું જ નહીં આંટી, એ હાથ ભલે બીજા ગમે તેના હોય, પણ કમ સે કમ કોઈ કલાકારના તો નથી જ !' વાત પૂરી કરીને દિવ્યા ધ્યાનથી મમતાના ચહેરા સામે તાકી રહી. 'કેમ? એ હાથ કોઈ કલાકારના શા માટે ન હોઈ શકે?' મમતાએ ઉત્સુક અવાજે પૂછ્યું.

'આંટી...!' દિવ્યા એકએક શબ્દ પર ભાર મૂકતાં બોલી, 'કોઈ પણ કલાકારના હાથ ખૂબ જ સુંદર હોય છે. એની આંગળીઓ પણ સાધારણ કરતાં સહેજ લાંબી હોય છે. જ્યારે બોક્સમાંથી મળેલ હાથ એકદમ ખરબચડા છે. એની આંગળીઓ પણ નાની અને પ્રમાણમાં એકદમ જાડી છે. એ જમાનામાં આ હાથ કોઈક જલ્લાદના હોય એવું લાગે છે, પરંતુ જો એ હાથ કોઈ જલ્લાદ કે ગુનેગારના હતા તો તેને આટલા સાચવીને શા માટે રાખવામાં આવ્યા એ મને કંઈ નથી સમજાતું અને...' કહેતાં-કહેતાં અચાનક દિવ્યા ચમકીને આગળ બોલતી અટકી ગઈ.

એણે જોયું તો મમતાના ચહેરાની રંગત બદલાતી જતી હતી. એની આંખોમાં ખોફનો પડછાયો ફરી વળ્યો હતો. હોઠ કંપતા હતા અને છાતી ધમણની જેમ ઊછળવા લાગી હતી.

દિવ્યા પળભર માટે મમતાની હાલત જોઈને ચૂપ રહી અને પછી પોતાની વાતને આગળ લંબાવતાં બોલી, 'આન્ટી, સાચું કહું તો આવા ભયંકર હાથ મેં મારી જિંદગીમાં અગાઉ ક્યારેય નથી જોયા.

અત્યારે પણ જયારે એ હાથ મારી નજર સામે તરવરે છે ત્યારે મારું કાળજું મોંમાં આવી જાય છે !'

'બસ કર દિવ્યા... બસ કર... !' મમતાએ હાંફતા અવાજે કહ્યું. ‘તમે નાહક જ ડરો છો આંટી... !' દિવ્યા તેને આશ્વાસન આપતાં બોલી, 'એ હાથ નિર્જીવ છે અને કોઈનું કશુંય બગાડી શકે તેમ નથી. આજે રાત્રે એ હાથને સ્ટોરરૂમમાં લાવવામાં આવશે. તમે એ બંને હાથ જોશો તો મારી વાત કેટલી સાચી છે, એની તમને ખાતરી થઈ જશે.'

'દિવ્યા... !' મમતાએ ધ્રૂજતા સાદે કહ્યું, 'મારી સાથે એ હાથ વિશે કંઈ વાત ન કર... !'

'ઠીક છે આંટી... !' દિવ્યા બેદરકારીથી ખભા ઉછાળતાં બોલી, 'તમારું મન આટલું નબળું છે તો હવે પછી હું ક્યારેય તમારી સમક્ષ એ કપાયેલા હાથનો ઉલ્લેખ નહીં કરું બસ ને?' 'મને નીચે લઈ જા દિવ્યા...!' મમતા ઊભા થવાનો પ્રયાસ કરતાં બોલી, ‘હું હવે વધુ સમય સુધી અહીં બેસી શકું તેમ નથી.'

દિવ્યાએ ટેકો આપીને મમતાને ઊભી કરી અને પછી તેના હાથ પકડીને સીડી તરફ આગળ વધી ગઈ. મમતાનો ચહેરો એકદમ પીળો પડી ગયો હતો. આંખો નિસ્તેજ થઈ ગઈ હતી. જાણે તે વર્ષોથી બીમાર હોય એવું લાગતું હતું. ચાલતી વખતે એના પગ લથડતા હતાં.

જ્યારે દિવ્યાની આંખોમાં એક વિશેષ ચમક પથરાયેલી હતી. મમતા ખરેખર ભયભીત છે કે પછી ભયભીત હોવાનું નાટક કરે છે, એ પારખવાનો તે પ્રયાસ કરતી હતી.

સૂર્યાસ્ત થઈ ગયો હતો અને ધરતી પર અંધારું. ઊતરી આવ્યું હતું.

***********************

બીજે દિવસે ખાસ કોઈ નોંધપાત્ર બનાવ ન બન્યો. અલબત્ત, શશીકાંતની પત્ની માધવી, કે જે લગભગ એક અઠવાડિયાથી બહારગામ ગઈ હતી, તે એ દિવસે પાછી ફરી હતી. માધવીની સાથે એની યુવાન, વિધવા પુત્રી રીમા પણ હતી. રીમાની ઉંમર માંડ વીસેક વર્ષ હતી. હજુ તો એના લગ્નને છ મહિના પણ નહોતા વીત્યા ત્યાં જ એક અકસ્માતમાં એનો પતિ મૃત્યુ પામ્યો હતો. રીમાની ઇચ્છા તો સાસરે જ રહીને સાસુ- સસરા વગેરેની સેવા કરવાની હતી. પરંતુ એ લોકો દિવસ-રાત તેને ડાકણ, ચુડેલ, અપશુકનિયાળ તથા મનહૂસ શબ્દોથી નવાજીને મ્હેણાં મારવા લાગ્યા. થોડા સમય સુધી તો રીમાએ ચૂપચાપ બધું સહન કરી લીધું. કહેવાય છે કે શબ્દોના ઘા બહુ આકરા હોય છે. અને સમય પણ આ ઘાને નથી રૂઝવી શકતો. સાસુ-સસરાનાં રોજરોજનાં મ્હેણાંથી રીમા ત્રાસી ગઈ. માનસિક રીતે એ ખૂબ જ ભાંગી પડી. છેવટે રીમા પર થતા અત્યાચારની વાત જાણવા મળતાં જ શશીકાંત અને માધવી જઈને રીમાને તેના સાસરેથી તેડી લાવ્યાં. ત્યારથી રીમા માતા-પિતાની સાથે જ રહેતી હતી. અઠવાડિયાં પહેલાં માધવી પોતાના ભાઈને ઘેર ગઈ, ત્યારે રીમાને પણ થોડી હવાફેર માટે પોતાની સાથે લઈ ગઈ હતી, પરંતુ રીમાની માનસિક હાલતમાં કોઈ ફર્ક નહોતો પડયો. એટલે માધવી તેને લઈને પાછી આવી ગઈ હતી. રીમા હંમેશાં ક્રીમ કલરની સાડી તથા એ જ કલરનું બ્લાઉઝ પહેરતી હતી. એના ચામડીનો રંગ ગોરો તથા ચહેરો એકદમ મોહક અને આકર્ષક હતો. કોઈએ એને ક્યારેય હસતી કે રડતી નહોતી જોઈ. એનો ચહેરો હંમેશાં નિર્વિકાર અને આંખો ભાવહીન જોવા મળતી હતી.

આવી સ્થિતિમાં એ કોઈક જીવતી લાશ જેવી લાગતી હતી. દિવસ વીતી ગયો હતો અને રાત પડી ગઈ હતી. પ્રોફેસર વિનાયક થોડી વાર પહેલાં જ પ્રયોગશાળામાંથી આવીને પોતાના બેડરૂમમાં સૂતો હતો. મમતા એની બાજુમાં જ સૂતી હતી.

થોડીવાર પછી એકાએક જ મમતાની કાળજગરી ચીસ સાંભળીને, ચમકીને એણે આંખો ઉઘાડી. પછી પડખું ફેરવીને મમતાની હાલત જોતાં જ એ સ્તબ્ધ અની ગયો. ભય અને ખોફનું એક મોજું વીજળીવેગે એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. એની આંખોમાં દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું.

બાજુમાં સૂતેલી મમતા હિસ્ટીરિયાના દર્દીની જેમ ભયથી બેબાકળી બનીને ચીસો નાંખતી હતી. જાણે પાણીમાંથી કાઢીને કોઈ માછલીને રેતી પર ફેંકી દેવામાં આવી હોય, એ રીતે એનો દેહ તરફડતો હતો. એનો ગાઉન સામેના ભાગમાંથી ફાટેલો હતો અને ગળા નીચે છાતી પર પાંચેક ઇંચ લાંબા ઉઝરડા પડયા હતા. જાણે કોઈક તીક્ષ્ણ નખવાળો પંજો એની છાતી સાથે ઘસાયો હોય એવું લાગતું હતું. છાતી પરના ઉઝરડામાંથી લોહીના ટસિયા ફૂટતા હતા. એનો ચહેરો નૂર વગરનો થઈ ગયો હતો. હોઠ સુકાઈ ગયા હતા. એની આંખોમાં ભય, ખોફ અને દહેશત સિવાય કશું જ નહોતું દેખાતું.

'મમતા... મમતા... !' વિનાયકે મમતાને પોતાના આલિંગનમાં જકડીને તેને ઢંઢોળી.

મમતા ખૂબ જોરથી એને વળગી પડી અને પછી ખોફભર્યા અવાજે બોલી ઊઠી, 'એ...એ... મને મારી નાંખશે... !'

'તું... તું કોની વાત કરે છે?' વિનાયકે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. “હ... હું એને નથી ઓળખતી... !'

વિનાયક મમતાને કંઈ કહે, એ પહેલાં જ અચાનક બહારથી કોઈકે દરવાજો ખટખટાવતાં પૂછ્યું, 'શું થયું પ્રોફેસર સાહેબ... ? દરવાજો ઉઘાડો...!' વિનાયકે સિક્યૉરિટી ઑફિસર પ્રતાપસિંહના અવાજને તરત જ ઓળખી લીધો. એણે ભય અને ખોફથી ધ્રૂજતી મમતા સામે જોયું. પછી એના ખભા પર ચાદર નાંખી, તેને આશ્વાસન આપી, આગળ વધીને દરવાજો ઉઘાડયો. બહાર પ્રતાપસિંહ પ્રભાકર તથા એ બંનેની પાછળ એક ગાર્ડ ઊભો હતો.

'પ્રોફેસર સાહેબ... !' દરવાજો ઊઘડતાં જ પ્રતાપસિંહ તથા શશીકાંતે એકી અવાજે પૂછ્યું, 'મમતા મેડમે ચીસ...'

'હું મમતા પાસેથી ચીસનું કારણ જાણવાનો પ્રયાસ કરતો હતો ત્યાં જ તમે લોકોએ આવીને દરવાજો ખટખટાવ્યો. ખેર, અંદર આવો... !' કહીને વિનાયક એક તરફ ખસી ગયો.

પ્રતાપસિંહે ગાર્ડને ફાટક પર પાછા જવાની સૂચના આપી અને પોતે શશીકાંત સાથે અંદર પ્રવેશ્યો. તેમણે પલંગ પર બેઠેલી મમતા સામે જોયું. મમતાનો ચહેરો હજુ પણ સફેદ હતો. એની આંખો ભય અને ખોફથી વિસ્ફારિત થયેલી હતી તથા કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી.

બંને પલંગ પાસે પહોંચીને ઊભા રહ્યા.

'શું વાત છે મૅડમ?' પ્રતાપસિંહે પૂછ્યું, 'તમે શા માટે ચીસ પાડી હતી?'

જવાબ આપવાને બદલે મમતાએ ભયથી બેબાકળી નજરે વિનાયક સામે જોયું.

'શું બન્યું હતું મમતા ?' વિનાયક બોલ્યો, 'બિલકુલ ગભરાયા વગર જે કંઈ બન્યું હોય તે સાચેસાચું કહી નાંખ... !'

મમતાએ તાબડતોબ કંઈ જવાબ ન આપતાં શૂન્ય નજરે એકાએક વેન્ટિલેશન તરફ જોયું. વેન્ટિલેશન તરફ જોતી વખતે એનો ચહેરો વધુ સફેદ થઈ ગયો. એના ધબકારા એકદમ વધી ગયા અને શરીર પહેલાં કરતાં વધુ જોરથી ધ્રૂજવા લાગ્યું.

'ગભરાઓ નહીં મૅડમ... ! પ્રભાકરે આશ્વાસનભર્યા અવાજે કહ્યું, 'હવે કોઈ તમારું કશું જ બગાડી શકે તેમ નથી. તમે જે કંઈ હોય તે સાચેસાચું કહી નાંખો.'

'હું... હું...' મમતા પોતાના ભય પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં બોલી, 'હું ગાઢ ઊંઘમાં સૂતી હતી કે અચાનક કંઈ ખડખડાટ સાંભળીને મારી ઊંઘ ઊડી ગઈ. હું ચારે તરફ નજર દોડાવતી શા માટે મારી ઊંઘ ઊડી હતી, એ જાણવાનો પ્રયાસ કરવા લાગી. નાઈટ બલ્બના આછા અજવાળામાં મેં બધી દિશામાં નજર કરી પણ મને કશું જ અજુગતું જ લાગ્યું એટલે કદાચ મને ભ્રમ થયો હશે, એમ માની, ફરીથી આંખો મીંચીને હું સૂવાનો પ્રયાસ કરવા લાગી.'

'તેં મને એ જ વખતે શા માટે ન ઉઠાડયો મમતા... ?' પ્રોફેસર વિનાયકના અવાજમાં નારાજગી મિશ્રિત મીઠા ઠપકાનો સૂર હતો.

'એટલા માટે કે તમે આખો દિવસ ખંડેરોમાં અને અહીં આવ્યા પછી મોડી રાત સુધી પ્રયોગશાળામાં વ્યસ્ત હો છો એટલે તમને સૂવા માટે સાવ ઓછો સમય મળે છે. હું તમારા આરામમાં ખલેલ પહોંચાડવા નહોતી માંગતી.’ એ જ વખતે બહારના ભાગમાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠયો.

અવાજ પ્રોફેસર વિનાયકના રૂમ તરફ જ આવતો હતો. સૌ ચમકીને પ્રશ્નાર્થ દૃષ્ટિએ એકબીજાની સામે જોવા લાગ્યા. થોડી પળો બાદ ફાધર જોસેફ અંદર પ્રવેશ્યો.

‘થોડી વાર પહેલા મેં ચીસોનો અવાજ સાંભળ્યો હતો!' આવતાવેંત એણે કહ્યું અને પછી પૂછ્યું, 'શું આજે ફરીથી મમતા સાથે કોઈ અજુગતો બનાવ બન્યો છે?'

'તમારું અનુમાન સાચું છે ફાધર!' પ્રતાપસિંહ બોલ્યો, 'આજે ફરીથી મૅડમ ઊંઘમાં જ ડરી ગયાં હતાં. અમે તેમને ડરવાનું કારણ પૂછતાં હતાં ત્યાં જ તમે પણ આવી ગયા.'

'ઓહ...' ફાધર જોસેફ ધીમેથી બબડ્યો.

એની આંખોમાં મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા હતા. પછી વિનાયકના સંકેતથી તે એક ખુરશી પર બેસી ગયો.

'તમે તમારી વાત પૂરી કરો મૅડમ... !' પ્રતાપસિંહ મમતાને ઉદ્દેશીને બોલ્યો.

મમતાએ કશુંક કહેવા માટે મોં ઉઘાડ્યું, પરંતુ એ કંઈ બોલી શકી નહીં.

એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

વિનાયકે તરત જ ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઊંચકીને એની સામે લંબાવ્યો.

મમતાએ કંપતા હાથે ગ્લાસ ઊંચક્યો અને હોઠ માંડીને એક શ્વાસે ખાલી કરી નાંખ્યો. ત્યારબાદ એણે ખાલી ગ્લાસને ટિપોઈ પર મૂકી દીધો.

સૌ ધબકતા હૃદયે ને ઉત્સુકતાથી મમતાના બોલવાની રાહ જોતા હતા.

“મેં આંખો બંધ કરી હતી કે અચાનક ફરીથી કંઈક અવાજ સાંભળીને હું ચમકી ગઈ. આ વખતે અવાજની દિશાનું અનુમાન કરવામાં મને સફળતા મળી હતી. એ અવાજ વેન્ટિલેશન તરફથી આવ્યો હતો.' મમતા બોલી, ‘મેં વેન્ટિલેશન તરફ નજર કરી તો નર્યા અચરજથી મારી આંખો ફાટી પડી. મારું હૈયું પળભર માટે ધબકારા ચૂકી ગયું. પરસેવાથી મારો આખો દેહ ભીંજાઈ ગયો. જાણે લકવાનો હુમલો આવ્યો હોય એમ મારા હાથ-પગ ઠંડા પડી ગયા.'

'વેન્ટિલેશનમાં તમે શું જોયું હતું મેડમ ?'

‘મેં જોયું તો એક હાથ વેન્ટિલેશન ઉઘાડવાનો પ્રયાસ કરતો હતો. પછી જોતજોતામાં જ એણે વેન્ટિલેશન ઉઘાડી પણ નાખ્યું. ત્યાર પછી જે કંઈ બન્યું, એ મારી કલ્પના બહારનું હતું.' મમતા એક ઊંડો શ્વાસ લેતાં બોલી, 'વેન્ટિલેશનના ઉઘાડા ભાગમાંથી માત્ર કોણી સુધીનો એક હાથ રૂમમાં દાખલ થયો હતો. એ હાથ ખૂબ જ બેડોળ હતો. મારા પતિને ઉઠાડવાનું મને ઘણું મન થયું, પરંતુ મારા શરીરનું એક એક અંગ જાણે કે ખોટું પડી ગયું હતું એટલે ઇચ્છા હોવા છતાંય હું એવું ન કરી શકી. મારે બૂમ પાડવી હતી પણ ન પાડી શકી. મારો અવાજ ગળામાં જ અટવાઈ ગયો હતો. પછી એ હાથ મારી સામે ધસી આવ્યો અને મારી ગરદન એના મજબૂત પંજામાં જકડાઈ ગઈ. હું ધ્રૂજી ઊઠી. મારો સમગ્ર દેહ પરસેવે નીતરી ગયો. હું એ પંજાને મારી ગરદન પરથી ખસેડવાનો પ્રયાસ કરવા લાગી, પણ વ્યર્થ.... મારો શ્વાસ રૂંધાતો જતો હતો. મારી આંખોના ડોળા ફાટી ગયા હતા. મેં ફરીથી એકવાર પ્રયાસ કરીને એની આંગળીઓને મારી ગરદન પરથી ખસેડી. એ જ વખતે હાથ સહેજ નીચે સરક્યો અને મારી છાતી પર ઉઝરડા પાડતો હતો. સાથે જ મારો ગાઉન પણ ફાટી ગયો. પછી પુનઃ એ હાથ મારી ગર્દન તરફ લંબાયો. એક વખત તો મેં જેમતેમ કરીને એના પંજામાંથી મારી ગરદન છોડાવી હતી, પરંતુ આ વખતે એ પંજાની તાકાત સામે મારી સમગ્ર શક્તિ ક્ષીણ પડી ગઈ હતી. ત્યારબાદ એ પંજો મારી ગરદન જકડે તે પહેલાં જ મેં પૂરી તાકાતથી ચીસ પાડી એટલું જ નહીં, બચવાના મરણિયા પ્રયાસરૂપે એ હાથનું કાંડું પણ પકડી લીધું. મારો ઇરાદો એને પકડીને તમને લોકોને બતાવવાનો હતો કે મેં કોઈ સપનું નહોતું જોયું પણ તે એક હકીકત હતી, પરંતુ એ હાથ મારી પકડમાંથી સરકીને જે માર્ગેથી આવ્યો હતો એ જ માર્ગેથી પાછો ચાલ્યો ગયો.'

મમતા ચૂપ થઈ કે તરત જ વાતાવરણમાં સન્નાટો ફરી વળ્યો. એની વાત સાંભળીને બધાનાં દિમાગ ચકરાવે ચડી ગયાં હતાં. વાત બિલકુલ અશક્ય લાગતી હતી. પરંતુ મમતાની ગરદન નીચે છાતી પર પડેલ ઉઝરડા એની વાતને સમર્થન આપતા હતા.

તેઓ વિચાર સાગરમાં ગોથાં મારતા હતા ત્યાં જ અચાનક તેમને ચમકી જવું પડયું.

તેમણે જોયું તો પ્રતાપસિંહે પોતાની રિવૉલ્વર કાઢી લીધી હતી.

પછી નાક પર આંગળી મૂકી સૌને ચૂપ રહેવાનો સંકેત કરીને એ એકદમ સાવચેતીથી એક એક ડગ માંડતો દરવાજા તરફ આગળ વધ્યો.

બહાર કોઈક છુપાઈને વાત સાંભળે છે અને પ્રતાપસિંહને તેની ગંધ આવી ગઈ છે, એ સૌ સમજી ગયા.

પ્રતાપસિંહ દરવાજા પાસે પહોંચીને પળભર અટક્યો.

ત્યારબાદ અચાનક એણે બહાર નીકળીને કોઈક હાથ પકડયો તો વાતાવરણમાં કોઈક સ્ત્રીની ચીસનો અવાજ ગુંજી ઊઠયો.

વળતી જ પળે એણે ચીસ નાંખનાર યુવતીને અંદર ખેંચી લીધી.

એ યુવતી બીજું કોઈ નહીં પણ દિવ્યા જ હતી. દિવ્યા પર નજર પડતાં જ સૌ એકદમ ચમકી ગયા.

દિવ્યા જેવી ઓછી ઉંમરની યુવતી આવા વાતાવરણમાં ચોરી-છૂપીથી વાતો સાંભળવાનો પ્રયાસ કરતી હશે, એ વાત પર કોઈનેય ભરોસો નહોતો બેસતો.

પોતાનો ભાંડો ફૂટી જવાથી દિવ્યા એકદમ ગભરાઈ ગઈ હતી.

એનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો હતો. પરંતુ પછી તરત જ એણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. ‘મારો હાથ છોડો અંકલ !' એણે એકદમ સ્વસ્થ અવાજે કહ્યું. એના અવાજમાં સહેજેય ગભરાટ કે ખમચાટ નહોતો.

'તું બહાર છુપાઈને શું કરતી હતી?' પ્રતાપસિંહે એનો હાથ છોડતાં 'હું વાતો સાંભળતી હતી !' દિવ્યાએ પૂરેપૂરી સ્વસ્થતાથી જવાબ આપ્યો. પૂછ્યું.

‘વાતો તો તું અંદર આવીને પણ સાંભળી શકે તેમ હતી. તારે છુપાઈને વાતો સાંભળવાની શું જરૂર હતી?' પ્રતાપસિંહે વેધક નજરે એની સામે જોતાં પૂછ્યું.

'અંકલ...!' દિવ્યા પૂર્વવત્ અવાજે બોલી, ‘હું તમારા લોકોની વાતો સાંભળીને મારે અંદર આવવું કે બહારથી જ પાછાં વળી જવું, એ જાણવાનો પ્રયાસ કરતી હતી.'

'કેમ? એવું શા માટે?'

'એટલા માટે કે હું બીજાઓના મામલામાં પંચાત કરું, એ વાત મારી મમ્મીને જરા પણ નથી ગમતી.'

'તારી મમ્મી અત્યારે જાગે છે?’

'ના.. સૂતી છે.'

'એવું કેવી રીતે બને ?' પ્રતાપસિંહે પૂછ્યું.

'શું, કેવી રીતે બને?' જવાબ આપવાને બદલે દિવ્યાએ સામો સવાલ કર્યો.

'મમતા મૅડમની ચીસ સાંભળીને તું જાગી ગઈ તો પછી તારી મમ્મીની ઊંઘ શા માટે ન ઊડી?' પ્રતાપસિંહે શંકાભરી નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું.

'એટલા માટે કે મમ્મીએ સૂતાં પહેલાં ઘેનની બે ગોળીઓ લીધી હતી!” આ બધી ચોખવટથી તારી પોઝિશન હજુ ક્લિયર નથી થઈ.’

'છતાંય એની મને જરા પણ ફિકર નથી.' દિવ્યા બેદરકારીથી ખભા ઉછાળતાં બોલી, 'કારણ કે હું કોઈ પણ જાતના ગુનાહિત કાર્યમાં સામેલ નથી.'

'હવે તમે લોકો શું કરવા માંગો છો?' સહસા ફાધર જોસેફે પૂછ્યું. 'આપણે આ બનાવની પણ ઇન્સ્પેક્ટર વામનરાવને જાણ કરી દેવી

જોઈએ.' પ્રતાપસિંહે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું, 'અહીં કોઈક ભયંકર બનાવ બનવાનો છે, અને આ બધી એની જ ભૂમિકા હોય એવું મને લાગે છે.'

'મિસ્ટર પ્રતાપ... ! પ્રભાકર બોલ્યો, 'પોલીસને બોલાવવાથી નાહક જ આ મામલો વધુ ગૂંચવાઈ જશે એમ હું માનું છું. મને તો આ સીધો- સાદો મનોવિજ્ઞાનનો કેસ લાગે છે.'

'કેવી રીતે?'

‘સૌથી પહેલાં તો હું મમતા મૅડમ પાસેથી એક વાત જાણવા માંગું છું.

'કઈ વાત ?'

'એ જ કે તેમને કપાયેલો હાથ ખોદકામ દરમિયાન મળી આવ્યા છે, એ વાતની ખબર હતી કે નહીં... ?'

બધાની પ્રશ્નાર્થ દ્રષ્ટિ મમતાના ચહેરા સામે સ્થિર થઈ ગઈ. 'ખબર હતી... !' તેમની નજરનો અર્થ સમજીને મમતાએ ધીમેથી

જવાબ આપ્યો. એ બાબતમાં તમને કોણે જણાવ્યું હતું...?'

‘મેં જણાવ્યું હતું...!' આ વખતે દિવ્યાએ જવાબ આપ્યો.

‘શા માટે જણાવ્યું ?' ફાધર જોસેફે ઠપકાભર્યા અવાજે કહ્યું, 'આ જાતની વાતો એમને માટે હાનિકારક નીવડે એમ છે. એની તો તને ખબર જ છે... !'

'હું એ હાથ વિશે જણાવીને આંટીની પ્રતિક્રિયા જાણવા માંગતી હતી...!' દિવ્યા, મમતા સામે તાકી રહેતાં બોલી. 'તું એક ભણેલ-ગણેલ અને સમજદાર છોકરી છો...!' પ્રતાપસિંહે

સહેજ કઠોર અવાજે કહ્યું, 'તારે એવું નહોતું કરવું જોઈતું.’

'એવું કરવામાં મને કશુંય ખોટું નહોતું લાગ્યું.'

‘ખેર, હવે તું જઈ શકે છે... !' પ્રતાપસિંહ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'ભવિષ્યમાં ધ્યાન રાખજે... ! આવી કોઈ વાત મમતા મૅડમ સમક્ષ કરીશ નહીં.'

દિવ્યા બેદરકારીથી ખભા ઉછાળીને રૂમમાંથી બહાર નીકળી ગઈ.

‘મિસ્ટર શશીકાંત ન આવ્યા ?'

‘તેઓ હૃદયરોગનાં દર્દી છે એટલે ચોક્કસ તેમની પત્નીએ તેમને આવવાની ના પાડી હશે.'

પ્રભાકરે જવાબ આપ્યો.

ત્યારબાદ થોડી ઔપચારિક વાતો કરીને સૌ ચાલ્યા ગયા.

પ્રોફેસર વિનાયકે દરવાજો બંધ કર્યો અને પછી મમતાની નજીક પહોંચીને બોલ્યો, 'હવે તું નિરાંતે સૂઈ જવાનો પ્રયાસ કર... !'

મમતાએ સૂવાને બદલે ફરિયાદભરી નજરે વિનાયક સામે જોયું અને પછી પૂછ્યું, 'શું હજુ પણ તમને મારી વાત પર ભરોસો નથી બેઠો... ? હજુ પણ તમને એવું લાગે છે કે મેં કોઈક સપનું જોયું હતું ?'

'મમતા... !' વિનાયક ગંભીર અવાજે બોલ્યો, 'સાચું કહું તો પહેલાં હું એમ જ માનતો હતો કે કોઈક ભયંકર સપનું જોયું હોવાને કારણે તું ડરી ગઈ છો, પરંતુ તારી છાતી પર પડેલ ઉઝરડા પરથી પુરવાર થઈ ગયું છે કે તેં કોઈ સપનું નહોતું જોયું. અને એક નિર્જીવ હાથ, આ બધું કેવી રીતે કરી શકે એ બાબતમાં વિચારી-વિચારીને મારું દિમાગ ચકરાવે ચડી ગયું છે.'

જરૂર કોઈક દુષ્ટ આત્મા મારી પાછળ પડયો હોય એવું મને લાગે છે!' મમતાએ કંપતા અવાજે કહ્યું, 'એ મારું ખૂન કરવા માંગે છે અને એ માટે એણે મમી તથા કપાયેલા હાથને માધ્યમ બનાવ્યા છે.’

‘હું એવી વાતોમાં નથી માનતો... !' વિનાયક હસીને બોલ્યો, 'આ દુનિયામાં ભૂત-પ્રેત કે નિર્જીવ વસ્તુને માધ્યમ બનાવી શકે એવા કોઈ દુષ્ટાત્માનું અસ્તિત્વ નથી.'

‘તો શું હું ખોટું બોલું છું...?' મમતાએ પૂછ્યું. 'તારી વાત પણ ખોટી ન હોઈ શકે, ખેર તું ફિકર ન કર... ! બધું બરાબર થઈ રહેશે.' પ્રોફેસર વિનાયકે કહ્યું.

વાત પૂરી કરીને એ સ્નેહથી મમતાના માથા પર હાથ ફેરવવા લાગ્યો.