અંધારી આલમ - ભાગ 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

  • વરસાદ સાથે ની યાદો

    કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને...

શ્રેણી
શેયર કરો

અંધારી આલમ - ભાગ 3

૩. : સાહસિક ગુપ્તચર

હજુ તો રાતના દસ જ વાગ્યા હતા છતાંય વિશાળ- ગઢના રાજમાર્ગો એકદમ સુમસામ દેખાતા હતા. સડકો ખાલીખમ હતી અને આ ઉજ્જડતાનું કારણ હતું ભયાનક ઠંડી ! આકાશમાંથી જાણે કે હીમ વરસતું હતું.

લેડી વિલાસરાય રોડ પર એક અદ્યતન બાવીસ માળની ઈમારત ઘેરા અંધકાર અને ખામોશીમાં ડૂબી ગઈ હતી. ઠરીને ઠીકરૂ થઈ જવાય એવી ભીષણ અને હાડોહાડ થીજાવી મૂકતી, ગાત્રોને ઠંડાગાર બનાવી મૂકનારી ઠંડીની જાણે કોઈ જ અસર ન થતી હોય એમ કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો એક માનવી લેડી વિલાસરાય રોડની ફૂટપાથ પર બેહદ સાવચેતીથી, લગીરે અવાજ કર્યા વગર પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતો હતો.

'દિકરા નાગરાજન...' એ રહસ્યમય માનવી સ્વગત બબડ્યો, બચ્ચા, આજે તારો ખેલ ખતમ થઈ જવાનો છે...' અજાણતાં જ એના કાળા મોજામાં ઢંકાયેલા હાથની મુઠ્ઠીઓ ક્રોધાવેશથી વળી ગઈ. વળતી જ પળે એણે જોરથી દાંત કચકચાવ્યા, 'વિશાળગઢમાં તે જે શયતાની સામ્રાજ્ય જમાવ્યું છે એનો હવે ટૂંક સમયમાં જ અંત આવી જવાને છે.’

કાતિલ ઠંડીની સાથે જોશભેર હવાના સપાટા વિંઝાતા હતા. ફૂટપાથની સાઈડમાં આવેલા બંગલાના કંપાઉન્ડમાં ઊભેલ વૃક્ષોની ડાળીઓનો ખડખડાટ વાતાવરણને વધુ બિહામણું બનાવતો હતો.

કાળા રંગના ગરમ ઓવરકોટમાં લપેટાયેલો એ રહસ્યમય માનવી એ મેઘદૂત નામની એ બાવીસ માળની, અંધકારથી ઘેરાયેલી ઈમારતની સામે આવીને અટક્યો.

પળભર પછી એણે સડકની બંને દિશામાં શોધપૂર્ણ નજર દોડાવી કોઈ કરતાં કોઈ જ નહોતું દેખાતું.

પછી એની નજર સામે ફેલાયેલી સડકની ફૂટપાથ પર સ્થિર થઈ. એ ભવ્ય ઈમારતનું ગ્રીલ્સથી જડાએલું મોટું ફાટક બંધ હતું જ જાળીની પેલે પાર આવેલા કંપાઉન્ડમાં અંધકાર ફેલાયો હતો.

ફાટકની ડાબી તરફ અંદરના ભાગમાં આવેલી ચોકીદારની કેબિનની બહાર પડેલા એક સ્ટૂલ પર બેઠેલો ચોકીદાર અર્ધી ઊંઘમાં ડૂબેલી સ્થિતિમાં ઝોકા ખાતો હતો. એની રાઈફલ બે ઘૂંટણ વચ્ચે દબાયેલી હતી.

લાઈનબંધ ઊભેલી ઈમારતોની દર બે ઈમારતો વચ્ચે એક સાંકડી ગલી પડતી હતી. સડક ક્રોસ કરીને એ ફાટક પાસે પહોંચ્યો.

‘બિહારી...' રહસ્યમય આગંતુકે ચોકીદારને ઉદ્દેશીને બૂમ પાડી. અવાજ સાંભળીને ચોકીદારની ઊંઘ ઊડી ગઈ. એનો એક હાથ સખ્તાઈથી રાઈફલના બટન પર જકડાયો. પછી બીજા હાથેથી આંખો ચોળતો એ તરત જ ઊભો થઈ ગયો.

'કોણ છે?'

'હું.. હું બળદેવ.'

'ઓહ.. બળદેવ, તમે? અત્યારે?'

'હા..'

'કેમ... આજે તો કોઈ જ મિટિંગ નથી...’

'મને ખબર છે...' બળદેવ પોતાના અવાજમાં કારમી સ્વસ્થતા લાવતાં બોલ્યો, ‘બોસે મને એક અગત્યના કામ માટે અત્યારે બોલાવ્યો છે.’

'કમાલ કહેવાય...! તમે અહીં આવવાના છો એની કોઈ જ સૂચના મને નથી મળી.’

'કદાચ ભૂલી ગયા હશે.' બળદેવે પૂર્વવત્ અવાજે કહ્યું, 'તું હવે જલદી ફાટક ઉઘાડ. એક તો મને પહેલાંથી જ મોડું થઈ ગયું છે અને ઉપરથી વધારામાં તું સવાલ-જવાબમાં મોડું કરે છે...ચાલ.... જલ્દી કર...'

' પણ...' ચોકીદારનો અવાજ ખમચાયો.

'શુ... પણ...'

'પણ તમારા આવવાની કોઈ ખબર મને આપવામાં નથી આવી.'

‘તને મેં કહ્યું તો ખરું કે કદાચ ભૂલી ગયા હશે.’

“તો પણ મારે પહેલાં પૂછવું પડશે.’

‘તો પૂછી લે... હું ક્યાં ના પાડુ છું.' બળદેવ સ્વસ્થ અવાજે બોલો. બાકી અંદરખાનેથી તેના મોતિયા મરી ગયા હતા. હવે આ પંચાતિયો જરૂર પોતાની કોટડીમાં જઈ, નાગરાજનને ફોન કરીને પોતાને વિષે પૂછપરછ કરશે અને તરત જ પોતાનો ભાંડો ફુટી જશે. છતાં હિંમત રાખીને એણે પોતાની વાત આગળ લંબાવી : 'પણ ભાઈ, બિહારી. તું મને તારી સાથે અંદર કોટડીમાં તો આવવા દે. આ ભયંકર ઠંડી મારાથી સહન નથી થતી. તારી કોટડીમાં હૂંફ તો મળશે. તું ફોન કરી લઈશ ત્યાં સુધીમાં હું સિગારેટ ફૂંકીને ઠંડી ઉડાડીશ.’

થોડી પળો વિચાર્યા પછી ચોકીદારે ફાટક ઉઘાડ્યું'.

બળદેવ મનોમન છૂટકારાનો શ્વાસ લેતો અંદર પ્રવેશ્યો.

બંને સાથે જ ચોકીદારની કોટડીમાં દાખલ થયા. ચોકીદાર રાઈફલને દીવાલ સરસી મૂકીને એક ખૂણામાં પડેલ ટેલિફોન-સ્ટેન્ડ પાસે ગયો.

હવે એની પીઠ બળદેવ તરફ હતી.

રિસીવર ઉંચકતાં પહેલાં એણે પીઠ ફેરવીને બળદેવ તરફ જોયુ. બળદેવ નિર્લેપ ચહેરે પૂરી બેફિકરાઈથી સિગારેટ સળગાવતો હતો. ચોકીદારના દિમાગમાં ઘેરાયેલા શંકાનાં વાદળો વિખરાઈ ગયાં. નચિંત થઈને એણે રિસીવર તરફ હાથ લંબાવ્યો.

બળદેવ ખૂબ ઝડપથી દીવાલસરસી રાઈફલ ઊઠાવીને બિલલ્ડ પગે ચોકીદારની પીઠ પાછળ પહોંચી ગયો. પ્રવેશદ્વારની ઉપર સળગતા બલબના પ્રકાશને કારણે એને પડછાયો ટેલિફોન-સ્ટેન્ડ તરફ લંબાયો.

ચોકીદારે ચમકી, પીઠ ફેરવીને પોતાની પાછળ જોયું. એ જ પળે બળદેવના હાથમાં નાળ તરફથી જકડાયેલી રાઈફલનો પાછલો, નક્કર ભાગ ચોકીદારના લમણામાં ઝીંકાયો.

એના ગળામાંથી ઊઠતી ચીસ, ગળામાં જ ગુંગળાઈને રહી ગઈ. વળતી જ પળે એની સામે અંધકાર છવાયો. એના પગ લથડયા અને પછી તે ત્યાં જ બેહોશ થઈને ઢળી પડ્યો.

રાઈફલને તેની બાજુમાં મૂકી, બહાર નીકળી, કંપાઉન્ડ વટાવી બળદેવ ઈમારતના મુખ્ય દ્વારની બાજુમાંથી ઉપર લઈ જતી સીડી પાસે પહોંચ્યો.

ચારે તરફ ગહન સન્નાટો હતો. આજે શુક્રવાર હતો. આગંતુકનું સાચું નામ રાજેશ હતું અને વાસ્તવમાં સી.આઈ.ડી. વિભાગનો એક જવાંમર્દ જાસૂસ હતો. વિશાળગઢમાં જે અપરાધી પ્રવૃત્તિઓ ફેલાયેલી હતી એની પાછળ નાગરાજન અને રતનલાલ નામના માનવીનો દોરીસંચાર હતો. એક વર્ષ પહેલાં અથાગ પ્રયાસો પછી રાજેશ, બળદેવના ખોટા નામથી નાગરાજનની સિન્ડીકેટમાં, એક ગુનેગારના રૂપમાં ઠસી ગયો હતો.

આ સિન્ડીકેટમાં નાગરાજન સહિત કુલ પાંચ ભાગીદારો હતા. રતનલાલ, જોસેફ, રહેમાન, નાગરાજન પોતે અને ગુપ્તા...! પાંચેય ભાગીદારોમાં ફાઈનલ ઓથોરીટી નાગરાજનની હતી.

આ પાંચેય ત્રાસવાદીઓને પણ ઘડીભર થરથરાવી મૂકે એવા નૃશંસ અને ભયંકર હતા. અલબત્ત, સમાજ વચ્ચે એ દરેકનું સ્થાન ઉચ્ચ હતું. ઉપરથી સરળ અને સાદા, દેખાતા આ માણસો અઠંગ ગુનેગાર હશે એવું તો કોઈને ય તેમના ભલા-ભોળા ચહેરાઓ પરથી લાગે તેમ નહોતું.

દર શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ નાગરાજન પોતે એકલો જ મેઘદૂત નામના બિલ્ડીંગના સૌથી ઉપરના માળે આવેલા વિશાળ અને અદ્યતન ફલેટના પોતાના અંગત રૂમમાં બેસીને વરલી- મટકા અને આંકફરકના હિસાબો સફેદ રંગની એક ડાયરીમાં પોતાને વરદ હસ્તે લખતો હતો અને જોગાનુજોગ જ બળદેવ ઊર્ફે રાજેશને આ વાતની ખબર પડી ગઈ હતી.

સી.આઈ.ડી. વિભાગના બ્લેક લીસ્ટમાં સિન્ડીકેટના તમામ ભાગીદારોનાં નામ હતાં. પણ એક તો એમની વિરુદ્ધમાં નક્કર પુરાવાઓ નહોતા અને બીજું, એમનો સામાજીક માન-મરતબો એટલો બધો ઉચ્ચ હતો કે સીધી રીતે તેમની ગરદન પર પંજો ઉગામી શકાય તેમ નહોતું.

પછી સી.આઈ.ડી. વિભાગના ઉચ્ચ ઑફિસર મેજર નાગપાલની પ્રેરણાથી જ બાહોશ ગુપ્તચર રાજેશ બળદેવનું ઉપનામ ધારણ અને સિન્ડીકેટમાં સામેલ થઈ ગયો હતો. ખુદ નાગપાલ પોતે પણ વિશાળગઢમાંથી અવાર-નવાર, કોઈને જાણ કર્યા વગર અચાનક જ ક્યાંક ચાલ્યો જતો હતો. ક્યારેક તો એ પંદર પંદર દિવસ સુધી ગુમ રહેતો અને વચ્ચે એકાએક પાછો ફરતો અને ફરીથી કોઈ જ પૂર્વ સૂચના આપ્યા વગર પાછો ચાલ્યો જતો. એ ક્યાં જાય છે. શા માટે જાય છે, તે વિષે એણે સૌને અંધારામાં જ રાખ્યા હતા. આ એની વર્ષોજૂની ટેવ હતી... અને સારજન્ટ દિલીપને નાગપાલની આ ટેવ જરાયે પસંદ નહોતી. પરિણામે એ ઘણી વાર છેડાઈ પડતો હતો.

બળદેવ દબાતા પગલે સીડી ચડવા લાગ્યો. ઈમારતમાં લીફટ હોવા છતાંય એ તેનો ઉપયોગ કરવા નહોતો માગતો. થોડી વારમાં જ એ સૌથી ઉપલા માળ પર પહોંચી ગયો.

ઉપર એકથી ત્રણ નંબરના ફલેટ હતા અને ત્રણ નંબર સિવાયના બાકીના બંને ફ્લેટના દ્વાર પર નવાં નકોર તાળાં વાસેલાં હતાં.

ફ્લેટના મુખ્ય દ્વારના નીચેના ભાગમાંથી પ્રકાશ રેખાઓ બહાર લોબીમાં ફેલાતી હતી. એણે એક વાર સીડી પાસે પહોંચીને રેલિંગ પરથી નીચેના ભાગમાં નજર દોડાવી. સીડી ઉજ્જડ હતી. ક્યાંય કોઈ જ હિલચાલ કે સળવળાટ નહોતો. નિરવ શાંતિના વાતાવરણમાં એ ફરીથી દ્વાર પાસે ગયો અને કી-હોલમાંથી અંદર નજર દોડાવી,

એણે જોયું—

નાગરાજન એક સોફાચેર પર બેઠો હતો. એનું મસ્તક છાતી પર ઢળેલું હતું.

એની સામેના સ્ટુલ પર સ્કોચની બોટલ, ગ્લાસ, એક લાંબ સફેદ ડાયરી, સિગારેટનું પેકેટ વિગેરે પડયાં હતાં. નાગરાજનના હાથમાં બૉલ-પોઈન્ટ પેન જકડાયેલી હતી. ત્યાંથી ખસીને, એણે બીજી વાર સીડી પાસે પહોંચીને નીચે નજર દોડાવી. પગથિયાં ૫ર સન્નાટો હતો.

દિલો-દિમાગોને કોરી ખાતી સ્મશાનવત્ ખામોશી છવાયેલી હતી. એ પાછો ફર્યો. ફરી એક વાર એણે કી-હોલમાંથી અંદર નજર દોડાવી. નાગરાજન પૂર્વવત્ સ્થિતિમાં બેઠો હતો. એનું માથું હજુ પણ છાતી પર ઢળેલું હતું. બૉલ—પોઈન્ટ પેનવાળો હાથ પણ પહેલાંની જેમ જ સોફાચેરના હાથા પર હતો.

બળદેવને આશ્ચર્ય થયું.

આમ કેમ ?

નાગરાજનને બેઠા બેઠા જ ઊંઘ ચડી ગઈ છે કે પછી વધુ પડતો શરાબ ઢીચવાને કારણે તે બેહોશ થઈ ગયો છે ?

એ લખતો શા માટે નથી ?

આવા અનેક તર્ક-વિતર્ક બળદેવે કર્યા. શું છે, એ તેને સમજાયું નહીં. થોડી પળો એ ચૂપચાપ ઊભો રહ્યો. કોઈક અજ્ઞાત આશંકાથી એનું હૃદય ધબકતું હતું. એણે ઓવરકોટના અંદરના લાંબા-પહોળા ગજવામાં હાથ નાખ્યો. નાના ટ્રાન્ઝીસ્ટર રેડીયોની સાઈઝનો પોકેટ કેમેરો સલામત હતો. એ ત્રીજી વખત સીડી પાસે જઈને ડોકિયું કરી આવ્યો.

પછી ગજવામાંથી ચાવીનો ઝૂડો કાઢીને એણે એક ચાવી કી- હોલમાં ભરાવીને ફેરવી. ચાવી અર્ધી ફરીને અટકી ગઈ.

ચાર-પાંચ ચાવીઓ ટ્રાઈ કર્યા પછી અંદર-બહારથી બંધ કરીને ખોલી શકાય એવું હેન્ડલ લોક ઉઘડી ગયું. શાંત વાતાવરણમાં લોક ઉઘડવાનો ખૂબ ધીમો ' ક્રીચ' અવાજ થયો. પણ એ ધીમો અવાજ પણ તેને બોંબના વિસ્ફોટ જેવો લાગ્યો!

એણે હેન્ડલ ફેરવીને બારણને અડધું ઉઘાડયું.

થોડી પળો સુધી તે ત્યાં જ ઊભો રહીને સોફ્રાચેર પર નિશ્ચેતન જેવી સ્થિતિમાં પડેલા નાગરાજનના ખૂંખાર ચહેરાને તાકી રહ્યો. પછી તે દબાતા પગલે અંદર પ્રવેશી, પગલાંનો જરા પણ અવાજ કર્યા વગર આગળ વધી, નાગરાજનની બરાબર સામે ઊભો રહી ગયો.

નાગરાજનની આંખો હજુ પણ બંધ હતી.

એની સામે ઊભા રહ્યા પછી બળદેવના દેહમાં પગથી માથા સુધી ભયપૂર્ણ ધ્રુજારીનું ઠંડું લખલખું વિજળીના કરંટની જેમ પળ બે પળ માટે ફરી વળ્યું.

આ માતેલા આખલા જેવા ભયાનક માણસના પંજામાં પોતે અચાનક જ સપડાઈ જાય તો કમકમાટીભર્યું મોત નક્કી જ હતું.

એની માન્યતા હતી પણ સાચી જ ! કારણ કે નાગરાજન કોઈ સામાન્ય કે ગલી-કુંચીના ગુંડા જેવો નહોતો.

ઊંચો, સશક્ત અને લોખંડી દેહ ધરાવતા નાગરાજનના ચહેરા પર હિંસકતા અને ક્રૂરતાના ભયંકર હાવભાવ હંમેશા છવાયેલા રહેતા હતા. એની મોટી, લીંબુની ફાડ જેવી આંખોનો રંગ લીલો ભૂરો, કાળો કે બ્લ્યૂ નહીં, પીળી કોડીના રંગ જેવો હતો. અને એ બે ખતરનાક આંખો સ્થાયી રીતે બિલોરી કાચની જેમ ચમકારા મારતી રહેતી હતી.

કામ વગર કોઈ એની સામે એક પળ ઊભું નહોતું રહેતું. અંડર વર્લ્ડનો એ બેતાજ બાદશાહ હતો. અને આ બાદશાહ અત્યારે અર્ધ બેહોશીમાં આંખો મીંચીને એક પડયો હતો. એના નસકોરાનો અવાજ બંધ દીવાલો વચ્ચે, રાતની લાઈટ ખામોશીમાં ગુંજતો હતો.

બળદેવ ઊર્ફે રાજેશે, પડશે એવા દેવાશે એમ નક્કી કરીને કેમેરો કાઢયો અને પછી નાગરાજનની સફેદ ડાયરીનાં, આગળ-પાછળ  લખેલી નોંધોના એક એક પાનાની તસ્વીરો ખેંચવા માંડી.

વચ્ચે વચ્ચે તે પળભર અટકીને નાગરાજના ચહેરા સામે નજર કરી લેતો હતો.

નાગરાજનની હાલતમાં કોઈ જ ફર્ક નહોતો પડ્યો. ડાયરીમાં હજુ બે-ત્રણ પાના બાકી હતા. અચાનક નાગરાજનના નસકોરાં બંધ થઈ ગયા.

એના ગળામાંથી ગુંગળામણભર્યો હળવો ચિત્કાર નીકળ્યો. બળદેવ કિંકર્તવ્ય વિમૂઢ જેવી સ્થિતિમાં મૂકાઈ ગયો.

એના પગ જડવત્, જાણે કે ક્યારેય ઉખડવાના ન હોય એમ થોડી પળો માટે ચોંટી ગયા. પછી વળતી જ પળે એની ચેતના જાગી. પોતે કેવી ભયંકર મુશ્કેલીમાં આવી પડવાનો છે એનું એને ભાન થયું.

અને પછી અચાનક જ શાંત, સુમસામ, હૃદયના ધબકારા વધારી મૂકતી ભયાનક ચુપકીદીને કાપતો—ચીરતો, દીવાલો વચ્ચે ૫ડઘા ગુંજાવતો જે અવાજ શરૂ થયો, તે ટેલિફોનની ઘંટડીનો હતો.

દૂર રાઈટીંગ ટેબલની બાજુમાં દીવાલ પર ટેલિફોનનું સ્ટેન્ડ હતું અને તેના પર પડેલા ટેલિફોનની ઘંટડી જોર-શોરથી રણકતી હતી.

શું કરવું એની વિમાસણમાં મૂકાયેલા બળદેવે આકુળ-વ્યાકુળ નજરે નાગરાજન સામે જોયું.

બરાબર એ જ પળે નાગરાજને આંખો ઉઘાડી.

એની મોટી, પીળી કોડી જેવી ભયાનક આંખો જાણે કશુંયે ન સમજાવું હોય એ રીતે શૂન્ય ભાવે બળદેવના ચહેરા પર જડાઈ ગઈ.

બળદેવનો દેહ એક વાર ખૂબ જોરથી કંપી ઊઠયો. નાગરાજનની ભયાનક આંખો સામે જોવાનું સાહસ એ ન કરી શક્યો.

એના પગ પાણી પાણી થતા હતા. ટેલિફોનની ઘંટડી હજુયે પૂર્વવત્ રીતે જોરશોરથી રણકતી હતા.. પછી એકાએક નાગરાજનની ચેતનાને આંચકો લાગ્યો.

એ પૂરેપૂરો ભાનમાં આવ્યો. એની તગતગતી આંખો પહેલાં ઉઘાડી ડાયરી પર, પછી બળદેવના હાથમાં જકડાયેલા કેમેરા પર અને ત્યારબાદ, મદારીની મોરલી પર જેમ સાપની આંખો મંડાય, તેમ બળદેવના ચહેરા પર મંડાઈ

એની નજરમાં બરફ જેવી ક્રૂરતા હતી.

નાગરાજન હવે આખો યે મામલો કળી ગયો હતો.

ઉઘાડી ડાયરી, બળદેવના હાથમાં જકડાયેલો કેમેરો, એને રંગ ઊડી ગયેલો ધોળો પૂણી જેવો ચહેરો, આ બધા બળદેવના કરતૂત વિષે સ્પષ્ટ ચાડી ખાતા હતા. બળદેવને પોતાનું મોત સામે આવીને ઊભું રહેલું દેખાયું. આ દરમિયાન ટેલિફોનની ઘંટડી રણકતી બંધ થઈ ગઈ હતી.

એ આશ્ચર્યાઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ નાગરાજન ખુરશી પરથી ઊભો થઈ ગયો.

વળતી જ પળે એણે ગજવામાંથી રિવોલ્વર ખેંચી કાઢી. બળદેવનું દિમાગ ઝપાટાબંધ આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાને ઉપાય શોધવા લાગ્યું. નાગરાજનનો રિવોલ્વરવાળો હાથ એકદમ સ્થિર હતો અને તે બળદેવના કપાળ સામે જ તકાયેલી હતી.

બળદેવની નજર નાગરાજનના ખતરનાક ચહેરા સામે જડાયેલી હતી. 'કોણ છે તું...?' નાગરાજને હિંસક અવાજે પૂછયું.

બળદેવ ચૂપ રહ્યો.

'બળદેવ, હું તને પૂછુ છું કે વાસ્તવમાં તું કોણ છે ?' નાગરાજને પૂર્વવત્ અવાજે પૂછ્યું, 'તું અહીં શા માટે આવ્યો છે, એ તો મને સમજાઈ ગયું છે. પરંતુ તું વાસ્તવમાં કોણ છે એ હું જાણવા માગું છું. થોભ, સૌ પહેલાં તો કેમેરો ટેબલ પર મૂકી દે અને પછી તારો સાચો પરિચય આપ.'

બળદેવે કેમેરાને ટેબલ પર મૂકવાનો જરા પણ પ્રયાસ ન કર્યો. ઊલટું કેમેરા પરની તેની પક્કડ વધુ મજબૂત બની ગઈ.

‘બળદેવ, હું તને છેલ્લી તક આપું છું.' જાણે લોખંડ સાથે કાનસ ઘસાતું હોય એવા અવાજે નાગરાજન બોલ્યો, ‘જો તું એક મિનિટમાં તારો સાચો પરિચય નહીં જણાવે તો પછી ન છૂટકે મારે મારી આંગળીને તકલીફ આપવી પડશે.”

બળદેવે કંઈ જવાબ ન આપ્યો.

'ઠીક છે...તારે તારો પરિચય ન આપવો હોય તો કંઈ નહી હવે હું તને પૂછીશ પણ નહીં. ચાલ, મરવા માટે તૈયાર થઈ જા.' નાગરાજને રિવોલ્વરના ટ્રેગર પર આંગળી મૂકતાં ક્રૂર અવાજે કહ્યું. બળદેવની આંખો એના હાથમાં જકડાયેલી રિવોલ્વર પર સ્થિર થઈ.

એણે પોતાનું હવે પછીનું પગલું વિચારી લીધું હતું. કાયરની જેમ મરવા કરતાં લડતાં લડતાં, સંઘર્ષ કરીને મરવાનું એણે નક્કી કર્યું હતું. બચવાની તક બહુ ઓછી હતી પરંતુ તેમ છતાંય છેલ્લી ઘડી સુધી તે આશા છોડવા નહોતો માગતો. એ જ વખતે ફરીથી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. અને આ વાત બળદેવ માટે લાભદાયી નીવડી.

એક પળ માટે નાગરાજનની નજર બળદેવ પરથી ખસીને ટેલિફોન તરફ ગઈ. અને આ એક પળનો બળદેવે આબાદ લાભ ઊઠાવ્યો. બંને વચ્ચે માત્ર બે જ ફૂટનું અંતર હતું.

એણે કેમેરાને ગજવામાં મૂકીને ઊભા ઊભા બિલાડીની ચપળતાથી કુદકો માર્યો. વળતી જ પળે એના હાથનો રાઠોડી પંજો નાગરાજનની ગરદન પર ભીંસાયેલો હતો.

અચાનક થયેલા હુમલાથી નાગરાજનના પગ લથડયા. એના કંઠમાંથી ચીસ સરી પડી.

બંને જણ એકબીજામાં ભેરવાઈને ગબડતા ગબડતા રૂમના ખૂણામાં પહોંચી ગયા.

પરંતુ બળદેવ નીચે હતો અને નાગરાજન તેની છાતી પર હતો. નાગરાજને ખૂબ જોરથી બળદેવના કપાળ પર રિવોલ્વરની મૂઠ ઝીંકી દીધી.

બળદેવને ચક્કર આવી ગયા.એની આંખો સામે અંધકાર ફરી વળ્યો. પરંતુ એણે હિંમત ન હારતા પોતાનો ડાબો પગ અદ્ધર ઉછાળીને નાગરાજનની પીઠ પર જોરદાર લાત ઝીંકી અને સાથે જ તેના જડબાં પર એક પ્રચંડ મુક્કો પણ ઝીંક્યો.

નાગરાજન લથડીને બળદેવની છાતી પરથી ઉથલી પડયો. એના હાથમાંથી રિવોલ્વર છટકીને એક તરફ ફેંકાઈ ગઈ.

એ સ્વસ્થ થાય તે પહેલાં જ બળદેવે તેને કાંઠલો પકડીને ઊભો કર્યો પછી ડાબા પગની એડી પર અર્ધવૃતાકારે ફરીને એણે નાગરાજનના લમણામાં પોતાની પૂરી તાકાત એકઠી કરીને એક વજનદાર મુકકો લગાવી દીધો, પરંતુ નાગરાજન પણ અઠંગ ખેલાડી હતો.

પડતાં પડતાં એણે બળદેવની છાતીમાં જોરથી એક લાત મારી. બળદેવના પગ લથડ્યા. એ નીચે ગબડી પડયો.

તે ઊભો થવાનો પ્રયાસ કરે એ પહેલાં જ નાગરાજને ઊભા થઈને એના વાંસામાં દાંત કચકચાવીને એક બીજી લાત લગાવી દીધી.

વજનદાર બૂટની લાત બળદેવને સાક્ષાત યમરાજનાં દર્શન કરાવી ગઈ. એ ઊભો ન થઈ શક્યો. નાગરાજનની બીજી લાત એને માટે ભારે નીવડી હતી.

નાગરાજને બંને હાથેથી બળદેવનું ગળું દબાવ્યું. પોતાની ગરદન જાણે લોખંડી સાણસા વચ્ચે જકડાઈ ગઈ હોય એવો બળદેવને ભાસ થયો. આજ સુધીમાં એણે કેટલાય ગુનેગારોને પોતાનો પરચો બતાવ્યો હતો. ભલભલા હરિફોને એણે હંફાવ્યા હતા. પરંતુ આજે ભેટેલો નાગરાજન નામનો આ હરિફ પોતાના ધાર્યા કરતાં પણ વધુ બળવાન છે એમ તેને લાગ્યું.

એની ગરદન પર નાગરાજનની લોખંડી પક્કડનું દબાણ વધતું જતું હતું. બળદેવને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.

જિંદગી અને મોત વચ્ચે માત્ર જેટલું જ અંતર હતું. કમજોરી દર્શાવવાનો સમય નથી એ વાત તરત જ તે સમજી ગયો. કર્તવ્ય પૂરું કરવાની કલ્પનાથી એનામાં સાહસનો સંચાર થયો.

અને પછી અચાનક જ તેના દેહમાં જાણે એકી સાથે સો સો માણસનું બળ પૂરાયું હોય એમ તે એક ભયંકર ઝાટકો મારીને બેઠો થઈ ગયો. અને સાથે જ નાગરાજન નીચે પછડાયો.

વળતી જ પળે વાઘ જેમ પોતાના શિકાર પર તરાપ મારે એમ બળદેવે નાગરાજન પર તરાપ મારી. એણે ઉપરા-ઉપરી આઠ-દસ મુક્કાઓ નાગરાજનના જડબા પર ઝીંકી દીધા.

પીડાથી નાગરાજન હચમચી ઊઠ્યો. પછી તે ઊભો થાય એ પહેલાં જ બળદેવે નીચા નમીને બંને હાથેથી તેના દેહને ઉંચકયો, ત્યારબાદ બંને હાથ ઊંચા કરી, ફુદરડી ફરીને એણે તેના દેહને છૂટ્ટો મૂકી દીધો,

નાગરાજનનો દેહ હવામાં ફંગોળાઈને જોરથી એક દીવાલ સાથે અથડાઈ પડ્યો.

બળદેવ હવે હાંફી ગયો હતો.

નાગરાજન જેવા સશક્ત માણસને ઉંચકીને ફેંકવાનું કામ સહેલું નહોતું. નાગરાજનને ફંગોળવામાં કેટલી મહેનત કરવી પડી હતી, એ તો માત્ર તે જ જાણતો હતો.

એને પોતાને પણ પોતાના આ કામથી આશ્ચર્ય થતું હતું. તે હાંફતો હાંફતો નાગરાજન સામે તાકી રહ્યો.

અને પછી સહસા બળદેવે પોતાની જિંદગીમાં ન જોયો હોય એવો એક આશ્ચર્યભર્યો બનાવ જોયો.

એની આંખો ભય, ત્રાસ અને આશ્ચર્યથી ફાટી પડી. આટલી સખત પછડાટ લાગી હોવા છતાં પણ જાણે કંઈ ન બન્યું હોય એમ નાગરાજને ઊભા થઈ ને વકરેલા ગેંડાની માફક -બળદેવ સામે દોટ મૂકી. બળદેવના શરીરમાં ધ્રુજારીનું એક ઠંડું લખલખું વિજળીવેગે દોડી ગયું. પરંતુ વળતી જ પળે એણે સ્વસ્થતા મેળવી લીધી.

એ અવળા પગલે ચાલીને દીવાલસરસો ઊભો રહી ગયો. નાગરાજન તેના પેટમાં માથા વડે પ્રહાર કરવા માટે માથું નમાવીને આવતો હતો.

એ નજીક આવ્યો કે તરત જ બળદેવ સ્ફૂર્તિથી એક તરફ ખસી ગયો. નાગરાજન વેગમાં હોવાથી બેલેન્સ ન જાળવી શક્યો.

એનું માથું જોરથી દીવાલ સાથે અથડાયું. એની આંખો સામે અંધકાર ફરી વળ્યો.

વળતી જ પળે તે બેભાન થઈને દીવાલ પાસે જ ઢગલો થઈ ગયો.

આ ભયંકર મારામારીથી બળદેવ ખૂબ જ થાકી ગયો હતો. તે હવે ગમે તેમ કરીને, જેમ બને તેમ જલદીથી અહીંથી નાસી છૂટવા માગતો હતો. બલ્કે તાબડતોબ નાસી છૂટવામાં જ પોતનું હિત છે એ વાત તે સમજતો હતો. કારણ કે બે વખત ફોનની ઘંટડી રણકીને રહી ગઈ હતી. પરંતુ નાગરાજનને એકેય વખત રિસિવર ઉચકવાની તક નહોતી મળી. એટલે ફોન કરનાર અહીં રૂબરૂ પણ તપાસ કરવા માટે આવી શકે તેમ હતો.

ઉપરાંત નીચે પડેલો બેભાન ચોકીદાર પણ ભાનમાં આવીને અહીં પહોંચી શકે તેમ હતો અને તે એકલો નહીં જ આવે, બીજા સાથીદારોને પણ સાથે લઈને આવશે તેવો ભય બળદેવને સતાવતો હતો. અને તેનો આ ભય સાચો પડ્યો. બહાર લોબીમાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો. આવનારની સંખ્યા એકથી વધુ હતી.

પછી કોઈકે જોરથી બારણું ધમધમાવ્યું.

બારણાં તરફ આગળ વધતાં બળદેવના પગ થંભી ગયા.

'બારણું ઉઘાડો બોસ...!’ બહારથી કોઈકનો ઊંચો અવાજ તેને સંભળાયો.

બળદેવ પળનો ય વિલંબ કર્યા વગર બારી પાસે પહોંચ્યો. એણે બારી ઉઘાડી નાખી. તેમાં સળીયા નહોતા.

આ બારી પાછળની સાંકડી ગલીમાં પડતી હતી.

એણે ગજવામાં પડેલો કેમેરો તપાસે. પછી એણે બારીમાંથી ડોકું કાઢીને નીચે ગલીમાં નજર દોડાવી.

ગલી સૂમસામ હતી તથા ત્યાં અંધકાર છવાયેલો હતો. બારીની બાજુમાંથી જ ગંદા પાણીના નિકાલ માટેની ડ્રેન પાઇપ પસાર થઈને છેક નીચે સુધી પહોંચતી હતી.

બળદેવે બારીના પ્રોજેકશન પર ઊતરીને પાઈપ પકડી લીધા. વળતી જ પળે તે કુશળ નટની જેમ નીચે સરકતો જતો હતો.

બે મિનિટ પછી તે નીચે પહોંચી ગયો. એની હથેળીમાં છાલા પડી ગયા હતા અને તેમાં બળતરા થતી હતી.

એ જ વખતે ઉપર છેલ્લા માળની બારીમાંથી તેના પર ટોર્ચનો પ્રકાશ ફેંકાયો.

‘એ જાય...” ઉપરથી કોઈકનો ઊંચો સાદ તેના કાને અથડાયો. પરંતુ બળદેવ એ અવાજ સાંભળવા ન રોકાયો.

જાણે કોઈક રેસમાં ભાગ લેતો હોય એમ બંને હાથની મુઠી વાળી હતી એટલી તમામ તાકાત એકઠી કરીને તે ગલીમાં દોડવા લાગ્યો.

બે મિનિટ પછી એ ગલી વટાવીને શ્વાસ લેવા માટે થંભ્યો. અચાનક તેને ગલીમાં એકી સાથે પાંચ-સાત માણસો દોડતાં આવતાં હોય એવાં પગલાંનો અવાજ સંભળાયો.

બળદેવ ફરીથી દોડવા લાગ્યો.

આ વખતે તે સડક પર દોડતો હતો. એને પોતાના જીવની પરવાહ નહોતી.

પરંતુ મરતાં પહેલાં તે કેમેરાને કોઈક સલામત સ્થળે પહોંચાડી દેવા માગતો હતો.

—શું તેની આ ઈચ્છા ફળીભૂત થઈ ખરી ?

ક્રૂર નાગરાજનના જાલીમ જમદૂત જેવા ગુંડાઓના હાથમાંથી તે છટકી શક્યો કે પછી મોત તેને આંબી ગયું.

-રિપોર્ટર કમલ જોશીનું શું થયું ?

-જયપ્રકાશ કોણ હતો ?