ઠેરના ઠેર Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ઠેરના ઠેર

હાથમાં ગુલાબી રંગનું ફરફરિયુ લઈને જ્યારે શૈલી ઘરે આવી,ત્યારે સાસુમાના દિલમાં મોટો ધ્રાસકો પડ્યો. વર્ષોથી દીકરા વહુ સાથે રહેતા મણીબહેન સમજી ગયા શૈલીના હાથમાં શું છે ! વહુરાણી માટે સરસ મજાની ચા બનાવી સાથે તાજો ચેવડો આપ્યો અને બોલ્યા,

‘બેટા આજે અગિયારસ છે, હું હવેલીમાં શયનના દર્શન કરીને આવું છું “. મંદીરે જવાનું બહાનું કરીને નિકળ્યા. શૈલીએ મનમાં વિચાર્યું , મમ્મી દર અગિયારસે મંદીરે જતા નથી, આજે કેમ ? પણ મનમાં આનંદ થયો. સાહિલ જ્યારે નોકરી પરથી આવશે ત્યારે બન્ને જણા એકલા ઘરમાં હશે. હાથમાં મળેલી ‘પિંક સ્લિપ’ વિષે વાત કરવાની સુગમતા રહેશે. કદાચ મોટો ઝઘડો થાય તો ઘરના બારી બારણા તે અવાજ સાંભળશે !

સાહિલ આવ્યો ખુશખુશાલ હતો. ઘરનું બારણું ખોલ્યું અને શૈલીના મુખની ભુગોળ જોઈને સમજી ગયો. કાંઇ ન બોલવામાં માલ છે સમજતા વાર ન લાગી. શૈલી પણ કશું ક જણાવવા ખૂબ ઉત્સુક હતી. વિચારી રહી હમણા કહું કે, જમ્યા પછી. અત્યારનો સમય એકદમ બરાબર હતો. મમ્મી ઘરમાં ન હતા. જો સાહિલ સાથે ઝઘડવું પડે તો મેદાન સાફ હતું.

સાહિલ, ચા બનાવી છે. શાતીથી પી લે પછી જરા વાત કરવી છે. સાહિલ બોલ્યો .’યાર કહેને ચા પીતી વખતે હું બરાબર ધ્યાન આપીશ’.

શૈલીએ ચાનો કપ મૂક્યો. સાથે મમ્મીએ બનાવેલો ચેવડો પણ આપ્ય. મમ્મીએ આજે જ બનાવ્યો હતો. સાહિલ અને શૈલીને મમ્મીનો બનાવેલો ચેવડો ખૂબ ભાવતો. તાજો ચેવડો જોઈને સાહિલ મલકાયો. તેને ક્યાં ખબર હતી કે આ ખુશી અલ્પજીવી સાબિત થશે. આ તો ફાંસીને માંચડે ટીંગાડતા પહેલાં ગુનેગારની અંતિમ ઈચ્છા જેવું વાતાવરણ હતું.

શૈલી એ પર્સમાંથી ગુલાબી રંગનું કાગળ બહાર કાઢી સાહિલની સામે મૂક્યું. સાહિલે હજુ પહેલો ‘બુકડો’ ચેવડાનો મોઢામાં મૂક્યો હતો. કાગળનો રંગ જોઈને જ સમજી ગયો હતો.

“પિંક સ્લિપ” !

“શું શૈલીને આજે નોકરી પરથી પાણિચું પકડાવ્યુ હતું’ ?

સાહિલમાં તાકાત ન હતી. એક પણ સવાલ પૂછવા તે તૈયાર ન હતો. શૈલીની નોકરી એટલી સરસ હતી કે જેને કારણે મુંબઈથી સૂરત આવ્યા હતા. જો કે સાહિલને નોકરી મળવામાં વાંધો આવે એવું ન હતું. બન્ને જણા એમ.બી.એ. ભણેલા હતા. શૈલીને નસિબે યારી આપી અને તેની ફર્મમાં ભાગીદારી સાંપડી. હવે સાહિલ તેના કરતા વધારે હોંશિયાર હોવા છતાં શૈલી કરતા ઘણા ઓછા પગારની નોકરી હતી. ઈજ્જત અને કામ બન્નેથી ખુશ હતો.

શૈલીના ભાગીદારે બેંક સાથે ચેડા કર્યા. કરોડો રૂપિયા ઉચાપાત કર્યા. બન્નેની ભાગિદારી સરખી હતી. કોઈ એક જણની સહીથી કામ આસાનીપૂર્વક થતું હતું. શૈલીના ભાગિદારના મનમાં લાલચે પ્રવેશ કર્યો અને ખોટા ધંધા ચાલુ કર્યા. શૈલી મિસ્ટર શાહને ખૂબ સજ્જન માનતી હતી. આવા કાળા કૃત્યો કરશે તેવો તેને અંદાઝ ન હતો. એ તો જ્યારે ઈનકમ ટેક્સની ધાડ આવી ત્યારે ખબર પડી. શૈલીને પોતાને માથે આવી નાલોશી જોઈતી ન હતી. તેણે પોતાના મિત્ર અને સિનિયર પાર્ટનરને કહ્યું,’ મને ભાગીદારી અને નોકરીમાંથી પાણીચું પકડાવ. ” મારા પતિનું અને મારા કુટુંબનું નામ બદનામ થાય તે મને નહી ચાલે !

શૈલીનો ભાગીદાર સમજુ હતો. તેને થયું,’ મારા કરેલાં કૃત્યોની સજા શૈલીને શું કામ આપવી. તેનું નામ બદનામ કરવાનો મને કોઈ હક નથી !’ મિસ્ટર શાહ અને શૈલી વચ્ચેના વહેવારનો હિસાબ સાફ હતો. સમજુ મિસ્ટર શાહે શલીને કામકાજમાંથી છૂટી કરી તેના નામને બટ્ટો લાગવા ન દીધો.

શૈલીએ તો બીજા દિવસથી કામ પર જવાનું બંધ કર્યું. તેને જરા પણ અફસોસ ન હતો. આમ શૈલી ખુશ હતી કે તેનું નામ બદનામ ન થયું. પતિનું નામ અને કુટુંબની ઈજ્જતના ગઢની કાંકરી પણ ન ખરી. કામની ચર્ચા ઘણા વખતથી ચાલતી હતી. સાહિલ શૈલીને મદદ માગે ત્યારે જ આપતો. વાત વાતમાં માથુ મારવાની આદત ન હતી. શૈલી પોતાની જાત, નોકરી અને જવાબદારી સંભાળવામાં સક્ષમ હતી.

સાહિલ બોલ્યો નહી તેથી શૈલી વધારે ધુંધવાઈ.

“કેમ તારે કોઈ સવાલ નથી કરવાનો” ?

“હું સવાલ કરું તેના કરતા તું ખુલાસો કર એ વધુ સારું છે”.

હવે શૈલી કાબૂ ન રાખી શકી. ભલુ થજો મમ્મી ઘરની બહાર જતા રહ્યા હતા. ‘તને એમ નથી થતું કે આ’પિંક સ્લીપ શા કારણે મળી. કાલથી નોકરી બંધ. ઘરમાં જે દલ્લો આવતો હતો તે હવે બંધ”.

‘મને તારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. એની પાછળ વ્યાજબી કારણ હશે. ‘.

‘તને તો બધું વ્યાજબી જ દેખાય છે’.

‘રહી વાત દલ્લાની, તો મને તારામાં વિશ્વાસ છે. તારા મનમાં ઘણા કિમિયા દોડતા હશે ‘!

‘આજે તું મને હેરાન ન કરીશ. જ્યાં સુધી હું તારી સાથે ત્રીજુ વિશ્વયુદ્ધ નહી કરું ત્યાં સુધી મને ચેન નહી પડે’.

‘તને જે યોગ્ય લાગે તે કર.’

‘કેમ એમ બોલે છે’.

‘મેં તો ગીતાના કૃષ્ણની જેમ આપણા રથના સારથિ બનવાનું નક્કી કર્યું છે, હું શસ્ત્ર ઉઠાવવાનો નથી ” !

શૈલી ગુસ્સે હતી છતાં પણ સાહિલ પર વારિ ગઈ’.

‘કેટલો ભરોસો છે, મારા પર”.

‘સાહિલ , તને યાદ છે ,મુંબઈથી સૂરત આવ્યા ત્યારે પણ મને ‘પિંક સ્લિપ’ મળી હતી’ ! ખોટા કામ હું કરતી નથી, કોઈ કરે તે મને પરવડતું નથી.’

એનો અર્થ એ કે તને “પિંક — મળી”.

‘હા’.

સાહિલને ખબર હતી શૈલી આરામથી બેસી રહે તેવી નથી. સૂરતમાં બાને તેમજ બન્નેને ખૂબ ગમી ગયું હતું. હવે ઉચાળા ભરવા ન હતા. સાહિલની નોકરી ભલે શૈલી જેટલી સદ્ધર ન હતી કિંતુ માન મળતું. જવાબદારી ભર્યા કાર્યોમાં મશગુલ રહેતો. નોકરીથી ખૂબ ખુશ હતો. શૈલી તે જાણતી હતી.

‘શાંતિ” માટેની બે આંગળી બતાવી. ઝઘડો કરવાનું મુલતવી રાખ્યું. શૈલીએ પોતાનું સ્મિત મુખ પર ફરકાવ્યું. ધીમેથી સાહિલની નજીક સરી બોલી,’ ગુસ્સો નહી કરતો એક વાત કહું”.

સાહિલ સમજી ગયો. પોલ્સન લગાડે છે. શૈલીને ખૂબ પ્રેમ કરતો હતો. ન કરવાનું કોઈ કારણ ન હતું. સાથે ભણતા હતા. શૈલીની આવડતથી વાકેફ હતો. સહુથી વધારે તો શૈલી તેની માને પ્રેમ અને સન્માન બન્ને આપતી. પોતાની વાત મનાવવી હોય ત્યારે દીકરીની જેમ ‘સાસુમાની’ સોડમાં ઘુસતી. મણીબા તેની બધી વાત માનતા. તેમને દીકરી ન હોવાની ખોટ શૈલીએ પૂરી પાડી હતી.

સાહિલ પરણ્યો અને બીજે જ મહિને તેના પિતાજી નાની માંદગી ભોગવીને વિદાય થયા હતા. આખા કુટુંબને માથે આભ ટૂટી પડ્યું હતું. શૈલીને સંસારનો કોઈ અનુભવ ન હતો પણ સાહિલની હાલત જોઈ એકદમ સજાગ બની ગઈ. ઘર સંભાળ્યું.

‘સાહિલ, એક વાત કહું. આ નોકરી પરથી મારે ઘણા બધા સાથે સંબંધ બંધાયા છે. આપણા સ્ટડી રૂમમાં પોતાની ઓફિસ ખોલી કામ શરૂ કરવાનો વિચાર છે. ‘

સાહિલ તો સ્તબ્ધ થઈ ગયો. નોકરી ગયાનો કોઈ અફસોસ નથી. ઘરમાં આવતા પૈસા બંધ થશે છતાં કોઈ ચિંતા નથી. હપ્તા પર લીધેલા બધા સુખ સગવડના સાધનોનું બિલ દર મહિને આવશે. કોને ખબર તેને શૈલી કઈ માટીની છે. સાહિલને શૈલી પર ખૂબ વિશ્વાસ હતો.

‘અરે, યાર તું કહે ને હું ના પાડું. ‘શુભસ્ય શિઘ્રમ’ રામ નવમીને દિવસે શરૂઆત કરીએ. એક અઠવાડિયું બાકી છે. હું નોકરી પરથી ત્રણ દિવસની રજા લઈને તને બધી મદદ કરીશ. મણીબા મંદિરેથી આવી ગયા. ઘરનું વાતાવરણ રાબેતા મુજબનું જોઈને તેમને સંતોષ થયો.

‘બા મંદિરનો પ્રસાદ ન લાવ્યા’ ? શૈલી ટહુકી.

બાએ પ્રસાદનો શીરો આપ્યો. ત્રણે જણા પ્રસાદ લઈને જમવા બેઠા.

બીજા દિવસથી બન્ને જણા તૈયારીમાં ડૂબી ગયા. સાહિલ અને શૈલી જે કામમાં પ્રાણ રેડે તેનું પરિણામ શુભ આવે, એમાં શંકાને સ્થાન ન હોય. તેમના સ્ટડીરૂમમાં બધી સુંદર સગવડ હતી. દરેકને ઈ મેઈલથી જાણ કરી.  પોતાને જેમના પર ભરોસો હતો એવા લોકો આ વાત જાણીને ખુશ થઈ ગયા. શૈલીની ઓફિસમાં પણ ત્વરિત ગતિથી સમાચાર પહોંચી ગયા. બસ હવે સારું મૂહર્ત જોઈને નવા કાર્યમાં ઝંપલાવાનું હતું.

જૂની કંપનીએ ડિરેક્ટરોની મિટિંગ બોલાવી. બહુમતિથી એક ઠરાવ પસાર કર્યો. અચાનક બીજે જ દિવસે શૈલીના ઘરના દ્વાર ખખડાવ્યા. બારણામાં ફુલોના ગુલદસ્તા સાથે ઉભેલા મેનેજીંગ ડિરેક્ટરોએ “એપોઈન્ટમેન્ટનો લેટર ‘ તેને પકડાવ્યો !