અંધારી આલમ - ભાગ 12 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી આલમ - ભાગ 12

૧૨ : છૂટકારો

નાગરાજનના ફિક્કા પડી ગયેલા ચહેરા પર પીળી કોડી જેવી આંખો અંગારાની માફક ચમકતી હતી અને તે આંખોમાંથી લોહીયાળ લાલાશ નિતરતી હતી. એના ચહેરા પર રાક્ષસી ભયાનકતા છવાયેલી હતી.

એના ઉઘાડા હોઠ વચ્ચેથી શિકારી જાનવરના લોહી તરસ પરસ્પર ભીડાયેલાં જડબાં જેવા દાંત ટયુબલાઈટના પ્રકાશમાં ચમકતા હતા.

જહાન્નમની ભઠ્ઠીમાં સળગી રહેલો સાક્ષાત શયતાન જાણે પોતાની પાશવતાને આ જગત પર ઠાલવવા માટે અચાનક ઊતરી આવ્યો હોય એવા આ નાગરાજનને જોઈને રતનલાલની આંખો ત્રાસથી ફાટી પડી.

નાગરાજનનું આવું રૌદ્ર સ્વરૂપ અગાઉ એણે ક્યારેય નહોતું જોયું.

અત્યારે રીટાના ફ્લેટમાં નાગરાજન, રીટા તથા રતનલાલ બેઠાં હતાં. વિશાળગઢમાં આકાશમહેલ તથા મેઘદૂત જેવી સાત-આઠ ઈમારતો નાગરાજનની માલિકીની હતી.

રતનલાલે જમશેદના મૃતદેહની વિગતો જણાવીને, તેમાં બારૂદ ભરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

એ જ વખતે જોરાવર નામનો ચોકીદાર ત્યાં આવી પહોંચ્યો. એના ચહેરા પર ભય મિશ્રિત ગભરાટના હાવભાવ છવાયેલા હતા. રતનલાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'સર...' જોરાવર પોતાના ગભરાટ પર કાબૂ મેળવવાનો પવાસ કરતાં બોલ્યો, “ કાર તો બંદર રોડ પર પહોંચતાં જ ધડાકાં સાથે ઊડી ગઈ હતી. એ કારમાં જરૂર ક્યાંક બોંબ ફ્રીટ કરેલો હોવો જોઈએ. એનો ધડાકો દૂર દૂર સુધી ગુંજી ઊઠયો હતો. કારના ટૂકડે- ટુકડા થઈ ગયા હતા અને યુસુફ પણ માર્યો ગયો છે.'

જોરાવર આદરસૂચક ઢબે માથું હલાવીને ચાલ્યો ગયો.

'મારી વાત સાચી પડી ને સર...?' રતનલાલે નાગરાજન સામે જોતાં કહ્યું, ' જમશેદના મૃતદેહમાં જ બારૂદ છૂપાવવામાં આવ્યો હતો. જો મારી નજર વહેલાસર મૃતદેહની છાતીમાં કરેલા કાપા પર ન પડી હોત તો એમાં છૂપાવેલો બારૂદ આ૫ણને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે તેમ હતો.’

નાગરાજને કંઈક કહેવા માટે હોઠ ફફડાવ્યા કે સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. નાગરાજને આગળ વધીને રિસીવર ઊંચકયું.

'હલ્લો...નાગરાજન સ્પીકીંગ...!’ ‘નાગરાજન... !' સામે છેડેથી એક કર્કષ સ્ત્રી-સ્વર તેને સંભળાયો, ‘મેં મોકલાવેલી ભેટ મળી ગઈ?'

‘હા.. મળી ગઈ છે.અને એ ભેટને અમે સમુદ્રમાં પધરાવી દીધી છે.” નાગરાજને કઠોર અવાજે કહ્યું.

'મને ખબર છે...મેં પણ એ ધડાકો સાંભળ્યો હતો અને મારો હેતુ તને આ ધડાકો સંભળાવવાનો હતો અને સાંભળ, તારો રતનલાલ નામનો ચમચો પોતાની બુદ્ધિના બણગાં ફૂંકતો હશે પરંતુ એને કહી દેજે કે કારને સમુદ્રમાં ફેંકાવવામાં એણે જરા પણ બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો કારણ કે જમશેદે પહેરેલાં શર્ટના બટન જાણી જોઈને જ ઉઘાડા રાખવામાં આવ્યા હતા. તે ડુપ્લીકેટ કમલને મોકલીને જે ભૂલ કરી, એનો મારા તરફથી આ નાનકડો જવાબ છે. અને જો તું હજુ પણ અસલી કમલને મારે હવાલે નહીં કરે તો હવે પછીનો ધડાકો તારી આજુબાજુમાં જ ક્યાંક થશે એટલું યાદ રાખજે !'

‘જો હું કમલને તારે હવાલે કરી દઉં, તો તું મને કેમેરો સોંપી દઈશ?'

‘તે ડુપ્લીકેટને બદલે અસલી કમલને મોકલ્યો હોત તો જમશેદને પોતાનો જીવ ન ગુમાવવો પડત!'

'ઠીક છે...!' નાગરાજન પરાજિત અવાજે બોલ્યો, ‘અમે કમલને છોડી મૂકવા માટે તૈયાર છીએ. બદલામાં તારે અમને કેમેરો સોંપી દેવો પડશે!'

“તારે કેમેરાના બદલામાં કમલને મારે હવાલે કરવો પડશે એમ બોલ!'

‘બધું એક જ છે !'

'ના, એક નથી...!'

'કેવી રીતે...?'

'એટલા માટે કે સોદો હું નક્કી કરું છું એટલે તારા કરતાં મારી વાતનું વજન વધારે છે !'

“છોકરી...તું નાગરાજનનું અપમાન કરે છે ? ' નાગરાજન ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો.

'તારે જેમ માનવું હોય તેમ માન! ખેર, તું અસલી કમલને ક્યારે મારે હવાલે કરવા માગે છે?'

'તારી ઈચ્છા હોય તો અત્યારે જ !'

'વેરી ગુડ... અત્યારે રાતના સાડા અગિયાર વાગ્યા છે. હજુ ઘણો સમય છે ! આપણું કામ આજે જ પતી જાય તો વધુ સારું.'

'હું તૈયાર છું.'

'તેં કમલને ક્યાં રાખ્યો છે?'

'તારે એનો કબજો ક્યા સ્થળે જોઈએ છે એ કહી નાખ !'

‘સાંભળ નાગરાજન, તેં કમલને આકાશ મહેલના ગુપ્ત ભોંયરામાં છૂપાવી રાખ્યો છે, એની મને ખબર છે. પરંતુ હું બને ત્યાં સુધી અથડામણમાં ઉતરવાનું ટાળુ છું. ખેર, તારી સિન્ડિકેટમાં રીટા નામની એક છોકરી છે ને...?’

“હા, છે... પણ તારે એનું શું કામ છે ? '

'તો સાંભળ...તારા તરફથી રિપોર્ટર કમલ જોશીને લઈને રીટાને આવવાનું છે.’

‘કમલને લઈને ગમે તે આવે…તારે તો કમલથી જ નિસ્બત છે ને ?'

'ના...કમલની સાથે માત્ર રીટાએ જ આવવાનું છે. જે તને મારી આ શરત કબૂલ ન હોય તો હું રિસીવર મૂકી દઉં છું.”

“મંજુર છે...મંજુર છે... આગળ બોલ...' 'રીટાએ કમલને લઈને આવવાનું છે.”

'કયા...?'

'કહું છું...એ પહેલાં ધ્યાનથી મારી વાત સાંભળી લે ! તું તારી તાકાતનો ખોટો ઉપયોગ કરીશ, અર્થાત્ રીટા અને કમલની સાથે જરૂર તારા ચમચાઓને હથિયાર સાથે મોકલીશ એની મને ખબર છે.'

'ના…મારો એવો કોઈ વિચાર નથી.'

જવાબમાં સામે છેડેથી હળવું હાસ્ય તેને સંભળાયું.

'તું હસે છે શા માટે ?'

'નાગરાજન...નાગ પોતાના ડંખ મારવાના સ્વભાવને ભૂલી જાય એ વાત મારે ગળે નથી ઊતરતી!'

'હું નાગ નહીં પણ સિંહ છું..! ' નાગરાજન રૂઆબ ભર્યા અવાજે બોલ્યો.

'પોતાના શિકાર માટે સિંહ, નાગ કરતાં પણ વધુ ઘાતક પુરવાર થાય છે!'

'મારે માત્ર કેમેરા સાથે જ નિસ્બત છે !'

‘તને કેમેરા હું સોંપવાની છું એટલે મારી સાથે તારે બીજી કંઈ નિસ્બત નથી ?'

'તારી જીભ બહુ લાંબી ચાલે છે...!'

'એટલા માટે કે કદાચ હું ટૂંકી જીભથી વાત કરું, એ તને નહીં ગમે ! ખેર, તારા તરફથી રીટાએ કમલને એક કારમાં લઈને અમારી પાસે આવવાનું છે ! રીટાની સાથે માત્ર કમલ જ હોવો જોઈએ એટલું ખાસ યાદ રાખજે. અમે કમલને ઓળખ્યા પછી જ અમારા છૂપાવાના સ્થળેથી બહાર નીકળીશું. કેમેરો મારી પાસે જ હશે. કમલ મારી પાસે પહોંચશે ત્યારે હું કેમેરાને રીટા તરફ ફેંકી જ દઈશ. તને કેમેરો મળી ગયા પછી તારે જરા પણ ધમપછાડા નથી કરવાના ! મને તથા કમલને ફસાવવા માટે કોઈ જાતની તીડીબાજીનો પ્રયાસ કરીશ નહીં ! તારા સ્વભાવને હું બરાબર રીતે ઓળખું છું. તું તારી જાત બતાવ્યા વગર નહીં રહે એની મને ખબર છે...! કદાચ તું ગમેતેવી જાળ પાથરીશ તો પણ હું તેમાં નહીં ફસાઉં' ! આ મારી તને ચેલેન્જ છે નાગરાજન ! તારે અખતરો કરવો હોય તો કરી લે! કેમેરો મેળવીને તારે કમલ જોશીને હંમેશને માટે ભૂલી જવાનો છે. તારા માથા પર જે ઉપાધિ આવી હતી, એમાં કમલ જોશી જેગાનુજોગ જ ફસાઈ ગયો હતો, એમ જ તારે વિચારવાનું અને અમારે વિશે પણ તારે આમ જ માનવાનું છે.'

'મેં તને કહ્યું તો ખરું કે મારે તો માત્ર કેમેરા સાથે જ !'

'મારે પણ ફક્ત કમલ જોશી સાથે જ નિસ્બત છે ! કમલને લઈને રીટાએ બરાબર ત્રણ વાગ્યે જી. ટી. રોડ પર આવવાનું છે. જી.ટી. રોડ પર એક ખાસ જગ્યા છે. ત્યાં મિલન સોસાયટીવાળા માર્ગ પર ડાબા હાથે આઠ દુકાનો છે. આ દુકાનો ગેરકાયદેસર રીતે તિવારી નામના એક બદમાશે બનાવેલી છે. દુકાનો પર કેસ ચાલે અને તેના પર કોર્ટનું સીલ મારેલું છે. આ દુકાનોની સામે રીટાએ કારને ઊભી રાખીને કમલ સાથે બહાર નીકળવાનું છે. કમલ મારી પાસે આવશે, ત્યારે હું રીટાને કેમેરો સોંપી દઈશ અને કમલ સાથે મારે રસ્તે પડી જઈશ.’

‘તું અમારી સાથે દગો તો નહીં રમે ને ?’

'કેવો દગો....?'

‘મારે બળદેવે જે કેમેરો કમલને સોંપ્યો હતો, એ જ કેમેરો જોઈએ છે! માત્ર કેમેરો જ નહીં, એની અંદરની રીલ પણ એ જ હોવી જોઈએ કે જેમાં અમારી સિન્ડિકેટની એક સીક્રેટ ડાયરીના...’

'તારે ફિકર કરવાની જરૂર નથી. જ્યાં સુધી મારી સાથે કોઈ દગો નથી કરતું ત્યાં સુધી હું પણ દગો નથી કરતી. ડુપ્લીકેટ કમલને મોકલીને મને દગો આપવાની શરૂઆત તારા તરફથી જ થઈ હતી, જેનું ફળ તને મળી ગયું છે. હા, એટલું ચોક્કસ કહીશ કે આ વખતે તું દગો કરીશ તો હવે તને ભેટ તરીકે તારી સલાહકાર ગણાતી રીટાનો મૃતદેહ જ મળશે. ત્રણ વાગ્યે મિલન સોસાયટી તરફ લઈ જતાં માર્ગ પર, ગેરકાયદેસર દુકાનોની સામે રીટા, કમલ સાથે પહોંચી જવી જોઈએ. હું સવા ત્રણ વાગ્યા સુધી રાહ જોઈશ.” કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

નાગરાજને પણ રિસીવર મૂકી દીધું. ત્યારબાદ એણે ઝપાટાબંધ જોસેફ, ગુપ્તા અને રહેમાનને તાબડતોબ આકાશ મહેલે પહોંચવાનો આદેશ આપ્યો.

*પંદર મિનિટ પછી આકાશ મહેલના માળ પર નાગરાજનની ઑફિસમાં સૌ મોઝુદ હતા. સૌ ચુપ હતા. નાગરાજન છંછેડાયેલા વાઘની માફક આમથી તેમ આંટા મારતો હતો.

' સર...!' સહસા રીટા બોલી, ‘હવે મોડું કરવાનો સમય નથી ! અહીંથી જી. ટી. કોલોની પહોંચવામાં ઘણી વાર લાગી જશે.

'તારે ત્રણ વાગ્યે પહોંચવાનું છે! એ કમજાતે કમલની સાથે માત્ર તને જ બોલાવી છે ! ’

‘તો એમાં ચિંતા કરવા જેવું શું છે સર...'

'આપણી સિન્ડિકેટનો કોઈક સભ્ય જઈ, એક થપ્પડ મારી એ છોકરીને ધૂળ ચાટતી કરીને કેમેરો લઈ આવે એમ હું ઇચ્છતો હતો. આ કામ કંઈ તારાથી થાય તેમ નથી.’

“ અત્યારે આપણે કેમેરાનો જ વિચાર કરવાનો છે સર! આપણો કેમેરો મળી જાય, એ જ આપણા માટે માટે મોટી વાત છે...!'

‘બરાબર છે... પરંતુ એક મામૂલી છોકરી, મારા મોં પર તમાચો મારીને રિપોર્ટરને આપણી ચુંગાલમાંથી છોડાવવામાં સફળ થઈ ગઈ, એ મારે માટે ડૂબી મરવા જેવી વાત છે! અંગૂઠા જેવડી છોકરી સિન્ડીકેટને થાપ આપી જાય, એનાથી વધુ શરમજનક વાત મારે માટે બીજી કોઈ ન હોઈ શકે રીટા !'

'સર. એ છોકરી આપણને થાપ આપશે એવું આપે કઈ રીતે માની લીધું ? આપણે રિપોર્ટરને સોંપીને બદલામાં કેમેરો મેળવી લેવાનો છે ! અને આ કામ આપણે પૂરી ઈમાનદારીથી

કરવાનું છે ! કેમેરો મેળવીને હું ત્યાંથી રવાના થઈ જઈશ. ત્યારબાદ આપણા માણસો સહેલાઈથી એ છોકરીને કબજે કરી શકશે !'

'આ શબ્દો જો રહેમાને ઉચ્ચાર્યા હોત તો જુદી વાત હતી... જો રતનલાલ, જોસેફ, કે ગુપ્તાએ કહ્યું હોત તો અલગ વાત હતી ! આ...આ વાત તું કહે છે રીટા...?' નાગરાજન ધૂંધવાતા અવાજે બોલ્યો, “કામ પૂરું થઈ ગયા પછી એ છોકરી આપણા માણસોની ચુંગાલમાં ફસાઈ જશે. એમ તું માને છે ?'

‘શા માટે નહીં ફસાય સર...?' રતનલાલે કહ્યું, 'એ ભલે પોતાની સાથે દસ-વીસ બદમાશોને લઈને આવી હોય!'

'સિન્ડિકેટ માટે આ બદમાશોનું કંઈ મહત્ત્વ નથી રતનલાલ ! સિન્ડિકેટને જો કોઈ હરાવી શકે તેમ હોય, તો એ માત્ર કોઈક તીવ્ર બુદ્ધિશાળી દિમાગ જ હરાવી શકે તેમ છે. એ છોકરીએ મારે જે જાળ પાથરવી હોય, તે પાથરવાની છૂટ આપી છે. આ જાળને માર તોડીને સહીસલામત રીતે પોતે નીકળી જશે એવી એણે મને ચેલેન્જ આપી છે. એણે જે આત્મવિશ્વાસથી વાત કરી છે, તેના પરથી એ આપણી કોઈ પણ જાળમાં નહીં ફસાય એવું મને લાગે છે !’

'સર! એણે આપણને માનસિક રીતે તોડી નાખવા માટે આવું કહ્યું હોય એ બનવાજોગ છે ! '

'એ... મને..નાગરાજનને માનસિક રીતે તોડી નાંખવા માંગે છે ? '

રતનલાલ ચૂપ થઈ ગયો. સહસા રહેમાન ખુરશી પરથી ઊભો થઈ ગયો.

'સર...!' એણે કહ્યું, 'આપ મને જવાબદારી સોંપી દો.'

'કઈ વાતની...?' નાગરાજનની નજર રહેમાનના ચહેરા પર સ્થિર થઈ ગઈ.

'હું એ છોકરીને રિપોર્ટરની સાથે લાવીને આપની સમક્ષ હાજર કરી દઈશ !'

'કેવી રીતે...?'

'સર..હું એક કલાકમાં જ મિલન સોસાયટીવાળા માર્ગ પર જ્યાં કમલ જોશી અને કેમેરાની લેવડદેવડ થવાની છે ત્યા મારા માણસોને એવી રીતે ગોઠવી દઈશ કે તેમની વચ્ચેથી માણસ તો શું, બિલાડી પણ પસાર નહીં થઈ શકે ! લેવડદેવડ પૂરી થઈ ગયા પછી એ છોકરી ગમે તેટલી ચાલાકી વાપરે. એ ત્યાં મારા ગોઠવેલા માણસોની ચુંગાલમાં જકડાઈ જશે.’

“તારી યોજનામાં ખાસ કંઈ દમ નથી.”

'કેમ...?'

'એક વાત તું ભૂલી જતો લાગે છે.’

'કઈ વાત...?'

‘તે પાથરેલી જાળ ભલે બિલાડી પણ ન છટકી શકે એવી તેવી હોય ! પરંતુ રહેમાન, એ બિલાડી નહીં પણ તીવ્ર બુદ્ધિશાળી છોકરી છે ! એણે જે રીતે મારી સાથે વાત કરી છે, એના પરથી તે તારી જાળમાં ફસાય એવું મને નથી લાગતું. ખેર, છતાંય આપણે તેને ફસાવવા માટેનો પ્રયાસ તો જરૂર કરવાનો જ છે ! લેવદ-દેવડ પૂરી થઈ ગયા પછી એ છોકરી તથા રિપોર્ટરને પાછા લાવવાની જવાબદારી હું તને સોંપું છું રહેમાન !'

‘તો હું મારી તૈયારી કરું સર...? '

'હા...આજે જ તારી સાચી કસોટી છે! આ કસોટીમાંથી પાર ઊતરીને સિન્ડિકેટ પાસે રહેમાન જેવા હીરાઓ પણ છે, એ વાત તારે પુરવાર કરી બતાવવાની છે.'

નાગરાજનના મોંએથી પોતાનાં વખાણ સાંભળીને રહેમાનની છાતી ગજ ગજ ફૂલવા લાગી.

'અને તું પણ તૈયારી કર રીટા...! ' નાગરાજને રીટા સામે જોઈ કહ્યું. 'એ છોકરી ઘણી જ ખતરનાક લાગે છે. તારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે.” રીટાએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું. ત્યારબાદ તે તથા રહેમાન નાગરાજનની રજા લઈને બહાર નીકળી ગયા.

જી. ટી. રોડનો સમગ્ર વિસ્તાર ગાઢ અંધકારમાં ડૂબી ગયો હતો. મિલન સોસાયટીવાળા માર્ગ પર બસોએક વાર દૂર એક ઈમારતની આગાશી પર અત્યારે રહેમાન ઊભડક પગે બેઠો હતો. એની ગેંડા જેવી ગરદનમાં, અંધકારમાં દૂર સુધી સ્પષ્ટ રીતે શકાય એવું શક્તિશાળી દૂરબીન લટકતું હતું.

જે સ્થળે એ બેઠો હતો, ત્યાંથી તે ખૂબ જ આરામથી દૂરબીન વડે તિવારીની ગેરકાયદેસર રીતે ચણાયેલી આઠ દુકાનો સામેની સડક અને તેની આજુબાજુની ઈમારતોના કંપાઉન્ડ પર નજર રાખતો હતો. તેની બાજુમાં જ એક શક્તિશાળી ટેલિસ્કોપીક રાઈફલ પડી હતી.

દુકાનોની સામે કાળો ડીબાંગ અંધકાર છવાયેલો હતો. રહેમાને દૂરબીનને આંખ પર માંડીને સડક તરફ નજર કરી. સડક એકદમ ઉજ્જડ હતી. કોઈ કરતાં કોઈ જ નહોતું દેખાતું. એણે એ જ રીતે દૂરબીનને આંખ પર માંડીને તારે તરફ જોયું. એ જાણે પોતાની જીત નક્કી જ હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા. દૂરબીનના લેન્સમાંથી એની નજર, દસ દસ ફૂટના અંતરે વતના ક પાઉન્ડની દીવાલને સ્પર્શીને, સાવચેતીથી ઊભેલા પોતાના માણસો પર ફરતી હતી.

આ ઉપરાંત સડકના બંને છેડે પણ તેના માણસો મોજુદ હતા. મિલન સોસાયટી તરફ લઈ જતાં માર્ગ પર જ્યાં લેવડદેવડ થવાની હતી, એ તરફથી કોઈ બિલાડી પણ રહેમાનના માણસોની પક્કડમાંથી બચી શકે તેમ નહોતી જ્યારે એક છોકરી રિપોર્ટરને લઈને ત્યાંથી સહીસલામત નીકળી જવા માગતી હતી.

રહેમાનના ચહેરા પર વિજયસૂચક સ્મિત ફરકી ગયું. એણે આંખ પરથી દૂરબીન ખસેડીને રેડીયમ ડાયલયુક્ત એક ઘડિયાળમાં સમય જોયો. ત્રણ વાગવામાં એક મિનિટ બાકી હતી.

રહેમાન ફરીથી દૂરબીનને આંખ પર ગોઠવીને સાવચેતીથી બેસી ગયો. રીટા હવે કોઈ પણ પળે આવવાની તૈયારીમાં જ હતી. પછી સહસા તેને સામેની તરફથી એક સફેદ રંગની કાર આવતી દેખાઈ.

કાર રીટા ચલાવતી હતી. એની બાજુની સીટ પર કમલ જોશી બેઠો હતો. રહેમાને જોયું તો કમલને ઢીલાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતાં. એના ચહેરા પર અત્યારે ડ્રેસિંગ પટ્ટીઓ નહોતી. મારૂતીની ગતિ ધીમી પડતી ગઈ અને તે પાસે આવીને એવી રીતે ઊભી રહી ગઈ કે હવે બીજું કોઈ વાહન પસાર થઈ શકે તેમ નહોતું. દૂરબીનમાંથી રહેમાનની આંખો રીટાને એકીટશે તાકી રહી હતી.

રીટા હેડલાઈટ ઓફ કરી, બારણું ઉઘાડીને બહાર નીચે આવી. પછી તે કારના આગળના ભાગને ચક્કર મારીને કમલ જોશીની તરફનો દરવાજો ઉઘાડવા લાગી.

કમલની હાલત ઓપરેશનના ટેબલ પરથી ઊભા થયેલા બિમાર જેવી દેખાતી હતી.

રીટાએ તેને ટેકો આપીને કારમાંથી નીચે ઉતાર્યો. કમલ બોનેટ સાથે પીઠ ટેકવીને ઊભો રહી ગયો. રીટાએ પોતાની કાંડાઘડિયાળમાં નજર કરી.

એ જ વખતે સહસા વિપરિત દિશામાંથી પૂરપાટ વેગે એક પ્રિમિયર પદ્મિની કાર આવીને મારૂતીની બાજુમાં ઊભી રહી ગઈ. એક સાઈડ મારૂતી તરફ અને બીજી સાઈડ દુકાનના શટરથી એક ફૂટ દૂર હતી.

પ્રિમીયર પદ્મીનીનુ એક ટાયર ફૂટપાથ પર હોવાને કારણે મારૂતી તરફ નમેલી લાગતી હતી. એ કારની ડ્રાયવીંગ સીટ પર બેઠેલા માનવીને ચહેરો નકાબ પાછળ છૂપાયેલો હતો.

પછી પાછળના ભાગનું બારણું ઉઘાડીને એક યુવતી બહાર આવી. એણે જીન્સનું પેન્ટ એને શર્ટ પહેર્યાં હતાં. એના પગમાં કાળા સેન્ડલ હતાં. ચહેરા પર નકાબ અને માથા પર કાળા કલરની કેપ પહેરેલી હતી. આ વેશમાં તે કોઈક સ્ટન્ટ ફિલ્મની હિરોઈન જેવી લાગતી હતી. કહેવાની જરૂર નથી કે એ યુવતી મોહિની જ હતી.

નીચે ઊતર્યા પછી આગળ ન વધતાં એણે ત્યાં જ ઊભા રહીને કમલ સામે જોયું. રીટાની નજર પણ તેની સામે જ હતી. મોહિનીએ મારૂતીના બોનેટ સાથે પીઠ ટેકવીને ઊભેલા કમલ જોશીને જોઈને, હાથ ઊંચો કરીને હલાવ્યો. રીટાએ પણ તેનું અનુકરણ કર્યું.

ડ્રાયવીંગ સીટ પર બેઠેલા માનવીએ પોતાનો હાથ બારીની બહાર કાઢીને મોહિનીની હથેળીમાં કોઈક વસ્તુ મૂકી દીધી, દૂર ઈમારત પરથી રહેમાને દૂરબીનને મોહિનીની હથેળી પર

સ્થિર કરીને એ વસ્તુનું નિરીક્ષણ કર્યું. વળતી જ પળે એના ચહેરા પર આનંદના હાવભાવ છવાઈ ગયા.

તે એક સિગારેટકેસ જેવડો નાનકડો કેમેરો હતો, મોહિનીએ કેમેરાને બે આંગળીઓ વચ્ચે પકડી, હાથ ઊંચો કરીને રીટાને બતાવ્યો.

રીટાએ બોનેટ સાથે પીઠ ટેકવીને ઊભેલા કમલ જોશીનો ખંભો થપથપાવ્યો.

કમલ એનો સંકેત સમજીને લથડતા પગે પ્રિમીયર પદ્મિની તરફ આગળ વધ્યો.

મોહિની પાછળની સીટનું બારણું પૂરેપૂરું ઉઘાડીને એક બાજુ ઊભી રહી ગઈ.

કમલ જોશી પ્રિમીયર પદ્મીની પાસે પહોંચીને પાછળની સીટ પર ઢગલો થઈ ગયો. રીટાએ પોતાનો હાથ આગળ લંબાવ્યો. મોહિનીએ પોતાના હાથમાં જકડાયેલો કેમેરો રીટા તરફ ફેંક્યો. કેમેરો જમીન પર પડે, એ પહેલાં જ રીટાએ કુશળ ક્રિકેટરની જેમ કેમેરાને પકડી લીધો. આ દરમિયાન મોહિની પાછલી સીટ પર બેસીને બારણું બંધ કરી ચૂકી હતી. રહેમાનના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

પ્રિમીયર પદ્મીની આગળ વધી શકે તેમ નહોતી કારણ કે રિવર્સ કરવા જતાં તે દુકાનોની સાથે સાથે રીટાની મારુતી સાથે પણ અથડાઈ શકે તેમ હતી. કદાચ પ્રિમીયર પદ્માનીને રિવર્સમાં દોડાવવામાં આવશે એમ એણે વિચાર્યું.

તેના ચહેરા પર છવાયેલી ચમક એકદમ વધી ગઈ. તેના તમામ માણસો સાવચેત થઈ ચૂકયાં હતાં.

પોતાની જાતને ખૂબ જ ચાલાક અને બુધ્ધિશાળી માનતી તે સહેલાઈથી કમલ જોશી અને પોતાના સાથીદાર સાથે તેમની જાળમાં ફસાવાની તૈયારીમાં હતી. રીટા મારુતીની ડ્રાયવીગ-સીટ તરફ આગળ વધી.

એ જ વખતે રહેમાન એકદમ ચમકી ગયો.

એણે જોયું પ્રિમીયર પદ્મીનીની ડ્રાયવીગ-સીટ પર બેઠેલો માનવી, પોતાની બાજુમાં સીટ પર પડેલા થેલામાંથી કોઈક વસ્તુ ઊંચકી ઉંચકીને સડક પર ફેંકતો જતો હતો.

એ વસ્તુ બીજું કંઈ નહીં પણ સ્મોક બોંબ છે, એ વાત તરત જ રહેમાન સમજી ગયો.

પ્રિમિયર પદ્મીની સ્ટાર્ટ થઈ ચૂકી હતી. પરંતુ તેની હેડલાઈટ બંધ હતી. સડક પર ઝડપથી ધુમાડો ફેલાતો જતો હતો.

એકાદ મિનિટમાં જ બંને કાર ધુમાડાના આવરણમાં લપેટાઈ ગઈ. રહેમાનને દૂરબીનના લેન્સમાંથી હવે માત્ર ધુમાડો જ દેખાતો હતો.

પરંતુ તેમ છતાંય પ્રીમીયર પદ્મીનીવાળી યુવતી નહીં છટકી શકે એની તેને પૂરી ખાતરી હતી.

ધુમાડાનું આવરણ માત્ર દુકાનોની સામેના ભાગ સુધી જ સિમિત હતું. એ આવરણમાંથી પ્રીમીયર પદ્મીનીને ગમે તે તરફ નીકળવાનું હતું. મારૂતી ધુમાડાના આવરણ વચ્ચેથી બહાર નીકળીને એ સડક પર આગળ વધી ગઈ.

પરંતુ પ્રિમીયર પદ્મીની હજુ સુધી બહાર નહોતી નીકળી. એ પૂર્વવત રીતે ધુમાડાના આવરણ વચ્ચે છૂપાયેલી રહી. રહેમાનની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી થઈ ગઈ..

પ્રિમીયર પદ્મીની હજુ સુધી શા માટે બહાર નથી નીકળી એ તેને કેમેય કરીને નહોતું સમજાતું. એને જો બહાર જ નીકળવાનું હતું, તો પછી ધુમાડો શા માટે ફેલાવ્યો ? રહેમાનને નાગરાજની વાત યાદ આવી.

ક્યાંક ખરેખર તો એ છોકરી થાપ નથી આપી ગઈ ને ! 'અશક્ય...' રહેમાન સ્વગત બબડ્યો.

એ ખૂબ જ અકળાઈ ગયો હતો કારણ કે દૂરબીનમાંથી ધુમાડા સિવાય બીજું કશું જ નહોતું દેખાતું.

રીટા ચાલી ગઈ હતી. એણે ફરીથી એક વખત દૂરબીન આંખ પર મૂકીને ચારે તરફ નજર દોડાવી.

પણ વ્યર્થ !

દૂરબીનના લેન્સ ધુમાડાના આવરણને ચીરી શકે તેમ નહોતા. એના માણસો પૂર્વવત્ રીતે પોતપોતાના સ્થાને સાવચેતીથી ઊભા હતા.

રહેમાન શું કરવું ને શું નહીં એની વિમાસણમાં મૂકાઈ ગયો. છેવટે કોઈક નિર્ણય પર આવ્યો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયા.

હવે અહીં રોકવાથી કંઈ લાભ નહોતો. પોતાની રાઈફલ ઊંચકીને ફાયર એસ્કેપની સીડી તરફ એ આગળ વધી ગયો..

પાંચ મિનિટ પછી...

ધુમાડો વીખેરાતો જતો હતો. ધુમાડાના એ આવરણને ગોળાકારે ઘેરીને રહેમાન તથા તેના

માણસો ઊભા હતા. પ્રિમીયર પદ્મીની હજુ પણ યથાવત રીતે ઊભી હતી.

એ પોતાના સ્થાનેથી એક ઈંચ પણ આઘી પાછી નહોતી થઈ. અલબત્ત, તેનું એન્જિન અત્યારે બંધ હતું. પછી સહસા રહેમાન વકરેલી ભેંસની માફક કાર તરફ ધસી ગપો.

એણે એક આંચકા સાથે બારણું ઉઘાડયું. વળતી જ પળે એના ચહેરા પર જાણે કોઈક અજાયબી જોતો એવું અચરજ છવાયું.

કારણ...?

કારણ કે કારમાંથી યુવતી અર્થાત્ મોહિની, કમલ જોશી અને તેનો સાથીદાર... આ ત્રણેય ગુમ થઈ ગયાં હતાં. રહેમાનના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. નાગરાજનની વાત સાચી પડી હતી. અંગૂઠા જેવડી એ છોકરીએ ખરેખર જ તેને થાપ આપી હતી.

એક કલાક પછી...

રહેમાન નિરાશાભર્યા ચહેરે માથું નમાવીને નાગરાજન સામે હતો.

નાગરાજન સાથે નજર મેળવવાની તેનામાં હિંમત નહોતી રહી. 'રહેમાન...' નાગરાજન તટસ્થ અવાજે બોલ્યો, “તું કસોટીમાંથી હેમખેમ પાર ન ઊતરી શક્યો... એ છોકરીની કસોટી માં તું નાપાસ થઈશ એની મને ખબર જ હતી. આ ચેલેન્જ એણે પૂરી કરી બતાવી છે. એ તમારા બધાની આંખોમાં ધૂળ નાખીને પેલા રિપોર્ટરને છોડાવી ગઈ. તમે.! તમાશો જોવા સિવાય બીજું કશું જ ન કરી શક્યા!'

'સ...સોરી સર...!' રહેમાને નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

'એમાં તારે સોરી કહેવાની કંઈ જ જરૂર નથી રહેમાન.' નાગરાજન નરમ અવાજે બોલ્યો.

'સર... મારી ભૂલ થઈ તો પછી મારે માફી માગવી જોઈએ ને? એ છોકરીને રિપોર્ટર સાથે પાછી લાવવાની જવાબદારી મેં સ્વીકારી હતી. આ જવાબદારી પૂરી કરવામાં હું નિષ્ફળ ગયો છું.”

'તને નિષ્ફળતા મળી છે, એ વાત સાચી... પરંતુ એમાં તારો કંઈ જ વાંક નથી રહેમાન !” નાગરાજનનો અવાજ આશાથી વિપરીત નરમ અને બેહદ ગંભીર હતો, 'તારે સ્થાને હું હોત, તો હું તારા જેવી જ વ્યવસ્થા કરત! જાળ પાથરત! એ છોકરી તારી જાળમાં ફસાશે, એવી મેં આશા પણ નહોતી રાખી. પરંતુ તારો ઉત્સાહ હું તોડવા નહોતો માગતો.'

'સર...' પોતાની આંગળીઓ વચ્ચે ઝૂલતી પોઝીટીવ રીલને કાઉન્ટર જેવા લાંબા અર્ધચંદ્રાકાર ટેબલની સપાટી પર મૂકતાં રીટાએ કહ્યું, 'આ રીલમાં આપણા વરલી મટકાના આંક ફરકની ડાયરીનાં પાનાંઓ કેદ કરી લેવામાં આવ્યા છે. જો આ કેમેરો આપણને પાછો ન મળત તો...'

'તો આપણાં વરલી-મટકાનાં બિઝનેસનું સત્યાનાશ નીકળી જાત રીટા !' નાગરાજન ધીમેથી બોલ્યો, 'સળગાવી નાખ! આ રીલને તાબડતોબ સળગાવી નાખ.'

રીટાએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. પછી એણે ટેબલ પર પડેલું લાઈટર ઊંચકી, પેટાવીને રીલને સળગાવી નાખી. થોડી પળોમાં જ રીલ કાર્બનમાં ફેરવાઈ ગઈ. અત્યારે રતનલાલ, જોસેફ, ગુપ્તા, રહેમાન અને રીટાની સાથે ખુદ નાગરાજન પણ આનંદમાં હતો.

શા માટે ન હોય ?

તેમના માટે માથાના દુ:ખાવા સમાન બની ગયેલો કેમેરો તેમને મળી ગયો હતો. અલબત્ત, કેમેરો પાછો મેળવવામાં તેમને જમશેદના જીવનો ભોગ જરૂર આપવો પડયો હતો. પરંતુ જમશેદનો જીવ ગયો, એમાં એ લોકોનો જ વાંક હતો. સહસા ઑફિસનું બારણું ઉઘડ્યું. ઉઘાડા બારણામાંથી બે વર્દીધારી નોકર એક ટ્રોલીને ધકેલતાં અંદર આવ્યા. ટ્રોલીમાં કેટલીયે બ્રાન્ડની વ્હીસ્કીઓ સાથે એક શેમ્પેનની બોટલ પણ હતી.

ટ્રોલીને કાઉન્ટર પાસે મૂકીને બંને જણ બહાર ચાલ્યા ગયા. નાગરાજન આગળ વધીને ટ્રોલી પાસે પહોંચ્યો. એણે શેમ્પેનની બોટલ ઊચકીને, દાંત વચ્ચે દબાવીને તેનું ઉઘાડયું.

શેમ્પેન કુવારાની જેમ એકાદ ફૂટ ઊંચે ઊછળીને ગાલીચા પર ઢોળાવા લાગી. નાગરાજને પોતાના હાથેથી શેમ્પેનના છ પેગ તૈયાર કર્યા. 'રીટા…!' એ પ્રસન્ન અવાજે બોલ્યો, “આજે આપણને છૂટકારો મળ્યો છે, તેની ખુશાલીમાં આટલું તો કરવું જ જોઈએ એમ હું માનું છું. '

રીટાએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

સૌ પોતપોતાના ગ્લાસ ઊંચકીને લિજ્જતથી શેમ્પેનના ભરવા લાગ્યા. બધા જાણે કોઈક મોટો ગઢ જીતી લાવ્યા હોય તેમ ખુશખુશાલ હતા. નાગરાજન પોતાની સિંહાસન જેવી ખુરશી પર બેસી આરામથી ઘૂંટડા ભરતો હતો.

સહસા એના પર્સનલ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. “અત્યારે વહેલી સવારના ચાર વાગ્યે વળી કોનો ફોન હશે- એ સ્વગત બબડ્યો.

પછી એણે ગ્લાસને ટેબલ પર મૂકીને રિસીવર ઊંચકયું. “હલ્લઘ...નાગરાજન સ્પીકીંગ...!' એ રૂઆબભર્યાં અવાજે બોલ્યો.

'મને ખબર છે...! ’ સામે છેડેથી એક બરફ જેવો કોઈ પુરુષ સ્વર તેના કાને અથડાયો.

‘કોણ બોલે છે તું...?' નાગરાજન જોરથી બરાડ્યો.

'કદાચ તું અત્યારે ખુશાલી મનાવે છે ખરું ને ?'

‘હું પૂછું છું, તું કોણ બોલે છે ? '

'શોક મનાવ શોક, નાગરાજન !'

'આ તું શું બકે છે...?' નાગરાજને ક્રોધભર્યા અવાજે પૂછ્યું. ‘હું બકતો નથી પણ સાચું જ કહું છું.' સામે છેડેથી આવતો અવાજ એકદમ ગંભીર હતો, 'અત્યારે તારો વખત ખુશાલી મનાવવાનો નહીં, પણ શોક મનાવવાનો છે!'

'કેમ...?'

'એટલા માટે કે તને જે કેમેરો મળ્યો છે, તે એ જ છે જે તું મેળવવા માગતો હતો. એની અંદર જે રીલ છે, તેમાં તારા સિન્ડિકેટના વરલી મટકાના બિઝનેસની સિક્રેટ ડાયરીનાં પાનાં છે... પરંતુ આ રીલ નવેસરથી તૈયાર કરવામાં આવેલી છે... એ રીલની એક કોપી હજુ પણ મારી પાસે સલામત છે !'

'શું...?'

પરંતુ સામે છેડેથી જવાબ મળવાને બદલે સંબંધ કપાઈ ગયો. નાગરાજને જોરથી રિસીવરને પટક્યું. ત્યારબાદ એણે ગ્લાસ ઊંચકીને સામેની દીવાલ તરફ ફેંકયો. શાંત વાતાવરણમાં જાણે બોંબ ફૂટયો હોય એવો અવાજ ગર્જી ઊઠ્યો. સૌ હેબતાઈને નાગરાજન સામે તાકી રહ્યાં.

અને નાગરાજન...?

એના ચહેરા પર હાથમાં આવેલો વિજય સરકી ગયો હોય એવા હાવભાવ છવાયેલા હતા.