" સુશ્રુત..! રિલેક્સ...! મને બરાબર તપાસ કરવા દે, શું ખરેખર આ જ આપણું જહાજ છે કે કોઈ બીજાનું...? તું ધીરજ રાખ હિંમત ન હાર.." ગભરાયેલા સુશ્રુતના ખભે હાથ ફેરવતા, તેને આશ્વાસન આપતા જૉનીએ કહ્યું. સુશ્રુત આગળ એક ડગલું પણ ન ભરી શક્યો. જોની..., હર્ષિત અને ઈબતિહાજને લઈને જહાજ પાસે ગયો.
" હર્ષિત...! જોની..! ભલે હું આ જહાજમાં તમારા કરતાં થોડો સમય વિતાવ્યો હશે, પરંતુ હું તેને ઓળખી શકું છું. આ જહાજ આપણું જ છે. સુશ્રુત બરાબર કહી રહ્યો હતો. આ જહાજ આપણું છે. હવે તે બિલકુલ સલામત રહયું નથી. લિઝાને શું જવાબ આપશું..?" જહાજનું બરાબર દૂરથી નિરીક્ષણ કરતાં ઈબતિહાજે હર્ષિત અને જૉનીને પાસે બોલાવીને કહ્યું.
" મને પણ ખબર છે. આ આપણું જ જહાજ છે. બસ હું જોઈ રહ્યો હતો કે શું આ આગને ઓલવી શકાય તેમ છે..?તેમજ આમાંથી કંઈ ઉપયોગી વસ્તુ લઈ શકાશે...?" જોની એકધારી નજરે ભળભળ કરતાં પોતાના જહાજને સળગતા જોઈ રહ્યો હતો. સળગતા જહાજને જોતા જોતા તેની દ્રષ્ટિ સમક્ષ જહાજ સાથે વિતાવેલ તે ક્ષણો એક બાદ એક તેને યાદ આવતી હતી. અને મજબૂત અને બહાદુર એવા જોની ની આંખોમાંથી જહાજની યાદો અશ્રુ બનીને વહી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે જહાજની આગને ઓલવવાનો પ્રયત્ન કરીએ. ત્યાં તો આંદોલનકારીઓ આવીને દરેક જહાજ પર જ્વલનશીલ પદાર્થો તેમજ બોમ્બ ફેકવા લાગ્યા. અચાનક આંદોલનકારીઓના ધસારાને કારણે ચારેય યુવાનો પાછા પડી ગયા. જહાજને બચાવવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર તેઓ જહાજને બચાવવા માટે ક્ષણિક પ્રયાસ પણ ન જ કરી શક્યા.
બોમ્બ ફેકવાને કારણે મોટા મોટા અવાજે એક પછી એક જહાજમા ધમાકા થવા લાગ્યા. જોની.., હર્ષિત..., સુશ્રુત અને ઈબતિહાજની નજર સામે જ તેમના સળગતા જહાજમાં મોમ વિસ્ફોટ થયો અને ક્ષણભરમાં જ જહાજના ચુરે ચુરા થઈ તેના કેટલાક ટુકડા તે મિત્રોની સામે પડ્યા, તો કેટલાકે જળ સમાધિ લઈ લીધી. અવાક થઈ ગયેલા ચારે યુવાનો જહાજને ન બચાવી શક્યા એ અફસોસ સાથે તેઓ પોતાના મનને કોસી રહ્યા હતા અને એ જ દર્દ તેમની આંખોમાંથી અશ્રુ બની છલકાઈ રહ્યું હતું.
એક અજાણ્યા પ્રદેશમાં વિશ્વવિખ્યાત મેજિક શૉનો આનંદ પ્રાપ્ત કરવા માટે તેમને આટલી મોટી આહુતિ આપવી પડશે તેવું તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.
" જોની... જોની...! હવે શું કરશુ..? અને લિઝાને કેવી રીતે સંભાળી શું..? તેના ડેડ...આપણા માઈકલ અંકલ સુધી આપણે કેવી રીતે પહોંચશું..? આપણું જહાજ તો બળીને ખાખ થઈ ગયું. શું કરશુ હવે..? મને લિઝાની ચિંતા થાય છે. તેને કેવી રીતે હિંમત આપશું..?" ગભરાયેલા અને રડતા અવાજમાં સુશ્રુતે જૉનીનો હાથ પકડી સવાલો પર સવાલો કરી રહ્યો હતો. તેના દરેક શબ્દમાં લિઝા પ્રત્યેની ચિંતા વ્યક્ત થઈ રહી હતી. ઈબતિહાજ અને હર્ષિત પણ નિઃશબ્દ બની ગયા હતા. એવી જ સ્થિતિ જૉનીની પણ હતી. તે પણ પોતાની સુજબુઝ ખોઈ બેઠો હતો. તે સમજી નહોતો શકતો કે હવે શું કરશુ..? ચારેય મિત્રો એકબીજાને ભેટી પડ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, કેમ કે ઈશ્વરે જાણે આજે જ ઘણી મોટી પરીક્ષા લીધી હોય તેવું તે અનુભવી રહ્યા હતા.
ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિંમત હારી જઈશું તો લિઝાને કેવી રીતે સંભાળી શકીશું..? ઈશ્વરે આપણી પાસેથી જહાજને છીનવી લીધું છે. પરંતુ એનો મતલબ એ નથી કે માઈકલ અંકલ સુધી પહોંચવાનો બીજો કોઈ માર્ગ જ ન હોય. અત્યારે આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. મને વિશ્વાસ છે જરૂરથી આપણે માઈકલ અંકલ સુધી પહોંચી શકીશું." બધાના આંસુ લુછતા જોનીએ દરેકને આશ્વાસન આપતા કહ્યું. હર્ષિત...સુશ્રુત અને ઈબતિહાજ પણ જૉનીની વાતથી સહમત થઈ હકારમાં મોઢું હલાવી અને મનોમન હિંમત રાખવાનો નિશ્ચય કર્યો.
To be continue...
( મિત્રો આપને વાર્તા ગમે તો જરૂરથી આપના સુંદર પ્રતિભાવો આપજો. આપના દ્વારા મળતા પ્રતિભાવોથી મને વધારે લખવાની પ્રેરણા મળે છે.)
😊મૌસમ😊