પ્રેમ સમાધિ - પ્રકરણ 2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ 2

કલરવ સ્કૂલેથી પાછો આવ્યો એણે પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડ નો ગેટ ખોલ્યો સાયકલ અંદર લીધી એણે જોયું ઘરમાં કોઈ આવ્યું છે. એનાં પાપા એમની સાથે ગંભીર વાતચીતમાં હોય એવું લાગ્યું. એને ઓળખ થઇ કે આ પાપાનાં મિત્ર છે મધુકાકા પણ અત્યારે મધુકાકા ઘરે કેમ આવ્યાં છે ? ગાર્ગી સ્કૂલેથી આવી ગઈ હશે... માં ઘરમાંજ હશે...
એ વિચાર કરતો કરતો સાયકલ મૂકી એની બેગ સાથે ઘરમાં આવ્યો એને જોઈને પાપાએ પૂછ્યું "આવી ગયો દીકરા ? મધુકાકા આવ્યા છે દફ્તર... તારી બેગ મૂકીને મધુકાકા માટે પાણી લાવ. તારી માં મંદિર ગઈ છે ગાર્ગી પણ સાથે ગઈ છે.”
કલરવનાં પિતાએ ચિંતાગ્રસ્ત ચહેરે બનાવટી હસતાં કલરવને પાણી લાવવા કહ્યું. કલરવે જોયું કે પાપા કોઈ ચિંતામાં છે એમનો ચેહરો કંઈક વાત છુપાવી રહ્યો છે અને કંઈક અકળ અકળામણમાં છે. પણ એ કંઈ પૂછી કે બોલી ના શક્યો.
એણે કહ્યું “હાં પાપા લાવું છું” એમ કહી એની બેગ મૂકી એ બાથરૂમમાં જઈ હાથપગ ધોઈ રસોડામાં જઈને પીવાનું પાણી ભરી લાવ્યો અને મધુકાકાને આપ્યું.
મધુકાકાએ કલરવ સામે જોઈને કહ્યું " કેમ છે બેટા ? તું તો ઘણો મોટો થઇ ગયો છે ? આગળ શેમાં ભણવાં વિચાર છે ?” એમ કહેતાં પીવાનો ગ્લાસ હાથમાં લીધો.
કલરવે કહ્યું “બસ કાકા હવે આગળ કોલેજ.. મારે કોમ્પ્યુટર સાઈન્સમાં ભણવું છે હમણાં એમાં...” ત્યાં મધુકાકા બોલ્યાં "હાં હાં અત્યારે એનોજ જમાનો છે ... તારાં પાપા તને જે ભણવું હશે એ ભણાવશે” એમ કહી શંકરનાથ સામે જોયું.
શંકરનાથનાં ચહેરાં પરની ચિંતાનું લહરખું પસાર થઇ ગયું એમણે કહ્યું “હાં હાં મારે તો એકનો એક છે એને જેમાં ભણવું હશે એમાં ભણાવીશ...” પછી બોલ્યાં “કલરવ જા બેટા તું હમણાંજ સ્કૂલથી આવ્યો છે જા તારું પરવાર હમણાં તારી માં આવતીજ હશે.”
એમણે મધુકાકા તરફ સૂચક રીતે જોયું અને મધુકાકા પણ જાણે સમજી ગયાં હોય એમ બોલ્યાં “ચાલો શંકરભાઇ આપણે પણ થોડે સુધી જઈ આવીએ અને દર્શન કરતાં આવીએ...”
મધુભાઈ કહી રહેલાં ત્યાંજ ઉમાબેન અને ગાર્ગી ઝાંપામાંથી અંદર આવ્યા. ઉમાબહેને હસતાં હસતાં પૂછ્યું "અરે મધુભાઈ તમે આવ્યા છો ? આવો આવો હું ચા મુકું છું આ જરાં મહાદેવનાં દર્શન કરવાં ગયાં હતાં હવે રસોઈની તૈયારીજ કરું છું જમીનેજ જજો. ભાભી કેમ છે ? ઘણો સમય થઇ ગયો... કોઈવાર એમને લઈને આવજો.”
ઉમાબેન સળંગ બોલતાં રહ્યાં. મધુભાઈએ શંકરનાથ સામે જોઈને કહ્યું "શું કહું ભાભી ? હમણાંથી ઓફીસમાં ખુબ કામ રહે છે શંકરનાથ પાસે પણ ક્યાં શાંતિથી અવાય છે ? આતો ઓફીસનું એક અરજન્ટ કામ આવ્યું એટલે રૂબરૂ આવી ગયો. શંકરનાથ જ્યારથી ઉપરી બન્યા છે એમનું પણ કામ વધી ગયું છે બીજી બ્રાન્ચનાં બધાં...” પછી શંકરનાથે સામે જોયું અને બોલતાં અચકાયાં.
મધુભાઈએ કહ્યું “અમે પણ પગ છૂટા કરતાં આવીએ મહાદેવનાં પણ દર્શન થઇ જશે તમે પરવારો.” શંકરનાથે કહ્યું “ઉમા હું હમણાં આવું છું કલરવ હમણાંજ આવ્યો છે. થોડુંક કામ પણ છે. બજારમાંથી કંઈ લાવવાનું છે ?”
ઉમાબહેને શંકરનાથ સામે જોઈને કહ્યું “ના ના મંદિર જતાં બધું મેં લઇ લીધું છે પણ તમારો ચહેરો કેમ આમ ચિંતાવાળો છે શું થયું છે ? અને મધુભાઈ અચાનક કેમ આવ્યાં છે ? શું વાત છે ?”
શંકરનાથે ચહેરો સ્વસ્થ કરતાં કહ્યું “અરે ઉમા કંઈ નથી હમણાંથી ઓફિસમાં કામનો બોજ ખુબ રહે છે બીજું પોરબંદર બ્રાન્ચનું વધારાનું કામ અમારાં માથે આવ્યું છે ત્યાં લોકલ સ્ટાફ તો છે જ પણ સૌરાષ્ટ્ર રીજીયનનું બધું કામ મારે...”
ઉમાબેને કહ્યું “થાય એટલું કામ કરો... આટલી બધી ચિંતા કરી મરી થોડું જવાય છે ? આટલાં તો ઢસરડાં કરો છો સરકારને કાંઈ કિંમત જ નથી ?” ત્યાં મધુભાઈએ શંકરનાથ સામે જોયું પછી બોલ્યાં...” ભાભી હવે પહેલાં જેવું નથી રહ્યું નથી વફાદારી કે સચ્ચાઈ રહી... પોસ્ટખાતું એટલું સરળ સુઘડ હતું હવે એમાંય બધી જાતની બદીઓ ઘુસી ગઈ છે.”
શંકરનાથે વાત ટૂંકાવતાં કહ્યું "ઉમા અમે હમણાં... હું હમણાં આવું છું તું રસોઈની તૈયારી કર...” એમ કહી મધુભાઈ તરફ ઈશારો કર્યો અને કમ્પાઉન્ડની બહાર નીકળી ગયાં.
ઉમાબહેન બંન્નેને જતાં જોઈ રહ્યાં. ત્યાં કલરવ આવ્યો એણે એની માં ને કહ્યું "માં આજે પાપા કોઈ ટેંશનમાં લાગે છે એમનો ચહેરોજ બદલાઈ ગયો છે હું સ્કૂલેથી આવ્યો ત્યારે મધુકાકા સાથે કંઈક ગંભીર વાતો કરી રહેલાં પણ મને કોઈ સમજણ ના પડી.”
ઉમાબહેને કલરવની સામે જોયું... કંઈક વિચાર્યું અને બોલ્યાં "કંઈ નહીં ઓફીસની કોઈક વાત હશે હમણાંથી ખુબ કામ રહે છે પાપાને... તું ચિંતા ના કર તારું ધ્યાન ભણવામાં રાખ તારી ફાઇનલ એક્ઝામ આવી રહી છે હું ગાર્ગીને પણ ભણવા બેસાડું પછી રસોઈની તૈયારી કરું.”
ઉમાબહેને કલરવને આશ્વાસન તો આપ્યું પણ પોતે પણ વિચારમાં પડી ગયાં આટલાં વર્ષોની નોકરીમાં મેં એમને કદી આટલી ચિંતામાં નથી જોયા શું થયું હશે ? કંઈ નહીં છોકરાઓ સુઈ જાય પછી રાત્રે પૂછી લઈશ.
તેઓ વિચારો ખંખેરી ગાર્ગીને બૂમ પાડીને ભણવા બેસવા કહ્યું અને પોતે રસોઈની તૈયારીમાં લાગી ગયાં.
શંકરનાથ અને મધુભાઈ ચાલતાં ચાલતાં શેરી વટાવતાં મહાદેવનાં મંદિર તરફ આગળ વધી રહેલાં. શંકરનાથે આજુબાજુ જોયાં પછી મધુભાઈ તરફ જોઈને કહ્યું "મધુ આમાં આગળ શું કરવું સમજાતું નથી... મારી આટલાં વરસોની કારકિર્દીમાં કદી આવું... બધું ધૂળધાણી થઇ જશે. એ યુનસનાં અત્યાર સુધી બધાં પાર્સલ આવતાં સ્ટાફનાં પોસ્ટમેન બધું પહોંચાડતાં... આપણને કશી ખબર નહોતી.. મારાં સુધીતો રજીસ્ટર આવે એ પહેલાં ડીલીવરી થઇ જતી... મધુભાઈ તમને કેમ ખબર ના પડી ? તમે મારાં મિત્ર છો પૂરો વિશ્વાસ છે પણ હવે ઈન્કવારી થશે આગળ કોણ જવાબ આપશે ?”
મધુભાઈએ ત્રાંસી નજરે શંકરનાથ તરફ જોતા કહ્યું “શંકરનાથ આમાં તમારે થોડી ઝીણી નજર રાખવી પડશે બાકી બધું હું સંભાળી લઈશ” એમ કહી ખંધુ હસ્યાં...

વધુ આવતા અંકે પ્રકરણ - 3