માતૃત્વ Urvi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વ



સૂર્યનાં કિરણો પણ ગજબ ના હોય છે સવારે શરીર પર પડે ત્યારે સુખ આપે અને બપોરે પડે ત્યારે પીડા. સૂર્યોદય એ નવા દિવસનો આરંભ છે અને નવા જીવન નો પણ. સૂર્યોદય પક્ષીઓ ને જગાડીને ખોરાકની શોધમાં જોડે છે જ્યારે માદા પક્ષી એટલે કે મા તો પોતાના માટે જ નહિ પણ પોતાના બચ્ચાં માટે પણ ખોરાક કોઈ પણ સંજોગોમાં લઇને જ માળા તરફ જાય છે જાણે બચ્ચાંને પણ અતૂટ વિશ્વાસ હોય કે તેઓ ભૂખ્યાં નહિ સુવા દેવામાં આવે.


સૂર્ય નો ફૂલગુલાબી તડકો નાનકડી રિન્કી ના ચહેરા પર પડતાં જ તે ચિડાઈ ગઈ,

" મમ્મી.."

" તારે માતા વૈષ્ણવી દેવીના મંદિરે નથી જવું? ચાલ ઊભી થઇ જા"

" મમ્મી ત્યાં તો પર્વત છે ને? પગથિયાં ચડવાનાં હશે ને? મને બહુ ગમે સવાર માં દોડવાની. હું ત્યાં બધાની પહેલા જઈશ હો."


" હા મારી દીકરી હા.. પણ તેના માટે તૈયાર તો થવું પડશે ને?"


આટલી વાત સાંભળી ત્યાં તો રિન્કી બેડમાંથી કોઈ કરંટ લાગ્યો હોય એમ ઊભી થઈ ગઇ. રિન્કી પહેલી વાર ત્યાં જઈ રહી હતી. આ પહેલાં કદી એણે પર્વત જોયો પણ ન હતો છતાં પણ આટલો ઉત્સાહ! મમ્મી ના આશ્ચર્ય નો પાર જ ના રહ્યો.


નીતિની એકની એક લાડકવાયી દીકરી. એમાં જ એનાં પ્રાણ વસે. દરેક મા નો જીવ એમના સંતાનોમાં જ હોય. ઘરના બધા સભ્યો કરતા નીતિનો રિન્કી સાથે અલગ જ લગાવ હતો. હજુ તો ચાર વર્ષ થયાં એના આવ્યા ને. નાનકડા હાથ જ્યારે બારી માંથી નીકળે ત્યારે કોનો જીવ ના બળે. ક્યારેય ન ખીજાતી નીતિ એ બરાબર ની સમજાવી. હા, નીતિ ની ખાસિયત હતી કે નાના બાળકો ને ખીજાવા કરતા સમજાવવું વધારે અસરકારક નીવડતું.


નાના - મોટા વૃક્ષો જાણે પાછળ જઈ રહ્યા હતા. ઠંડો ઠંડો પવન જાણે રિન્કી ને હેલો બોલવા બારી માંથી ડોકિયું કરતો હતો અને રિન્કી તો ખૂબ જ ખુશ.


સહપરિવાર ગયા હતા માતા ના દર્શન માટે પણ રિન્કી તો બધા ની આગળ દોડે જતી હતી. થોડી થોડી વારે પાછી આવીને એનર્જી ડ્રીંક માગે ને ફરી પાછી તેની મસ્તી ચાલું. મમ્મી એ ના છૂટકે પણ ખીજાવું પડ્યું કે તરત જ એનાં પપ્પા બોલ્યાં, " રમવા દેને એને." પણ કોઈને ક્યાં ખબર હતી કે રમવાનું એનું છેલ્લી વાર હશે.


ફરીથી રિન્કી પાણી પીવા માટે આવી. હજુ તો નીતિ પર્સ માંથી પાણી ની બોટલ કાઢે ત્યાં મારે પાણી નથી પીવું હું તો મજાક કરતી હતી એમ કહી ને તે પાછળ ની બાજુ દોડી અને તેનો પગ લપસ્યો. બીજી બાજુ નીતિએ તેનું પર્સ, પાણી ની બોટલ ઘા કરી ને રિન્કી નો હાથ પકડવા ગઈ. પણ દુર્ભાગ્યવશ તેનો હાથ ના પકડી શકી ને તેની નજરની સામે જ એ માસૂમ ચહેરો, આંસુ થી ભીંજાયેલો અને મમ્મી-મમ્મી ની બુમ પાડતો ઊંડી ખાઈ માં આલોપ થઇ ગયો.

રિન્કી..... મારી રિન્કી ને બચાવો…

* * *


એની આંખ ખુલી તો તે પોતે જમીન પર પડી ગયેલી. ફરી એ જ સપનું….

“બે વર્ષ થયા એ ઘટનાને. હજુ તું એ જ સપનાં જુએ છે? મૃત્યુ બધાનું થાય એમાં આટલો શો વિલાપ?”

“ઘટના? આને તમે માત્ર ઘટના કહીને ભુલાવી શકો પણ માનું હૃદય એ કાળમુખી દુર્ઘટનાને ક્યારેય વિસરી ના શકે. શું આપણે ફરીથી ત્યાં….”

“ફરી પાછી પાગલો જેવી વાત કરી. મેં કેટલી વાર સમજાવી તને, પણ સમજે કોણ? આપણે તે દિવસે જ ફોરેસ્ટ વિભાગ ના ઓફિસર ને વાત કરી હતી ને? તેમણે ત્યાં બનતી બધી તપાસ કરી ને? શું તું તારી જાતને એ ઓફિસર કરતાં પણ વધારે સમજે છે? અને આપણો આ સ્મિત? એનામાં મનને પરોવ. તું ભૂલી જઈશ એને.”

“વાહ.. અત્યાર સુધી મારી લાડકી, મારી લાડકી એ હવે ‘એને’ થઈ ગઈ? તમે બધા પુત્ર મોહમાં આંધળા છો હું નહિ કારણ કે હું એક મા છું. હું દીકરો કે દીકરી એક જ છે જેમાં મારા પ્રાણ વસ્યાં છે. કેવી કરુણા છે! દીકરાના જન્મનાં આનંદમાં દીકરીના મૃત્યુ નો શોક જાણે અદ્રશ્ય થઈ ગયો અને સંતાન એ કોઈ રમકડું નથી કે એક ના બદલે બીજું ચાલે, એક હોય તો બીજું ભૂલાય જાય.”


પતિ નીતિન અને ઘરનાં સભ્યો આટલા સમય બાદ એ દુર્ઘટના ને યાદ કરી નીતિ ને આક્રંદ કરતાં જોઈ એમને પાગલ જ સમજી લીધી. આ પણ ઓછું હોય એમ દીકરી રિન્કી નો પગ લપસ્યો ને નીતિ તેનો હાથ ન પકડી શકી એમાં મૃત્યુ નો દોષ પણ નીતિ પર લાદયો. બિચારી નીતી આટલા સમય સુધી આ દોષ સાંભળતી આવી ને હવે પોતાને જ અપરાધી માનવા લાગી. દરરોજ રાત્રે એક જ સપનું આવે અને એને યાદ અપાવતું રહે કે એના લીધે જ રિન્કી ના બચી શકી.

બીજી બાજુ, આ દુર્ઘટના પછી થોડા સમય માં જ નીતિ ને ગર્ભ રહ્યો. બધા કહેવા લાગ્યા કે રિન્કીનો જ બીજો જન્મ છે પણ કોણ જાણે કેમ નીતિ ને થતું કે આ રિન્કી તો નહીં જ હોય. એ અપરાધબોધ ની અગ્નિ વચ્ચે પણ ક્યાંક એવી આશાની ઠંડક હતી કે રિન્કી બચી ગઇ હશે તો? પણ આટલી ઊંચાઈ એ થી પડીને કુમળો જીવ કેવી રીતે બચી શકે? કોઈ પણ એની વાત પર વિશ્વાસ ન કરતું અને સ્મિત ના આવ્યા પછી તો કોઈ તેની વાત સાંભળવા તૈયાર જ નહોતું. બધાના મનમાં છૂપાયેલી પુત્રપ્રાપ્તિ ની ઈચ્છા હતી જે હવે વ્યક્ત કર્યા વગર જ પૂરી થઈ ગઇ હતી અને માત્ર એની ખુશી જ દેખાતી હતી. એવું ન હતું કે નીતિ ને સ્મિતના જન્મનો કોઈ આનંદ ન હતો. એ સ્મિત ને પણ એટલો જ પ્રેમ કરતી જેટલો રિન્કીને કરતી પણ શું કરે સ્મિતના નાનકડા હાથ જોઈ ને રિન્કીનો હાથ ન પકડી શક્યાનો વસવસો પ્રેમ અને આનંદથી ઉપર જતો રહેતો.


સ્મિતના રડવા ની સાથે એને રિન્કી ની એ છેલ્લી કારમી ચીસ યાદ આવતી ને પછી કલાકો ને કલાકો સુધી એની આંખો સુકાતી ન હતી. એ કરે તો પણ શું કરે? કોઈને એની પરવા જ ન હતી. રડવા સિવાય કોઈ ઉપાય શેષ હતો એની પાસે?

* * *


ત્રણ વર્ષ પછી…


હૃદય પર પત્થર મૂકીને પોતાને મેન્ટલ હોસ્પિટલ જવાથી બચાવવા નીતીએ એની આંખો સૂકવી નાખી.

“મમ્મી.. મમ્મી.. ચાલ જલ્દી મમ્મી…” રડતો રડતો ચાર વર્ષ નો સ્મિત આવ્યો.

“શું થયું બેટા? કંઇક તો બોલ.”

“મમ્મી, રિયા…” એના ધબકારા વધી ગયા હતા અને શ્વાસ ચડી ગયો હતો.

“ એનો પગ ત્યાં..”

આટલું સાંભળી ને નીતિએ દોટ મૂકી. સ્મિતની મિત્ર રિયાનો પગ વૃક્ષની જાળીમાં ફસાઈ ગયો હતો અને એ રીતે ફસાયો હતો કે જો એ પોતે કાઢવા જાય અને બેલેન્સ બગડે તો નીચે પડી શકાય એમ હતું. સ્મિત કોશિશ કરીને થાકી ગયો હતો અને ડરી પણ.

જલ્દીથી સાવધાની સાથે નીતિ એ રિયા નો પગ સફળતાપૂર્વક બહાર કાઢ્યો. સ્મિત ખુશ થઈ ગયો હતો પણ..

“ના પાડી હતીને તમને અહીઁ આવવાની. સમજ નથી પડતી તને? કોઈ વાત માં ખબર નથી પડતી. કંઈ ગંભીર લેવું જ નથી.” એક એક શબ્દ ના અંતે બિચારા સ્મિત ના ગાલ પર જોરદાર તમાચો પડતો હતો અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પેલી રિયાને પણ માર પડ્યો. જાણે નીતિ પાગલ થઇ ગઇ હોય. ત્યાં નીતિન આવ્યો અને સ્મિતની સામે જ નીતિને બે - ચાર તમાચા મારી દીધા અને બંને બાળકો ને લઇ ગયો.

તમાચા જેટલા સ્મિત પણ પડયા એનાથી વધુ ઘાવ જે રિન્કી ના મૃત્યુ થી તેના હૃદય પર પડ્યા હતા એની પીડા વધુ હતી. એક બાજુ સ્મિત રડે ને બીજી બાજુ નીતિ ચોધાર આંસુ એ રડે. સ્મિત કરતાં વધુ પીડા નીતિની હતી.


નીતિએ માંડ હજુ એ ઘટના ને ભુલાવી જ હતી ત્યાં રિયા નો પગ કાઢતાં લાગ્યું કે ક્યાંક રિન્કી ની જેમ તેનો પગ પણ… અને સ્મિત….ફરી ચાર વર્ષના સ્મિતને કંઇક થઈ ગયું તો… એ વિચારીને જ ….. ન ઈચ્છતા તેના હાથે નાનકડા સ્મિતને સજા મળી ગઇ પણ એ ક્યાં જાણતો હતો કે મજા ની સજા કેમ બની અને ક્યારે બની જાય છે એ નીતિથી વિશેષ કોણ જાણતું હતું.

નીતિના આ વ્યવહાર પછી તેને જ મેન્ટલ હોસ્પિટલ માં મોકલી દેવામાં આવી. સ્મિત ને કદાચ એ મમ્મીની ચિંતા મિશ્રિત પ્રેમ અને એ તમાચા મંજૂર હતા પણ મમ્મીથી અલગ રહેવું નહીં માટે જ તેને આટલા દિવસો દરમિયાન વ્યવસ્થિત ભોજન પણ ના કર્યું. આથી, નીતિને નાછૂટકે નીતિ ને લાવવી પડી.


તે દિવસ થી આજ દિન સુધી ક્યાયેય પણ નીતિ એ સ્મિત સામે એક આંસુ પણ વહાવ્યું નથી તો પણ સ્મિતે એના એક એક આંસુની ભીનાશ ને સમજી છે. સ્મિત હવે કૉલેજ માં આવી ગયો છતાં પણ ક્યારેય એ દુર્ઘટના વિશે પૂછ્યું નથી કારણકે એ જાણે છે કે આ વાત નીકળતા જ આટલા વર્ષો સુધી રાખેલો સંયમનો બંધ તૂટી જશે. પણ આજે એમને હિંમત કરીને પૂછી લીધું.


“મમ્મી, તું પાગલ નથી. તને પાગલ સમજનારા પાગલ છે. એક માતા પોતાની નિર્દોષ લાડકવાયી માટે આંસુ વહાવે તો એ તેનું માતૃત્વ છે પાગલપણું તો નથી જ. આ માટે હું પપ્પા ને ક્યારેય માફ નહિ કરું… ક્યારેય નહી.” તે દિવસે સ્મિત મમ્મીના થપ્પડ થી નહિ પણ મમ્મીના આંસુ થી રડતો હતો અને આજે એ જ આંસુ તેની આગ બની ગઈ હતી, ક્રોધ ની આગ.

“બેટા આવું ન બોલ. રિન્કી ના મૃત્યુનું દુઃખ મને આજે પણ છે છતાં મારે તારી સાથે આવો દુર્વ્યવહાર નહોતો કરવો જોઈતો હતો. આટલા નાનકડા બાળક ને આટલી જોરથી મારું તો પાગલ જ ગણાઉં ને”

“બિલકુલ નહિ, જો તે મને ત્યારે ના રોક્યો હોત તો કદાચ મારી સાથે પણ એ જ થયું હોત જે રિન્કી દીદી સાથે…”

“બેટા.. શું બોલે છે તું..”

“મમ્મી રિન્કી દીદી નો પગ તારા કારણે નથી લપસ્યો કે તેનો હાથ ન પકડી શકી એમાં તારો દોષ નથી. કોઈ પણ મમ્મી હંમેશા તેના બાળકને કેવી રીતે પાડી શકે. તે ફક્ત પ્રેમ કર્યો છે મારી અને દીદી સાથે. પ્લીઝ તારી જાતને દોષી માન.”


આજે સ્મિતે સિદ્ધ કરી દીધું કે જેવી રીતે મા માટે દીકરી કે દીકરો મહત્વનો નથી પણ એ તેનો જ અંશ છે એ જ મહત્વનું છે. સ્મિતે પોતાના પપ્પાની જેમ મમ્મીને દોષી ન માની. કહેવાય છે ને કે દીકરી વધુ લાગણીશીલ હોય અને સમજુ પણ. આજે સ્મિતે બતાવી દીધું કે એક દીકરો પણ માના હૃદયને સમજી શકે છે.


* * *


થોડા દિવસ પછી…


“મેમ, આ ‘દુર્ઘટના’ ના લીધે હું દુઃખી છું. અત્યાર સુધી મને ખબર નહોતી પણ જ્યારથી મમ્મીએ કહ્યું છે ત્યારથી ભણવામાં ધ્યાન નથી લાગતું”

સ્વાતિ મેમ સ્મિતના નબળા પરિણામના લીધે સ્મિત ને સમજાવી, તેની સમસ્યાને સમજીને ઉકેલવા માટે તેને બોલાવ્યો હતો. માતા વૈષ્ણવીદેવીના મંદિરનું નામ સાંભળી ને કોઈ કરંટ લાગ્યો હોય એમ ચોંકી ગયા.

“મારું મોટા ભાગનું બાળપણ ત્યાં જ વીત્યું છે. મારા મમ્મી પપ્પા પહેલાં ત્યાં જ રહેતા હતા. જ્યારે હું નહોતી આવી ત્યારે તેઓ માતા ને પ્રસન્ન કરવા ત્યાં નીચે ખાઈ માં રહેતા. પછી મારા ભણતરના લીધે અહીઁ આવ્યાં.”

“ખાઈ માં કોઈ રહેતું હશે?”

“હા, ત્યાં લોકો રહી શકે પણ એ દુર્ગમ વિસ્તાર છે એટલે ત્યાંના વિશે કોઈ ને ખબર નથી. મારા મમ્મી-પપ્પા માતાના મોટા ભક્ત છે એટલે ત્યાં સંતાનપ્રાપ્તિ હેતુ ત્યાં તપસ્યા કરતાં.”

“આ યુગ માં તપસ્યા?

“ત્યાં રહેવું એ તપસ્યા જ છે. તું એક વાર આવજે હું બતાવીશ કેટલું અઘરું છે ત્યાં રહેવું.”

“ મેમ, જો તમને વાંધો ના હોય તો કાલ આપણે જઈ શકીએ? મારે એ સ્થળ જોવું છે પણ મારા મમ્મી ખૂબ જ સ્ટ્રેસ માં છે તો હું તેને ત્યાં લઈ જઈ વધુ સ્ટ્રેસમાં ન નાખી શકું.”

“ચોક્કસ, આપણે કાલે જ જઈશું.”


સ્મિતને આખી રાત ઊંઘ ન આવી. એની હાલત પણ એવી જ હતી જેવી રિન્કીના મૃત્યુની રાતે નીતિની હતી. ફરક માત્ર એટલો હતો કે નીતિ માટે શોકની રાત હતી અને સ્મિત માટે ખુશી અને આશ્ચર્યની. સ્મિતને ખરેખર વિશ્વાસ નહોતો આવતો કે મેમ ના ઘરમાં લાગેલી તસવીર તો તેની દીદીના બાળપણની તસ્વીર જેવી જ હતી. શું તે…..

બીજી જ સવારે મમ્મીને જગાડી તેને સરપ્રાઈઝ સ્થળે જવાનું છે એમ કહી ને લઇ ગયો. નાના-મોટા વૃક્ષો જાણે પાછળ જઈ રહ્યા હતા. ઠંડો ઠંડો પવન જાણે નીતિને હેલો બોલવા બારી માંથી ડોકિયું કરતો હતો પણ નીતિને ગભરામણ થવા લાગી. તે એ જ દિશા માં જઈ રહી હતી જ્યાં પોતાની વહાલી…


“સ્મિત, તું મને ક્યાં લઇ જઇ રહ્યો છે? તને એમ કે મને કશી જ ખબર નહિ પડે. પછી લે ગાડી.”

પણ સ્મિત \એ કંઈ ન સાંભળ્યુંને સીધી મેમના ઘર એ જ ગાડી ઊભી રાખી. પાછળ જોયું તો મમ્મી બેહોશ થઈ ગઇ હતી. તેને હોંશમાં લાવીને તરત જ એણે પેલી તસ્વીર જોઈને ખુશી એટલી થઈ કે સ્મિતને લાગ્યું કે ફરી બેહોશ થઈ જશે. તેને ખબર હતી કે આમ જ થશે. મમ્મી પણ તેની જેમ આશ્ચર્ય અને ખુશીથી પોતાની જાતને સાંભળી નહિ શકે. અને આ વાત નો ખુલાસો કરવા સ્મિતે મેમને કહી \ને તેમના મમ્મી-પપ્પા ને બોલાવી લીધા હતા.


“એક દિવસ હું લાકડા લેવા જતો હતો. ત્યાં ઉપર થી એક માસૂમ કન્યા ચીસ પડતી નીચે પડી ને માતાના આશીર્વાદ થી હું એને મારા હાથ જીલી શકયો. મેં તેમને માતાનો પ્રસાદ સમજ્યો. તે આખી રાત એ બેહોશ જ રહી પણ મૃત્યુની આટલી નજીક હોવાથી તેને ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો કે તેમાં મોં માંથી મમ્મી-મમ્મી નીકળતું હતું. પણ મમ્મીનું નામ, પોતાનું નામ બધું ભુલી ગઇ હતી. અમે ડોક્ટર પાસે લઈ ગયા હતા તો ખબર પડી કે જો ફરીથી તેને આઘાત લાગી શકે વધુ પૂછવાથી. અમે પૂજારી ને જાણ કરી પણ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. ખૂબ કોશિશ કરી તેના માતા - પિતા ને શોધવાની પણ અમે નિષ્ફળ રહ્યા અને ડોક્ટરની સલાહ થી અને માતાનો આશીર્વાદ સમજી પોતાની દીકરી ની જેમ ઉછેરી.”

સ્વાતિ મેમના બાળપણની તસ્વીર જેમાં તે નીચે પડી હતી. નક્કી થઈ ગયું કે સ્વાતી મેમ જ રિન્કી હતી. રિન્કી તેના મમ્મીને જોઈને તેની ઝાંખી યાદો આવી ગઈ. ધીરે ધીરે તેના બાળપણ ના જે પળો નીતિ સાથે વીત્યા હતા એ પણ યાદ આવી ગયા. નીતિ ની હાલત શબ્દો માં વર્ણવી શકાય એમ નહોતી. પણ સ્વાતિ એટલો લગાવ ન અનુભવી શકી કારણ કે ત્યાર બાદ એ આજે બધું તેના પપ્પા પાસે થી જાણી રહી હતી બાકી અત્યાર સુધી આ જ તેના મમ્મી-પપ્પા હતા.

સ્વાતિ ઉર્ફે રિન્કી ને ભલે બધું યાદ આવી ગયું હતું પણ તેની મોટા ભાગની જિંદગી આ મમ્મી-પપ્પા સાથે વીતી હતી અને તેના મમ્મી-પપ્પા પણ સંતાન માટે જૂર્તા હતા. સ્મિત પણ નક્કી કરી નહોતો શકતો કે અત્યાર સુધી મેમ તરીકે જે એમની સાથે હતા તે વાસ્તવમાં એમના દીદી હતાં. શું તેમની સાથે એ દીદી ની જેમ રહી શકશે? રિન્કી શું ફરીથી જેના માટે નીતિ પાગલ બની ગઈ હતી તેની સાથે ખુશી થી રહી શકશે તેનો આધાર ફક્ત નીતિના નિર્ણય પર હતો.


* * *


એક અઠવાડિયા નીતિ સાથે રહી ને પછી રિન્કી ફરીથી એમના મમ્મી-પપ્પા પાસે જતી રહી કારણ કે….


“હું આટલા વર્ષો સુધી રિન્કી માટે દુઃખી હતી પણ એને હું તેના મમ્મી પપ્પાથી અલગ નહીં કરી શકું. તમે જ સાચા અર્થ માં તેના માતા-પિતા છો જેમને તેમને મૃત્યુમાંથી બચાવી ને જીવન આપ્યું. મારું માતૃત્વ હંમેશા કોઈપણ પરિસ્થિતિમાં સંતાન ની ખુશી જ ચાહતું હતું, ચાહે છે અને ચાહશે ભલે તે મારાથી દૂર પણ કેમ ન હોય.


* * *


આ વાર્તા સમર્પિત છે

જગતનો સર્વશ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ એવા એક માત્ર માતૃત્વ ને.