સીમાંકન - 6 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીમાંકન - 6

ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજો ખોલ્યો તો ઈશાન સામે હતો.

દરવાજો ખુલતાં જ ઈશાન મમ્મીનાં રૂમ તરફ લગભગ દોડી ગયો.

"મમ્મી" એમ કહી એ વળગી પડ્યો.

"મારો દિકરો" એમ કહી મમ્મીએ પણ એને આગોશમાં લઈ લીધો.

મા-દિકરાનુ આ મિલન જોઈ ત્રિજ્યા પણ ક્ષણબર ભાવુક થઈ ગઈ.


"અરે ત્રિજ્યા! ત્યાં શું ઉભી છે? અહીં આવ તું પણ મને ઈશાન જેટલી જ વ્હાલી છે."

ત્રિજ્યા પણ મમ્મી પાસે ગઈને એમને ભેટી પડી.

"કાશ આ સત્ય હોય સપનું નહીં." ત્રિજ્યા વિચારી રહી.

"કાશ મમ્મી આર્યા ને પણ આટલો જ પ્રેમ કરે." ઈશાન ત્રિજ્યા ની જગ્યાએ આર્યાને રાખી વિચારી રહ્યો.

"આ બંને આ જ રીતે કે આથી વધુ એકબીજાને પ્રેમ કરવા લાગે અને જીવનનો આનંદ માણે. સદા સુખી રહે." મમ્મીજી વિચારતાં ખુશ થઈ રહ્યાં.

લાગણી ત્રણેયની શુદ્ધ હતી માત્ર અણજાણ હતાં આ ખરી અણીશુદ્ધ લાગણીથી.

"ચાલો બહુ થયું હવે, મને આરામ કરવા દો અને બંને પોતપોતાના કામે વળગો. હવે, હું અહિયાં જ છું. આ લાડ ફરી ક્યારેક લડાવજો. હમણાં તો તમારે એકબીજાને લાડ લડાવવા નો સમય છે. જાવ હવે. હા...હા...હા..."

ત્રિજ્યા અને ઈશાન બંને છોભીલા પડી મમ્મીથી અળગા થયાં.

"મમ્મી હું ફ્રેશ થઈને આવું છું." એમ કહી ઈશાન ઝડપથી બહાર નીકળી ગયો.

"હું ચા બનાવું...." એમ કહી ત્રિજ્યા રસોઈ તરફ ભાગી અને મમ્મીજી બંને ને આમ જોઈ હસવા લાગ્યા.

ચા લઈ ત્રિજ્યા રૂમમાં આવી તો ઈશાન ખુબ ખુશ હતો.

"કાશ મમ્મી આર્યા ને પણ તારી જેટલો જ પ્રેમ કરે! કરશે ને ત્રિજ્યા?". ચાનો કપ હાથમાં લેતાં ઈશાને ત્રિજ્યા ને પૂછ્યું.

"હમમ... હા."

"હા. મમ્મી છે જ એટલાં પ્રેમાળ. બસ, એકવાર આર્યા આ ઘરમાં આવી જાય. તું છે ને એને બધું શિખવાડી દેજે એટલે મમ્મી જલ્દી ખુશ થઈ એને વધારે વ્હાલ કરે."

"હું નહીં શીખવી શકું."

"કેમ?"

"આર્યા આવશે ત્યારે હું નહીં હોવને અહિયાં."

ઈશાન કંઈક બોલવા જતો હતો પણ એને ખ્યાલ આવ્યો કે આર્યાને ઘરમાં લાવવા માટે પહેલાં ત્રિજ્યા થી અલગ થવું પડશે. મમ્મીનાં આવવાનાં હરખમાં એ ભૂલી ગયો કે ત્રિજ્યા જશે તો આર્યા આવશે.

ત્રિજ્યા અને ઈશાન બંને ચુપ હતાં. બંને વચ્ચે અસહજ ચુપકીદી, કોણ કંઈક બોલે એની રાહમાં ઈશાન ચાની ચૂસકી લેતો રહ્યો અને ત્રિજ્યા ઊભી ઊભી બારી બહાર જોઈ રહી.

'એક દિવસ તો જવાનું જ છે, ખબર છે છતાં પીડા શાને?! આ પીડા મમ્મીજી થી અલગ થવાની છે, ઘરથી કે પછી ઈશાન થી અલગ થવાની!? ના... ના... ઈશાન સાથે શું સંબંધ છે કે એનાથી અલગ થવાની પીડા થાય? બધો વ્હેમ છે. આ ઘરની થોડી આદત પડી ગઈ છે એટલે જ તકલીફ થાય છે બીજું કંઈ નથી.' મનમાં ભારેલા વિચારો ખંખેરી ખાલી કપ લઈ ત્રિજ્યા રસોડામાં ગઈ.

'ત્રિજ્યા જતી રહેશે પછી આ ઘર ને મમ્મીનું શું થશે? મારા પર એનો કોઈ અધિકાર નથી અને એ આ ઘરમાં નહીં રહી શકે એ જાણવા છતાં એણે કેટલી સહજતાથી ઘર ને અને મમ્મીને સંભાળી લીધાં છે. ત્રિજ્યા ખરેખર ખૂબ જ સમજદાર અને સારી છે. સારી છે પણ હું ક્યાં એને પ્રેમ કરું છું! સારી તો આર્યા પણ છે. એકવાર એ આ ઘરમાં આવી જશે પછી એ પણ ત્રિજ્યાની જેમ જ ઘર અને મમ્મીને સંભાળી લેશે. ત્રિજ્યા ની જેમ શું કામ? એનાથી પણ વધુ સારી રીતે. હા. એવું જ થશે.' ઈશાન કપ લઈને જતી ત્રિજ્યા ને જોઈ વિચારી રહ્યો.

ત્યાં જ મમ્મીની બૂમ સંભળાઈ.

(ક્રમશઃ)