ફોન રણક્યો અને ત્રિજ્યા નાં હોંશ ઉડી ગયા. શું કરવું એ એની સમજમાં જ ન આવ્યું. ફોનની સ્ક્રીન પર નામ હતું "મમ્મીજી".
એ એટલી ગભરાઈ ગઈ કે એને એ પણ ન સમજાયુ કે માત્ર ફોન આવ્યો છે મમ્મીજી જાતે નથી આવી ગયા.
હાંફળી ફાંફળી એ બહાર દોડી આવી.
"ઈશાન.... મમ્મીજી."
"શું થયું મમ્મીને?"
"કંઈ નહીં... ખબર નહીં... ફોન આવે છે."
"ફોન આવે છે તો ઉંચકીને વાત કરને."
"હં...હાં... પણ શું કહું?"
"શું કહું એટલે? નોર્મલ વાત કર. આ શું કન્ફ્યુઝ થઈ છે આજે?"
"હા... કરું છું વાત."
"રહેવા દે. આજે લાગતું નથી કે તું નોર્મલી વાત કરી શકીશ. લાવ હું વાત કરું છું."
"હેલ્લો.... હા મમ્મી કેમ છો? અમે સારા છીએ. તમારી ચિંતા થાય છે. ક્યારે આવો છો? ક્યારે લેવા આવું તમને? અચ્છા કાલે? ઠીક છે મારથી કદાચ ન અવાય તો ત્રિજ્યા આવી જશે. એ કિચનમાં છે પછી કહું તમને ફોન કરવા. ચાલો સાચવજો. જય શ્રી કૃષ્ણ."
"ત્રિજ્યા... ત્રિજ્યા.."
"હ..."
"શું થયું છે આજે તને? કાલે મમ્મી આવશે એમને લેવા જજે."
"મમ્મી એકલાં આવે છે?"
"ના. એકલા કઈ રીતે આવશે? હું ગાડી બુક કરી દઈશ, તું લઈ આવજે."
"ઠીક છે." એમ કહી ત્રિજ્યા ફરી કિચનમાં જતી રહી.
આર્યા આ બધું જોઈ રહી હતી. એની વાત તો બાજુએ રહી ગઈ.એ પણ આ બંનેનાં સંબંધ ને સમજવાનો પ્રયત્ન કરવા લાગી. શું છે આ બંન્નેનો સંબંધ? પતિ-પત્નીનો સંબંધ બંને નકારે છે, મિત્રો પણ નથી પણ કંઈક તો છે ને રોજ શાંત રહી પરિસ્થિતિ સંભાળતી ત્રિજ્યા આજે વિહ્વળ કેમ બની? શું ચાલી રહ્યું હતું એનાં મનમાં? સવાલો ઘણા હતા પણ જવાબ કદાચ હમણાં કોઈ પાસે નહોતો. આર્યા પણ દલીલો કરી થાકી હતી એણે પણ ત્યાંથી જવાનું મુનાસીબ માન્યું. પણ આશ્ચર્ય આજે ઈશાન એને મૂકવા આવવા તૈયાર ન થયો. એ નિસાસા સાથે બહાર નીકળી ગઇ અને ઈશાન ત્યાં જ સોફા પર બેસી ગયો.
રસોડામાં ત્રિજ્યા વિચારી રહી કે આજે એને શું થયું? એ માત્ર ફોન હતો, મમ્મી પોતે નહોતાં આવ્યાં તો એને આટલો બધો ગભરાટ કેમ થયો? શું જુઠ્ઠું બોલતાં બોલતાં હવે એ થાકી છે? પકડાઈ જવાનો ડર હદથી વધી ગયો છે કે આ ઘરમાંથી જવાનો? કે પછી.... ના... ના... ઈશાન માટે કોઈ લાગણી નથી કે નથી નાતો કે વિખૂટા પડવાનો ડર લાગે. શું હતું ખબર નહીં પણ આવી વિહ્વળતા ન પાલવે. એણે પોતાનાં પર કાબૂ રાખવો પડશે નહિ તો ઈશાન અને આર્યા માટે એ મુસીબત ઊભી કરી દેશે. એ બંને એક નહીં થઈ શકે.
"ત્રિજ્યા .."
"હા... સોરી. આજે ખબર નહીં આવું બિહેવ કર્યું મેં."
"વાંધો નહીં. સમજું છું ડરનું કારણ."
"સમજો છો?"
"હા. આજે આર્યા અહી હતી તો તમને ડર લાગ્યો કે મમ્મીને જાણ થઈ ગઈ તો! હું આર્યાને સમજાવીશ કે ઘરે ન આવે."
"હા કદાચ એ જ કારણ છે."
"કાલે મમ્મીને લેવા જાવ ત્યારે આ ડર કાઢીને જજો. મમ્મીને જાણ ન થાય કે આર્યા નાં ઘરે આવવા વિશે."
"નહીં ખબર પડે." ત્રિજ્યા જે થોડા સમય પહેલાં ઈશાનથી વિફરી હતી હમણાં એનો સાથ આપવાની વાતો કરી રહી હતી. કારણ શું હતું? મમ્મીજીનું કેન્સર, ઈશાન અને આર્યા ને એક કરવાનો વિચાર કે પોતાની મજબૂરી! ખબર નહીં પણ નાટક આવતીકાલથી ફરી શરૂ કરવાનું હતું એ પાક્કું. કદાચ એ અનૈસર્ગિક અભિનય જ એની વિહ્વળતાનુ કારણ હતું. મમ્મીજીની ગેરહાજરીમાં એને સંબંધમાં મળેલી સ્વતંત્રતા ફરી છીનવાઈ જવાની છે એ ડર.
ફરી એને ઈશાન પર ગુસ્સો આવ્યો.
(ક્રમશઃ)