ખજાનો - 79 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 79

ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયેલા પાંચે યુવાનો તેમજ અબ્દુલ્લાહીજી બંધ વૅનમાંથી જંગલમાંથી પસાર થતા માર્ગને જોઈ રહ્યા હતા. જંગલના ઉબડ ખાબડ માર્ગમાંથી ડ્રાઇવર પોતાની વૅન ખૂબ ઝડપથી ચલાવી રહ્યો હતો.

ફુલ સ્પીડે ચાલતી વૅનમાં અચાનક બ્રેક લાગતા ઝાટકો લાગ્યો અને વૅન ઉભી રહી ગઈ. અચાનક બ્રેક લગતા દરેકના મુખેથી એક જ સ્વર નીકળ્યો. "શું થયું...?" તેઓના જવાબ પર ડ્રાઇવર કઈ બોલી ન શક્યો.માત્ર સામે જોઈ ઈશારો કરવા લાગ્યો. ડ્રાઇવરના ઇશારાથી તરત દરેકે માર્ગ તરફ નજર કરી. વાઘ પરિવાર નિરાંતે ચાલતા ચાલતા માર્ગ ઓળંગી રહ્યા હતા. તેમાં ખૂંખાર વાઘ સૌથી આગળ હતો. વચ્ચે તેના ક્યુટ ક્યુટ લાગતા બિલાડી જેવા દેખાતા બચ્ચા ચાલી રહ્યા હતા. ને સૌથી પાછળ તંદુરસ્ત વાઘણ અલમસ્ત અદામાં પોતાના પરિવારનું રક્ષણ કરતી પાછળ ચાલી રહી હતી.

તેમને જોઈને પહેલા તો સૌ ડરી ગયા. પરંતુ જ્યારે વાઘ પરિવાર શાંતિથી માર્ગ પસાર કરીને ચાલ્યા ગયા ત્યારે સૌના જીવમાં જીવ આવ્યો. ડ્રાઈવરે ફરી વૅન શરૂ કરી અને ફુલ સ્પીડે તેઓ આગળ વધ્યા. જંગલના ઉબડખાબડ માર્ગમાં વૅનમાં બેઠેલ બધા જ સ્થિર બેસી જ નહોતા શકતા. ઘણી વાર પછડાતી પણ હતી. તેમ છતાં ડ્રાઇવર પોતાની વૅનની ચિંતા ન કરતા ચુકાસુ એ સોંપેલ કાર્યને સંતોષકારક રીતે પૂર્ણ કરવાના હેતુથી વૅન ચલાવી રહ્યા હતા.

ત્યાં સૌની નજર દૂર દૂર ઊડતા આગના ગોટાઓ તરફ ગઈ. તે જોઈ સૌને લાગ્યું કે હવે મંજિલ દૂર નથી. પરંતુ દરેકના મનમાં એક ભય હતો કે શું અમારું જહાજ સલામત હશે કે નહીં..? કેમ કે જે પ્રકારે દૂરથી વિશાળકાય આગ અને તેના ધુમાડા ઉડતાં હતા તે જોઈને એવું લાગતું હતું કે આંદોલનકારીઓએ ખરેખર આજે નક્કી જ કરી લીધું છે કે અંગ્રેજોને કાયમ માટે અહીંથી હાંકી કાઢવા.

ધીમે ધીમે વૅન કિનારા તરફ પહોંચી રહી હતી. જેમ જેમ નજીક જતા હતા તેમ આગ પોતાનું પ્રચંડ સ્વરૂપ બતાવી રહી હતી. સૌના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. શું થયું હશે..? અને જહાજ બચ્યું પણ હશે કે નહીં..? અને આંદોલનકારીઓ તેઓના જહાજને નહીં સળગાવે તેની શું ગેરંટી..? શું તેઓ આંદોલનકારીઓને સમજાવી શકશે કે તેઓ અંગ્રેજ નહીં પરંતુ પ્રવાસી છે..! અને તેમનું જહાજ પણ કોઈ વેપાર અર્થે નહીં અન્ય હેતુથી અહીં લાંગર્યું હતું..! ઘણા સવાલો અને વ્યથાઓઓ સાથે સૌ કિનારા પાસે પહોંચ્યા.

કિનારા પર લાંગરેલા અંગ્રેજોના ઘણા જહાજો આગમાં ભભૂકી રહ્યા હતા. તે દ્રશ્ય જોઈ લિઝા રડવા લાગી. તેને ભય હતો કે તેનું જહાજ તો સળગી નહીં ગયું હોય ને..?

" લિઝા..! તુ રડીશ નહીં. તું અને અબ્દુલ્લાહી મામુ અહીં જ ઉભા રહો. અમે ચાર જઇને તપાસ કરીએ છીએ કે આપણા જહાજની સ્થિતિ શું છે. જો બની શકશે તો અમે પૂરો પ્રયત્ન કરીશું કે આપણા જહાજને કંઈ ન થાય." આટલું કહી જૉનીએ હર્ષિત..., સુશ્રુત અને ઈબતિહાજ સામે ઇશારો કર્યો અને ચારે દોડતા કિનારાની નજીક ગયા. સળગતા ઘણા જહાજમાં તેઓ પોતાના જહાજને શોધી રહ્યા હતા. ત્યાં સુશ્રુતની નજર એકાએક પોતાના જહાજ પર પડી. જહાજને જોઈ તે નિઃશબ્દ બની ગયો. પછી થોડીવાર રહીને બોલ્યો.

" જોની...! જોની...! જો આ રહ્યું આપણું જહાજ...! અહીંના લોકોએ શું દશા કરી છે આપણા જહાજની...! હા જો આ આપણું જ જહાજ છે. બળીને ખાખ થઈ ગયું. જોની...આપણું જહાજ....! લિઝાને શું જવાબ આપીશું...? માઈકલ અંકલ સુધી કેવી રીતે પહોંચીશું..? જોની..જુઓ... શું કરીશું હવે આપણે..!" અડધા ઉપર સળગી ગયેલા જહાજ સામે આંગળી ચીંધી સુશ્રુત જોનીને જહાજ બતાવતા કહી રહ્યો હતો. તેને જહાજ કરતા વધારે ચિંતા લિઝાની હતી.કેમ કે જ્યારે લિઝાને ખબર પડશે કે જહાજ સલામત રહયું નથી તો તે સાવ તૂટી જશે. તે મનથી હારી જશે. સુશ્રુત બિલકુલ નહોતો ઈચ્છતો કે લિઝાની આ દશા થાય. આ જ ભયથી તે ખુદ ધ્રુજી રહ્યો હતો.

" સુશ્રુત..! રિલેક્સ...! મને બરાબર તપાસ કરવા દે, શું ખરેખર આ જ આપણું જહાજ છે કે કોઈ બીજાનું...? તું ધીરજ રાખ હિંમત ન હાર.." ગભરાયેલા સુશ્રુતના ખભે હાથ ફેરવતા, તેને આશ્વાસન આપતા જૉનીએ કહ્યું. સુશ્રુત આગળ એક ડગલું પણ ન ભરી શક્યો. જોની..., હર્ષિત અને ઈબતિહાજને લઈને જહાજ પાસે ગયો.

To be continue...

મૌસમ😊