નારદ પુરાણ - ભાગ 27 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 27

નારદ બોલ્યા, “મુને, આપે સંક્ષેપમાં જ યુગધર્મનું વર્ણન કર્યું છે, કૃપા કરીને કલિયુગનું વિસ્તારપૂર્વક કરો, કારણ કે આપ શ્રેષ્ઠ ધર્મજ્ઞ છો અને કલિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોનાં ખાનપાન અને આચાર-વ્યવહાર કેવા હશે તે પણ જણાવો.”

        સનક બોલ્યા, “સર્વ લોકોનો ઉપકાર કરનાર હે મુનિશ્રેષ્ઠ, હું કલિના ધર્મોનું વિસ્તારપૂર્વક વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. કલિ બહુ ભયંકર યુગ છે. તેમાં પાપો ભેગાં થાય છે; અર્થાત પાપોની અધિકતા હોવાને લીધે એક પાપ સાથે બીજું પાપ ભેગું થઇ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ધર્મથી વિમુખ થઇ જાય છે. ઘોર કલિયુગ આવતાં જ બધાં દ્વિજ વેદોનો અભ્યાસ કરવાનું છોડી દે છે. ગમે તે બહાનું ઊભું કરીને લોકો અધર્મમાં લાગેલા રહે છે. બધા બીજાઓના દોષો દેખાડ્યા કરે છે. લોકોનું અંત:કરણમિથ્યાભિમાનથી દુષિત હોય છે. પંડિતો પણ સત્યથી દૂર રહે છે.

        ‘હું જ બધાંથી શ્રેષ્ઠ છું’ એમ બોલીને લોકો પરસ્પર વિવાદ કરે છે. સર્વ લોકો અધર્મમાં આસક્ત અને વિતંડાવાદી હોય છે. એટલા માટે જ કલિયુગમાં મનુષ્યો અલ્પાયુ થશે. હે બ્રહ્મન, અલ્પાયુ આયુષવાળા હોવાને લીશે મનુષ્યો શાસ્ત્રોની અધ્યયન નહિ કરી શકે, તેથી અભણ રહેશે. તેઓ વારંવાર અધર્મનું આચરણ કરતા રહેશે. પાપકર્મમાં પ્રીતિ રાખનારા તે સમયના મનુષ્યો અવસ્થાના ક્રમથી વિપરીત રીતે મરણ પામવા માંડશે.

        બ્રાહ્મણ આદિ બધા વર્ણોના મનુષ્યો ભેળસેળ થઈને મિશ્ર બની જશે, વર્ણસંકરતા આવી જશે. લોકો શીશ્નોદરપરાયણ થઈને પ્રજોત્પતિ અને ઉદરપોષણના વ્યવહારમાં લાગેલા રહેશે. મૂર્ખ માણસો કામક્રોધના વશ થઇ વ્યર્થ સંતાપથી પીડાશે. કલિયુગમાં બધા વર્ણના મનુષ્યો શૂદ્રો જેવા થઇ જશે. ઉચ્ચ વર્ણના મનુષ્યો નીચ થઇ જશે અને નીચ વર્ણના ઉચ્ચ થશે.

        શાસક વર્ગ ધન એકઠું કરવાના કામ વ્યસ્ત થઇ જશે અને પ્રજા સાથે અન્યાય ભરેલો વર્તાવ કશે. વધારેમાં વધારે કર નાખીને તેઓ પ્રજાને દુઃખ આપશે. દ્વિજ મનુષ્યો શૂદ્રોનાં મડદાં ઊંચકશે. પોતાની ધર્મપત્ની હોવા છતાં પણ પતિ વ્યભિચારમાં ફસાઈને પારકી સ્ત્રી સાથે મૈથુન કરશે. પુત્ર પોતાના પિતા સાથે અને સ્ત્રીઓ પોતાના પતિ સાથે દ્વેષબુદ્ધિથી અદાવત રાખીને વર્તશે.

        સર્વ મનુષ્યો પરસ્ત્રીલંપટ અને પારકા ધનમાં આસક્ત થશે. માછલાં ખાઈને જીવન ગુજારશે. અને બકરી તથા ઘેટીને પણ દોહશે. હે નારદ, કલિયુગમાં બધા મનુષ્યો શ્રેષ્ઠ પુરુષોમાં દોષ જોશે અને તેમનો ઉપહાસ-મશ્કરી કરશે. નદીઓના પટમાં અને તેમના તટ પર કોદાળીથી જમીન ખોદીને અનાજ વાવશે. પૃથ્વી ફળ વિનાની થઇ જશે. બી અને ફળ પણ નાશ પામી જશે.

        યુવતીઓ ઘણું કરીને વેશ્યાઓના જેવા શણગાર સજશે. ભાતભાતના સૌન્દર્ય પ્રસાધનો વાપરશે અને તેમના જેવા સ્વભાવવળી થઈનેસ વેશ્યાઓને જ પોતાનો આદર્શ માનીને તેમના જેવા થવાની અભિલાષ સેવશે. બ્રાહ્મણો ધર્મ વેચનારા થશે તથા બીજા દ્વિજ વેદોનો વિક્રય કરનારા અને શૂદ્રોના જેવા આચરણમાં તત્પર થશે. મનુષ્યો વિધવાઓનું પણ ધન હરણ કરી લેશે. બ્રાહ્મણો ધન માટે લોલુપ થઈને વ્રતોનું પાલન નહિ કરે. લોકો વ્યર્થ વાદ-વિવાદમાં ફસાઈને ધર્મનું આચરણ છોડી દેશે. દ્વિજો કેવળ દંભ ખરા શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરશે. નીચ મનુષ્યો અપાત્રને દાન આપશે અને કેવળ દૂધના લોભથી ગાયો પ્રત્યે પ્રેમ રાખશે. વિપ્રવર્ગ સ્નાનશૌચ આદિ ક્રિયા છોડી દેશે. અધમ દ્વિજ મુખ્ય કાળ વીતવા દઈને અસમયે સંધ્યા આદિ કર્મ કરશે. મનુષ્યો સાધુઓ અને બ્રાહ્મણોની નિંદા કરશે.

        હે નારદ, ઘણું કરીને કોઈનું પણ મન ભગવાન વિષ્ણુના ભજનમાં લાગશે નહિ. દૃષ્ટ રાજાના કર્મચારીઓ ધન મેળવવા માટે દ્વિજોને પણ મારશે. બ્રાહ્મણો પતિતોએ આપેલું દાન પણ ગ્રહણ કરશે. કલિયુગના પ્રથમ પાદમાં મનુષ્યો ભગવાન વિષ્ણુની નિંદા કરશે અને યુગના અંતિમ ભાગમાં તો ભગવાનનું કોઈ નામ પણ નહિ લે. કલિયુગમાં દ્વિજો શૂદ્રોની સ્ત્રીઓ સાથે સંગમ કરશે; વિધવાઓ સાથે વ્યભિચાર કરવા માટે લાલચ રાખશે. મનુષ્યો કુમાર્ગે ચાલશે અને ચારે આશ્રમોની નિંદા કરતા રહીને પાખંડી બની જશે. ભગવાં વસ્ત્ર પહેરી, જટા વધારી શરીરે ભસ્મ લગાડીને શૂદ્ર માણસો ખોટી દલીલો કરી, ખોટા દાખલા આપે ધર્મનો ઉપદેશ કરવા માંડશે.

        હે મુને, કલિયુગમાં કેવળ વ્યાજ-વટાવથી જીવનનિર્વાહ કરશે, ધર્મહીન અધમ મનુષ્યો પાખંડી, કાપાલિક તેમ જ ભિક્ષુ બનશે. શૂદ્રો ઊંચા આસન ઉપર બેસીને દ્વિજ વર્ગને ઉપદેશ આપશે અને તેઓ મોટે ભાગે વેદોની નિંદા કરશે . મનુષ્યો ગાવા-બજાવવામાં કુશળ તથા શૂદ્રોના ધર્મનો આશ્રય લેનારા થશે. બધા માણસો પાસે અલ્પ ધન હશે. ઘણું કરીને બધા જ માણસો વ્યર્થ ચિન્હ ધારણ કરનાર અને મિથ્યા અભિમાનથી દૂષિત હશે. બધા મનુષ્યો વિશ્વાસઘાતી, ક્રૂર અને દયા તથા ધર્મથી રહિત થશે.

        હે વિપ્રવર, ઘોર કલિયુગમાં વધુમાં વધુ આયુષ્ય સોળ વર્ષનું હશે અને પંચ વર્ષની કન્યાને પ્રજા-સંતાન થવા માંડશે. માણસો સાત-આઠ વર્ષની ઉંમરમાં યુવાન કહેવાશે. મનુષ્યો મંદવાડ, ચોર અને દુર્ભિક્ષથી પીડાશે. કલિયુગ આવતાં મલેચ્છ જાતિના રાજાઓ થશે. કલિયુગમાં ધનવાનો પણ યાચક થશે અને દ્વિજ વર્ગનાં મનુષ્યો રસનો વિક્રય કરશે, ધર્મના વાઘા સજેલા મુનીવેશધારી દ્વિજ ન વેચવા યીગ્ય વસ્તુઓ વેચશે તથા ન ભોગવવા યોગ્ય અગમ્ય સ્ત્રીઓ સાથે સંભોગ કરશે.

        કલિયુગમાં બધા જ માણસો અનાવૃષ્ટિને લીધે ભયભીત થઈને આકાશ ભણી મિત માંડી રહેશે અને ભૂખના દુઃખથી વ્યાકુળ થયેલા રહેશે. કલિયુગમાં સ્ત્રી અને પુરુષો અસહ્ય કામવેદનાથી પીડાતાં રહેશે. તેઓ ઠીંગણા કદનાં, લોભી, અધર્મપરાયણ, મંદ ભાગ્યવાળાં તથા ઘણાં સંતાનવાળાં થશે.

        ચોર લૂંટારાની બીકથી ભય પામેલા મનુષ્યો પોતાની રક્ષા માટે કાષ્ઠયંત્ર અર્થાત લાકડાનાં કમાડ બનાવશે. પોતાનું કાર્ય સધાય ત્યાં સુધી જ માણસો પરસ્પર મિત્રભાવ દેખાડશે. સંન્યાસીઓ પણ મિત્ર આદિના સ્નેહસંબંધથી જોડાયેલા રહેશે અને અનારાજનો સંગ્રહ કરવા માટે માણસોને પોતાના ચેલા બનાવશે. સ્ત્રીઓ બંને હાથોથી માથું ખંજવાળતી વડીલો તથા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. દ્વિજ માણસો પાખંડીઓની સોબત કરીને પાખંડભરેલી વાતો કરવા માંડશે, ત્યારે કલિયુગનો વેગ ખૂબ વધી જશે. દ્વિજો યુગન અને હોમ કરવાનું છોડી દેશે ત્યારથી જ બુદ્ધિમાન પુરુષોએ કલિયુગની વૃદ્ધિનું અનુમાન કરી લેવાનું રહેશે.

        હે નારદ, કલિયુગની વૃદ્ધિ થતાં પાપની વૃદ્ધિ થશે અને નાનાં બાળકોનું પણ મૃત્યુ થવા માંડશે. આ પ્રમાણે મેં તમને કલિનું સ્વરૂપ બતાવ્યું છે. જે મનુષ્યો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર છે, તેમને આ કલિયુગ ક્યારેય હરકત કરતો નથી. સત્યયુગમાં તપશ્ચર્યાને, ત્રેતામાં ભગવાનના ધ્યાનને, દ્વાપરમાં યજ્ઞને અને કલિયુગમાં દાનને જ શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. સત્યયુગમાં જે પુણ્યકર્મ દશ વર્ષમાં સિદ્ધ થાય છે, ત્રેતામાં એક વર્ષમાં અને દ્વાપરમાં એક માસમાં જ ધર્મ સફળ થાય છે, તે જ કલિયુગમાં એક જ દિનરાતમાં સિદ્ધ થઇ જાય છે.

        સત્યયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞો દ્વારા યજન અને દ્વાપરમાં ભગવાનનું પૂજન કરીને જે દળ પામે છે, તે જ ફળ કલિયુગમાં કેવળ ભગવાન કેશવનું કીર્તન કરીને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય નિષ્કામ અથવા સકામભાવથી ‘નમો નારાયણાય’ આ પ્રમાણે કીર્તન કરે છે, તેમને કલિયુગ પીડતો નથી. સર્વ ધર્મોથી રહિત ભયંકર કલિયુગ પ્રાપ્ત થતાં જેમણે એકવાર પણ ભગવાન કેશવનું પૂજન કર્યું છે, તે પરમ ભાગ્યશાળી છે. કલિયુગમાં વેદોક્ત કર્મના અનુષ્ઠાન સમયે જે ઓછા વધતાપણું રહી જાય છે, તે દોષના નિવારણપૂર્વક કર્મમાં પૂર્ણતા આણનારૂ કેવળ ભગવાનનું સ્મરણ જ છે. જે મનુષ્ય પ્રતિદિન’ હરે! કેશવ!, ગોવિંદ!, જગન્મય!, વાસુદેવ!’ આ પ્રમાણે કીર્તન કરે છે, તેને કલિયુગ બાધા કરતો નથી અથવા જેઓ ‘શિવ!, શંકર!, રુદ્ર!, ઈશ!, નીલકંઠ!, ત્રિલોચન!’ વગેરે મહાદેવનાં નામોનું ઉચ્ચારણ કરે છે, તેને પણ કલિયુગ બાધા કરતો નથી.

        જેઓ ભગવાન વિષ્ણુના સ્મરણમાં લાગેલા રહે છે અને જેમનું ચિત્ત ભગવાન શિવના નામમાં અનુરક્ત છે, તેમનાં સઘળાં કર્મ અવશ્ય પૂર્ણ થઇ જાય છે.”  

        સૂત બોલ્યા, “હે વિપ્રવરો, સનકે આ પ્રમાણે ઉપદેશ આપ્યા પછી નારદમુનિ આનંદિત થયા અને કહેવા લાગ્યા, “હે સર્વશાસ્ત્રજ્ઞ ભગવન, આપના ચિત્તમાં અત્યંત કરુણા ભરેલી છે. તેથી જ આપે જગતના જ્યોતિરૂપ સનાતન પરબ્રહ્મના સ્વરૂપની વર્ણન કરીને તે પ્રકાશિત કર્યું. પુંડરીકાક્ષ ભગવાનનું સ્મરણ સર્વ પાપોને દૂર કરનારું છે. આ પરમ પુણ્યકારી છે અને આ જ પરમ તપ છે.

 

ક્રમશ:

પ્રથમ પાદ સંપૂર્ણ