Simankan - 3 books and stories free download online pdf in Gujarati

સીમાંકન - 3

બહારથી આવતાં તીવ્ર અવાજથી ત્રિજ્યા બેઠકખંડમાં આવી તો આર્યા અને ઇશાન વચ્ચે કોઈક બાબતે ઘર્ષણ ચાલી રહ્યું હતું.

"આ બધું ક્યાં સુધી ચાલશે ઇશાન? હું ઘરે શું કહું? તું એને ક્યારે છોડીશ? છોડીશ કે પછી માત્ર વાયદા જ છે!?"

"આર્યા... તને મારા પર ભરોસો નથી?

"હતો પણ હવે ડગી ગયો છે વિશ્વાસ."

"આર્યા.... પ્લીઝ આવું ન બોલ. હું પ્રેમ કરું છું તને. હું તને ક્યારેય દગો નહીં આપું."

"હું પણ એ જ સમજતી હતી કે તું મને માત્ર મને પ્રેમ કરે છે પણ હવે.... હવે લાગે છે મારા ઘરનાં જે કહે તે જ સત્ય છે."

"શું કહે છે એ લોકો?"

"એ જ કે તું રમત રમી રહ્યો છે મારી સાથે."

"આર્યા. મારા પ્રેમને રમત ન કહે."

"તો શું કહું? રમત ન હોત તો આજે ત્રિજ્યાની જગ્યાએ હું હોત."

"આર્યા પરિસ્થિતિ જ એવી હતી કે..."

"પરિસ્થિતિ! પરિસ્થિતિ નો આશરો ન લે ઈશાન. તે ધાર્યું હોત તો તારી મમ્મીને આપણા વિશે જણાવી મનાવી શક્યો હોત પણ તે.... તેં તો પ્રયત્ન સુધ્ધાં ન કર્યો. તારી મમ્મીની બિમારીનું બહાનું આગળ ધરી દીધું અને હજું પણ જુઠ્ઠા વાયદાઓ કરે છે. હું ક્યાં સુધી રાહ જોઉં? તારી મમ્મીનાં મૃત્યુ સુધી?"

"આર્યા.... આ શું બકવાસ કરે છે?"

"તો શું કહું? તારે તો વાત કરવી જ નથી મમ્મી જોડે. હવે તો એ પહેલાં કરતાં બેટર છે ને, તો વાત કેમ નથી કરતો."

"હાં. પણ આ સમયે એમને આઘાત લાગી શકે છે જેની નકારાત્મક અસર એમની હેલ્થ પર થઈ શકે અને તે ઘાતક નીવડી શકે છે."

"મારાં જીવન પરની નકારાત્મક અસરોનું શું ઈશાન? તને ખબર છે લોકો મારા વિશે કેવી કેવી વાતો કરે છે? કેવી નજરે જૂએ છે? મારું ફૅમિલી આ નાલેશી સાથે શું કામ જીવે? તું પુરુષ છે. તને કોઈ ફર્ક નહીં પડે પરંતુ હું તો સ્ત્રી છું જેણે આ સમાજમાં જીવવાનું છે. જેની સાથે એનાં કુટુંબની આબરૂ જોડાયેલી છે." એમ કહી આર્યા રડવા લાગી.

"સમજું છું આર્યા. હું પણ તને કે તારા પરિવારને આ પરિસ્થિતિમાં નથી જોવાં માંગતો પણ.... વિશ્વાસ કર મારા પર." ઇશાન એનો હાથ પકડી સાંત્વના આપતા બોલ્યો.

રસોડાના દરવાજાની આડશે ઉભી ત્રિજ્યાને આર્યા પર દયા આવી ગઈ. શું વાંક હતો આર્યાનો? બસ, એક એવાં વ્યક્તિને પ્રેમ કરવો જે પોતાની માતા સામે પોતાનો પ્રેમ ન સ્વીકારી શકે! કોને ગુનેગાર ગણવું ઈશાનને, એની મમ્મીને કે પરિસ્થિતિને? જે હોય તે પણ ભોગવી તો એ ત્રણેય રહ્યાં હતાં. એકવાર તો થયું કે, બહાર જઈને કહી દે,
"આર્યા... હું જાઉં છું. તું અને ઈશાન બંને હવે એક થઈ જાવ અને ખુશીથી જીવો." પરંતુ, મારી માટે પણ શું એ સહજ કે સહેલું હતું? ના. નહોતું. આખરે હું પણ એક સ્ત્રી છું. હું પણ મારા પરિવારને આર્યાના પરિવાર જેવી સ્થિતિમાં નહોતી જોવાં માંગતી. એ જ વિચારી, સહેમીને એ બંનેને લાચારીથી જોઈ રહી.

મોટેભાગે આર્યા સામે હું આવતી નહીં. અસહજ લાગતું કે કદાચ એને અસસજ ફીલ કરાવવા નહોતી માંગતી. જાણેઅજાણે હ્રદયનાં કોઈક ખૂણે હું પોતાને પણ એની ગુનેગાર માનતી થઇ ગઈ હતી.

બહારથી હવે, આર્યાના ડૂસકાં નહોતાં સંભળાય રહ્યા જેથી મને થોડી નિરાંત થઈ. પરંતુ એક પ્રશ્ન પણ થયો, "આનો અંત શું?"
જવાબ.... જવાબ નહોતો. ના, જવાબ હતો ભવિષ્યના ગર્ભમાં જે કદાચ અમને ત્રણેયને ડરાવી રહ્યો હતો. હું મારા વિચારોમાં હજુ દરવાજે જ ઊભી હતી અને ફોનની રિંગ વાગી.

સ્ક્રીન પર નામ જોઈ મારા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED