પ્રેમ સમાધિ - પ્રકરણ-79 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-79

પ્રેમ સમાધિ
પ્રકરણ-79

નારણ એની ફેમીલી સાથે વિજયના ઘરે આવેલો. બધાં દિવાનખંડમાં બેઠાં. નારણ અને વિજય મળ્યા. વિજયે ફોર્માલીટી ખાતર કહ્યું “ઘણાં સમયે ભાભી છોકરાઓ મળ્યાં. પણ હવે કાવ્યાને મળીને આનંદ થશે”. વિજય ત્યાં એની ખાસ આરામ ખુરશી પર બેઠો. સામે સોફામાં બધાં નારણ, મંજુબેન, માયા અને સતિષ બેઠાં હતાં. ત્યાં કાવ્યા અને કલરવ બંન્ને હસતાં હસતાં ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં....
મંજુબેન કલરવ કાવ્યાને સાથે જોઇ થોડાં અકળાયાં એમણે મોંઢુ વચકોડ્યું... એમને પોતાને ના સમજાયું કે બંન્ને જણાં સાથે એમને સંબંધ બાંધવો છે. રહીરહીને પોતાને સાચું સમજાયું પછી હસી પડ્યાં... મોં ના હાવભાવ બદલીને બોલ્યાં... "ઓહોહો મારી કાવ્યા દીકરી તો મોટી થઇ ગઇ છે ને... કેવી રૃપાળી અને સુંદર એની માં પર ગઈ છે.. “ પછી વિજય સામે જોઇ બોલ્યાં "મોટા ભાઇ તમારી કાવ્યા તો રંગે રૂપે કોઠે કેવી મોટી અને નરવી થઇ ગઇ છે હવે તો હાથ પીળા કરવા જેવી....”
મંજુબેન આગળ બોલે પહેલાં વિજયે કહ્યું "ભાભી.. ભાભી મારી કાવ્યા મોટી જરૂર થઇ છે પણ મારાં માટે તો ઘણી નાની અને લાકડી મારે એવી કોઇ ઉતાવળ નથી... એ માનસિક રીતે તૈયાર થાય. સમાજ દુનિયાને જુએ ઓળખે સમજે બધી રીતે એ કાઠી થાય પછી એની ઇચ્છા થશે ત્યારે લગ્નની વાત.”
મંજુબેનને પોતાની વાત કપાઇ જતાં ખોટું ખોટું હસતાં બોલ્યાં.... “ના...ના.. આપણાં ટંડેલોમાં તો દીકરી.”. પછી એક શબ્દ ગળી જતાં બોલ્યાં... “માં બાપ છોકરો શોધવાની તૈયારીજ કરવા માંડે મારી માયા માટે પણ અમે હવે શોધવાનુંજ ચાલુ કરવાનાં...”
ત્યાં કાવ્યાએ કલરવ સામે જોયું અને હસી. કલરવે કાવ્યાની સામે જોઇ તરત નજર વિજય તરફ કરી. વિજય કાવ્યાને અને મંજુભાભીને જોઇ રહેલો. ત્યાં મહારાજ ચા-નાસ્તો વગેરે લઇને આવ્યાં.
નારણે વાતમાં મોણ નાંખતા કહ્યું "વિજય તારી વાત આમ તો સાચીજ છે કે આપણી દીકરીની ઇચ્છા હોય ત્યારે વિવાહ થાય. પણ આવાં અઘરાં સમયમાં અને આપણી જ્ઞાતિમાં જે રીતે-રીવાજ ચાલ્યા આવે છે તે પ્રમાણે દીકરીનું વેવીશાળ નક્કી કરીને રાખવાનું લગ્ન પછી યોગ્ય સમયે થાય.”
મંજુબહેને ટાપશી પુરાવતાં કહ્યું "મોટાભાઇ હું તમારી બધી વાતે સંમત છું પણ દીકરીતો પારકું ધન કહેવાય અને વળી કાવ્યાને તો એની માં પણ નથી.. દીકરીનું મન કોણ કળી શકે ? આપણેજ હવે એનું ધ્યાન રાખવું રહ્યું.”.
મંજુબહેન બોલી રહેલાં વિજય ઊંડા વિચારોમાં ઉતરી ગયેલો. નારણ વિજયની સામે જોઇ રહેલો. નારણે ઇશારામાં મંજુને ચૂપ રહેવા જણાવ્યું.. કાવ્યા માયાની સામે જોઇ રહેલી પછી બોલી “માયા આવ આપણે ગાર્ડનમાં બેસીએ. મોટાઓ ભલે વાતો કરતાં.” એમ કહી માયાને બોલાવી. ત્યાં સતિષ માયા સાથે ઉભો થવા જતો હતો ત્યાં કલરવે કહ્યું" આવને આપણે પણ જઇએ વાતો કરીએ..” ત્યાં વિજયે કહ્યું “અરે અરે છોકરાઓ તમે અહીંજ બેસો.”. વિજયની વિચારોની તંદ્રા તૂટી....
કલરવે કહ્યું "સતિષ મેં અગાઉ પણ તને જોયો હોય એવું લાગે છે.. પછી વિચારમાં પડી કહ્યું પણ સાલું યાદ નથી આવતું.. યાદ આવશે ત્યારે કહીશ...”
સતિષે આષ્ચર્ય પામતાં કહ્યું "મને જોયો છે ? ક્યાં ? હું સુરતની કોલેજમાં ભણું છું ને આખો સમય પાપાના કામમાં મદદ કરું છું.. છતાં યાદ આવે કહેજે..” એમ કહી નારણ સામે જોઇ હસ્યો...
નારણે પણ આર્શ્ચયથી પૂછ્યું." તમે પહેલાં મળેલા છો ? પણ કેવી રીતે કલરવ બેટા તું તો જુનાગઢ રહેતો.. અને મારો સતિષ તો સુરત... પણ ક્યારેક આવી ભ્રાંતિ થતી હોય છે મોં ચહેરાં મળતાં આવતાં હોય છે.” પછી કલરવની બધી વાતો યાદ આવતાં એનો ચહેરો થોડી પળ માટે થથરી ગયો..
કલરવે વાત આટોપતાં કહ્યું “હાં હાં અંકલ ઘણી વાર એવી ભ્રાંતિ થતી હોય છે “ પછી મનોમન બબડ્યો "મારી ભ્રાંતિ નથી ચોક્કસ ક્યાંક જોયો છે યાદ આવે ત્યારે વાત...”
વિજયે સીધું સતિષને પૂછ્યું “તારું ભણવાનું અને કોલેજ કેવી ચાલે છે ?” સતિષ બોલે પહેલાં નારણે કહ્યું “હવે છેલ્લુંજ વર્ષ બાકી છે કોલેજનાં GS છે વર્ચસ્વ છે અને હવે બધી રીતે તૈયાર થતો જાય છે... આવતી કાલે ગમે તેવી જવાબદારી આવે પોતાનાં ખભે લઇ લે એવો તૈયાર છે..” મંજુબહેને હાજી હાં પુરાવતાં કહ્યું “મારો સતિષ તો લાખોમાં એક છે એક દિવસ અમારું નામ ઉજાળશે....”
કલરવ મંજુબેનને સાંભળતો રહેલો એને એની માં નાં શબ્દો યાદ આવી ગયાં. માં કાયમ કહેતી મારો કલરવ લાખોમાં એક છે એ અમારું નામ આખાં સમાજ દુનિયામાં ઉજાળશે એમ કહીને મારાં રુસણાં લેતી મારાં માથે હાથ ફેરવી કપાળ ચૂમતી કલરવની આંખોમાં ઝળઝળીયા આવી ગયાં...
કલરવથી બોલ્યાં વિનાં ના રહેવાયુ... એ બોલ્યો “કાકા જેનાં માથે માં-બાપનાં આશીર્વાદ હાથ હોય એ સંતાનો કેટલાં નસબીદાર હોય છે” એમ કહી વિજય સામે જોયું અને ત્યાંથી ઉપર જવા નીકળી ગયો. કલરવને ઝડપથી પગથિયા ચઢતો વિજય જોઇ રહ્યો.
નારણે કહ્યું "કલરવ થોડો ડીસ્ટર્બ થઇ ગયો છે એનાં માથે..” ત્યાં મંજુએ નારણની વાત કાપતાં કહ્યું “અત્યારે એવી કોઇ વાત ના કરશો. અમંગળ વાતો પુરી થઇ ગઇ છે હવે તો મંગળગીતો ગવાય અને શુકુનનાં ગોળઘાણાં ખાવાનાં છે. “
વિજય કલરવનાં ડીસ્ટર્બ થવાથી થોડો ખિન્ન થયો એણે કહ્યું "શેનાં મંગળગીતો શેનાં ગોળધાણાં શું વાત છે ?” નારણે કહ્યું “વિજય આપણે આખો વખત દરિયો ખેડતાં હોઇએ શીપ પર હોઇએ ધંધામાં ઓતપ્રોત... એમાંય દુશ્મનો લાગ જોઇ બેઠાં હોય.. આપણને સમય ક્યાં છે ?’
“મંજુએ મને કહ્યું હમણાં તમે સમય કાઢ્યો છે વિજયભાઇ હમણાં આરામમાંથી ઉભા થયાં છે છોકરાં મોટાં થતાં જાય છે એમનું જીવન ના બગડે એ લોકો ઠરીઠામ થાય એ જોવાની આપણી ફરજ છે. ભાઇ... નાનાં મોઢે મોટી વાત કરું છું પેટછૂટી વાત કરવા જ આવી છું.. હું મારાં સતિષનું કાવ્યા માટે માંગુ નાંખવા આવી છું અને માયા માટે આ કલરવનું વિચાર્યું છે તમારો શું અભિપ્રાય છે ?"
મંજુની વાત સાંભળીને વિજયતો આર્શ્ચય આધાતથી સડકજ થઇ ગયો. એને થયું આ બધાં ક્યાંથી ક્યાંનું વિચારી લે છે ? કાવ્યા સતિષ સાથે ? સતિષ શું છે ? કેવો છે એય મને નથી ખબર એટલીજ ખબર કે નારણ નો છોકરો છે આ લોકોતો ઘણાં આગળ વધી ગયાં. થોડાંક સમય સોંપો પડી ગયો. કોઇ કંઇ બોલ્યુંજ નહીં અને કાવ્યા -માયા બહારથી અંદર આવ્યાં અને.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-80