પ્રેમ સમાધિ
પ્રકરણ-84
બે બીયરનાં ટીનમાં નશામાં સતિષ છાક્ટો થયો હતો. ઘરે આવતાં ગાડીમાંથી નીકળી સીધો ઘરમાં ઘૂસ્યો. કાવ્યા દોડીને ડ્રોઇંગ રૂમમાં વિજય અને નારણ બેઠાં હતાં ત્યાં પહોચી અને “પાપા તમે આવી ગયાં ? મને એમ કે તમને મોડું થશે પણ સમયસર આવી ગયાં.. “
વિજયે કહ્યું “તારી સાથે બેસીને જમવાનું નક્કી કરેલું પછી ફેર પડે ?” ત્યાં સતિષ મૂડમાં બોલી ઉઠ્યો નારણ સામે "પાપા વાહ મારો પણ એક પેગ...” હજી આગળ બોલે પહેલાં નારણે સતિષ સામે જોયું અને સમજી ગયો.... “એય ટંડેલનાં લાડકાં તું ઠઠાડીને જ આવ્યો લાગે છે ત્યાં સોફા પર શાંતિથી બેસી રહે મોઢામાંથી એક શબ્દ કાઢતો નહીં... જમીને હવે ઘરેજ જવાનું છે....” નારણ ગુસ્સામાં બોલી ગયો...
નારણને સતિષની બધીજ ખબર હતી કે આને દારૂ કોઇ પણ રૂપમાં હોય પચતી નથી પછી લવારીએ ચઢે છે ન બોલવાનું બોલે છે એને ગુસ્સો આવ્યો ઉપરથી કલ્પના ઉતરી કે અત્યાર સુધી એણે શું શું બકવાસ કર્યો હશે ?
નારણે વિજય સામે જોયું અને બોલ્યો "સતિષની જુવાની ફુટી છે પીવાનાં ચસ્કે ચઢ્યો છે પણ એને પચતું નથી પછી એને સંભાળવો પણ અઘરો પડે છે એક પેગ પીને હું નીકળું આમ પણ પહોંચતા પહોંચતા રાતનાં 12 વાગી જશે.”
વિજયે સતિષનો પક્ષ ખેંચતાં કહ્યું “અરે જુવાન છોકરો છે પાછો ટંડેલ... પીવાનો જ છે આજે નહીં તો કાલે એમાં આટલું બધું શા માટે લડે છે ? એતો..” પછી કલરવ સામે નજર પડતાં એણે વાત બદલી.. કાવ્યાને કહ્યું “માસીને કહે જમવાની તૈયાર કરાવે અમે હમણાં આવીએ છીએ તમે બધાં ડાઇનીંગ રૂમમાં બેસો.”
કલરવ સતિષનો અને નારણકાકાનો તમાશા સામે જવાબ જોઇ ત્યાંથી નીકળી ગયેલો. એને થયું મારે શા માટે ફેમીલી ડ્રામામાં સામેલ થવું જોઇએ ? માયા કલરવની પાછળ પાછળ નીકળી બોલી “કલરવ તમને સારું છે આવાં શોખ નથી.. ભાઇ તો સાવ..” કલરવે માયા સામે જોયું અને માત્ર સ્માઇલ આપ્યું કોઇ જવાબ ના આપ્યો. એ ડાઇનીંગ ટેબલ તરફ આગળ વધ્યો.
કાવ્યાએ મંજુબેન સામે જોઇને કહ્યું "આંટી તમે ટેબલ પાસે જાવ હું જમવાની તૈયારી કરાવું છું હવે તમે બેસો. એ એવાં કડપ સાથે બોલી કે મંજુબેન સીધાં માયા પાસે બેસી ગયાં..”
માયાએ કહ્યું "મંમી હવે તમે અહીં બેસો. તમે મહેમાન છો અહીં કાવ્યા બધું કરાવી રહી છે . ભાઇએ તો આજે હદ કરી દમણ બીચ પાસેથી બીયર ઠઠાડ્યો પછી લવારી ચાલુ કરી.. ન બોલાવનું બોલ્યાં છે મને તો શરમ આવતી હતી પાપાએ પણ ખખડાવ્યા છે અહીં આવીને પેગ માંગે છે.. બીજી બાજુ કલરવ પીતાં પણ નથી..”. મંજુબેન માયા સામે જોઇ રહ્યાં...
મંજુબેને કહ્યું “માયા.. સતિષ તારો મોટો ભાઇ છે હવે જુવાન છે બહુ ટોકાય નહીં ટંડેલનાં છોકરા તો મર્દ જ પાકે બધુ પીએ ખાય. બામણ.”. પછી ચૂપ થઇ ગયાં.. માયા સમસમી ગઇ એણે જોયું કાવ્યા કે કલરવે કહ્યું સાંભળ્યું નથી.
નારણ અને વિજયે એક એક પેગ પીને ડાઇનીંગ રૂમમાં જમવા આવી ગયાં. કાવ્યાએ બધી વ્યવસ્થા કરાવી લીધી.. આજે વિજયને ખાસ ઉમળકો નહોતો. બધાએ ચૂપચાપ જમી લીધું.. જમ્યાં પછી ઔપચારીક વાતો કરી નારણ ફેમીલી પાછાં જવા નીકળી ગયાં...
**************
નારણ ફેમીલીનાં ગયાં પછી વિજયે કહ્યું “આવ કલરવ આપણે ડ્રોઇંગ રૂમાં બેસીએ.” કાવ્યાને એસી ચાલુ કરવા કહ્યું બધાં બારી દરવાજા બંધ કરાવ્યાં આમ પણ એસીને કારણે બંધ કરવાનાં હતાં પણ વિજયને ટેવ હતી એસી ચાલુ કરવા કહે એટલે બધુંજ બંધ થઇ જાય. બાકી હવામાન એવું સરસ હોય કે જનરલી બારી દરવાજા ખૂલ્લા રહે.
કલરવે વિજયને શાંતિથી બેઠેલા જોઇને કહ્યું “અંકલ મારે તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવાની છે હું એ કહેવા માટે તમારાં આવવાની અને નારણ અંકલનાં જવાની રાહ જોતો હતો.”
વિજયે આર્શ્ચયથી પૂછ્યું "ઓહ એવું શું હતું ? આવ અહીં મારી પાસે આવીને બેસ... મારે પણ તારી સાથે ખૂબ અગત્યની વાત કરવાની છે.”
કાવ્યાએ કલરવની સામે જોયું... કલરવ ખૂબ નિશ્ચિંત દેખાયો. એ વિજયની પાસે આવીને બેઠો. કાવ્યા સામે બેઠી વિજય અને કલરવને સાથે બેઠેલાં જોઇ રહી હતી. કલરવ અને વિજય એકબીજાને જોઇ રહેલાં. વિજયનાં મનમાં વિચાર ચાલી રહેલાં કે ક્યાં નારણનો છોકરો સતિષ અને ભૂદેવનો કલરવ... મનમાં એનાં તોલમાપ ચાલી રહેલાં.. એને જાણવાં મળેલી વાતો જે શીપ પરથી મળેલી એ પણ મનમાં ઘુંટાઇ રહેલી ત્યાં કલરવે કહ્યું “અંકલ ખૂબ અગત્યની અને ગંભીર વાત છે.. કહું ?... “
વિજયે કહ્યું “હાં હાં કલરવ બોલ.. નિશ્ચિંત થઇને બોલ શું વાત છે ?” કલરવે કહ્યું “અહીં નારણ અંકલની ફેમીલી આવી.. મેં સતિષને જોયો ત્યારે એવું મનમાં થયું કે મેં આ છોકરાને પહેલાં ક્યાંક જોયો છે... આમ તો પાપાનાં મોઢે તમારુંજ નામ આવતું તમારાં વિશે ક્યારેક વાત કરતાં... નારણ અંકલનું ક્યારેક નામ સાંભળેલુ પણ એમનાં ફેમીલીને પહેલી વારજ મળ્યો.. પણ.. સતિષને જોતાં લાગ્યું આ છોકરાને પહેલાં મળેલો કે જોયેલો છે.”.
વિજયે આશ્ચર્યથી પૂછ્યું ? સતિષને જોયેલો પહેલાં ? ક્યાં તને યાદ આવ્યું ? “ વિજય પણ ચકરાવામાં પડી ગયો. કલરવે કહ્યું “અંકલ મેં સતિષને અહીંથી પહેલાં ડુમ્મસમાં જોયો છે એ આજ હતો... તમને અને નારણ અંકલ બંન્નેને મેં જે વાત કરી હતી કે હું સુરતમાં ફસાયો હતો પેલાં નરાધમ પટાવાળાએ.. ત્યાં મારાંથી પછી કાવ્યાને જોઇ ચૂપ રહ્યો પછી વાત ફેરવી કહ્યું એ મહેબૂબે મને પરવેઝ ગેરેજવાળાને ત્યાં રાખ્યો.. એ પરવેઝ બધી રીતે પહોંચેલો હતો પણ મારાંથી એ અંદરખાને ડરતો કે આ ઝનૂને ચઢે તો.. પણ સતિષ એકવાર એનાં બે ફ્રેન્ડ સાથે ડુમ્મસ આવેલો પરવેઝનાં ગેરેજ ઉપર...”
“પરવેઝનાં ગેરેજ પાછળ એક રૂમ જેવું હતું ત્યાં એ લોકો પાર્ટીઓ કરતાં.. ખાનગી વ્યવસ્થા બધાં ત્યાં થતાં કોઇવાર મોડી રાત સુધી મીટીંગો અને ડ્રીંક પાર્ટી થતી ક્યારેક છોકરીઓ...”. પછી પાછું કાવ્યા સામે જોયું ચૂપ થઇ ગયો.
વિજય સમજી ગયો એણે કાવ્યાને કહ્યું “દિકરા જાવ બહાર પછી બોલાવું છું...” કલરવે કહ્યું “કંઇ નહીં અંકલ હવે કંઇ એવું નથી મને લાગે કાવ્યા ભલે અમુક વાતો જાણતી.. એને પોતાની સલામતિ માટે ભાન રહે એ સાંભળે કંઇ ખોટું નથી આતો મને એ દ્રશ્યો યાદ કરી બોલતાં ખચકાટ થાય છે. “
વિજયે કલરવની સામેજ જોઇ રહ્યો.. આટલી ઊંમરમાં આટલી બધી સમજ ? કાવ્યા ભલે સાંભળતી.. એ વિચારમાં પડી ગયો. કલરવે કહ્યું “અંકલ ખરી વાત હવે શરૂ થાય છે સાંભળો....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-85