નારદ પુરાણ - ભાગ 33 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 33

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, ઉત્તમ અધ્યાત્મજ્ઞાન સાંભળીને નારદ ઘણા પ્રસન્ન થયા. તેમણે ફરીથી પ્રશ્ન કર્યો.”

        નારદ બોલ્યા, “હે દયાનિધે, મનુષ્યને આધ્યાત્મિક આદિ ત્રણે તાપોનો અનુભવ થાય, તેવો ઉપાય જણાવો.”

        સનંદન બોલ્યા, “વિદ્વન, ગર્ભમાં, જન્મકાળમાં અને વૃદ્ધત્વ આદિ અવસ્થાઓમાં પ્રકટ થનારા ત્રણ પ્રકારના દુઃખસમુદાયની એકમાત્ર અમોઘ તેમજ અનિવાર્ય ઔષધી ભગવાનની પ્રાપ્તિ જ માનવામાં આવી છે. ભગવત્પ્રાપ્તી થતી વેળાએ આવા લોકોત્તર આનંદની અભિવ્યક્તિ થાય છે, જેના કરતાં વધારે સુખ અને આહલાદ ક્યાંય છે જ નહિ. હે મહામુને, ભગવત્પ્રાપ્તી માટે જ્ઞાન અને નિષ્કામ કર્મ-આ બે જ ઉપાય જણાવવામાં આવ્યા છે. જ્ઞાન પણ બે પ્રકારનું છે: એમાંનું એક તો શાસ્ત્રના અધ્યયન અને અનુશીલનથી પ્રાપ્ત થાય છે અને બીજું વિવેકથી પ્રકટ થાય છે. શબ્દબ્રહ્મ અર્થાત વેદનું જ્ઞાન શાસ્ત્રજ્ઞાન છે અને પરબ્રહ્મ પરમાત્માનો બોધ વિવેકજન્ય જ્ઞાન છે.

        મનુએ આ વિષયમાં જે કહ્યું છે તે તમને જણાવું છું. જાણવા યોગ્ય બ્રહ્મ બે પ્રકારનું છે : એક શબ્દબ્રહ્મ અને બીજું પરબ્રહ્મ. જે શબ્દબ્રહ્મમાં પારંગત થઇ જાય છે, તે વિવેકજન્ય જ્ઞાન દ્વારા પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે.

        અથર્વવેદની શ્રુતિ કહે છે કે, બે પ્રકારની વિદ્યાઓ જાણવા યોગ્ય છે-પરા અને અપરા. પરાથી નિર્ગુણ સગુણરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જે અવ્યક્ત, અજર, ચેષ્ટારહિત, અજન્મા, અવિનાશી, અનિર્દેશ્ય (નામ આદિથી રહિત), રૂપહીન, હાથપગ આદિ અવયવોથી શૂન્ય, વ્યાપક, સર્વગત, નિત્ય, ભૂતો આદિ કારણ અને પોતે કારણહીન, જેનાથી સંપૂર્ણ વ્યાપ્ય વસ્તુઓ વ્યાપ્ત છે. સમસ્ત જગત જેનાથી પ્રકટ થયું છે તેમજ જ્ઞાની જણ જ્ઞાનદૃષ્ટિથી જેનો સાક્ષાત્કાર કરે છે, તે જ પરમધામ સ્વરૂપ પરબ્રહ્મ છે. તે જ પરાવિદ્યા અથવા પરમ જ્ઞાન છે. એથી ભિન્ન ત્રણે વેદ છે, તેમને અપર જ્ઞાન અથવા અપરા વિદ્યા કહેવામાં આવેલ છે.

        બ્રહ્મન, બ્રહ્મ કોઈ શબ્દ કે વાણીનો વિષય નથી, તોપણ ઉપાસના માટે ‘ભગવાન’ આ નામથી તેનું કથન કરવામાં આવે છે. જે સમસ્ત કારણોનું પણ કારણ છે, તે પરમ શુદ્ધ મહાભૂતિ નામવાળા પરબ્રહ્મ માટે જ ‘ભગવત’ શબ્દનો પ્રયોગ થયો છે. ભગવત શબ્દમાં ‘ભ’ કારના બે અર્થ છે; એક સંભર્તા (ભરણપોષણ કરનાર) તથા બીજો ભર્તા (ધારણ કરનાર). હે મુને ‘ગ’ કારના ત્રણ અર્થ છે-ગમયિતા (પ્રેરક), નેતા (સંચાલક) તથા સ્રષ્ટા (જગતની સૃષ્ટિ કરનાર). ‘ભ’ અને ‘ગ’ ના યોગથી ‘ભગ’ શબ્દ બને છે, જેનો અર્થ થાય છે સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ જ્ઞાન તથા સંપૂર્ણ વૈરાગ્ય- આ છનું નામ ‘ભગ’ છે. તે સર્વાત્મા પરમેશ્વરમાં સંપૂર્ણ ભૂત-પ્રાણી નિવાસ કરે છે, તથા તે પોરે પણ સર્વ ભૂતોમાં વાસ કરે છે, તેથી તે અવ્યય પરમાત્મા જ ‘વ’ કારનો અર્થ છે. હે નારદ આ પ્રમાણે ‘ભગવાન’ આ મહાન શબ્દ પરબ્રહ્મસ્વરૂપ ભગવાન વાસુદેવનો જ બોધ કરાવનારો છે.

        પૂર્વકાળમાં ખાંડીકય જનકે પૂછવાથી કેશીધ્વજે ભગવાન અનંતના વાસુદેવ નામની યથાર્થ વ્યાખ્યા કરી હતી તે તમને જણાવું છું. પરમાત્મા સર્વ ભૂતોમાં વાસ કરે છે અને તે ભૂત[પ્રાણી પણ તેમની અંદર રહે છે તથા તે પરમાત્મા જ જગતને ધારણ કરનારા, તેનું પોષણ કરનારા તેમ જ તેના સ્રષ્ટા છે; તેથી તે સર્વશક્તિમાન પ્રભુને ‘વાસુદેવ’ કહેવામાં આવ્યા છે.

भूतेषु वसते सोऽन्तर्वसन्त्यत्र च तानि यत् I

धाता विधाता जगतां वासुदेवस्तत: प्रभु: II

                હે મુને, જે સંપૂર્ણ જગતના આત્મા તથા સમસ્ત આવરણોથી પર છે, તે પરમાત્મા સંપૂર્ણ ભૂતોની પ્રકૃતિ, પ્રાકૃત વિકાર તથા ગુણ અને દોષોથી રહિત છે. પૃથ્વી અને આકાશની વચ્ચે જે કંઈ સ્થિત છે, તે સર્વ તેનાથી વ્યાપ્ત છે. વ્યષ્ટિ અને સમષ્ટિ જગત તેનું જ સ્વરૂપ છે, તે જ વ્યક્ત છે અને તે જ અવ્યક્ત છે, તે સર્વના સ્વામી, સંપૂર્ણ સૃષ્ટિના જ્ઞાતા, સર્વશક્તિમાન નામથી પ્રસિદ્ધ છે. જેનાથી નિર્દોષ, વિશુદ્ધ, નિર્મળ તથા એકરૂપ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર અને બોધ થાય છે, તેનું જ નામ જ્ઞાન છે અને તેનાથી વિપરીત જે કંઈ છે તેને અજ્ઞાન કહેવામાં આવેલ છે.

        બ્રહ્મની પ્રાપ્તિનું કારણ હોવાને લીધે વેદનું નામ પણ બ્રહ્મ છે. એટલા માટે જ વેદોનો સ્વાધ્યાય કરવામાં આવે છે. સ્વાધ્યાયથી યોગનું અનુષ્ઠાન કરવું અને યોગથી સ્વાધ્યાયનો અભ્યાસ કરવો. પરમાત્માનાં દર્શન કરવા માટે સ્વાધ્યાય અને યોગ એ બે નેત્ર છે.”

        નારદ બોલ્યા, “ભગવન, જેને જાણ્યા પછી સર્વના આધારરૂપ પરમેશ્વરનાં દર્શન કરી શકું, તે યોગને હું જાણવા ઈચ્છું છું. કૃપા કરીને તેનું વર્ણન કરો.”

        સનંદન બોલ્યા, “પૂર્વકાળમાં કેશિધ્વજે મહાત્મા ખાંડીકય જનકને યોગનો ઉપદેશ આપ્યો હતો, તે જ હું તમને જણાવું છું.”

        નારદે પૂછ્યું, “બ્રહ્મન, ખાંડીકય અને કેશિધ્વજ કોણ હતા? ને તેમની વચ્ચે યોગસંબંધી વાતચીત કઈ રીતે થઇ?”

        સનંદને કહ્યું, “નારદ પૂર્વકાળમાં ધર્મધ્વજ જનક નામનો રાજા થઇ ગયો. તેના મોટાપુત્રનું નામ અમિતધ્વજ હતું. તેનો નાનો ભાઈ કૃતધ્વજ નામથી વિખ્યાત હતો. રાજા કૃતધ્વજ સદા અધ્યાત્મચિંતનમાં જ અનુરક્ત રહેતો. કૃતધ્વજનો પુત્ર કેશિધ્વજ હતો. તે પોતાના સદ્જ્ઞાનને લીધે ધન્ય થઇ ગયો. અમિતધ્વજના પુત્રનું નામ ખાંડીકય જનક હતું. ખાંડીકય કર્મકાંડમાં નિપુણ હતા. એક સમયે કેશિધ્વજે ખાંડીકયને હરાવી તેમને રાજ્યસિંહાસન ઉપરથી ઉતારી મૂક્યા. રાજ્યથી ભ્રષ્ટ થયા પછી ખાંડીક્યાં જુજ સાધનસામગ્રી લઈને પુરોહિત અને મંત્રીઓ સાથે એક દુર્ગમ વનમાં ચાલ્યા ગયા.

        આ તરફ કેશિધ્વજે નિષ્કામ ભાવથી અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. હે નારદ, એક સમયે કેશિધ્વજ યજ્ઞકાર્યમાં પ્રવૃત્ત હતા ત્યારે તેમની ગાયને કોઈક વિકરાળ વાઘે મારી નાખી. તે જાણ્યા પછી રાજાએ ઋત્વિજોને એના પ્રાયશ્ચિત વિષે પૂછ્યું. તેઓ આ સંબંધમાં કાંઈ જાણતા ન હોવાથી તેમણે કશેરુ અને શુનકને પૂછવા માટે જણાવ્યું. રાજાએ તેમને પ્રાયશ્ચિત વિષે પૂછતાં તેમણે જણાવ્યું કે ખાંડીકય સિવાય આ પૃથ્વી ઉપર આના પ્રાયશ્ચિત વિષે કોઈ જાણતું નથી.

        કેશિધ્વજ કાળું મૃગચર્મ ધારણ કરીને મહારાજ ખાંડીકય પાસે વનમાં ગયા. પોતાના શત્રુને આવતાં જોઇને તેણે પૂછ્યું, “અરે! તું કાળું મૃગચર્મ કવચરૂપે ધારણ કરીને શું મને મારવા આવ્યો છે?”

        કેશિધ્વજે કહ્યું, “ના, ખાંડીકય! હું તમને મારવા નથી આવ્યો. મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઇ છે, તેનું નિવારણ પૂછવા માટે આવ્યો છું.”

        આ સાંભળીને ખાંડીક્યે પોતાના મંત્રીઓ અને પુરોહિતો સાથે મંત્રણા કરી. મંત્રીઓએ તેને મારી નાખવાનું કહી સમસ્ત પૃથ્વી પોતાના અધીન કરી લેવાનું જણાવ્યું. તેમની વાત સાંભળીને ખાંડીક્યે કહ્યું, “વાત તો તમારી સાચી છે, પરંતુ તેમ કરવાં જતાં તેને પારલૌકિક વિજય મળશે અને મને પોતાને સમસ્ત પૃથ્વી મળશે. જો તેને મારું નહિ તો પારલૌકિક વિજય મારો થશે અને તેને પૃથ્વી મળશે. પારલૌકિક વિજય અનંતકાળ માટે હોય છે.”

        ત્યારબાદ કેશિધ્વજે વાઘે ગાય મારી નાખ્યાનું જણાવી તેનું પ્રાયશ્ચિત પૂછ્યું. ખાંડીક્યે પણ વિધિપૂર્વક સર્વ પ્રાયશ્ચિત જણાવી દીધું. પછી કેશિધ્વજે ખાંડીકયની આજ્ઞા લઈને યજ્ઞભૂમિ તરફ પ્રસ્થાન કર્યું અને પ્રાયશ્ચિતનું સર્વ કાર્ય પૂર્ણ કર્યું. યજ્ઞ સમાપ્ત થયા પછી રાજાએ અવભૃથસ્નાન કર્યું. સર્વ કાર્યથી નિવૃત્ત થયા પછી કેશિધ્વજે વિચાર્યું કે સર્વ ઋત્વિજોનું પૂજન કર્યું અને યાચકોને મનોવાંછિત દાન આપ્યું, તો પણ કંઈક કરવાનું રહી ગયું હોય એવું કેમ લાગે છે. પછી ધ્યાન આવ્યું કે ખાંડીકયને ગુરુદક્ષિણા આપી નથી.

        આથી તે ફરી વનમાં ગયા. તેને આવતો જોઇને ખાંડીક્યે શસ્ત્ર ઉપાડ્યાં, પણ કેશિધ્વજે કહ્યું, “ખાંડીકય, ક્રોધ ન કરશો, હું ગુરુદક્ષિણા આપવા માટે આવ્યો છું.”

        કેશિધ્વજે આ પ્રમાણે કહેવાથી ખાંડીક્યે ફરીથી પોતાના મંત્રીઓની સલાહ લીધી. મંત્રીઓએ સંપૂર્ણ રાજ્ય માગી લેવાનું જણાવ્યું આથી રાજા ખાંડીક્યે મંત્રીઓને હસીને કહ્યું, “પૃથ્વીનું રાજ્ય તો થોડા જ સમય માટે રહેનારું છે, તે મારા જેવો માણસ કઈ રીતે માગી શકે?”

        ત્યારબાદ કેશિધ્વજનો ગુરુદક્ષિણાનો મક્કમ નિર્ણય જાણીને ખાંડીક્યે કહ્યું, “આપ અધ્યાત્મજ્ઞાનરૂપ પરમાર્થ વિદ્યાના જ્ઞાતા છો. જે મને ગુરુદક્ષિણા અવશ્ય આપવા ચાહતા હો, તો સંપૂર્ણ કલેશોનો નાશ કરવામાં જે કર્મ સમર્થ હોય તેનો મને ઉપદેશ કરો.”

        પ્રત્યુત્તરમાં કેશિધ્વજે પૂછ્યું, “રાજન, આપે મારું રાજ્ય કેમ ન માગ્યું? ક્ષત્રિયો માટે રાજ્યપ્રાપ્તિ કરતાં વધુ પ્રિય કોઈ વસ્તુ નથી.”

        ખાંડીકય બોલ્યા, “વિદ્વાન પુરુષ રાજ્યની ઈચ્છા કરતો નથી. પ્રજાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને પોતાના વિરોધીઓનો ધર્મયુદ્ધ દ્વારા વધ કરવો એ કર્તવ્યપાલનમાં હું અસમર્થ થઇ ગયો, તેથી તમે મારું રાજ્ય લઇ લીધું એમાં કોઈ દોષ નથી. આ રાજકારભાર એ અવિદ્યા જ છે. જો સમજણપૂર્વક તેનો ત્યાગ કરવામાં ન આવે તો એ બંધનનું કારણ જ બને છે; રાજ્યની ચાહના અનેક જન્મોનાં કર્મ દ્વારા પ્રાપ્ત થયેલા સુખના ઉપભોગ માટે થાય છે; તેથી રાજ્ય લેવાનો મને અધિકાર નથી. એ સિવાય કોઈની પાસે યાચના કરવી એ ક્ષત્રિય ધર્મ નથી.”

        કેશિધ્વજ બોલ્યા, “હું પણ વિદ્યા વડે મૃત્યુની પાર જવાની ઈચ્છા રાખીને કર્તવ્યબુદ્ધિથી રાજ્યની રક્ષા અને નિષ્કામ ભાવથી અનેક પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરું છું. પરમ સૌભાગ્યની વાત છે કે તમારું મન વિવેકરૂપી ધનથી સંપન્ન થયેલું છે  તેથી અવિદ્યાનું સ્વરૂપ કેવું છે, તે સાંભળો.”

ક્રમશ: