પ્રેમ સમાધિ - પ્રકરણ-83 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-83

પ્રેમ સમાધિ
પ્રકરણ-83

વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લીધી કે મારી પાસે આખી કૂંડળી આવી ગઇ છે કંઇ પણ હિસાબ કિતાબ કરો મારી હાજરીમાં કરજો. અને છોકરીને કૂવામાં નથી નાખવાની.. પેલા બ્રાહ્મણ મિત્ર મળી જાય તો એમનો છોકરો.. આ બધાં વિચાર હજી વિજયનાં મનમાં પડઘા પાડી રહેલાં. એણે ભાઉને કહીને પોતાની કેબીન તરફ આવ્યો એણે જોયું તો નારણ ભૂપત સાથે વાતો કરી રહ્યો છે.
વિજયે જોયું એજ સમયે નારણે જોયું કે વિજય આવી રહ્યો છે એટલે કહ્યું “સારું સારું કાલે ફીશીંગ માટે જવાનાં છો સરસ સુમનનું ધ્યાન રાખજો અને બધું શીખવજો હું અને વિજય..”. ત્યાં વિજયે આવીને પૂછ્યું “શું થયું ?” નારણે કહ્યું “હવે તું સ્વસ્થ છે દિકરી તારી પાસે આવી ગઇ છે. તારો ભાણો સુમન સરસ શીખી રહ્યો છે કાલે તો ફીશીંગ માટે દરિયામાં જવાનાં હું શુભકામના આપી રહેલો.”
વિજયે હસતાં હસતાં કહ્યું “હાં હાં હવે બધું કામ પાછું ચાલુ કરી દઇએ શીપ પાટા ઉપર લાવી દઇએ... હવે બધું.. પછી અટકીને બોલ્યો ચાલ નારણ હવે ઘરે જઇએ ત્યાં જમવા માટે બધાં રાહ જોતાં હશે” પછી સાથે રહેલા રાજુને ઇશારો કર્યો.. અને નારણ સાથે ઘરે આવવા નીકળી ગયાં....
************
સતિષનાં મૂડ પ્રમાણે એણે રીતસર જીદ પકડી કે “દમણનાં બીચ પર આવ્યાં અને બીયર નહીં પીવાનો ? એવું હોય ? ચાલને કલરવ તું તો પીતોજ હોઇશને ?” કલરવે કાવ્યા સામે જોયુ પછી બોલ્યો.. “આજ સુધી તો ચાખ્યો પણ નથી.. હજી ઇચ્છા નથી થઇ અને પીવાની જરૂરજ નથી મારી પાસે મારો નશો છે એજ પુરતો છે” એમ કહીને હસ્યો પછી બોલ્યો “તારી ખૂબ ઇચ્છા હોય તો તું ટીન લઇલે હું ડ્રાઇવ કરી લઊં છું. તું પી લે આમતો અંકલના બંગલે બધુજ હોય છે ? નવાઇ શું ?”
કાવ્યાએ કહ્યું “મેં પાપાને ફોન કરેલો કે જમવાનું સાથે છે પાપા આવી ગયાં હશે હવે મોડું થયું છે શું કામ સમય બગાડવો ? આપણે નીકળીએ જેને પીવું હૌય એ પછી શાંતિથી અહીં ફરી આવશે.” સતિષે માયા સામે જોયું અને ગુસ્સાવાળું મોઢું થઇ ગયું... માયા સમજી ગઇ કે સતિષની ખૂબ ઇચ્છા છે પીધા વગર નહીં રહે. એણે કહ્યું “કલરવે કહ્યું એમ એને ડ્રાઇવીંગ આપી દે તું ટીન લઇલે ગાડીમાં પી લેજે મોડું પણ નહીં થાય. પાપા અને વિજય અંકલ રાહ જોતાં હશે”. સતિષે કહ્યું “ઠીક છે હું અહીં લીકર શોપમાંથી લઇ લઊં ચાલો નીકળીએ” બીચ પરથી કારસુધી જતાં સામે લીકર શોપથી સતિષે બે ચીલ્ડ બીયરનાં ટીન લીધાં ગાડીની ચાવી એણે કલરવને આપી અને બોલ્યો “અહીં ફ્રી ઝોનમાં પીવાની મજાજ કંઇક ઓર છે...”
કલરવે કાર સ્ટાર્ટ કરી... કલરવની બાજુમાં કાવ્યાને બેસવું હતું પણ સતિષ ગોઠવાઇ ગયો. માયા અને કાવ્યા પાછળ બેઠાં. સતિષે ટીન તોડી પીવાનું ચાલુ કર્યું હવે અંઘારુ ઘેરુ થવા લાગ્યું હતું. બીયર પીતાં પીતાં સતિષનું બોલવાનું ચાલુ હતું... જેમ જેમ બીયર પેટમાં ગઇ એમ એનો લવારો વધવાં લાગ્યો બોલ્યો “સૂરતમાં મળે પણ ચોરી છૂપીથી પીવો પડે અહીં મજા છે દમણમાં ...”..
અડધે રસ્તે આવી ગયાં હતાં ગાડીમાંથી બધી મોંઘી હોટલો, રીસોર્ટ અને બાર રેસ્ટોરન્ટ પસાર થઇ રહેલાં. કલરવ ડ્રાઇવ કરતાં કરતાં બધું જોઇ રહેલો રાત્રીની ઝાકમઝોળ દમણની માણી રહેલો. ત્યાં સતિષ બોલ્યો. “પણ સાચુ કહું મને ડુમ્મસ પીવાની ખૂબ મજા આવે ત્યાં બધીજ વ્યવસ્થા હોય સીક્યુરીટી હોય અને પીધાં પછી.”. બોલતો અટક્યો પણ હોઠ પર જીભ ફેરવી...
ત્યાં કલરવે સમય સૂચકતાં વાપરીને લાભ ઉઠાવ્યો બોલ્યો. “ડુમ્મસ ? ત્યાં તો વિજય અંકલની પણ હોટલ છેને ? ત્યાં તો તને મજાજ આવેને બધાં સેવામાં રહે તારી..”. નશામાં રહેલાં સતિષે કહ્યું “ના..ના અંકલની હોટલે નથી જતો.. ત્યાં જઊં તો ખબર પડી જાય” પછી હસ્યો અને બોલ્યો “મારો ફ્રેન્ડ છે એને ત્યાં.... અરે બધીજ વ્યવસ્થા કરી આપે.. ત્યાં તો..” પછી કંઇક ભાન આવતા ચૂપ થઇ ગયો. કલરવે ગાડીનાં મીરરથી પાછળ બેઠેલી કાવ્યા સામે જોયું... એની નજર માયા ઉપર પડી તો એનું મોઢું પડી ગયેલું હતું.. માયાનો ચહેરો જોઇ કલરવે પૂછ્યું "માયા તને શું થયું ? તારો ચહેરો આમ ?” માયાએ પડેલાં ચહેરે કહ્યું "જવાદે ને વાત કલરવ ભાઇને બીયર પીધાં પછી પણ... એને કશું પચતું નથી અને બધાં શોખ કરવા જાય છે સમજતોજ નથી.. પાપાને ખબર પડશે તો..”. ત્યાં સતિષે કહ્યું “એય ધરમની દીકરી ચૂપ રહે પાપાને બધી ખબરજ છે હું પીવું છું એ... મર્દ હોય એ પીએ એમાં શું નવાઇ ? પાપા.... વિજય અંકલ બધા તો કેવું પીવે છે ?”
માયાએ કહ્યું “એ લોકો મોટાં છે એમણે જીવનમાં કંઇક કર્યું છે મેળવ્યું છે તે શું કર્યું ? એમનાં શું વાદ લે છે ? આ કલરવ તારાં જેટલાંજ છે એમણે પીધું ? તમારી હજી ...”. માયા આગળ બોલે પહેલાં સતિષનો ગુસ્સો ઉછળ્યો “એય માયા તું તારી ઓકાતમાં રહે ચૂપ રહે.. હું આજે પાપાને કહેવાનો છું નાની થઇને મારી સામે બોલે છે મને સલાહ આપે છે...”
“તને હજી ખબર નથી હું પાપાનું કેટલું કામ સંભાળું છું વિજય અંકલ જે દિવસે મને બધું સોંપશે ત્યારે જો હું એ લોકોથી વધારે આગળ વધીશ મારી પોતાની શીપ હશે અને... કંઇ નહી પછી વાત.. “ એમ કહી ચૂપ થઇ ગયો. કલરવે કહ્યું “હવે શાંત થઇ જાવ ઘર આવી ગયું....”
**********
કલરવને બધુ કનફર્મ થઇ ગયું કે સતિષને જોયો હતો એ સ્થળ એ માણસો સાચું જ હતું એજ નશામાં અડધુ બોલી ગયો છે. આજે વિજય અંકલને વાત કરવીજ પડશે. એ લોકોની કાર કમ્પાઉન્ડમાં આવી ત્યારે કાવ્યાએ જોયું પાપાની કાર આવી ગઇ છે એ બોલી ઉઠી “પાપા આવી ગયાં છે ચલો.... “
કલરવે કાર બંધ કરી ચાવી માયાને આપી. સતિષતો પોતાની દુનિયામાં હતો બે બીયરનાં ટીનમાં હવામાં આવી ગયેલો.. માયાને શરમ આવી રહી હતી.. બધાં ઘરમાં પ્રવેશ કર્યો.. વિજય અને નારણ બંન્ને ડ્રોઇગ રૂમમાં બેઠાં હતાં એમનાં ડ્રીંકની તૈયારી ચાલી રહેલી સેવક પેગ બનાવી રહેલાં.. કાવ્યા દોડીને વિજય પાસે ગઇ અને સતિષે નારણને કહ્યું. "વાહ પાપા.. મારો એક પેગ... “

વધુ આવતા અંકે ---- પ્રકરણ-84