નારદ બોલ્યા, “હે સનંદન, આ સ્થાવરજંગમરૂપ જગતની ઉત્પત્તિ કોનાથી થઇ અને પ્રલય સમયે એ કોનામાં લીન થાય છે, તે વિષે મને કહો. સમુદ્ર, આકાશ, પર્વત, મેઘ, પૃથ્વી, અગ્નિ અને પવન સહિત આ લોકોનું નિર્માણ કોણે કર્યું છે? પ્રાણીઓની રચના તથા તેમના વર્ણના વિભાગો કેવી રીતે કરવામાં આવ્યા છે? તેમનાં શૌચ અને અશૌચ કેવા પ્રકારનાં છે? તેમના ફ્હાર્મ અને અધર્મનો વિધિ શો છે? પ્રાણીઓના જીવની સ્થિતિ કેવી છે? મરણ પામેલા માણસો આ લોક્માંથો પરલોકમાં ક્યાં જાય છે? તે સર્વ આપ મને કહો.”
સનંદને કહ્યું, “હે નારદ, ભરદ્વાજે પૂછવાથી ભ્રુગુએ કહેલા શાસ્ત્ર અને પ્રાચીન ઈતિહાસ હું તમને કહું છે. દિવ્ય પ્રભાવવાળા મહર્ષિ ભૃગુને કૈલાસના શિખર ઉપર બેઠેલા જોઇને ભરદ્વાજ તેમને પૂછવા લાગ્યા.”
ભરદ્વાજ બોલ્યા, “હે માનદ, જીવ અનેક યોનિઓમાં નિરંતર શાથી ભ્રમણ કરતો રહે છે? આ સંસારમાંથી તેની મુક્તિ કેવી રીતે થાય છે? જે ભગવાન પોતે નારાયણ છે અને બ્રહ્મા સ્રષ્ટા છે, તે બંને સદા સેવ્ય-સેવકભાવથી રહેલા છે. સ્થાવર અને જંગમ સર્વ કંઈ પ્રલયકાળે જેનામાં લીન થઇ જાય છે, જે સર્વ લોકમાં વ્યાપ્ત છે, જે ગુણાતીત અને નિરાકાર છે, અવ્યક્ત છે, અકલ્પ્ય છે, એવા ભગવાનને હે મુને, કોણ કઈ રીતે જાણી શકે? જે પરમાત્માને કાળની શક્તિ બાધ કરી શકતી નથી, જેનું કાર્ય કલ્પી શકાતું નથી, તેની વેદો આદરપૂર્વક શાથી સ્તુતિ કરે છે? જીવ તેના દ્રષ્ટાથી પર થઈને બ્રહ્મને કેવી રીતે પામી શકે?”
ભરદ્વાજે આમ પૂછવાથી બ્રહ્મતેજથી પ્રકાશતા છ ઐશ્વર્યવાળા મહર્ષિ ભ્રુગુએ કહ્યું, “હે ભરદ્વાજ, મહર્ષિઓએ જે પૂર્વ પુરુષને ‘માનસ’ નામથી જાણ્યો અને સાંભળ્યો છે, તે આદિ-અંતથી રહિત દેવ ‘અવ્યક્ત’ નામથી વિખ્યાત છે. તે અવ્યક્ત પુરુષ શાશ્વત, અક્ષય તેમ જ અવિનાશી છે. તેમનાથી ઉત્પન્ન થઈને સર્વ પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુ પામે છે.
તે સર્વ પ્રાણીઓને ધારણ કરનારા વિરાટ પુરુષે સર્વ પ્રથમ ‘મહત’ નામના તત્વને ઉત્પન્ન કર્યું. તેમાંથી ઉત્પન્ન થયેલા તત્વને આકાશ કહેવામાં આવે છે. આકાશમાંથી જળ થયું. જળમાંથી તેજ (અગ્નિ) અને વાયુ ઉત્પન્ન થયા. તેજ અને વાયુના સંયોગથી પૃથ્વી તહી. સ્વયંભૂ ભગવાન નારાયણે પોતાની નાભિથી દિવ્ય કમળ પ્રકટ કર્યું. તે કમળમાંથી વેદસ્વરૂપ બ્રહ્મા ઉત્પન્ન થયા. તેમનું બીજું નામ વિધિ છે. તેમણે જ સર્વ પ્રાણીઓનાં શરીરની રચના કરી છે. તેને અહંકાર કહેવામાં આવ્યો છે. (પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ) અત્યંત શક્તિશાળી પાંચ તત્વો જ મહાતેજસ્વી બ્રહ્મા છે. પર્વતો વિરાટ પુરુષનાં હાડકાં છે; પૃથ્વી તેના મેદ અને માંસ છે; સમુદ્રો તેનું રુધિર છે અને આકાશ તેનું પેટ છે; વાયુ તેનો નિ:શ્વાસ છે; તેજ એ અગ્નિ છે અને નદીઓ તેની શિરાઓ છે. અગ્નિ અને સોમરૂપ સૂર્ય તથા ચંદ્રમા તેનાં નેત્ર છે. નભ એ તેનું મસ્તક છે; પૃથ્વી એ તેના પગ છે અને દિશાઓ તેની ભુજાઓ છે. સિદ્ધપુરુષો વડે પણ તે ધ્યાનમાં આવવો કઠિન છે. આ પ્રમાણે વિરાટ રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ જ વિરાજી રહ્યા છે અને તે ‘અનંત’ નામથી વિખ્યાત છે. તે સર્વ પ્રાણીઓમાં આત્મારૂપે રહેલા છે. તે અહંકાર અને સર્વ પ્રાણીઓના સર્જક છે.”
ભરદ્વાજે પૂછ્યું, “આકાશની દિશા કઈ છે? ભૂતળ અને પવનનાં શાં પરિમાણો છે? તેમણે જણાવી મારી શંકાનું યથાર્થ રીતે નિવારણ કરો.”
ભૃગુ બોલ્યા, “સિદ્ધો અને દેવતાઓથી સેવાયેલું આ આકાશ અનંત છે. નાના પ્રકારના તારાઓના સમૂહોથી આ રમ્ય આકાશનો અંત જાણતો નથી. આકાશ દુર્ગમ અને અનંત છે. સમુદ્રો પૃથ્વીની સીમા છે. સમુદ્રની સીમા અંધકારથી છવાયેલી છે. અંધકારને છેડે જળ આવેલું છે અને જળના અંતભાગમાં અગ્નિ રહેલો છે. રસાતળની નીચે જળ છે અને જળની નીચે સર્પોનું સામ્રાજ્ય છે. એની નીચે વળી આકાશ છે અને આકાશની નીચે ફરી જળ આવેલું છે. અગ્નિ, પવન અને જળથી પર આ અનંતનો મહિમા દેવતાઓ પણ જાણી શકતા નથી.
અનંત અમે છે અને તેને કોઈ પ્રમાણ આપી શકતું નથી. એ પૂર્વ પુરુષ ‘માનસ’ ને ‘અનંત’ આવી સંજ્ઞા આપવામાં આવી છે. અનંત એવા આ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી પ્રજાપતિ બ્રહ્મા ઉત્પન્ન થયા.”
ભરદ્વાજ બોલ્યા, “કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા હોવાનું આપ કહો છો ત્યારે તો બ્રહ્મા કરતાં તો કમાલ જ્યેષ્ઠ હોવાનો નિર્ણય થયો, છતાં આપ તો બ્રહ્માને પૂર્વજ હોવાનું જણાવો છો, તેથી આ વિષયમાં મને સંદેહ થાય છે.”
ભૃગુ બોલ્યા, “પૂર્વ પુરુષ ‘માનસ’ ના આકારને જે બ્રહ્માપણું પ્રાપ્ત થયું, તેના અધિષ્ઠાન માટે પૃથ્વીને પદ્મ કહેવામાં આવેલ છે. તે કમળની પાંખડીઓ મેરુ પર્વત અને ગગન સુધી ઊંચે ગયેલી છે. તેમાં બેસીને બ્રહ્મા લોકનું સર્જન કરે છે.”
ભરદ્વાજ બોલ્યા, “હે દ્વિજસત્તમ, કમળમાં બેઠેલા બ્રહ્મા તેની બહાર વિવિધ પ્રકારની પ્રજાનું સર્જન કેવી રીતે કરે છે?”
ભૃગુ બોલ્યા, “બ્રહ્માએ મન વડે સર્વ પ્રાણીઓનું સર્જન કર્યું છે. પ્રાણીઓની રક્ષા માટે સર્વ પ્રથમ તેમણે જળ ઉત્પન્ન કર્યું. જળ સર્વ પ્રાણીઓનો પ્રાણ છે, તેને લીધે તેમની વૃદ્ધિ થાય છે. તેના અભાવમાં તેઓ નાશ પામે છે.”
ભરદ્વાજ બોલ્યા, “જળ અગ્નિ, વાયુ અને પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઇ? આ વિષે મારા મનમાં મહાન સંશય થાય છે.”
ભૃગુ બોલ્યા, “હે બ્રહ્મન, પહેલાં બ્રહ્મકલ્પમાં બ્રહ્મર્ષિઓ એક સ્થળે એકત્રિત થયા હતા. તે વખતે તે મહાત્માઓના મનમાં પણ લોકોના સર્જન વિષે આવી જ શંકા ઉત્પન્ન થઇ હતી. તેનું કારણ જાણવા માટે આહારનો ત્યાગ કરી પરબ્રહ્મનું ધ્યાન ધરી, મૌન ધારણ કરી નિશ્ચળ ભાવે સો દિવ્ય વર્ષો સુધી નિષ્ઠાવાન થઇ રહ્યા. આથી તેમણે પરબ્રહ્મની દિવ્ય વાણી સાંભળી. તેમાંથી જાણ્યું કે સૂર્ય, ચંદ્ર અને પવનથી રહિત અનંત, અચળ અને શાંત આકાશ સર્વથી પ્રથમ ઉત્પન્ન થયું. તેનાથી જળ ઉત્પન્ન થયું. જળના ઉત્પીડનને લીધે વાયુની ઉત્પત્તિ થઇ. એકાદ અખંડિત ભવનને પાણીથી ભરવામાં આવતાં તેમાં રહેલા વાયુથી શબ્દ ઉત્પન્ન થાય છે, તેમ સમુદ્રતલ પર આકાશમાંથી જળનો પ્રપાત થતાં સમુદ્રતલને ભેદીને અત્યંત દોષવાળો વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પીડનથી ઉત્પન્ન થયેલો વાયુ આકાશને પ્રાપ્ત થયા પછી શાંત થતો નથી. વાયુ અને જળના સંઘર્ષથી ઉત્પન્ન થયેલો અત્યંત દીપ્તિમાન અને મહાબળવાન અગ્નિ ગાઢ અંધકારને દૂર કરે છે. અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આકાશ જળની વૃષ્ટિ કરે છે. અગ્નિ અને વાયુના સંપર્કથી જળ ઘનત્વ પામે છે. એ ઘનત્વ સાથે અગ્નિ અને વાયુનો સંયોગ થવાથી પૃથ્વી ઉત્પન્ન થયેલ છે.”
ભરદ્વાજે પૂછ્યું, “પ્રભુએ સર્જેલા પાંચ તત્વોથી સર્વ લોકો આવૃત્ત છે. પ્રભુએ જયારે હજારો ભૂતો (પ્રાણીઓ)નું સર્જન કર્યું છે ત્યારે આ પાંચ તત્વોમાં ભૂતત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે?”
ભ્રુગુએ ઉત્તર આપ્યો, “અસંખ્ય પ્રાણીઓ ભૂત હોવાનું કહી શકાય; પરંતુ આ પાંચ તત્વોને મહાભૂત કહેવામાં આવે છે; કારણ કે આ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિના કારણરૂપ છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે, એમાં થતી ચેષ્ટા કે ગતિ એ વાયુ છે; એમાં રહેલો અવકાશ એ આકાશ છે. એમાંની ઉષ્મા એ અગ્નિ છે, એમાંનો દ્રવ પ્રદાર્થ જળ છે અને એમાં રહેલું ઘનત્વ (અસ્થિ, ત્વચા, કેશ, નખ આદિ) એ પૃથ્વીતત્વ છે. તેથી શરીરને પંચભૌતિક કહેવામાં આવે છે. શ્રોત્ર, નાસિકા, રસના (જીભ), નેત્ર અને સ્પર્શ (ત્વચા) આ ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતોના સંયોગથી સર્વ સ્થાવર-જંગમ યુક્ત છે.”
ભરદ્વાજ બોલ્યા, “સ્થાવર અને જંગમને આ પાંચ ભૂતોથી યુક્ત હોવાનું આપ કહો છો; પરંતુ સ્થાવર શરીરોમાં આ પાંચ તત્વો દેખાતાં નથી. ઉષ્મા અને ગતિ કે ચેષ્ટારહિત વૃક્ષોના શરીરમાં આ પાંચ તત્વો હોવાનું જણાતું નથી, તો પછી વૃક્ષોને પાંચભૌતિક કેવી રીતે કહી શકાય?”
ભ્રુગુએ કહ્યું, “સ્થાવર એવાં વૃક્ષોમાં પણ આકાશ તો છે જ, એમાં સંશય નથી, તેમના પર પુષ્પ અને ફળ હંમેશાં આવતાં હોય છે. તેમનાં પાંદડાં, છાલ, ફળ અને પુષ્પ ઉષ્માને લીધે સુકાઈને વિલાઈ જતાં હોય છે, સુકાઈને તે ખરી પડે છે તેથી સ્પર્શ પણ ત્યાં વિદ્યમાન હોય છે. વાયુ અને અગ્નિના સંયોગથી થતી મેઘગર્જના સાંભળવાથી વૃક્ષનાં ફળ-ફૂલ ખરી પડે છે. શ્રોત્રને લીધે જ શબ્દનું ગ્રહણ થાય છે તેથી વૃક્ષો સાંભળે પણ છે.
વૃક્ષોને વેલ સર્વ બાજુએથી વીંટળાઈ વળે છે અને પોતાના માર્ગમાં આગળ જ વધતી રહે છે. વૃક્ષો લતાદિના માર્ગને જોતાં હોય છે. તેથી વૃક્ષો જુએ છે ખરાં ! વૃક્ષો અનેક પ્રકારની સુગંધ અને દુર્ગંધને ગ્રહણ કરી અને પ્રસારીને આરોગ્ય મેળવે છે અને પુષ્પયુક્ત બને છે, તેથી વૃક્ષો સુંઘે પણ છે.
વૃક્ષોના છેદનથી થતા વ્રણ રૂઝાયાથી વૃક્ષોને થતી સુખ-દુઃખની અનુભૂતિને લીધે વૃક્ષોમાં જીવનું અસ્તિત્વ જોવામાં આવે છે. આથી તેઓ ચેતનારહિત નથી. વૃક્ષ ચૈતન્યયુક્ત હોવાથી જળને ગ્રહણ કરે છે, અગ્નિ અને વાયુનું પચન કરે છે. આહારને લીધે તેનામાં સ્નિગ્ધતા આવે છે અને પરિણામે તે વૃદ્ધિ પામે છે.”
ક્રમશ: