અંધારી આલમ - ભાગ 2 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી આલમ - ભાગ 2

૨. : રિપોર્ટરની રઝળપાટ

મુંબઈથી પ્રગટ થતા ભારત સમાચાર દૈનિકનો રિપોર્ટર કમલ જોશી ખૂબ જ ઉત્સાહી અને નિડર પત્રકાર હતો.

વિશાળગઢ શહેરમાં અનેક જાતની અપરાધી પ્રવૃત્તિઓ ફૂલી-ફાલી હતી. રતનલાલ, નાગરાજન અને દેવરાજ કચ્છી જેવા સફેદપોશ બદમાશોએ મબલખ નાણાં મેળવવા માટે શહેરમાં ઠેકઠેકાણે પોતાના માણસો મારફત ગુનાહિત અડ્ડાઓ શરૂ કરાવ્યા હતા. શહેરમાં છડે- ચોક સ્ત્રીઓની આબરૂ લૂંટાતી હતી. વીસીના હવાલામાં મળેલી રકમ વસુલ કરવા માટે આધુનિક બહારવટીયાઓ કાળા કેર વર્તાવતા હતા. ગાંધીજીના દેશમાં ઘી-દૂધની નદીઓને બદલે લઠ્ઠા અને “ધોડા”ની રેલમછેલ હતી.

ભારત સમાચાર માટે આંખેદેખ્યો અહેવાલ લેવા માટે કમલ જોશીએ પહેલી જ વાર વિશાળગઢમાં પગ મૂક્યો હતો. આ શહેરથી તે અજાણ્યો હતો.

બહારથી શાંત અને ઉજળી લાગતી મુનલાઈટ હોટલમાં તે ઊતર્યો હતો. આ હોટલ બાર માળની હતી અને તેને આઠમા માળની રૂમ નંબર એકસો બે મળી હતી.

હોટલમાં નીચેના વિશાળ હોલમાં બાર તથા ડાન્સ ફ્લોર હતા. સાંજના છ વાગ્યે તે બહાર નીકળીને હોટલથી સાતેક કિલોમીટર દૂર આવેલી એક અન્ય હોટલ નીલકમલમાં પહોંચી ગયો.

આ હોટલનો હોલ ખૂબ જ અદ્યતન, વિશાળ અને ખૂબસુરત હતો. સાંજનો સમય હોવાથી પુષ્કળ ભીડ હતી. બેસવા માટે ખાલી ખુરશીની તલાશમાં એણે ચારે તરફ નજર દોડાવી.

દૂર ખૂણામાં બે ખુરશીના એક ટેબલ પર, એક આધેડ વયનો માણસ એકલો જ બેઠેલો તેને દેખાયો.

ટેબલોની કતાર વચ્ચેથી પસાર થઈને તે એ આધેડ માણસ સમીપ જઈ પહોંચ્યો.

આધેડ નિર્લેપ ચહેરે ગ્લાસમાંથી વ્હીસ્કીના ઘૂંટડા ભરતો હતો. ‘હું અહીં બેસી શકું ?' એણે પેલા આધેડને પૂછયું. આધેડે બે-એક પળ સુધી તેની સામે જોયું. પછી હકારાત્મક ઢબે માથું હલાવીને તેને પોતાની સામે પડેલી ખાલી ખુરશી તરફ સંકેત કર્યો.

"થેંકયૂ…” ખુરશી ખેંચીને કમલ બેસી ગયો. પછી સહસા આ આધેડને પોતે ક્યાંક જોયો હોય એવો તેને ભાસ થયો.

જોતજોતામાં જ વેઈટર આવીને તેનો ઑર્ડર લઈ ગયો.

ખુરશી પર બેઠા પછી કમલે સમગ્ર હોલમાં શોધપૂર્ણ નજર દોડાવી. સૌ કોઈ પોત-પોતાનામાં મશગુલ હતા. ચારે તરફ ટેબલની તારો વચ્ચેથી વેઈટરોની આવ-જા ચાલુ હતી. જ્યુક બોકસમાંથી પાશ્ચાત્ય સંગીતના સૂર રેલાતા હતા. પુષ્કળ ભીડ હોવા છતાંય છૂરી- કાંટા, પ્લેટ અને ગ્લાસના ખખડાટ સિવાય બીજો કોઈ અવાજ નહોતો. ગ્રાહકો અંદરો-અંદર પોત-પોતાના સાથીઓ સાથે એકબીજા સામે માથાં નમાવીને ખૂબ ધીમા અવાજે વાતો કરતાં હતાં.

'અરે...' અચાનક જ પેલો આધેડ માનવી કમલસામે જોઈ એની સામે આંગળી ચીંધીને આશ્ચર્યસભર અવાજે બોલ્યો, ' તમે... તમે તો ચારેક દિવસ પહેલાં મારી સાથે ટ્રેનમાં હતા ને ? યાદ છે તમને...! આપણે સમય પસાર કરવા માટે દુનિયાભરની વાતો કરી હતી ?'

'હા...રાઈટ....તમે સાચા છો...' કમલે તેની સામે હાથ લંબાવતાં કહ્યું.

જવાબમાં આધેડે ખૂબ જ ઉમળકાભેર તેની સાથે હાથ મીલાવ્યા.

'આ જુઓ...તમારું વીઝીટીંગ કાર્ડ...' આધેડે કોટના ગજવામાંથી, કમલે તેને ટ્રેનમાં આપેલું કાર્ડ કાઢીને બતાવ્યું.

'બરાબર છે...' કમલે સ્મિત ફરકાવ્યું. પણ વળતી જ પળે મનોમન તેને પોતાની જાત પર ચીડ ચડી. પોતે પ્રેસ રિપોર્ટર છે એ વાત તે છૂપી રાખવા ઇચ્છતો હતો. હોટલમાં પણ એણે, પોતે ફિલ્મ કલાકાર બનવા ઇચ્છે છે અને ફિલ્મ લાઈનમાં નસીબ અજમાવવા વિશાળગઢ આવ્યો છે, એવી વાતો વહેતી કરી હતી.

મુંબઈની જેમ વિશાળગઢમાં પણ ફિલ્મ સ્ટુડીયો હતા અને મુંબઈની જેમ જ ઢગલાબંધ ફિલ્મો બનતી હતી એટલે તેના કથન પર કોઈને શંકા આવે તેમ નહોતું.

આ આધેડ માનવીએ, પોતે વિશાળગઢનો જ વતની છે અને મુંબઈનું કામ પતાવીને પાછો વિશાળગઢ જાય છે એવી વાત એણે , ટ્રેનમાં કમલને કરી હતી.

તેમની વાતો આગળ વધે એ પહેલાં જ વેઈટર આવીને તેની સામે કોફીની ટ્રે મૂકી ગયો.

આધેડ વ્હીસ્કી પીવામાં મશગુલ હતો એટલે તેને કોફીનો આગ્રહ કરવાનો અર્થ નહોતો.

બંનેનો પરિચય ટ્રેનમાં જ થયો હતો અને તેઓ એકબીજાના નામ પણ જાણતા હતા. આધેડનું નામ જયપ્રકાશ હતું. ટ્રેનમાં જ આ માનવી કમલને એકદમ સીધો-સાદો અને શાંત લાગ્યો હતો. એટલે તેના પર વિશ્વાસ મૂકી શકાય એમ હતું.

'મિસ્ટર જયપ્રકાશ..' અચાનક કમલ બોલ્યો. ' તમે તો જાણો છો કે પ્રેસ રિપોર્ટરની નોકરી ખૂબ જ જોખમી હોય છે. હું પ્રેસ રિપોર્ટર છું' એ વાત મહેરબાની કરીને તમે અહીં કોઈને કહેશો નહીં એટલી આશા તમારી પાસેથી જરૂર રાખું છું.”

'ઓહ ડોન્ટ વરી માય બોય...' આધેડે કહ્યું, 'તું બેફિકર રહેજે. ઊલટું તારે મારી કોઈ મદદની જરૂર હોય તો કહેજે. મારો ફોન નંબર તો યાદ છે ને તને ?' આધેડે તેને એક વચનમાં સંબોધ્યો  હતો. એના અવાજમાંથી કમલ પ્રત્યે આત્મિયતા નીતરતી હતી.

'હા...' કમલ બોલ્યો, 'તમારી લાગણી માટે આભાર ! બાકી આજકાલ જમાનો બહુ ખરાબ છે. કોઈ, કોઈની સામે જોવા માટે તૈયાર નથી ત્યાં મદદની શી આશા રાખવી ? તમે ખરેખર સજ્જન છો.’

જવાબમાં જયપ્રકાશ ફક્ત સ્મિત ફરકાવીને રહી ગયો. પછી જાણે અચાનક જ કંઈક યાદ આવ્યું હોય એ રીતે એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘તમે કંઈક કહેવા માગો છો ખરું ને? ’ કમલ તેની આંખોનો ભાવ કળી જતાં બોલ્યો.

'હા, દોસ્ત...' જયપ્રકાશે કહ્યું, ‘ટ્રેનમાં આપણે ઘણીબધી વાતો કરી હતી પણ તું આ અજાણ્યા શહેરમાં શા માટે આવ્યો છે, એ વિશે તો તેં કંઈ કહ્યું જ નથી.’

તેના આ સીધા સવાલથી કમલ મનોમન ખમચાયો.

'કેમ, મારામાં વિશ્વાસ નથી?' એનો ખમચાટ જોઈને જયપ્રકાશે સરળ અવાજે પૂછ્યું.

'ના એવું કંઈ નથી પણ...'

'શું પણ..?'

'મિસ્ટર જયપ્રકાશ...' છેવટે કમલે કહ્યું, 'તમે આ શહેરના એક શાંતિપ્રિય નાગરિક છો એટલે મારે જે માહિતી જોઈએ છે, તે તમે જાણતા હશો કે નહીં એ વિચારતો હતો.'

'તું કહે તો ખરો...કદાચ જાણતો પણ હોઉં.'

'તમે જાણો છો તેમ...’ વાત કરતી વખતે કમલનો અવાજ એકદમ ધીમે થયો, 'હું એક પ્રેસ રિપોર્ટર છું અને મારા અખબાર માટે, વાંચકવર્ગમાં સનસનાટી ફેલાવે એવા ચોંકાવનારા પણ તદ્દન સાચા સમાચાર મેળવવા માટે અહીં આવ્યો છું. વિશાળગઢમાં અત્યારે અપરાધી પ્રવૃત્તિઓ ખૂબ જ ફેલાઈ ગઈ છે અને એની - પાછળ બહુ મોટાં માથાં સંડોવાયાં છે એવું મેં સાંભળ્યું છે.”

‘વાત તો સાચી છે.' એક સિગારેટ સળગાવીને જયપ્રકાશે કહ્યું, 'વરલી-મટકા, વીસીઓ, આંકફરકના સટ્ટાઓ, માણસને આંધળા કરી મૂકીને સ્વધામ પહોંચાડી દે એવાં ગેરકાયદેસર કેકી પીણાંઓ, કોકેન, ચરસ, સોના-ચાંદીની દાણચોરી, હત્યા, લૂંટફાટ બને બળાત્કારની ગુનાખોરીએ ખરેખર માઝા મૂકી છે.'

‘અને આ બધા પાછળ કોઈક નાગરાજ નામના, નાગ જેવા જ ખતરનાક માણસનો હાથ હોવાનું મેં સાંભળ્યું છે. ઉપરાંત...' 'સીસ્....સીસ્...' જયપ્રકાશે નાક પર આંગળી મૂકીને તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો.

કમલ જોશીના હોઠ પર બ્રેક વાગી. એણે ચારે તરફ નજર દોડાવી. પણ કોઈનું યે ધ્યાન તેમની પર હોય એવું તેને લાગ્યું નહીં.

કમલે એની સામે જોયું.

જયપ્રકાશ કોઈક અજ્ઞાત ભયથી ધ્રુજતો હતો. ‘કેમ...શું થયું ?' કમલે ધીમા અવાજે પૂછ્યું. 'હવે બીજી વખત...' જયપ્રકાશના ભયથી આકુળ-વ્યાકુળ નજર હોલમાં ચારે તરફ ફરી વળી. પછી એણે હોઠ પર જીભ ફેરવતા “નાગરાજનું નામ ભૂલેચૂકે ય બીજી વાર ઉચ્ચારતો નહીં. એ ઘણ જ ભયંકર માણસ છે. આપણે તેના વિશે પછી વાતો કરીશું. પ્લીઝ ...હવે આ વિષય અહીં જ પૂરો થયેલો માનજે.’

કમલે સ્વીકારાત્મક ઢબે માથું હલાવ્યું.

જયપ્રકાશના ચહેરાનો ઊઠી ગયેલો રંગ ધીમે ધીમે પાછા ફર્યા? હવે એ સ્વસ્થ દેખાતો હતો.

કમલે એને માટે વ્હીસ્કીનો એક લાર્જ પેગ અને પોતાના માટે બીજી વાર કોફી મંગાવી. હોલનું વાતાવરણ પૂર્વવત હતું.

વ્હીસ્કીના બે-ત્રણ ઘૂંટડા ગળામાં ઊતાર્યા પછી જયપ્રકાશ પહેલા જેવી જ સ્ફુર્તિમાં આવી ગયો. સ્વભાવે એ મનમોજી તો હતો જ. બંને વચ્ચે ફરીથી જુદા જુદા વિષયો પર વાતો થવા લાગી. જયપ્રકાશના કહેવા પ્રમાણે તે દિવાનચોકમાં પોતાની પત્ની તથા ત્રણ બાળકો સાથે રહેતો હતો.

વાતો કરતાં કરતાં અચાનક જ જયપ્રકાશની નજર હૉલના  કાચજડિત પ્રવેશદ્વાર તરફ સ્થિર થઈ ગઈ.

'હાય...' અચાનક એના હોઠ વચ્ચેથી પ્રસન્નતા મિશ્રિત હાયકારો નીકળ્યો.

કમલે જોયું. પ્રવેશદ્વારમાંથી એક અત્યંત બેહદ પરમ લાવણ્યમયી સુંદરી હોલમાં દાખલ થઈ, કાઉન્ટર પાસેના ખૂણામાં ઊભી રહી ચારે તરફ નજર દોડાવતી હતી.

જાણે સંમોહનાવસ્થામાં જકડાઈ ગયો હોય એવી સ્થિર નજરે ભાન ભૂલીને કમલ એ પરમ સુંદરીને એકીટશે તાકી જ રહ્યો. દિન-દુનિયાનું એને ભાન નહોતું રહ્યું.

તે એ અદ્ભૂત ખૂબસૂરત રમણીને નિહાળતો જ રહી ગયો. અને આમાં એને કશોયે દોષ દઈ શકાય એમ નહોતું.

તે સ્ત્રી ખરેખર જ બેહદ સુંદર અને આકર્ષક હતી. ફક્ત સુંદર હતી. એમ કહેવાથી એનાં પૂરતાં વખાણ થઈ શકે તેમ નહોતા. સફેદ સંગેમરમરની ઇમારતો તો હજારો ને લાખો છે, પણ તાજમહાલ તો એક જ છે અને એ બધી ઈમારતોને જેમ તાજમહાલ સાથે ન સરખાવી શકાય, તેમ આ પરમ સુંદરીને પણ હજારો-લાખો ખૂબસુરત સ્ત્રીઓ સાથે સરખાવી શકાય તેમ નહોતું. સાચે જ એનો કોઈ જોટો નહોતો.

એ મનમોહક સ્ત્રીનાં એક એક અંગો જાણે બીબાંમાં ઢાળ્યાં હોય એમ સુડોળ હતાં. એણે સાધારણ બનાવટનું જીન્સનું પેન્ટ અને લાઈનીંગવાળું ખુલતા ગળાનું, સુતરાઉ કાપડનું, કોલરવાળું ઓપન અને એકદમ ફીટ શર્ટ પહેર્યું હતું. શર્ટનાં બટનો આગળના ભાગમાંથી બંધ થતાં હતાં. શર્ટના નીચેના બંને છેડા એણે એકબીજાં સાથે ગાંઠ મારીને બાંધી દીધા હતા, પરિણામે એ મોહમયી સ્ત્રીનું પેટ નાભિ સુધી ખુલ્લું દેખાતું હતું. શર્ટ કદાચ સાંકડું હતું અથવા તો પછી આવું ચપોચપ શર્ટ પહેરવાની ફેશન નીકળી પડી હતી. દરેક બંધ બટન પર એના ઉન્નત ઉરોજોની સળ ઊપસી આવી હતી. શર્ટનાં બટનો બંધ કરવા માટે સામેના છેડાના ગાજને જાણે ખેંચી-ખેંચીને, માંડમાંડ બંધ કરવામાં આવ્યાં હોય એવો ભાસ થતો હતો, કારણ કે દરેક બે બટનો વચ્ચેની ત્રણેક ઇંચ જેટલી જગ્યાના છેડા લંબગોળ આકારે પરસ્પરથી દૂર ફેલાયેલા હતા પરિણામે પેટ ઉપરનો એટલો ભાગ ખુલ્લો દેખાતો હતો.

એ ઉઘાડા ભાગ સ્પષ્ટ રીતે ચાડી ખાતા હતા કે એણે શર્ટની નીચે કશું યે નહોતું પહેર્યું. એ જરા જેટલી પોતાના ખભાને પાછળના ભાગમાં વાળતી કે તરત જ એવું લાગતું હતું કે હમણાં જ શર્ટનાં બટનો ખેંચાઈને તૂટી જશે.

'કેમ...ચક્કર આવી ગયા ને?' જયપ્રકાશના અવાજથી એની તંદ્રા તૂટી. એણે નજર ફેરવીને જયપ્રકાશ સામે જોયું. જયપ્રકાશના હોઠ પર શરારતી સ્મિત ફરકતું હતું.

'શરમાવાની જરૂર નથી.' જયપ્રકાશ એક સિગારેટ સળગાવતા બોલ્યો, 'પહેલીવાર મેં જ્યારે આ છોકરીને જોઈ હતી ત્યારે મારી હાલત તારા કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ હતી.”

'તમે… તમે…' કમલે આશ્ચર્યથી ડઘાઈને એની સામે જોઈ કહ્યું, 'જયપ્રકાશ સાહેબ, તમે જરા તમારી ઉંમરનો તો વિચાર કરો.. હું ન ભૂલતો હોઉં તો જરૂર અત્યારે તમે પચાસેક વર્ષના થયા હશો.’

'તારું અનુમાન સાચું છે. પણ ઉંમર અને મન વચ્ચે કોઈ સંબંધ નથી. માણસની ઉંમરની અસર પોતાના મન પર ન થવા દે તો એ હંમેશા સ્ફુર્તિમાં રહેવાનો... કોઈ કામની તેને આળ નહીં થાય.'

‘હું..હું તો તમને શાંત અને સરળ પ્રકૃતિના માનતો હતો.'

'એ તો છું જ... પણ તું હજુ મારી સામે બાળક છો. છતાં સાંભળ... પત્ની અને પર-સ્ત્રી વચ્ચે આકાશ-પાતાળનો ફર્ક છે.'

'તમે પરિણિત છો... ત્રણ સંતાનોના પિતા છો... છતાં મોકળા મને આવી વાતો કરી શકો છો એની મને નવાઈ લાગે છે. મને લાગે છે કે તમારી પત્ની પ્રત્યે તમને જરૂર અણગમો હોવો જોઈએ.’

'અણગમો તો છે જ... પણ હવે થાય શું ? જિંદગીની ગાડી જેમતેમ કરીને ઘસડવી જ પડે છે.'

'એક વાત પૂછું ...!'

'જરૂર પૂછ.'

'શું તમારાં લગ્ન, તમારા વડીલોએ બળજબરીથી... ધાક- ધમકીથી કરાવ્યાં હતાં ?'

'ના...' જયપ્રકાશે સિગારેટનાં ઠૂંઠાંને એશ-ટ્રેમાં પધરાવતાં કહ્યું, 'લગ્ન તો મેં મારી મરજીથી જ કર્યાં હતાં.”

'તો પછી હવે પત્ની પ્રત્યે અણગમો હોવાની બાંગ શા માટે પોકારે છો?'

જવાબ આપતાં પહેલાં જયપ્રકાશે, કમલ જોશી સામે જોયું. થોડી પળો સુધી તે એની સામે જોતો રહ્યો. પછી બોલ્યો,

'કહું તને ? ’

'હા, જરૂર કહો.'

'તો સાંભળ, આ બાંગ નથી પણ અરમાનોનો લાવારસ છે. ખ્વાહીશ અને હસરતનાં ઝરણાં છે, જે ક્યારેક અચાનક જ ફૂટી નીકળે છે. વાસ્તવમાં હું એમ માનું છું કે માણસ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને લગ્નમંડપની બધી પવિત્ર વિધિઓ પૂરી કરીને જે પત્નીના - રૂપમાં જે સ્ત્રીને પામે છે. મેળવે છે, તે તેને માટે માત્ર એક નારી દેહ જ હોય છે, જે અન્ય બજારૂ ચીજ-વસ્તુઓની માફક તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. એ વખતે વાસનાની ગરમી એટલી બધી જલદ હોય છે કે કાયદેસરની પત્ની સાથે સહ-શયન કરી રહેલા પતિને એટલુંય વિચારવાનું કે સમજવાનું ભાન નથી રહેતું કે પોતાની પત્ની એક ખૂબસૂરત દેહની માત્ર માલિક જ નહીં, એ સિવાય પણ એનામાં બીજી અન્ય ઘણીબધી લાયકાત છે. મારા દોસ્ત...' જયપ્રકાશ એક નવી સિગારેટ સળગાવીને આગળ બોલ્યો, 'દુનિયાની નજરે તો સ્ત્રી ફેરા ફરી લીધા પછી તરત જ પત્ની

બની જાય છે પણ હકીકતમાં, સાચા અર્થમાં એને પત્ની બનતાં બહુ વાર...ઘણી બધી વાર લાગે છે.'

'ઘણીબધી વાર, એટલે ક્યારે ?'

જવાબ આપતાં પહેલાં જયપ્રકાશના ચહેરા પર એક ફિક્કું સ્મિત ફરકીને વિલીન થઈ ગયું.

'બે-ત્રણ બાળકોને જન્મ આપ્યા પછી...સંતાનો થયા પછી પત્નીને પોતાનો પતિ “પતિ” નહીં પણ પોતાના બાળકોનો બાપ લાગવા માંડે છે અને જિંદગીની ગાડી ખેંચવા માટે રોજી રળી લાવનાર મજૂર, મહેતાજી, કલાર્ક કે પછી મેનેજર લાગે છે. ત્યારબાદ પતિ સાથે સહ-શયન કરવાનું કામ એને, ઘરનાં રોજીંદા કામ જેવું જ એક કામ લાગે છે. બીજા બધા કામો પતી ગયા પછી આ છેલ્લું કામ પણ તે કોઈ આનંદ મેળવવા નથી કરતી. પતિની અન્ય જવાબદારીઓ જેમ એ દિવસ દરમિયાન પૂરી કરતી હોય એવા જ અહેસાસથી તે સહ-શયનનું કામ પણ કરે છે. એને કોઈ જ ફર્ક નથી લાગતો. અને મેં કહ્યું તેમ ત્રણેક સંતાનો થયા પછી પત્ની ફક્ત નારી દેહ જ નથી રહી જતી.. એટલા માટે નથી રહી જતી કે સમયના વહેણ પછીના સમયમાં તે સાચા અર્થમાં “પત્ની” બની ચૂકી હોય છે.”

'માફ કરજો...” કમલ એની સામે જોઈને ભાવહીન અવાજે બોલ્યો, 'પણ તમારી આવી વિચારધારા જોતાં તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ હોય એવું મને નથી લાગતું.’

'પત્ની સાથે પ્રેમ થઈ જ ન શકે... મારી વાત જવા દે... કોઈનેય પોતાની પત્ની પ્રત્યે પ્રેમ નથી હોતો. છતાંય જો કોઈ માણસ એવો દાવો કરતો હોય કે હું મારી પત્નીને તન-મન-ધનથી, મન, વચન અને કર્મથી પ્રેમ કરું છું તેને, એક માત્ર તેને જ ચાહું છું તો મને કહેવા દે મારા દોસ્ત, કે એ માણસ હળાહળ ખોટું બોલે છે ને આવી ફરેબી જૂઠાણાની જાળ ફેલાવીને સૌને છેતરે છે તથા..' વાત અધૂરી મૂકીને એણે ફરીથી કમલ સામે ભાવહીન નજરે જોયું.

કમલ ઉત્સુકતાથી તેની સામે તાકી રહ્યો હતો.

'હા.. તો હું કહેતો હતો કે...' જયપ્રકાશ આગળ બોલ્યો, 'એ માણસ સૌની સાથે સાથે પોતાની જાતને પણ છેતરે છે. હા, એટલું જરૂર કે પોતાની પત્નીને તે સામાજીક દરજ્જો આપતો હશે. એની સામે શ્રદ્ધાથી માથું નમાવતો હશે. પોતાની અંગત સિવાયની દરેક વાતમાં એની સલાહ લેતો હશે. સંસારનાં અનેક સુખો તેને આપતો હશે. પણ એ તેને સાચા અર્થમાં જેને પ્રેમ કહે છે, એ ક્યારેય

નહી કરતો હોય.’

'તમે...' કમલે આશ્ચર્યસહ કહ્યું, ‘તમે તો ખૂબ જ ઊંડા નીકળ્યા.’

'આગળ સાંભળ ! માનવીની ખાસિયત જ પોલીગેમીસ્ટ (પરસ્ત્રી – બહુસ્ત્રીગામી) હોય છે. પ્રકૃતિએ જ એનામાં આ ખાસિયત મૂકી છે એટલે જ માણસ હંમેશા પર-સ્ત્રીની નિકટતા ઝંખે છે. પત્નીને પ્રેમ કરનારા પતિના હૃદયમાં પારકી સ્ત્રીના સહવાસની ઝંખના ક્યારેય નથી હોતી. હૃદયનો ઘડો જો પત્ની પ્રત્યેના પ્રેમથી છલોછલ ભર્યો હોય તો પારકી સ્ત્રીની લાલસા માટે એ ઘડામાં બુંદ જેટલી પણ જગ્યા ક્યાંથી હોય ? પરંતુ આવું નથી હોતું. પત્ની એ છેવટે પત્ની જ છે. અને મેં કહ્યું તેમ એ માનવીને એટલે કે પતિને ગમે ત્યારે ઉપલબ્ધ છે. શેરી-ગલીની કે બહારના વિસ્તારમાં રહેતી અન્ય પરસ્ત્રીનો સુંવાળો સહચાર મેળવીને જાણે કોઈ કિલ્લો સર કર્યા જેવો જે માનસિક આનંદ... તૃપ્તિ પતિ અનુભવે છે, એવી તૃપ્તિ કે અહેસાસ પત્ની સાથે સુંવાળો સહચાર માણ્યા પછી પતિને ક્યારેય નથી થતો ! મારા દોસ્ત, સેકસની બાબતમાં પુરુષ હડકાયા કૂતરા જેવો છે... ઘરનું સાત્વિક ભોજન મૂકીને એ હંમેશાં શેરીના ખૂણે પડેલી એઠવાડની કુંડીમાં મોં મારવા જવાનો જ છે.'

'માફ કરજો મિસ્ટર જયપ્રકાશ! જાણે કોઈ મંગળ ગ્રહમાંથી ઊતરી આવેલો માનવી પોતાની સામે બેઠો હોય એવી નજરે કમલ જોશી તેની સામે તાકી રહેતાં બોલ્યો, "દુનિયાના બધા જ માણસો સેક્સની બાબતમાં એકસરખા હોય એ વાત મારે ગળે નથી ઊતરતી. હું ખૂબ નિકટથી એવા કેટલાય માણસોને ઓળખું છું કે જેઓનું જીવન વાણી, વર્તણૂક હંમેશા સંયમી રહ્યાં છે. તેઓએ ક્યારેય, ભૂલેચૂકે પણ પરસ્ત્રીને બદદાનતથી નથી જોઈ. જીવનભર તેઓ નખશીખ પવિત્ર રહ્યા છે.”

જયપ્રકાશ ખૂબ ધીમેથી ગળામાંથી હસ્યો.

‘મેં તને હમણાં જ કહ્યું ને કે તું હજુ બાળક છે ! સાંભળ, તે, જે માણસોની વાત કરી, એ તારી નજરે જરૂર પવિત્ર હશે... પણ મને કહેવા દે દોસ્ત, કે તેઓ ખરેખર સાચા અર્થમાં સંયમ ધરાવનારાઓ નહીં જ હોય—એટલા માટે નહીં હોય કે જિંદગીમાં તેમને ક્યારેય પારકી સ્ત્રી સામે જોવાની સહેજ પણ તક નહીં મળી હોય ! એ જે વાતાવરણમાં, પરિસ્થિતિમાં રહેતો હશે, એમાં તેને હરગીઝ તક કે સમય નહીં જ મળ્યા હોય. આ જ વાત બીજા શબ્દોમાં કહું તો આવા માણસો હંમેશા ગભરૂ હૃદયના અને જીવ કરતાં પોતાની સામાજિક પ્રતિષ્ઠા, આબરૂના “હાઉ”થી ડરતા રહ્યા હશે. માનવીના માથા પર વાસનાનું ભૂત સવાર થાય એવું વાતાવરણ અને સંજોગો ક્યારેય ઊભા નહીં થયા હોય સમજ્યો ને ? આજે નહીં તો દસ વર્ષ પછી તને મારી વાત સાચી લાગશે. સમયના વહેણ પછી તને મારી વાત સમજાશે.’

કમલ આ માણસના તર્કથી ઘડીભર તો સ્તબ્ધ બની ગયો. “અને તો પણ તમે એમ કહો છો કે માણસ પોતાની પત્નીની ઈજ્જત કરે છે. માન આપે છે અને એની સામે શ્રદ્ધાથી માથું નમાવે છે!'

'હા કહું છું અને સાચું જ કહું છું. એટલા માટે કહું છું કે માણસની જિદંગીમાં પત્નીની એક નહી, બે. એટલે કે બેવડી, ડબલ ભૂમિકા હોય છે. સ્ત્રી માણસની પત્ની જ નહીં, એના બાળકોની મા પણ હોય છે, અને તે પોતાની પત્નીમાં એક નહીં, પણ ઘણી- બધી ખામીઓ કાઢી શકે છે પરંતુ પોતાની બાળકોની માની હજાર ખામીઓ અને ભૂલોને કાન સોંસરવી કાઢે છે. એના પ્રત્યે તે ધ્યાન જ નથી આપતો. દોસ્ત, મને મારી પત્ની પ્રત્યે ચોક્કસ અણગમો છે. પણ મારાં બાળકોની માને હું સોએ સો ટકા ચાહુ છું અને તેની ઈજ્જત કરું છું.' કમલજોશી આ વિચિત્ર ફિલોસોફર સામે તાકી રહ્યો.

હમણાં કાઉન્ટર પાસે જે રૂપાળી સ્ત્રી ઊભી હતી, એને તમે ઓળખો છો ?’

“ના...મેં આજે એને બીજી વાર જોઈ છે. થોડા દિવસ પહેલાં મેં તેને પહેલી વાર આ જ હોટલમાં, લગભગ આ જ સમયે જોઈ હતી. કેમ, તારે કંઈ કામ હતું એનું ?'

'ના... અમસ્તો જ પૂછતો હતો.’ કમલે કહ્યું, ‘એ સાચે જ સૌંદર્ય સામ્રાજ્ઞી જેવી લાગતી હતી. એના સુંદર ચહેરા પર આછો-પાતળો પણ મેક-અપ નહોતો, રંગ-રોગાન નહોતા. એનાં તાજા ખીલેલાં ગુલાબનાં ફૂલ જેવો તાજગીથી ભર્યો ભર્યો ચહેરો ચાડી ખાતો હતો કે એને કોઈ જ મેકઅપની જરૂર નથી.'

'અરે વાહ...' જયપ્રકાશ તેની સામે પ્રશંસાભરી નજરે જોઈને બોલ્યો, 'આટલે દૂરથી પણ તું આ હકીકત જાણી શક્યો એની મને નવાઈ લાગે છે અને...'

એની વાત અધૂરી રહી ગઈ.

અચાનક હોલના વાતાવરણમાં એક બેહદ સુરીલો, શરબતી પણ જોશ મિશ્રિત સ્ત્રીનો અવાજ ફેલાઈ ગયો..

'છોડ, જંગલી... મારાથી દૂર ખસ.. નહી તો જોવા જેવી થશે.' હોલનો ધીમો ગણગણાટ એકદમ શાંત થઈ ગયો. છૂરી-કાંટાના અવાજો બંધ થઈ ગયા.

સૌની નજર અવાજની દિશામાં જડાઈ ગઈ. અને સૌની સાથે જયપ્રકાશ અને કમલ પણ એ તરફ જોવા લાગ્યા.

ચહેરા પરથી જ બદમાશ અને લફંગો લાગતો એક ઊંચો સશક્ત બાંધાનો માણસ પેલી ખૂબસૂરત સ્ત્રીનું બાવડુ પકડીને તેની સામે નફટાઈથી હસતો હતો.

'હવે નખરા છોડ... ને સીધી રીતે મારી સાથે ચાલ...' કહીને બદમાશે તેને જોરથી પોતાની સાથે પ્રવેશદ્વાર તરફ ઘસડી.

એક ચીસ સાથે એ સુંદરી તેની પાછળ ઘસડાઈ. પરંતુ આટ-આટલું થવા છતાં ય હોલમાં બેઠેલા ગ્રાહકોમાંથી કોઈનુંય રૂંવાડું સુધ્ધાં નહોતું ફરકતું. જાણે કોઈક તમાશો જોતાં હોય સૌ ચૂપચાપ બેઠાં હતાં. પણ કમલથી આ સહન ન થયું.

એ ઊભો થઈને તરત જ પેલા બદમાશ પાસે પહોંચી ગયો. 'એ...' એણે તે બદમાશને ઉદ્દેશીને કહ્યું, “આને બળજબરીથી શા માટે લઈ જાય છે ?'

'કેમ...?' બદમાશે ઠાવકા અવાજે પૂછ્યું, ' એ તારી કંઈ સગલી થાય છે કે શું ? '

'સગલી તો નથી થતી પરંતુ કોઈ સ્ત્રીને આ રીતે બળજબરીથી લઈ જતાં તને શરમ નથી આવતી ?'

'ના રે ના... એમાં શરમ શાની ? સાંભળ છોકરા... ચૂપચાપ જઈને તારું કામ કર ! નાહક જ શા માટે વિલન અને હિરોઈનની લડાઈમાં હીરોગીરી કરે છે ? તારી ઇચ્છા હોય તો મારા પછી તું પણ...'

એની વાત અધૂરી રહી ગઈ.

અચાનક જ કમલનો દેહ હવામાં ત્રણેક ફૂટ જેટલો અધ્ધર ઉછળ્યો. વળતી જ પળે એના પગની બેવડી લાત એ બદમાશની છાતીમાં સ્ટીમ રોલરના તોતિંગ ફટકાની જેમ ઝીંકાઈ.

એ પેલી યુવતીનું કાંડુ છોડીને પીઠ ભેર જમીન પર ઉથલી પડયો.. એનાથી બે-ત્રણ ફૂટ દૂર ઊભેલો કમલ કોધથી સળગતી નજરે તેની સામે તાકી રહ્યો હતો.

પેલો બદમાશ પીડાથી કણસતી હાલતમાં જમીન પર પડયો હતા. પરંતુ પછી અચાનક, એણે સૂતાં સૂતાં જ કમલના બંને પગ પકડીને જોરથી પોતાની તરફ ખેંચ્યા. આ અણધાર્યા હુમલા માટે કમલ તૈયાર નહોતો. એ પીઠભેર જમીન પર ઊથલી પડયો. એનું માથું એક ટેબલના ખૂણા સાથે અફળાયું અને જે સ્થળે ફૂટ પડી હતી, ત્યાંથી. લોહીની ધાર નીકળી આવી.

કમલની આંખો સામે અંધકાર ફરી વળ્યો. એ પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો.

આ દરમિયાનમાં પેલા બદમાશે ગજવામાંથી આઠ ઈંચના ફણાવાળી, સ્ટીલની લાંબી ચમકારા મારતી છૂરી ખેંચી કાઢી હતી અને છૂરીનો ઘા ઝીંકવા માટે તે કમલ તરફ જ આગળ વધતો હતો.

સહસા શાંત વાતાવરણમાં દૂરથી આવતી પોલીસની જીપના સાયરનનો અવાજ ગુંજી ઊઠયો.

એ અવાજ સાંભળી, છૂરીને ગજવામાં મૂકીને તે બદમાશ જાણે ત્યાં હતો જ નહીં એ રીતે પ્રવેશદ્વાર ઉઘાડીને નાસી છૂટ્યો. કોઈએ તેને અટકાવવાનો પ્રયાસ ન કર્યો. કમલે ઊભા થઈ, ગજવામાંથી રૂમાલ કાઢીને ઝખમ પર બાંધી દીધો.

આ દરમિયાન ગ્રાહકો તેને ઘેરી વળ્યા હતા. તેમાં જયપ્રકાશનો પણ સમાવેશ થતો હતો.

'મિસ્ટર...' અચાનક એ યુવતી કમલ સામે જોતાં બોલી, 'મારા અંગત મામલામાં તમે માથું મારનારા કોણ? તમને વચ્ચે દેહ- ડહાપણ કરવાનું કોણે કહ્યું હતું ?'

'તો શું કોઈ બદમાશ છડેચોક તારી આબરૂ લૂંટવા તૈયાર થયો હોય ને હું એમ ને એમ ચૂપચાપ તમાશો જોતો રહું? ના.બીજાની વાત જવા દે. પણ કમ સે કમ હું એટલો નમાલો કે કાયર નથી.'

'આબરૂ...?' સહસા ભીડમાંથી, એક ગ્રાહકે છણકો કરતાં કહ્યું, 'સાહેબ...તમે અહીંના અજાણ્યા લાગો છો, નહીં તો જે છોકરીની આબરૂ આજ પહેલાં પણ તેઓ છોકરીની મરજીથી જ લૂંટી ચૂક્યા છે, તેને બચાવવાનો પ્રયાસ ન કરત. સાંભળો...આ સોદો કરનારી એક કોલગર્લ છે. તેને અને આબરૂને સાત ગાઉનું છેટું છે.

એની વાત સાંભળીને કમલ ઘડીભર માટે સ્તબ્ધ બની ગયો. ‘સાંભળ...’ એણે એ યુવતીને ઉદ્દેશીને કહ્યું, 'હું તને ઉચ્ચ કુળની સંસ્કારી, શરીફ અને ખાનદાન છોકરી માનતો હતો. એક સારી છોકરીને ગુંડાના પંજામાંથી બચાવવા વચ્ચે પડયો હતો. એનો ઉપકાર માનવો તો એક તરફ રહ્યો ઊલટું તું લાજવાને બદલે ગાજે છે ?'

“તમે...તમે મને શરીફ અને ખાનદાન કુટુંબની કહી ?' યુવતીના અવાજમાં પશ્ચાત્તાપનો સૂર હતો.

પરંતુ એના સવાલનો જવાબ આપ્યા વગર કમલ બીલ ચુકવી, જયપ્રકાશનો હાથ પકડીને હોટલમાંથી બહાર નીકળી ગયો.