બ્રહ્મચર્ય Urvi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મચર્ય

                               બ્રહ્મચર્ય 


“પ્રભુ, મે કંઈ પણ એવું કાર્ય નથી કર્યું જેના લીધે મારે આ કષ્ટ સહેવું પડે.”

“શું હું નથી જાણતો?”

“પ્રભુ, તો શા માટે મૌન છો? આ અભાગીને મદદે આવો. હું ભષ્ટ થઈ ગયો છું. તમે એક જ માત્ર આશ્રય છો. પ્રભુ”


ભગવા વસ્ત્રો,લાંબી સફેદ દાઢી, ચહેરા પર વર્ષો સુધી કરેલા તપનું તેજ, ભિક્ષા પર નિર્વાહ પામેલો સપ્રમાણ દેહ અને અશ્રુ ભરેલી અસહાય આંખો દ્વારા દેવાનંદ પ્રભૂશ્રી સ્વામી સત્યાનંદજી એક માત્ર આશાનું કિરણ તેઓના શરણે આવ્યો.


આજનો સૂર્ય દેવાનંદ માટે પ્રકાશ નહિ પણ અંધકાર લઈને આવ્યો હતો. દરરોજ સવારે પ્રાત: આશ્રમ ના સર્વે સાધુગણ ગંગાસ્નાન માટે તટ પર જાવ પાંચ વાગ્યે એકઠા થતા. ત્યારબાદ આશ્રમ માં ગુરુદેવ વિશ્વાનંદજી નું પ્રવચન રહેતું. લોકો તમને સાંભળવા દૂર દૂરથી આવતા. આશ્રમ આ માટે ખૂબ પ્રશંસનીય હતો. 


   ગુરુદેવની પહેલા પ્રભુ શ્રી સ્વામી સત્યાનંદજી ગુરુદેવના પદે હતા. હવે તેઓ શતાયુ વર્ષના થયા છે અને વૃદ્ધત્વ ના લીધે હવે માત્ર સમાધિ માં લીન રહે છે. આશ્રમનું કામ-કાજ છોડી દીધું છે. કોઈ સાધુગણને મળતા પણ નથી તો સામન્યજન નું તો કહેવું જ શું? પરંતુ દેવાનંદના તે ગુરુ જ નહિ પણ પિતા અને ઇશ્વર સમાન છે આથી દેવાનંદ પોતાની નિર્દોષતા સાબિત કરવા અહીઁ પધાર્યો છે.


  આજ સવારથી જ આશ્રમમાં કંઇક એવું બની ગયું કે જે સ્વપ્નમાં પણ ન વિચારી શકાય. સવારે પાંચ વાગ્યે ગંગાસ્નાન માટે તૈયાર થવા અન્ય સાધુ દેવાનંદના રૂમમાં જ્યારે ગયા ત્યારે જે જોયું તે અવિશ્વસનીય હતું. દેવાનંદ ની શૈયા પર આશરે દસ વર્ષની બાળકી પોતાના જીર્ણ વસ્ત્ર સાથે અચેત પડી હતી. 


  આશ્રમ માં સ્ત્રીઓને આવવાની મનાઈ હતી અને રાત્રિરોકાણ તો પ્રતિબંધિત હતો. વર્ષોથી આ જ પરંપરા ચાલી આવતી હતી તેનો સાક્ષી દેવાનંદ પણ હતો છતાં આજે સંન્યાસીને શર્મશાર કરી દે એવું કૃત્ય કર્યું હતું. તેણે ન ફક્ત બાળકી ને આશ્રમ માં રાત્રિરોકાણ કરાવ્યું પણ તેની સાથે અશ્લીલતા પૂર્ણ વ્યવહાર કર્યો હતો. એ બાળકીએ સ્વયં જ કબૂલાત કરી હતી જેથી પ્રમાણની જરૂર પણ નહોતી.


  ગુરુદેવના પગ નીચેથી જમીન સરકી ગઈ. જાણે તે પોતે કોઈક અન્ય ના આશ્રમમાં હોય તેવી અનુભૂતિ થઈ ઉપરાંત જે વ્યક્તિ પર દોષ હતો તે તો  કોઈ સ્ત્રી ને શું પુરુષને પણ સ્પર્શ ના કરે એટલો શીલવાન સાધુ હતો. ગુરુદેવ તેની ઉપર વધુ સ્નેહ વરસાવતા કારણ કે તે માત્ર પાંચ વર્ષનો હતો ત્યારથી વૈરાગ્ય ધારણ કરેલું તેનામાં અદમ્ય શક્તિ હતી. છતાં…..


  ગુરુદેવએ આંખમાં અશ્રુ સાથે અંગારા વરસાવતા દેવાનંદને કઠોર શબ્દ કહ્યા, ‘જો સંન્યાસી પણ આ પ્રકાર ના દુષ્કૃત્ય કરશે તો માતાઓ બહેનો ક્યાં સુરક્ષિત અનુભવશે? દેવાનંદ તે માત્ર તારા શરીરને જ નહિ પણ આત્માને પણ અપવિત્ર અને કૃષ કર્યો છે. જ્યારે સંસારી પુરુષ દુષ્કૃત્ય કરે ત્યારે માત્ર પૌરુષ પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે પણ જ્યારે સંન્યાસી કરે ત્યારે માત્ર સાધુ જ નહિ પણ ઇશ્વર પ્રત્યે ની શ્રધ્ધા પર પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.લોકો શું કહેશે સાધુ બ્રહ્મચર્ય ના વ્રત માટે સ્ત્રીનું મુખનું પણ દર્શન નથી કરતાં અને આવું દુષ્કૃત્ય કરવામાં…. ’ ગુરુદેવ આગળ ના બોલી શક્યા.

  દેવાનંદ ને આ સાથે જ આશ્રમમાંથી નિષ્કાશિત કરી દેવામાં આવ્યો અને આ બાજુ આ શરમજનક સમાચાર લોકોના કાન સુધી પહોંચતા સમય ન લાગ્યો. સિદ્ધિ પહોંચતા કદાચ સમય લાગે પણ કલંક પહોંચતા નહિ. 


“પ્રભુ, આ કલંક મારાથી સહન નહિ થાય. પ્રભુ, હું સત્ય પ્રતિજ્ઞા કરુ છું કે લોકો, સાધુગણ ભ્રમિત થઈ રહ્યા છે. મારા શિષ્યોનો આદર્શ ખંડિત થઈ રહ્યો છે. મદદ કરો પ્રભુ હું આપની શરણે છું.”


“વત્સ, તું તો વૈરાગી છો. લોકનિંદાનો તને શું ભય? શિષ્યો પ્રત્યે મોહ કેવી રીતે જાગ્યો?”


પ્રભૂશ્રીની ગોદ માં જ્યારે દેવાનંદ પાંચ વર્ષ નો હતો ત્યારથી તેના માર્ગદર્શન માં શાસ્ત્ર, સંસ્કાર, ચારિત્ર્યના પાઠ પ્રભૂશ્રી એ સ્વયં શીખવ્યા છે. પ્રભુશ્રીને એ કેળવણીમાં શ્રધ્ધા હતી. પ્રભુશ્રીને જ્ઞાત હતું કે દેવાનંદ આવું કૃત્ય ન જ કરી શકે. પણ તેનું વૃતાંત તેના મુખેથી સાંભળીને જ આ વિશ્વાસ દર્શાવવાની અભિલષા હતી. 


“પ્રભુ, વૈરાગી ને એવો અધિકાર નથી કે તેના કારણથી અન્યને કલંકિત કરે ભલે તે સ્વયં રાગ દ્વેષથી વિરક્ત હોય. પ્રભુ, મારા પર લાગેલ મિથ્યા કલંક ના લીધે આપણો આશ્રમ , મારા પ્રિય ગુરુદેવ, આપશ્રીને , સમસ્ત સંન્યાસી  અપમાનિત થયા છે.” અશ્રુ ભરી આંખો વારંવાર સ્વયં ની નિર્દોષતા નું પ્રમાણ આપી રહી હતી.


“વત્સ, અશ્રુ પ્રાયશ્ચિત નિશાની છે અને પ્રાયશ્ચિત અપરાધબોધ ની. શું તે જાણે - અજાણે કંઈ અપરાધ કર્યો છે?” આ પ્રશ્ન તેના હૃદય પર સૌથી વધારે વેગથી વધુ પીડા સાથે શુળ ની જેમ ખૂંપી ગયો ને તેનું દર્દ ગુરુદેવ, આશ્રમના અન્ય સંન્યાસીના તિરસ્કાર કરતાં પણ વધારે હતું. 


“ના પ્રભુ, ઇશ્વરની સાક્ષી છે. એ બાળકીની સોગંદ, મે જાણે અજાણે એ બાળકીને માનસિક શારીરિક દુઃખ પહોંચે તેવો કોઈ અપરાધ નથી કર્યો.”


“તો પછી તારી આ સ્થિતિ માટે કોણ ઉત્તરદાયી, વત્સ?” 


“પ્રભુ, એ પુત્રીને નશીલા પદાર્થ નું સેવન કરાવવાથી તેની સાથે થયેલા સદ્વ્યવહારને અને તે કરનારનું વિસ્મરણ થઈ ચક્યું છે માત્ર તેણીને તેની પીડા જ સ્મરણ છે આથી તેણીએ આવી કબૂલાત કરી છે પ્રભુ.”

જે તેજ દેવાનંદ ના મુખ પર વર્ષોથી પ્રભુશ્રી એ જોયું હતું તે આજે અસહાય ના અશ્રુ ના પ્રવાહ વહી રહ્યું હતું.


“વત્સ, હું અનુભવી શકું છું કે તારા હૃદય અત્યંત પીડામાં છે. તારા અંતરમાં જે કંઈ હોય તે નિઃસંકોચ કહી શકે છે. મોક્ષ માટે હૃદય નિર્મળ અને કોમળ રાખવું અનિવાર્ય છે.” 

આજે એ દિવસ હતો જ્યારે પ્રભુશ્રીના દેવાનંદ ને મોક્ષ પ્રાપ્તિ નો માર્ગ દર્શાવવાના હતા પણ એ  પહેલાં આ ન બનવાનું બની ગયું.

 દેવાનંદ જાણે પ્રભુશ્રી ના આ જ આદેશની પ્રતીક્ષા કરતો હોય એમ સમગ્ર વૃતાંત કહી દીધો. 


“પ્રભુ, મને આપના પર પૂર્ણ વિશ્વાસ છે. આપ મારા પ્રત્યેક કથનને સત્ય માની વિશ્વાસ કરશો.”


“વત્સ, મને પૂર્ણ વિશ્વાસ છે.”


  “તે દિવસ મને ભિક્ષા મળવામાં વિલંબ થઈ ગયો. ભૂખ તરસથી વ્યાકુળ હું નિર્જન સ્થાન માં આવી પહોંચ્યો. રાત્રિ થઈ ગઈ હતી. સાવ નિર્જન આવા સ્થાન પરથી તરત જ જવાની ઉતાવળ પણ હતી. ત્યાં મને નાનકડી બાળકીની કરુણ ચીસ સંભળાઈ. હું મારા પગને રોકી ના શકયો.  એ દિશા તરફ ગયો. ત્યાં મકાનમાંથી એ પુત્રી દોડીને  અચાનક બંને  કુમળા હાથથી મને પકડીને ડુસકા ભરીને રડવા લાગી.” 


  “અચાનક થયેલા એ બાળકીના સ્પર્શથી હું ચોંકી ગયો. મારું બ્રહ્મચર્ય ખંડિત થવાના ભયથી મેં તેને અળગી કરી. બાળપણથી, પાંચ વર્ષનો હતો ત્યારથી હું  સ્ત્રીથી દૂર રહ્યો છું. અચાનક થયેલા સ્પર્શથી મે કંપન અનુભવ્યું.”


“પ્રભૂશ્રી મારો વિશ્વાસ કરો. તે સંવેદના વાસના નહિ પણ વાત્સલ્ય હતું, પરંતુ મારા બ્રહ્મચર્યના વ્રતના લીધે હું તેને ત્યાં મૂકી ને બીજી દિશા  તરફ ચાલવા લાગ્યો. બાળકી પોતાની અશ્રુ ભીની આંખોથી , લાચાર નિર્બળ, અર્ધવસ્ત્ર શરીરથી મને ફરીથી પકડી ને કહ્યું, ‘બાબા બચાવો, બાબા બચાવો’”


   “પણ હું મારા વ્રતના વિચારમાં જ હતો. તેને ત્યાં મૂકવી મુશ્કેલ હતી છતાં મે ત્યાંથી નીકળી જવાનો વિચાર કર્યો. હજુ હું કોઈ વ્યક્તિ ને મદદ માટે બોલાવવાનો વિચાર કરતો જ હતો ત્યાં ચાર પાંચ વ્યક્તિ તેને કેશથી ખેંચીને નિર્દયતાપૂર્વક એ ભયાનક દેખાતા મકાનના એક રૂમમાં લઇ ગયા.” 


  “મારી આંખો સામે જ એક માસૂમ બાળકી ની સાથે આટલો નિર્દય વ્યવહાર? હું કેવી રીતે સહન કરું પ્રભુ? મારે ન ઈચ્છતા પણ બ્રહ્મચર્ય નું વ્રત ખંડિત કરીને મારા પગ અને ક્રોધ બંને એ દિશામાં આગળ વધ્યા. હંમેશા વિનયપૂર્વક દ્વાર ખખડાવી ને ‘ભિક્ષા દેહિ ’ કહેનાર હું પગથી દ્વાર તોડીને અંદર ગયો.” 


  “બાળકી સાથે એ અધર્મીઓ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા જ હતા ત્યાં મને અચાનક જોઈને તેઓ પાછળ ના દ્વાર થી નાસી ગયા. બાળકી ત્યાં અચેત પડી હતી. ત્યાં બાળકી ને એકલી મૂકી ને જતું રહેવું હિતાવહ નહોતું. ત્યાં પડેલી શાલ ઓઢાડીને હું બહાર આવ્યો. પણ ક્યાંયથી મદદ મળે તેમ નહોતું કારણ કે એ નિર્જન સ્થાન હતું”. 


  “બે-ત્રણ દિવસ થી ભૂખ તરસ થી પીડાયલો આ કોમળ દેહ , કરુણ ચિત્કાર કરી કરીને સુકાયેલો કંઠ અને અશ્રુ વહાવીને નીરરહિત થાકેલી આંખો જાણે હવે વિશ્રામ માંગી રહ્યા હોય એમ સચેત ન થયા. 

ત્યાં કોઈ પણ સજ્જન દેખાયું નહીં અને અર્ધરાત્રિ પણ થઈ ગઈ હતી. બાળકી ને ક્યાંય પણ મૂકીને જઈ શકાય તેમ નહોતું અને આશ્રમ માં સ્ત્રીનું રાત્રિરોકાણ શક્ય ના હતું. 

  પ્રભુ, મોડી રાત્રે કોઈ પણને જગાવીને આ વૃતાંત કહ્યું હોત તો મને બાળકીને બહારના ખુલ્લા ક્ષેત્રમાં રાખવાનું કહ્યું હોત. આટલી અસહ્ય ઠંડીમાં આટલી પીડામાં તેણીએ પ્રાણત્યાગ જ કર્યો હોત. આથી મારી પાસે તેને મારા રૂમ લઇ આવવા સિવાય અન્ય ઉપાય શેષ ન હતો.” 


  “પ્રભુ, ઇશ્વર ની સોગંદ, સ્ત્રીના સ્પર્શ માત્ર થી મારું બ્રહ્મચર્ય ખંડિત થઈ ગયું હતું છતાં પણ હું તે રાત્રિ એ બાળકી ની સાથે એ રૂમમાં રહ્યો નહોંતો. હું બહાર ઠંડી માં , ધ્રુજતા ધ્રુજતા શેષ રાત્રિ અનિદ્રામાં પસાર કરી. સવારે જ્યારે હું મારા રૂમમાં ગયો ત્યારે બાળકી જાગી ચૂકી હતી અને મને જોઈને તેને તેની પીડા યાદ આવી ગઈ અને નશીલા પદાર્થના લીધે બાળકી એ અધર્મીઓ મને માની બેઠી. પ્રભુ મે જો કઈં પણ અસત્ય કહ્યુ હોય તો ઇશ્વર મને દરેક જન્મમાં આ પીડાનો ભાગીદાર બનાવે. ”


 આખો વૃતાંત સાંભળતા સ્વયં પ્રભુશ્રી જે થોડી ક્ષણો પહેલાં દેવાનંદ ના અશ્રુ વિશે ઠપકો આપતાં હતાં તે સ્વયં રડી પડ્યા. 


“વત્સ, તારા આ બ્રહ્મચર્ય પર મને ગર્વ છે. ઇશ્વર સાક્ષી છે. તારા કૃત્ય માં તને કોઈ પણ ભય પ્રાપ્ત ન થાઓ. તું સંપૂર્ણપણે નિર્મળ છો, વત્સ”


 “જો તે બાળકીને સ્પર્શ કરવા કરતાં પોતાના બ્રહ્મચર્યના માત્ર સિદ્ધાંતને પકડી રાખ્યો હોત તો તું મારા હૃદયમાંથી પણ નિસ્કાસિત કરવામાં આવ્યો હોત અને જો તે બાળકીને ત્યાં નિર્જન સ્થાન પર નિ:સહાય છોડી  હોત તો તું ઇશ્વર ના હૃદયમાંથી પણ નિસ્કાસિત કરવામાં આવ્યો હોત.”


  “તારા આ કર્મથી ભલે તું આશ્રમમાંથી નિસ્કાસિત થયો. તને જેટલી પીડા મિથ્યા કલંકથી થાય છે તેના કરતાં અનેક ગણી પીડા બાળકી ના શરીર અને મનને થઈ હોત જો તે એ ચીસને તિસ્કૃત કરી હોત. વત્સ, હજારો માતાઓ અને બહેનો જીવનભર આ કલંકથી પીડાઇ છે. તારા આ કલંકથી આકર્મ થી તે બાળકીને પીડામાંથી ઉગારી છે. ધન્ય છે વત્સ, તું ધન્ય છે.”


  પ્રભુશ્રીના આ વાક્યની જ જાણે પ્રતીક્ષા હોય એમ આ સાંભળતા  વાર જ દેવાનંદ નિર્મળ થઈ ગયો. અને પ્રાણત્યાગ કર્યા જે માટે તે આજે અહીં આવવાનો હતો.


    પ્રભુશ્રીના આ કથનને આશ્રમમાં ફેલાતા સમય ન લાગ્યો. બાળકી ને ત્યાં જ બે દિવસ રોકવામાં આવી અને સ્વસ્થ થતાં અનાથ આશ્રમ માં મુકવામાં આવી. સ્ત્રીના મુખનું દર્શન કરવા  માત્રથી બ્રહ્મચર્ય ખંડિત થતું નથી પણ જ્યારે વાસનાનો જન્મ થાય ત્યારે ભલે સ્ત્રી ઉપસ્થિત ના  હોય તો પણ બ્રહ્મચર્યનું અવશ્ય ખંડન થાય છે. આ પ્રભૂશ્રીનું કથન હવે ત્યાં સુવર્ણ અક્ષરે લખ્યું છે.