અંધારી આલમ - ભાગ 11 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી આલમ - ભાગ 11

૧૧ : મોતના પંજામાં...

મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહેલા દર્દીના ચહેરા પર જે ફિક્કી ચમક છવાયેલી હોય, બરાબર એવો જ પ્રકાશ એ ગુપ્ત ભોંયરામાં છવાયેલો હતો. રેલવે-સ્ટેશનેથી કમલ ઊર્ફે જમશેદને અહીં લાવવામાં આવ્યો હતો.

જમશેદની હાલત અત્યારે હીંચકા જેવી હતી. એના બંને હાથ-પગ છતમાં લટકતાં કડા સાથે દોરડા વડે ખૂબ જ મજબૂતીથી બાંધેલાં હતાં. એની છાતી તથા પેટનો ભાગ છત તરફ હતો.

એનો દેહ જમીનથી ચારેક ફૂટ અદ્ધર હવામાં હીંચકાની માફક લટકતો હતો. સહસા ભોંયરાના પગથિયા ઊતરીને એક સ્ત્રી તથા બે પુરુષો અંદર પ્રવેશ્યાં. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મોહિની જ હતી. એની સાથે ત્રીસેક વર્ષની ઉંમર ધરાવતા યુવાનનું નામ અજીત અને આશરે પીસ્તાળીસ વર્ષની વય ધરાવતા માનવીનું નામ દેવરાજ કચ્છી હતું. દેવરાજ અજીતનો મિત્ર હતો. મોહિનીને અજીત પર પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો હતો. જ્યારે દેવરાજે તેમને મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે એણે સહર્ષ તેનો સ્વીકાર કરી લીધો. અજીત-દેવરાજની મિત્રાચારી તાજેતરમાં જ થયેલી હતી.

દેવરાજની વાકપટુતા વિગેરે વિશે અજીતે તેને જણાવી જ દીધું હતું. તે દેવરાજથી ખૂબ જ પ્રભાવિત હતો.

આ ગુપ્ત ભોંયરાની વ્યવસ્થા દેવરાજે ચપટી વગાડતાં જ કરી હતી....! કેવી રીતે કરી હતી, એ તો મોહિની તથા અજીત પણ નહોતાં જાણતાં. દેવરાજ ખરેખર જ એમને મન ચમત્કારી પુરુષ હતો.

દેવરાજે માત્ર ક્યાંક ફોન કર્યો હતો અને પરિણામે જમશેદ અત્યારે એ ભોંયરામાં મોઝુદ હતો.

નાગરાજન પાસેથી કમલને છોડાવવામાં દેવરાજ પોતાને મદદ કરી શકે તેમ છે, એવું મોહિનીને લાગ્યું. એણે દેવરાજને બધી જ હકીકત જણાવી દીધી હતી. એની વાત સાંભળ્યા પછી દેવરાજ ખૂબ જ ગંભીર બની ગયો હતો. એણે પોતાનાથી બનતી બધી મદદ કરવાનું તેને વચન આપ્યું. એક રીતે એણે કમલને છોડાવવાની જવાબદારી પોતાના માથા પર લઈ લીધી. એના કહેવાથી મોહિનીએ કેમેરો અજીતને સોંપી દીધો હતો. સૌથી પહેલાં તો તે કમલ ક્યાં છે, એ વિશે જાણવા માગતો હતો અને આ વાત જમશેદ પાસેથી જાણવા મળી શકે તેમ હતી.

દેવરાજના ચહેરા પર અત્યારે શયતાનિયતભર્યું સ્મિત ફરકતું હતું. એના ચહેરા પર છવાયેલા ખતરનાક હાવભાવ જોઈને ભયનું એક ઠંડું લખલખું વિજળીના કરંટની જેમ જમશેદના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. એણે પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવી.

'કેમ છે જમશેદ...?' સહસા મોહિનીએ આગળ વધીને પૂછયું.

જમશેદના ચહેરા પર નર્યા-નિતર્યા ભય, ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા.

મોહિનીના ભાવહીન અવાજે તેને વધુ ગભરાવી મૂકયો હતો. 'અરે...તું ગભરાય છે શા માટે...?’ મોહીનીના ગળામાંથી ઝેરીલી નાગણના ફૂંફાડા જેવો અવાજ નીકળ્યો, 'હજુ અમારામાંથી કોઈએ તને કંઈ જ નથી કર્યું…!'

જમશેદ ગભરાટભરી નજરે એની સામે તાકી રહ્યો. 'કમલ ક્યાં છે...?' મોહિનીએ કઠોર અવાજે પૂછયું. જમશેદ ચૂપ રહ્યો.

‘તે સાંભળ્યું નથી લાગતું જમશેદ! ભય અને ખોફથી કદાચ તારી શ્રવણશક્તિ હણાઈ ગઈ લાગે છે. હું ઊંચા અવાજે બીજી અને છેલ્લી વાર પૂછું છું. બોલ રિપોર્ટર કમલ જોશી ક્યાં છે ? '

'હું...હું નથી જાણતો...'

'નથી જાણતો કે પછી ભૂલી ગયો છે...?' મોહિની હિંસક અવાજે બોલી, ‘તું નાગરાજનની સિન્ડિકેટનો માણસ હોવાને નાતે

દરરોજ ઘણા લોકોને મળતો હોઈશ એટલે કદાચ તેને ભૂલી ગયો હો એ બનવાજોગ છે. પરંતુ એ તો મારી જિંદગીનો આધાર છે. એના કારણે જ તો અત્યારે મારા ધબકારા ચાલુ છે. હું એને કેવી રીતે ભૂલી શકું..? હું માત્ર એને માટે જ જીવું છું. બોલ... મારો કમલ જોશી ક્યાં છે?'

'એ...એ ક્યાં છે, એની ખરેખર જ મને ખબર નથી.’ જમશેદે થોથવાતા અવાજે કહ્યું.

'ઠીક છે...' મોહિનીએ એક ઊંડો શ્વાસ લીધો, 'હું તને ફરીથી યાદ કરાવવાનો પ્રયાસ કરું છું. પરંતુ આ વખતે મારી - પૂછપરછ કરવાની રીત એકદમ જુદી હશે.'

વાત પૂરી કર્યા પછી મોહિનીએ પોતાના પેન્ટના ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઈટર બહાર કાઢયાં.

ત્યારબાદ એણે એક કાગળ પર સિગારેટની અડધી તમાકું આંગળી વડે ટપટપાવીને ખાલી કરી નાખી અને ગજવામાંથી એક નાનકડી ડબ્બી કાઢીને એકાદ ગ્રામ જેટલો સફેદ પાવડર આગ ભરેલી સિગારેટમાં નાખી દીધો. પછી એણે કાગળ પરની તમાકુ ફરીથી સિગારેટમાં ભરી લીધી.

એ સફેદ પાવડર બીજું કંઈ નહીં, પણ ચરસનો પાવડર હતો તે વાત એની બાજુમાં ઊભેલો દેવરાજ તરત જ સમજી ગયો.

ચરસ મિશ્રિત સિગારેટ સળગાવીને, એક લાંબો કસ ખેંચ્યા બાદ મોહિનીએ તેનો ધુમાડો જમશેદના ચહેરા પર ફેંક્યો.

ધુમાડો ગળા સુધી ન પહોંચે એની એણે ખાસ સાવધાની રાખી હતી. ચરસ મિશ્રિત તમાકુના ધુમાડાથી જમશેદને ઉધરસ ચડી ગઈ 'હું તને વિચારવા માટે ઘણી તક આપી ચૂકી છું જમશેદ!' મોહિની બોલી, ‘પરંતુ તેમ છતાંય તને યાદ નથી આવતું. ખેર, જેવી તારી ઇચ્છા...' કહીને એણે જમશેદના શર્ટનો કાંઠલો પકડીને ખેંચ્યો.

ત્યારબાદ એના સંકેતથી અજીત બીજી તરફ ચાલ્યો ગયો. મોહિનીએ સિગારેટને સાવચેતીથી બૂઝાવી નાખી. પછી એણે હીંચકાની માફક લટકતા જમશેદના પેટ પર મુક્કો ઝીંક્યો. ત્યારબાદ જાણે નાના બાળકને પારણામાં ઝુલાવતી હોય એમ જમશેદના દેહને ધકકો માર્યો.

જમશેદનો દેહ હવાની સપાટી પર હીંચકાની જેમ ઝૂલીને બીજી તરફ પહોંચ્યો તો ત્યાં ઊભેલા અજીતે પણ એના પેટમાં મુક્કો ઝીંકી દીધો. આ રીતે જમશેદ એક વખત મોહિનીના હાથનો તો બીજી વખત અજીતના હાથના મુક્કાઓ ખાવા લાગ્યો.

એના મોંમાંથી વેદનાભર્યા ચિત્કારો નીકળતા હતા. છેવટે મોહિનીનો હાથ અટકી ગયો.

જમશેદનો દેહ બે-ત્રણ વખત આમથી તેમ ઝૂલીને છેવટે સ્થિર થઈ ગયો. એનો ચહેરો પરસેવે રેબઝેબ બની ગયો હતો. મોહિનીએ ફરીથી સિગારેટ સળગાવી. એના ચહેરા પર અત્યારે હિંસક પશુ જેવા હાવભાવ છવાઈ ગયા હતાં.

'આ...આ... તમે શું કરો છો ?' જમશેદે ભયભીત અવાજે પૂછયુ ... જવાબમાં મોહિનીએ એક કસ ખેંચીને જાણે એશ-ટ્રેમાં બૂઝાવતી હોય, એ સિગારેટને એની છાતી પર બૂઝાવી નાખી.

પોતાની છાતી પર જાણે કોઈકે ધગધગતો ગરમ સળીયો મૂકી દીધો હોય એવો ભાસ જમશેદને થયો. એના મોંમાંથી કાળજગરી ચીસ નીકળીને ભોંયરામાં પડધા પાડતી વિલીન થઈ ગઈ. જે સ્થળે મોહિનીએ સિગારેટ બૂઝાવી હતી, ત્યાં તેને કાળી બળતરા થતી હતી. પીડાના અતિરેકથી એની આંખોમાં આંસુ ધસી આવ્યા હતા.

‘જમશેદ...!' મોહિની કાળઝાળ અવાજે બોલી, ‘જ્યાં સુધી તારી યાદદાસ્ત પર ચડેલો કાટ ન ઊતરી જાય...કમલ ક્યાં છે એ તને યાદ ન આવે, ત્યાં સુધી હું આ જ રીતે તારી છાતીનો ઉપયોગ એશટ્રે તરીકે કરીશ !'

'નહીં...ઈશ્વરને ખાતર એવું કરશો નહીં...!' જમશેદે કંપતા અવાજે કહ્યું.

'ઈશ્વરને ખાતર...?' મોહિની કટાક્ષભર્યા અવાજે બોલી. 'કમાલ કહેવાય ! આજે તને ઈશ્વર પણ યાદ આવી ગયો? ઈશ્વર, કે જેને આજ પહેલાં તે કયારેય ભૂલથી પણ યાદ નથી કર્યો. જમશેદ, ઈશ્વર માત્ર પોતાના ભક્તોનો જ હોય છે! એ ભક્તોને કે જેઓ સાચા હૃદયથી તેની ભક્તિ કરતાં હોય છે, જેમનામાં માણસાઈ હોય છે ! તારા જેવા પાપીઓ માટે ભગવાન નથી હોતો. તારા જેવા માણસને ભગવાન તો ઠીક, માનવી પણ માફ નથી કરતો ! ભગવાનનું નામ લેવામાં તે બહુ મોડું કર્યું છે. તારી કરણીનું ફળ તારે ભોગવવું જ પડશે.’

મોહિનીએ ફરીથી એની છાતી પર સિગારેટનો ડામ ચાંપ્યો. જમશેદના મોંમાંથી ફરીથી એક ચીસ નીકળી, એની છાતી પર બે ફોડલા ઊપસી આવ્યા હતા. એણે કરગરતી નજરે મોહિની સામે જોયું. 'નહીં.'

‘જમશેદ...' મોહિની ક્રુર અવાજે બોલી, 'આ તો હજુ પાશેરાની પહેલી પૂણી છે ! હજુ તો મેં માત્ર તને ટ્રેઈલર જ બતાવ્યું છે... આખી ફિલ્મ બતાવીશ તો તારા છક્કા છૂટી જશે. હજુ તો આ શરૂઆત જ છે ! જો તું હજુ પણ કમલ ક્યાં છે, એ નહીં જણાવે તો હું બ્લેડ વડે તારા શરીર પર ઠેકઠેકાણે કાપા પાડીશ અને પછી મકોડાંને તારા શરીર પર છોડી મૂકીશ. આ મકોડાઓ સામાન્ય નહીં, પણ જંગલના ઝેરી મકોડા છે. તેઓ તારા શરીરમાંથી ગરમાગરમ લોહી ચુસી લેશે. તારા શરીરમાં માંસનો નાનકડો ટુકડો પણ નહીં રહે… તારું આખું શરીર તેઓ ફોલી ખાશે. સવાર સુધીમાં અહીં હાલ માત્ર તારું હાડપીંજર જ રહેશે. ડુપ્લીકેટ કમલ બનીને તે અમને જે દગો આપ્યો છે, એની સજા રૂપે આવું ભયંકર મોત તને મળશે....'

'એવું એવું કરશો નહીં...' જમશેદે હાંફતાં અવાજે કહ્યું.

'તારી યાદદાસ્ત પર ચડી ગયેલો કાટ ઊતરી ગયો હોય.. કમલ ક્યાં છે, એ તને યાદ આવી ગયું હોય તો પછી હું એવું કરું...! બોલ, કમલ કયાં છે, એ યાદ આવ્યું ?'

'ક.. કહું છું...'

'બોલ..'

'એ લોકોએ કમલને આકાશ મહેલના ગુપ્ત ભોંયરામાં કેદ રાખ્યો છે.’

'તું ખોટું તો નથી બોલતો ને? ’

'ના...'

'ઠીક છે...કમલ અમારા કબજામાં ન આવે, ત્યાં સુધી તારે અહીં જ રહેવું પડશે.’

'મને મંજુર છે..."

ત્યારબાદ મોહિની, દેવરાજ અને અજીત ઉપરના હોલમાં પહોંચ્યા. મોહિની ખૂબ જ ઉદાસ બની ગઈ હતી. અજીત એની ઉદાસીનું કારણ સમજી ગયો હતો.

‘દેવરાજ...!' એણે વિષય બદલવાના હેતુથી કહ્યું, 'આ ભોંયરાનું બારણું બંધ નથી થઈ શકતું.”

'ના...” દેવરાજે જવાબ આપ્યો, 'બારણાના એક પટના મિજાગરાને કાટ લાગી ગયો છે અને બીજા પટનો એક ભાગ મિજાગરામાંથી નીકળી ગયો છે. ભોંયરાનું બારણું બંધ રહે કે ઉઘાડું, એનાથી આપણને કશો જ ફર્ક નથી પડતો. જમશેદ બંધનગ્રસ્ત હાલતમાં છે, ઉપરાંત આપણે વારાફરતી જાગીને તેની ચોકી પણ કરીએ છીએ એટલે તે અહીંથી ક્યાંય નાસી શકે તેમ નથી. હવે તારી ડયૂટી છે અજીત..! તું જા... ત્રણ કલાક પછી હું તને આરામ કરવા માટે મોકલીશ.'

'ઠીક છે...' અજીત ઊભો થતાં બોલ્યો, “ત્યાં સુધીમાં તમે બંને પણ આરામ કરી લો.'

બંને ચૂપ રહ્યા.

અજીત ભોંયરા તરફ આગળ વધી ગયો. રાત્રે બરાબર સાડા અગિયાર વાગ્યે દેવરાજ ભોંયરાના દરવાજા પાસે આવી પહોંચ્યો.

એણે જોયું તો દરવાજા પાસે જ એક ખુરશી પર અજીત સાવચેતીથી બેઠો હતો. એના ખોળામાં તેની રિવોલ્વર પડી હતી. દેવરાજને જોઈને એણે રિવોલ્વરને ગજવામાં મૂકી પછી તે ઊભો થયો.

'શું કરે છે એ કમજાત...?' દેવરાજે ભોંયરામાં પ્રવેશ કરતાં પૂછ્યું'.

‘સૂતો છે...! મેં એને બંધનમુક્ત કરી નાખ્યો છે... ચોવીસ કલાકથી ભૂખ્યો હતો એટલે જમાડયો પણ છે ! '

‘એ પાપી દયાને લાયક નથી અજીત!' દેવરાજ સહેજ કઠોર અવાજે બોલ્યો, ‘એને ભૂખ્યો જ મરી જવા દેવો જોઈતો હતો. તે એને જમાડયો એનો કંઈ વાંધો નથી પણ બંધનમુક્ત શા માટે કર્યો? એ અહીંથી નાસી જઈ શકે તેમ છે.”

‘એ ક્યાંથી ને કેવી રીતે નાસે...? આ ભોંયરામાંથી બહાર નીકળવા માટે માત્ર બે જ માર્ગ છે ! એક તો આ... કે જ્યાં અત્યારે આપણે મોઝુદ છીએ. બીજો માર્ગ પાછળના સ્ટોરરૂમમાં છે અને સ્ટોરરૂમનું બારણું બહારના ભાગમાંથી બંધ છે અને આમેય એ નાસી છૂટવાનો પ્રયાસ કરવાની હાલતમાં નથી.’

દેવરાજ ચૂપ રહ્યો.

‘હું જઉં...?' અજીતે પૂછયું.

'હા...જા...અઢી વાગ્યે મોહિની અહીં આવી જશે.' દેવરાજે હકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.

અજીત સૂવા માટે રૂમમાં ચાલ્યો ગયો. દેવરાજ આગળ વધીને ખુરશી પર બેસી ગયો. રાત્રે બરાબર બે વાગ્યે અચાનક જ ગોળી છૂટવાનો અવાજ સાંભળીને ઉપરનાં ભાગમાં પોત-પોતાની રૂમમાં સુતેલા અજીત તથા મોહિનીની ઊંઘ ઊડી ગઈ.

બંને ચમકીને કોઈક અજાણી આશંકાથી પોત-પોતાની રૂમમાંથી બહાર નીકળી આવ્યાં. ગોળી છૂટવાનો અવાજ ભોંયરા તરફથી આવ્યો હતો. બંને ઝપાટાબંધ ભોંયરામાં પહોંચ્યા. તેમણે જોયું તો સ્ટોરરૂમ તરફનું બારણું ઉઘાડું હતું અને પગથિયાં પાસે જમશેદનો મૃતદેહ પડ્યો હતો. અજીતની અચરજભરી નજર દેવરાજ પર સ્થિર થઈ ગઈ. દેવરાજના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળીમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો. ગોળી સીધી જ જમશેદના હૃદય પર લાગી હતી. જમશેદને મૃત્યુ પામેલો જોઈને મોહિનીના ચહેરા પર ચમક પથરાઈ ગઈ હતી.

અજીતે આશ્ચર્યથી સ્ટોરરૂમના ઉઘાડા બારણાં સામે જોયું. 'અરે...આ સ્ટોરમરૂમનું બારણું કેવી રીતે ઉઘડી ગયું ?  આમેય એ જ્યાં સુધી બહારથી તેને ઉઘાડવામાં ન આવે, ત્યાં સુધી તો એ કોઈ કાળે ઉઘડી શકે તેમ નહોતું.'

'મને ખબર નથી...' દેવરાજ બેદરકારીભર્યા અવાજે બોલ્યો, “મેં જમશેદને નાસી છૂટવાનો પ્રયાસ કરતો જોઈને ગોળી ઝીંકી દીધી.’ 'દેવરાજ...!' અજીતે વેધક નજરે દેવરાજ સામે જોઈને એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, ' જમશેદ નાસી છૂટવાના પ્રયાસથી નથી મર્યો, પણ તેને જાણીજોઈને જ મારી નાખવામાં આવ્યો છે? એણે નાસી છૂટવાનો પ્રયાસ નહોતો કર્યો પરંતુ તેને નાસી છૂટવાની તક આપવામાં આવી હતી. સ્ટોરરૂમનું બારણું કોઈની બેદરકારીને કારણે ઉઘાડું નહોતું રહી ગયું, પણ તેને જાણીજોઈને જ ઉઘાડવામાં આવ્યું હતું. અને આ કામ બીજાં કોઈનું નહીં પણ તારું જ છે દેવરાજ !'

'વાહ...તારી બુદ્ધિને ખરેખર દાદ આપવી પડશે અજીત... દેવરાજ સ્મિત ફરકાવતાં બોલ્યો.

‘તો આ કામ તારું જ છે ને ?'

અજીતે એક ઊંડો શ્વાસ લીધો.

વાતાવરણમાં થોડી પળો માટે ચૂપકીદી છવાઈ ગઈ. છેવટે એ ચૂપકીદીનો ભંગ અજીતે જ કર્યો.

'દેવરાજ... તે આવું શા માટે કર્યું ?' એણે પૂછયું.

'નાગરાજનને પાઠ ભણાવવા માટે!' દેવરાજના અવાજમાં ક્રૂરતા અને ઘૃણા હતી.

'એટલે...?'

'આપણે જમશેદના મૃતદેહને એની પાસે ભેટ તરીકે મોકલવાનો છે !'

'પરંતુ એ તો કોણ જાણે ક્યાં હશે ?'

“એ ગમે ત્યાં હોય, પણ આ ભેટનો ધડાકો જરૂર તેના કાન સુધી પહોંચશે !'

દેવરાજની વાત સાંભળીને અજીતના ચહેરા પર નર્યા-નિતર્યા અચરજના હાવભાવ છવાઈ ગયા.

'તું... તું..'

'હા... હું આ મૃતદેહમાં બારૂદ ભરી દઈશ ! નાગરાજને નકલી કમલને મોકલવાની જે ભૂલ કરી હતી, તેનો જવાબ આપણે આ રીતે આપવાનો છે.'

'તું... તું...આ મૃતદેહને કાપ-કૂપ કરીશ ??'

'હા..'

દેવરાજનો જવાબ સાંભળીને અજીત ધ્રુજી ઊઠ્યો. પરંતુ મોહિનીનો ચહેરો એકદમ ભાવહીન હતો.

પોતાના કમલને કેદ કરનાર નાગરાજનની બરબાદીની કલ્પતાથી મનોમન તે ખુશ થતી હતી.

'અજીત...હું આ મૃતદેહની છાતી ચીરીને તેમાં બારૂદ ભરવા માગું છું. અલબત્ત, આ કામ મારા એકલાથી થઈ શકે તેમ નથી. બોલો, તમારા બેમાંથી કોઈ મને મદદ કરી શકે તેમ છે ?' અજીત ચૂપ રહ્યો.

'હું તમને મદદ કરીશ મિસ્ટર દેવરાજ !' સહસા મોહિની મક્કમ અવાજે બોલી.

દેવરાજે સ્મિત ફરકાવ્યું. એના ચહેરા પર સંતોષના હાવભાવ છવાઈ ગયા.

અત્યારે રાતના પોણા બાર વાગ્યા હતા.

અજીતે જૂના મોડેલની ફીયાટ કાર અંધારી આલમના બાદશાહ જણાતા નાગરાજનની માલિકીની ભવ્ય અને વિશાળ ગગનચુંબી ઈમારત આકાશ મહેલના ફાટક સામે પહોંચાડીને ઊભી રાખી દીધી.

ત્યારબાદ જાણે અચાનક જ કારમાં કંઈક ખોટકો થઈ ગયો હોય એમ નીચે ઊતરી, બોનેટ ઉઘાડીને તે એનું એન્જિન તપાસવાનો ડોળ કરવા લાગ્યો.

આ કાર એણે દેવરાજના કહેવાતા બંગલા પાસેથી જ ચોરી હતી.

કારની પાછળની સીટમાં નીચે જમશેદનો મૃતદેહ પડ્યો હતો.

પાછળની સીટ નમેલી હોવાને કારણે પહેલી નજરે કોઈનું ધ્યાન મૃતદેહ પર પડે તેમ નહોતું.

જાણે કોઈક ખાસ પ્રોગ્રામ પર પાણી ફરી વળતું હોય એમ અજીતના ચહેરા પર ધૂઘવાટના હાવભાવ છવાઈ ગયા.

એ ત્રાંસી નજરે આકાશ મહેલના વિશાળ ફાટક પાસેના ચાર સશસ્ત્ર ચોકીદારો સામે જોતો હતો.

એ ચારેય પણ તેની સામે જ તાકી રહ્યા હતા. અજીતે ફરીથી એન્જિન પર માથું નમાવી દીધું.

થોડી પળો બાદ જાણે એન્જિનનો ખોટકો ન સમજાતો હોય એમ એણે લાચારીથી માથું હલાવ્યું.

એ જ વખતે ફાટક પર ઊભેલા ચારમાંથી એક ચોકીદાર તેની પાસે આવી પહોંચ્યો.

અજીતે મદદ માંગતો હોય એવી નજરે તેની સામે જોયું. ' એ મિસ્ટર...!' ચોકીદારે રૂક્ષ અવાજે કહ્યું, 'તમારી કારને આગળ લઈ જાઓ.'

‘હું...હું ખૂબ જ ઉતાવળમાં છું સાહેબ !' અજીત કરગરતા અવાજે બોલ્યો, “મારે જલ્દીથી ઘેર પહોંચવાનું છે. આજે મારી પત્નીનો જન્મદિવસ છે અને તે બેચેનીથી મારી રાહ જોતી બેઠી હશે. એની ખાટીમીઠી વાતો સાંભળવી પડશે. આ કારે તો આજે મને ઉપાધિમાં મૂકી દીધો.' ગરજ ગધેડાને ય બાપ કહેવો પડે તે પ્રમાણે અજીતે " સાહેબ”નું સંબોધન કર્યું.

'તમે આવી ખટારા જેવી કાર રાખો છો જ શા માટે ?'

'સાહેબ...! આ કાર મારા પિતાજીની અંતિમ નિશાની છે. મારે મન આ કારનું મહત્ત્વ મારૂતી વન થાઉઝન્ડ કરતાં પણ વધારે છે. આમ તો કાર બરાબર જ ચાલે છે! આજે જ કોણ જાણે કેમ નખરાં કરે છે!'

'રસ્તામાં પણ તે આ રીતે બંધ પડી ગઈ હતી ?'

'હા... બે વખત બંધ પડી ગઈ હતી. પરંતુ તરત જ પાછી ચાલુ થઈ ગઈ હતી. અને અત્યારે તો એક ઈંચ પણ આગળ જવાનું નામ નથી લેતી !'

'એમાં શું ખરાબી છે, તે કંઈ સમજાયું ?'

'ના...'

'તો પછી કારીગરના દિકરા હો એમ બોનેટ ઉઘાડીને શા માટે ઊભા હતા?’

'કદાચ શું ખરાબી છે, એ મને સમજાઈ જશે એવા આશયથી ! પરંતુ શું ખરાબી ઊભી થઈ છે, એ જ મને તો નથી સમજાતું.” અજીતે મુંઝવણભર્યા અવાજે કહ્યું.

'જુઓ મિસ્ટર...!' ચોકીદાર કઠોર અવાજે બોલ્યો, ‘કારને તો તમારે અહીંથી ખસેડવી જ પડશે. આ ઈમારતની સામે કોઈ પણ વાહનને ઊભા રાખવાની સખત મનાઈ છે.'

'એમ...?'

'હા..'

'શા માટે...?'

'એટલા માટે કે આ ઈમારત નાગરાજન સાહેબની માલિકીની છે!'

'નાગરાજન...? એ સાહેબ વળી કોણ છે?'

‘તમે વિશાળગઢમાં નવા આવ્યા લાગો છો ! '

'આપનું અનુમાન એકદમ સાચું છે ! હું હજુ બે મહિના પહેલાં જ આ શહેરમાં આવ્યો છું.' અજીતે ભોળા-ભટાક અવાજે કહ્યું, 'હું અહીં એક શિપીંગ કંપનીમાં મેનેજર છું.'

'ઓહ..નવા આવ્યા છો એટલે જ કદાચ નાગરાજન સાહેબને નથી ઓળખતાં ! સાંભળો તેઓ અહીંની અંધારી આલમના બાદશાહ ગણાય છે! ' ચોકીદારના અવાજમાં ગર્વની છાંટ હતા.

'અરે બાપ રે...!' અજીતે ચમકવાની સાથે સાથે ભયભીત થવાનો પણ શાનદાર અભિનય કર્યો.

એનો ગભરાટ જોઈને ચોકીદારના ચહેરા પર સ્મિત ફરકી ઉઠ્યું.

'આ તો ઘણું ખોટું થયું સાહેબ ! પણ હું શું કરું?' અજીત પૂર્વવત્ અવાજે બોલ્યો, ' આ કમબખ્ત મારી કાર પણ અહીં જ આવીને અટકી ગઈ!’

'કંઈ વાંધો નહીં. હવે તેને અહીંથી દૂર કરો !'

'ક...કેવી રીતે...?' અજીતના અવાજમાં કૃત્રિમ ગભરાટ હતો.

‘તમને ઠીક લાગે એ રીતે ! ' ચોકીદારે કઠોર અવાજે કહ્યું.

'સાહેબ...!' અજીત દયામણા અવાજે બોલ્યો, “આપ મારી લાચારી સમજવાનો પ્રયાસ કરો ! હું પોતે પણ ખૂબ જ પરેશાન છું. ઘેર મારી પત્ની ખાર ખાઈને બેઠી હશે. મેં કાર ખરાબ થઈ ગયાનું બહાનું ઘડી કાઢ્યું છે એમ જ એ માનશે. એ મારી વાતને એ સાચી નહીં જ માને !'

'આ બધી વાતો ઘેર જઈને કરજો.’

'જરૂર કરીશ...પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ કાર કોઈ મિકેનીક વગર ચાલુ થઈ શકે તેમ નથી. સાહેબ..!' સહસા અજીત બંને હાથ જોડીને કરગરતા અવાજે બોલ્યો, 'આપ કારને માત્ર દસ મિનિટ અહીં ઊભી રાખવાની મને રજા આપો. હું મિકેનીકની વ્યવસ્થા કરું છું. કાર ઊભી રાખવા માટે આપને જે તકલીફ પડી છે એ બદલ હું આપની તથા નાગરાજન સાહેબની માફી માંગું છું.'

'પણ આટલી મોડી રાત્રે તમે મિકેનીકની વ્યવસ્થા કેવો રીતે કરશો?'

'મારા બંગલાની બાજુમાં જ એક ગેરેજ છે તે ચોવીસેય કલાક ઉઘાડું રહે છે અને ત્યાં ફોન પણ છે. હું એને ફોન કરી દઉં છું. ગેરેજનો માણસ કાર લઈ ને આવશે અને મારા આ ખટારાને સાંકળ બાંધીને ખેંચી જશે.’

ચોકીદારના ચહેરા પર ખમચાટના હાવભાવ છવાઈ ગયા. "પ્લીઝ, સાહેબ ! આપ મારી લાચારી સમજો...હું પોતે પણ ઉતાવળમાં છું.' અજીતની લાચારી જોઈને ચોકીદાર પીગળી ગયો.

'ઠીક છે. જાઓ.. જલ્દીથી ફોન કરી આવો. આ સડકના ખૂણા પર ચોવીસ કલાક ઉઘાડી રહેતી દવાની દુકાન છે. ત્યાંથી ફોન કરી લેજો....'

'આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ...! ભગવાન આપને સો વરસના કરે.'

ચોકીદારના ચહેરા પર સ્મિત ફરકી ગયું. અજીત ઉતાવળા પગલે સડકના ખૂણા તરફ આગળ વધી ગયો.

ખૂણા પર વળતાં જ દવાની દુકાન હતી. દુકાનથી પચીસેક વાર દૂર ઊભા રહીને અજીતે પોતાના ચહેરા પરથી ફ્રેંચ કટ દાઢી કાઢીને ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ તે દુકાનમાં પ્રવેશ્યો. એણે દુકાનમાં બેઠેલા વૃદ્ધ પારસીની રજા લઈ, ટેલિફોનનું રિસીવર ઊંચકીને એક નંબર મેળવ્યો.

'હલ્લો..' થોડી પળે બાદ સામે છેડેથી મોહિનીને સાવચેતી ભર્યો સ્વર તેને સંભળાયો.

‘કામ પતી ગયું છે મોહિની!' અજીતે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું.

‘વેરી ગુડ...તું ક્યાંથી બોલે છે?'

'એ જ રોડના ખૂણા પર આવેલા મેડીકલ સ્ટોરમાંથી!'

'સરસ... તો તું તાબડતોબ એ ખૂણા પર વળીને જમણી તરફ ચાલ્યો જા.. મિસ્ટર દેવરાજ તને રિસીવ કરી લેશે.'

'ભલે જઉં છું...' કહીને અજીતે રિસીવર મૂકી દીધું. પછી એ ફોનના પૈસા ચુકવી, દુકાનદારનો આભાર માની બહાર નીકળ્યો.

ત્યારબાદ એ આકાશ મહેલ તરફ જવાને બદલે વળીને આગળ વધી ગયો. થોડે દૂર ગયા પછી અચાનક એક કાર તેની બાજુમાં આવે ઊભી રહી. અજીતે જોયું તો ડ્રાયવીંગ સીટ પર દેવરાજ બેઠો હતો. એ ઝડપથી બારણું ઉઘાડીને તેની બાજુમાં બેસી ગયો. વળતી જ પળે દેવરાજે કારને આગળ દોડાવી મૂકી.

નાગરાજનની સલાહકાર રીટા અત્યારે આકાશ મહેલના આઠમા માળ પર આવેલા પોતાના ફ્લેટના આરામદાયક શયનખંડમાં ઊંઘમાં સૂતી હતી.

સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. રીટાની ઊંઘ ઊડી ગઈ એણે સૂતાં સૂતાં જ હાથ લંબાવીને રિસીવર ઊંચક્યું, તે ઊંઘ ભર્યા અવાજે બોલી, 'હલ્લો...રીટા સ્પીકિંગ !’

“મને ખબર છે...તારો બોસ ક્યાં મૂઓ છે...?' સામે છેડેય એક સ્ત્રીનો કર્કષ અવાજ તેને સંભળાયો.

'તું.. તું .. કોણ બોલે છે...?'

'મને ન ઓળખી...? હું કમલ જોશીની…' સામે છેડેથી વાક્ય અધૂરું મૂકી દેવામાં આવ્યું.

'ઓહ.. સમજી..'

‘ નાગરાજન ક્યાં મૂઓ છે?’

‘તેઓ એક જરૂરી મિટિંગ અંગે બહાર ગયા છે ! તારે કોઈ સંદેશ આપવાનો છે?’

'હા...આકાશ મહેલની સામે એક કારમાં તમારા વફાદાર જમશેદનો મૃતદેહ પડયો છે.”

"શું..તે એને મારી નાખ્યો?' રીટાએ ચમકીને પૂછ્યું.

'હા.એને જીવતો રાખીને મારે તેની પાસે કંઈ મિલકત નહોતી લેવી ! તમે લોકોએ જમશેદને કમલ તરીકે મોકલીને બહુ ખોટું કર્યું છે ! તમે ચાલબાજી રમશો એની મને પૂરી ખાતરી હતી એટલા માટે જ મેં ટિકિટચેકર પાસેથી કેમેરો મેળવી લેવાનું જણાવ્યું હતું. તમારો વિલીયમ નામનો કૂકડો જાણે રમકડું ખરીદવું હોય એ રીતે કેમેરો લેવા માટે ટિકિટ-ચેકર પાસે પહોંચી ગયો ! એ બાપડો સાચો ટિકિટ-ચેકર જ હતો. કેમેરા સાથે તેને કશું જ લાગતું વળગતું નહોતું. અલબત્ત, મારે કારણે.. બિચારા નિર્દોષ ટિકિટ-ચેકરને વિલીયમનો માર સહન કરવો પડયો એનું મને ખૂબ દુ:ખ છે ! ખેર, તારો બૉસ ક્યારે ગુડાવાનો છે?'

'એકાદ કલાકમાં આવી જશે !'

'ઠીક છે...હું એક કલાક પછી ફોન કરીશ!’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

રીટાએ તરત જ રતનલાલનો સંપર્ક સાધીને તેને બધી હકીકત જણાવ્યા બાદ તાબડતોબ આકાશ મહેલે આવવાનું કહ્યું.

ત્યારબાદ તે નીચે આવીને રતનલાલની રાહ જોવા લાગી. દસેક મિનિટમાં જ રતનલાલ આવી પહોંચ્યો. બંને એક ચોકીદારને સાથે લઈને ફીયાટ કાર પાસે પહોંચ્યા. આ ચોકીદાર એ જ હતો કે જેણે થોડી વાર પહેલાં અજીતને દસ મિનિટ માટે કાર ત્યાં ઊભી રાખવાની મંજુરી આપી હતી.

'આ કાર અહીં કોણ મૂકી ગયું...?' રતનલાલે કઠોર નજરે ચોકીદાર સામે જોતાં પૂછયું.

'આ કાર બગડી ગઈ છે સાહેબ ! બિચારો બહુ દુઃખી માણસ હતો. એ મિકેનીકને બોલાવવા માટે ગયો છે. થોડી વારમાં જ આ કાર લઈ જશે.'

"એ હવે નહીં આવે બેવકુફ.." રતનલાલ રોષભેર બરાડ્યો. 'એ તને કાર બગડી ગયાનું બહાનું કાઢીને થાપ આપી ગયો છે. એ કમજાતે તને મૂરખ બનાવ્યો છે!'

'શું ?' ચોકીદારના મોંમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડ્યો. 'હું સાચું કહું છું કમજાત !' રતનલાલ જોરથી બરાડી ઊઠ્યો, “જો એની કાર અહીં બગડી ગઈ હતી, તો તું તારા સાથીદારોની મદદથી તેને ધક્કા મારીને આ ઈમારતથી દૂર મૂકી આવી શકે તેમ હતો ! બોલ, આમ કરવાનું તને શા માટે ન સૂઝયું? '

'હ...હું...' ચોકીદાર થોથવાયો.

'તું તારી જાતને ચોકીદારની નોકરીને લાયક માને છે ?' બાપડો ચોકીદાર પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવીને રહી ગયો.

'વારૂ, એ કોણ હતો ?'

'એક માણસ હતો...'

'અક્કલના બારદાન...!' રતનલાલ વીફરેલા અવાજે બોલ્યો, 'એ જાનવર નહીં પણ માણસ હતો એની મને ખબર છે ! કંઈ દેવગઢના જંગલમાંથી કોઈ વાઘ-દિપડો આવીને અહીં કાર નહીં જ મૂકી ગયું હોય ! એનો દેખાવ કેવો હતો એમ હું પૂછું છું.'

“સાહેબ..!' ચોકીદારે થોથવાતા અવાજે કહ્યું, ‘એણે સફેદ છે પેન્ટ અને કાળુ શર્ટ પહેર્યું હતું. એના ચહેરા પર દાઢી હતી. એણે, પોતે કોઈક શિપીંગ કંપનીનો મેનેજર હોવાનું જણાવ્યું હતું એની ઉંમર ત્રીસેક વર્ષની હતી. દેખાવ પરથી તો એ કોઈક શરીફ અને ખાનદાન માણસ હતો.”

'આ દુનિયામાં હંમેશા દેખાવ જ બધાને છેતરે છે. ખેર,કારમાં એક મતદેહ પડયો છે, એ તું જાણે છે?'

'મૃતદેહ...!' ચોકીદારનો સાદ ફાટેલા વાંસની જેમ તરડાઈ ગયો.

'સિન્ડીકેટના એક માણસ, જમશેદનો મૃતદેહ !'  'ના, સાહેબ ! હું નથી જાણતો !'

'એટલા માટે નથી જાણતો કે તે ધ્યાનથી કારની અંદર જોયું નહીં હોય ! નથી જોયું ને?'

'વેરી ગુડ... કાલે આવીને કોઈક આકાશમહેલના ફાટક પર આવીને બોંબ ફીટ કરી જશે તો પણ તું આવી બેદરકારી રાખજે ! તારી ખબર તો હું પછી લઈશ! ટોર્ચ છે કોઈની પાસે...?” ચોકીદારે તરત જ પોતાના ગજવામાંથી ચાર સેલવાળી લાંબી ટોર્ચ કાઢીને તેના હાથમાં મૂકી દીધી.

રતનલાલે ટોર્ચ ચાલુ કરીને કારની પાછલી સીટ પર તેનો પ્રકાશ ફેંક્યો. કારની પાછળની સીટ પર નીચે કોઈક માણસના બે પગ દેખાયા.

'અરે.. આ તો ખરેખર જ કોઈકનો મૃતદેહ છે ! રતનલાલની પાછળ ઊભેલા ચોકીદારે આશ્ચર્યથી કહ્યું.

'હા...એ કમજાત આપણે માટે આ મૃતદેહ ભેટ તરીકે મૂકતો ગયો છે! અને તું કહેતો હતો કે એ પોતાની પત્નીને જન્મદિવસ હોવાથી ઘેર જવાની ઉતાવળમાં હતો.’ રતનલાલ ધૂંધવાતા અવાજે બોલ્યો. 'એ કમજાત ઘેર જવાની નહીં, પણ જેમ બને તેમ જલદીથી આ કારને મૂકીને વંજો માપી જવાની વેતરણમાં હતો સમજ્યો ?’

'જી.'

આ દરમિયાન ફાટક પરથી બીજા પણ બે ચોકીદારો ત્યાં આવી પહોંચ્યા હતા.

'મૃતદેહને બહાર કાઢતાં પહેલાં સરખી રીતે રાખીને કારની તલાશી લો. એ કમજાત કારમાં બોંબ ફીટ કરનારો હોય તે બનવાજોગ છે !' રતનલાલે તેને ઉદ્દેશીને આદેશાત્મક અવાજે કહ્યું. બંનેએ ટોર્ચના પ્રકાશમાં કારની તલાશી લીધી. કારમાં કશું જ શંકાસ્પદ નહોતું.

'હવે મૃતદેહને બહાર કાઢી લઈએ સાહેબ ?'

બંને ગાર્ડે જમશેદના મૃતદેહના પગ પકડીને ખેંચ્યા, એ જ વખતે રતનલાલના હાથમાં જકડાયેલી ટોર્ચનો પ્રકાશ મૃતદેહની છાતી પર રેલાયો. એનાં શર્ટનાં ઉપરનાં બે બટન ખુલ્લાં હતાં. અને ત્યાં નજર પડતાં જ એકાએક રતનલાલની આંખો હેરતથી ફાટી પડી. જો બટન ખુલ્લાં ન હોત તો રતનલાલની નજર હરગીઝ એન છાતી પર ન પડત !

'ઊભા રહો..' એણે ચીસ જેવા અવાજે કહ્યું.

બંને ચોકીદાર એકદમ ઊભા રહી ગયા.

'એક તરફ ખસો...'

બંને એક તરફ ખસી ગયા. રતનલાલ આગળ વધ્યો.

એણે જમશેદના શર્ટનાં બધાં બટનો ઉઘાડી નાખ્યાં. જમશેદની છાતી પર પાંસળીથી પેટ વચ્ચે જાણે ઓપરેશનો કર્યા પછી ટાંકા લેવામાં આવ્યા હોય એવો લાંબો કાપો સ્પષ્ટ રીતે રતનલાલ જોઈ શક્યો. ઓપરેશન તાજું જ થયું હોય એ દેખાય આવતું હતું.

આંખના પલકારામાં જ તે સમગ્ર મામલો કળી ગયો. છાતી ચીરીને તેની વચ્ચે કંઈક છુપાવવામાં આવ્યું હતું.

'મૃતદેહને કારમાં જ રહેવા દે... અને યુસુફ...' એણે એક ચોકીદારને ઉદ્દેશીને કહ્યું. તું આ કારને લઈ જઈને બંદર રોડના પુલ પરથી ખાડીમાં ફેંકી આવ !'

'મૃતદેહ સહિત...?'

'હા.'

'પણ આ કાર તો બગડી ગઈ છે!'

'નથી બગડી... બગડી હશે તો પણ મામૂલી બગાડ હશે !' ચોકીદારે કારનું બોનેટ ઉઘાડીને તપાસ્યું.

રતનલાલની વાત સાચી હતી.

માત્ર પ્લગનું કનેકશન જ નીકળી ગયું હતું. ચોકીદારે એ કનેક્શન વ્યવસ્થિત કરી નાખ્યું.

ત્યારબાદ યુસુફ કાર લઈને ચાલ્યો ગયો. રતનલાલ, રીટા અને બાકીના ચોકીદારો સાથે ફાટક પર પહોંચ્યો.

'સાંભળો...હવે બીજી વખત આવી ભૂલ ન થવી જોઈએ અને જોરાવર...' એણે એક ચોકીદાર સામે જોયું.

'જી...” જોરાવર સન્માનસૂચક અવાજે બોલ્યો.

'દસ મિનિટ પછી તારે એક મોટરસાયકલ પર બંદર રોડ કર જઈને યુસુફ કારને બરાબર રીતે ઠેકાણે પાડી દે છે કે નહીં, એનો રિપોર્ટ મને આપવાનો છે.’

જોરાવરે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

રતનલાલ રીટા સાથે ઈમારત તરફ આગળ વધી ગયો.