Simankan - 5 books and stories free download online pdf in Gujarati

સીમાંકન - 5

નોંધ: કેટલાક વ્યક્તિગત કારણોસર પ્રકરણ નિશ્ચિત સમયાંતરે લખી નથી શકતી એ માટે દિલગીર છું. સર્વે વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર માનુ છુ ધૈર્ય રાખવા બદલ.

--------------------------------


"આજે મમ્મીજી આવવાનાં છે. ત્રિજ્યા નોર્મલ રહેજે." એ વાત એણે પોતાની જાતને લગભગ દસવાર મનોમન સમજાવી.

ઈશાને બુક કરેલી ગાડી આવી ને ત્રિજ્યા મમ્મી જીને લઈ પણ આવી. આખા રસ્તે તો ખાસ કોઈ વાતચીત ન થઈ પરંતુ જમાનો જોયેલ સાસુમાએ ઘરે આવતાં જ ત્રિજ્યા ને પૂછી લીધું.

"ત્રિજ્યા બધું ઠીક છે ને?"

"હા મમ્મીજી. બધું બરાબર છે. જાતે જ જોઈ લો. મેં ઘરમાં બધું બરાબર રાખ્યું છે ને?!"

"હું ઘરની વાત નથી કરતી, તારી ને તારા વરની વાત કરું છું."

"અમારી વચ્ચે! અમારી વચ્ચે પણ બધું બરાબર જ છે. કેમ તમને એમ લાગ્યું?" ત્રિજ્યાએ અચકાતા પૂછ્યું.

"કંઈ ખાસ નહીં, લાગ્યું મને એવું એટલે પૂછી લીધું."

"ના ના મમ્મી. એવું કંઈ નથી. અમારી વચ્ચે બધું બરાબર છે. તમે ઘણા દિવસોથી નહોતાં અને ઈશાન તમને લેવાં પણ આવી શક્યા એટલે કદાચ તમને એવું લાગતું હશે."

"ના. તું ખોવાયેલી લાગે છે."

"ના.... હા.... ના..."


"શું થયું છે બોલ તો."


"એ તો....એ તો.... મને થોડોક ડર લાગતો હતો એટલે કે મેં મારી જવાબદારી બરાબર નિભાવી કે નહીં. હું તમારી અપેક્ષાએ ખરી ઉતરી કે નહીં! બસ એ જ વિચારોમાં હતી."


"બસ એ જ વાત છે?"


"હા... બસ એ જ."



"પાગલ છોકરી. એમાં એટલું શું વિચારવાનું! તું પરફેક્ટ છે. મને વિશ્વાસ છે તું તારી જવાબદારીઓ બરાબર નિભાવીશ."


"આ વિશ્વાસથી જ ડર લાગે છે મમ્મીજી."


"શું? કશુંક કહ્યું તે?"


"હા. હું કહેતી હતી કે હવે તમે આરામ કરો. હું તમારી માટે જ્યુસ લઈ આવું છું."


"ઠીક છે ચાલ તું જ્યુસ લઈ આવ તારા અને મારા આપણા બંને માટે."


"ઠીક છે. હું આવું છું."


રસોડામાં પહોંચી ત્રિજ્યા એ હ્રદય પર હાથ મૂકી દીધો અને મનોમન બબડી "બચી ગંઈ ત્રિજ્યા. ધ્યાન રાખ. ધ્યાન રાખ. આવી રીતે બેબાકળી થઈશ તો પકડાઈ જઈશ."

થોડીવાર પછી ત્રિજ્યા એની સાસુમાનાં રૂમમાં હતી. બંને જ્યુસ પીતા પીતા અલક-મલક અને મામાજીના ઘરની વાતો કરી રહ્યા હતાં ત્યાં જ ઈશાનનો કૉલ આવ્યો.

"હેલ્લો"

"હેલ્લો જય શ્રી કૃષ્ણ મમ્મી. ઘરે આવી ગયા? તમારી તબિયત તો બરાબર છે ને? કોઈ તકલીફ તો નથી થતી ને? તમને આરામ તો છે ને?"

"અરે...અરે...! બસ કર. શ્વાસ તો લે. અને તને એટલી જ ચિંતા થતી છે તો લેવા કેમ ન આવ્યો જાતે, હં?"

"સૉરી મમ્મી. પણ તમને કહ્યું હતું ને કે ઈમ્પોર્ટન્ટ મિટિંગ હતી, પોસ્ટપોન્ડ કરી શકાય એમ નહોતી, નહિ તો એવું બને કે તમારો દિકરો તમને લેવાં ન આવે. બાય દ વે, ત્રિજ્યા સમયસર પહોંચી ગઈ હતી કે તમારે રાહ જોવી પડી?"

"અરે વાંધો નહીં, ત્રિજ્યા સમયસર આવી ગઈ હતી અને સહીસલામત ઘરે લઈ આવી છે અને બીજી વાત હું એકદમ ઠીક છું. પરફેક્ટલી ફીટ એન્ડ ફાઈન. સાંજે ઘરે આવ પછી વાત કરીએ. હમણાં તું બીઝી હોઈશ."

"હાં. થોડો થોડો. મિટિંગ તો પતી ગઈ છે પણ બીજું કામ છે એ પતાવી જલ્દી ઘરે આવવાનો પ્રયત્ન કરું છું, ઠીક છે?"

"ઠીક છે. જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ મમ્મી."

"જોયું કેટલી ચિંતા છે મારા ઈશાન ને મારી." ત્રિજ્યા સામે જોઈ એનાં સાસુ પોરસાતા બોલ્યા.

જવાબમાં ત્રિજ્યા પણ મલકાઈ. પણ મનમાં ક્યાંક એક શૂળ જેવુ ભોકાયુ, શંકાનું શૂળ, એક સળગતો પ્રશ્ન.

"શું સાચે જ મમ્મીજી? હોંઠ સુધી આવી અટકી ગયો અને ડોર બેલ રણકી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED