નારદ પુરાણ - ભાગ 34 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 34

કેશિધ્વજ આગળ બોલ્યા, “અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું બીજ બે પ્રકારનું છે: અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું અર્થાત અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી અને જે મોહરૂપી અંધકારથી ઘેરાયેલો છે, તે દેહાભિમાની જીવ આ પંચભૌતિક શરીરમાં ‘હું’ અને ‘મારા’ પણાની દૃષ્ટ ભાવના કરી લે છે. પરંતુ આત્મા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આદિથી સર્વથા પૃથક છે, તેથી બુદ્ધિમાન પુરુષે શરીરમાં આત્મબુદ્ધિ કરવી ન જોઈએ.

        આ શરીર અનાત્મા હોવાથી એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા પુત્ર, પૌત્ર આદિમાં મમત્વ ન રાખવું જોઈએ. મનુષ્ય સર્વ કર્મો શરીરના ઉપભોગ માટે જ કરે છે; પરંતુ જયારે આ દેહ પુરુષથી ભિન્ન છે ત્યારે તો કર્મો કેવળ બંધનનાં જ કારણ થાય છે. પંચભૂતોનું બનેલું આ શરીર જો પંચભૌતિક પદાર્થોથી જ પુષ્ટ થાય છે, તો પછી પુરુષે તેના માટે ગર્વ કરવા જેવું કારણ જ કયું છે?

        આ જીવ હજારો વર્ષોથી સંસારરૂપી માર્ગ પર ચાલી રહ્યો છે અને વાસનારૂપી ધૂળથી ઢંકાઈ જઈને મોહરૂપી શ્રમને પ્રાપ્ત થાય છે. હે સૌમ્ય, જે સમયે જ્ઞાનરૂપી જળથી એની વાસનારૂપી ધૂળ ધોઈ નાખવામાં આવે છે, તે જ સમયે આ સંસારમાર્ગના પથિકનો મોહરૂપી શ્રમ શાંત થઇ જાય છે અને અંતે તે નિરતિશય પરમ નિર્વાણપદને પ્રાપ્ત કરી લે છે. અવિદ્યાને લીધે ઉત્પન્ન થયેલા ક્લેશોને નષ્ટ કરવા માટે યોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી.”

        ખાંડીકય બોલ્યા, “યોગવેત્તાઓમાં શ્રેષ્ઠ મહાભાગ કેશિધ્વજ, આપ નિમિવંશમાં યોગશાસ્ત્રના જાણકાર છો, તેથી આપ યોગનું વર્ણન કરો.”

        કેશિધ્વજે કહ્યું, “ખાંડીકય, હું યોગનું સ્વરૂપ જણાવું છું, તે સાંભળો. તે યોગમાં સ્થિત થયા પછી મુનિ બ્રહ્મમાં લીન થાય છે અને પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી. મન જ મનુષ્યોનાં બંધન અને મોક્ષનું કારણ છે; વિષયોમાં આસક્ત થવાથી તે બંધનનું કારણ થાય છે અને વિષયોથી દૂર થતાં તે જ મોક્ષનું સાધક બની જાય છે. આત્મજ્ઞાનના ઉપાયરૂપી યમ-નિયમ આદિ સાધનોની અપેક્ષા રાખનારી મનની વિશિષ્ટ ગતિનો બ્રહ્માની સાથે સંયોગ થવો એને જ ‘યોગ’ કહેવામાં આવે છે. જેનો યોગ આવા જ વિશિષ્ટ ધર્મથી યુક્ત હોય છે, તે યોગી ‘મુમુક્ષુ’ કહેવાય છે. યોગનો પ્રાથમિક અભ્યાસ કરનારો યોગી ‘યુંજાન’ કહેવાય છે અને જ્યારે તેને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે તે ‘વિનિષ્પન્નસમાધિ’ કહેવાય છે.

        જો કોઈ વિઘ્નને લીધે તે પૂર્વોક્ત યોગી (યુંજાન) નું ચિત્ત દૂષિત થઇ જાય, તો બીજા જન્મોમાં તે યોગભ્રષ્ટની. અભ્યાસ કરતા રહેવાથી મુક્તિ થઇ જાય છે. ‘વિનિષ્પન્નસમાધિ’ યોગી યોગના અગ્નિથી પોતાનાં સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે, તેથી તે જ જન્મમાં શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરી લે છે.

           યોગીએ પોતાના ચિત્તને યોગની સાધના કરવાયોગ્ય બનાવીને બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય તથા અપરિગ્રહનું નિષ્કામ ભાવથી પાલન કરવું, આ પાંચ યમ છે. એમની સાથે જ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા પરબ્રહ્મ પરમાત્મામાં મનને લીન કરવું-આ પાંચ નિયમ છે જેમનું પાલન કરવું. આ પાંચ યમ અને નિયમ છે. તેમણે સકામ ભાવથી સેવવાથી વિશિષ્ટ ફળ આપે છે અને નિષ્કામભાવથી સેવવાથી મોક્ષ આપે છે.

        યત્નશીલ સાધકે સ્વસ્તિક, સિદ્ધ, પદ્મ આદિ આસનોમાં ગમે તે એકનો આશ્રય લઈને, યમ અને નિયમ નામના ગુણોથી સંપન્ન થઈને નિયમપૂર્વક યોગનો અભ્યાસ કરવો. અભ્યાસ વડે સાધકે વશમાં કરેલા પ્રાણવાયુની ક્રિયાને પ્રાણાયામ કહેવામાં આવે છે. એના બે ભેદ છે: સબીજ અને નિર્બીજ. જેમાં ભગવાનના નામ અને રૂપનું આલંબન થાય, તે સબીજ પ્રાણાયામ અને જેમાં આવું કોઈ આલંબન ન હોય, તે નિર્બીજ પ્રાણાયામ કહેવાય છે.

        સાધુ પુરુષોના ઉપદેશથી પ્રાણાયામની ક્રિયા કરતી વખતે જયારે યોગીના પ્રાણ અને અપાન એકબીજાનો પરાભવ કરે છે-દબાવે છે, ત્યારે ક્રમશ: રેચક અને પૂરક નામના બે પ્રાણાયામ થાય છે ને તે બંનેનો એક જ સમયે સંયમ થવાથી કુંભક નામનો ત્રીજો પ્રાણાયામ થાય છે.

(પ્રાણાયામના ત્રણ અંગ છે: પૂરક, રેચક અને કુંભક) જમણું નસકોરું જમણા હાથના અંગૂઠાથી બંધ કરીને ડાબા નસકોરાથી વાયુને શરીરમાં પૂરવામાં આવે, તે ક્રિયાને પૂરક કહે છે; એમાં પ્રાણવાયુનો દબાવ થવાથી અપાનવાયુની નિમ્ન ગતિ થાય છે; આમ થવું એ જ પ્રાણવાયુ દ્વારા અપાનનો પરાભવ છે. ડાબું નસકોરું મધ્યમા અને અનામિકાથી બંધ કરીને જમણા નસકોરાથી વાયુને બહાર કાઢવામાં આવે છે, તેને રેચક કહે છે; એમાં પ્રાણવાયુ બહાર નીકળવાથી અપાનવાયુ ઊર્ધ્વગતિ કરે છે; અપાન દ્વારા પ્રાણનો આ પરાભવ છે. શરીરમાં પૂરેલા વાયુને જયારે બંને નસકોરાં બંધ કરીને થોડોક સમય રોકી રાખવામાં આવે છે, તે સમયે પ્રાણ અને અપાન બંને નિયત સ્થાન અને સીમામાં અટકેલા રહે છે. આ જ તે બંનેનો સંયમ અથવા નિરોધ છે; આનું જ નામ કુંભક છે.)

રાજન, જયારે યોગી સબીજ પ્રાણાયામનો અભ્યાસ કરે છે, ત્યારે તેનું આલંબન સર્વવ્યાપી અનંત સ્વરૂપ ભગવાન વિષ્ણુનું સાકાર રૂપ થાય છે. યોગવેત્તા પુરુષે પ્રત્યાહારનો અભ્યાસ કરતા રહીને શબ્દાદિ વિષયોમાં અનુરક્ત થયેલી ઇન્દ્રિયોને અટકાવી પોતાના ચિત્તને અનુસરતી થાય તે પ્રમાણે તેમને કેળવવી. જો ઇન્દ્રિયો વશમાં ન હોય, તો કોઈ પણ યોગી તેના દ્વારા યોગની સાધના કરી શકતો નથી. પ્રાણાયામ વડે પ્રાણ-અપાનરૂપ વાયુ અને પ્રત્યાહારથી ઇન્દ્રિયોને પોતાના વશમાં કરીને ચિત્તને તેના શુભ આશ્રયમાં સ્થિર કરવું.

ખાંડીકય બોલ્યા, “ચિત્તનો શુભ આશ્રય કયો છે કે જેનું અવલંબન કરીને તે સંપૂર્ણ દોષોની ઉત્પત્તિ નષ્ટ કરે દે છે?”

કેશિધ્વજ બોલ્યા, “રાજન, ચિત્તનો આશ્રય બ્રહ્મ છે. તેનાં બે સ્વરૂપ છે : મૂર્ત અને અમૂર્ત અથવા અપર અને પર. સંસારમાં ત્રણ પ્રકારની ભાવનાઓ છે અને ભાવનાઓને લીધે આ જગત ત્રણ પ્રકારનું કહેવાય છે. પહેલી ભાવનાનું નામ ‘કર્મભાવના’, બીજીનું નામ ‘બ્રહ્મભાવના’ અને ત્રીજી ‘ઉભયાત્મિક ભાવના’ છે; એમાંની પહેલીમાં કર્મની ભાવના હોવાને લીધે તે ‘કર્મભાવાત્મિકા’છે, બીજીમાં બ્રહ્મભાવના હોવાથી તે ‘બ્રહ્મભાવાત્મિકા’ કહેવાય છે અને ત્રીજીમાં બંને પ્રકારની ભાવના હોવાથી તેને ‘ઉભયાત્મિકા’ કહે છે.

સનક આદિ સિદ્ધ પુરુષો સદા બ્રહ્મભાવનાથી યુક્ત હોય છે. તેનાથી ભિન્ન દેવતાઓથી માંડી સ્થાવર-જંગમ સુધીનાં પ્રાણીઓ કર્મભાવથી યુક્ત હોય છે. હિરણ્યગર્ભ, પ્રજાપતિ આદિ સચ્ચિદાનંદ બ્રહ્મનો બોધ અને સૃષ્ટિરચના વગેરે કર્મોનો અધિકાર આ બંનેથી યુક્ત હોય છે, તેથી તેમનામાં બ્રહ્મભાવના તેમ જ કર્મભાવના એમ બંનેની પ્રાપ્તિ થાય છે.

હે રાજન, જ્યાં સુધી વિશેષ ભેદ-જ્ઞાનના હેતુભૂત સર્વ કર્મો ક્ષીણ થઇ જતાં નથી, ત્યાં સુધી જ ભેદ દર્શી મનુષ્યોની દૃષ્ટિમાં આ વિશ્વ તથા પરબ્રહ્મ ભિન ભિન્ન પ્રતીત થાય છે. જય સર્વ ભેદોનો અભાવ થઇ જાય છે, જે કેવળ સત છે અને વાણીનો અવિષય છે તથા જે પોતે જ અનુભવસ્વરૂપ છે, તેને જ બ્રહ્મજ્ઞાન કહેવામાં આવેલ છે. તે જ વિશ્વરૂપથી સર્વથી ભિન્ન અજન્મા તેમ જ નિરાકાર વિષ્ણુનું પરમ સ્વરૂપ છે. યોગની સાધના કરનોર પ્રથમ તે નિર્વિશેષ સ્વરૂપનું ચિંતન નથી કરી શકતો, તેથી તેણે શ્રીહરિઅન વિશ્વમય સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ.

શક્તિ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે; પરા અને અપરા અને કર્મશક્તિ. ભગવાન વિષ્ણુને ‘પરાશક્તિ’ કહેલ છે. ક્ષેત્રજ્ઞ ‘અપરાશક્તિ’ છે અને કર્મને ત્રીજી શક્તિ માનવામાં આવેઈ છે. ક્ષેત્રજ્ઞ શક્તિ સર્વ શરીરોમાં વ્યાપ્ત છે; પરંતુ તે આ અસાર સંસારમાં અવિદ્યા નામક શક્તિથી આવૃત્ત થઈને અત્યંત વિસ્તારથી પ્રાપ્ત થનારા સંપૂર્ણ કલેશો ભોગવ્યા કરે છે. અવિદ્યાશક્તિથી તિરોહિત હોવાને કારણે તે ક્ષેત્રજ્ઞ શક્તિ સંપૂર્ણ પ્રાણીઓમાં તારતમ્યથી જણાય છે. પ્રાણ વિનાના એવા જડ પદાર્થોમાં તે ઘણી ઓછી છે; તેમના કરતાં વધારે વૃક્ષ-પર્વત આદિ સ્થાવારોમાં રહેલી છે; સ્થાવરો કરતાં વધારે સર્પ વગેરે જીવોમાં અને તેમના કરતાં ઓઅન વધારે પક્ષીઓમાં અભિવ્યક્ત થયેલી છે. પક્ષીઓ કરતાં તે શક્તિમાં મૃગ આગળ વધેલાં છે અને મૃગો કરતાં પશુઓ વધુ આગળ છે. પશુઓ કરતાં મનુષ્યો પરમ પુરુષ ભગવાનની તે ક્ષેત્રજ્ઞ શક્તિથી વધુ પ્રભાવિત છે. મનુષ્યો કરતાં પણ વધારે આગળ નાગ, ગંધર્વ, યક્ષ આદિ દેવતાઓ છે. દેવતાઓથી પણ ઇન્દ્ર અને ઇન્દ્ર કરતાં પણ પ્રજાપતિ તે શક્તિમાં આગળ વધેલા છે. પ્રજાપતિની અપેક્ષાએ પણ હિરણ્યગર્ભ બ્રહ્મામાં ભગવાનની શક્તિનો વિશેષ પ્રકાશ થયો છે.

આ સર્વ રૂપો તે પરમેશ્વરનાં શરીર છે; કારણ આકાશની જેમ તેની શક્તિઓ વ્યાપ્ત છે. યોગના સાધકે આત્મશુદ્ધિ માટે વિશ્વરૂપ ભગવાનના તે સર્વ પાપનાશક સ્વરૂપનું જ ચિંતન કરવું જોઈએ. રાજન, ત્રણે ભાવનાઓથી અતીત ભગવાન વિષ્ણુ જ યોગીઓની મુક્તિ માટે એમના ચંચળ ચિત્તના શુભ આશ્રય છે. ચિત્તને ભગવાનમાં ધારણ કરવું, એને જ ‘ધારણા’ સમજવી જોઈએ. કોઈ પણ આધાર વગર ધારણા થઇ શક્તિ  નથી; તેથી ભગવાનના સગુણ-સાકાર સ્વરૂપનું ચિંતન કરવું.

તત્પશ્ચાત વિદ્વાન સાધકે પોતાના ચિત્તથી ભગવાનના કોઈ એક અવયવ (ચરણ કે મુખારવિંદ) નું ધ્યાન કરવું. ત્યારબાદ અવયવોનું ચિંતન છોડી દઈને કેવળ અવયવી એવા ભગવાનના ધ્યાનમાં તત્પર થઇ જવું. જેમાં ભગવાનના સ્વરૂપની જ પ્રતીતિ થાય છે, એવી જે અન્ય વસ્તુઓની ઈચ્છાથી રહિત ધ્યેયકાર ચિત્તની ધારા છે, તેને જ ‘ધ્યાન’ કહેવામાં આવે છે. તે પોતાના પૂર્વ યમ-નિયમ આદિ છ અંગોથી નિષ્પન્ન થાય છે, તે ધ્યેય પદાર્થનું જ કે જે મનના દ્વારા સિદ્ધ થવા યોગ્ય કલ્પનાહીન (ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટીયહી રહિત) સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે, તેને જ ‘સમાધિ’ કહે છે.

વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ અને પરમાત્માનો ભેદ તો અજ્ઞાનને લીધે જ ઉત્પન્ન થયેલો છે. ભેદ ઉત્પન્ન કરનારું અજ્ઞાન તદ્દન નષ્ટ થઇ ગયા પછી આત્મા અને બ્રહ્મમાં ભેદ રહેતો નથી. હે ખાંડીકય, આ પ્રમાણે મેં યોગનું વર્ણન કર્યું, હવે હું આપનું બીજું કયું કાર્ય કરું?”

ખાંડીકય બોલ્યા, “આજે આપના ઉપદેશથી મારા મનની બધી મલિનતા દૂર થઇ ગઈ. મેં જે ‘મારા’ શબ્દનો પ્રયોગ કર્યો, તે પણ અસત્ય જ છે. હે કેશિધ્વજ, આપે જે આ અવિનાશી મોક્ષદાયક યોગનું વર્ણન કર્યું છે, તે દ્વારા મારા કલ્યાણ માટે આપે સર્વ કંઈ કરી નાખ્યું.”

સનંદન બોલ્યા, “બ્રહ્મન, ત્યાર પછી ખાંડીક્યે કેશિધ્વજનું પૂજન કર્યું. તેમના રાજધાનીમાં પાછા ફર્યા પછી ખાંડીકય યોગની સાધના કરવા માટે વિશાલાપુરી (બદરીકાશ્રમ) માં ચાલ્યા ગયા. ત્યાં યમ-નિયમ આદિ ગુણોથી યુક્ત થઇ ભગવાનની ઉપાસના કરીને અંતે તેઓ પરબ્રહ્મ વિષ્ણુમાં લીન થયા.”

ક્રમશ: