ઈન્ડિયા આવવા માટે સાંવરી પોતાના સાસુની પરમિશન લઈ રહી હતી અને તેમને કહી રહી હતી કે, " હા મોમ, થોડા દિવસનો તો સવાલ છે પછી ડેડીની તબિયત સારી થશે એટલે તરત જ હું અહીંયા પાછી આવી જઈશ. "
અલ્પાબેન: સારું વાંધો નહીં બેટા તો આવજે ઈન્ડિયા.
મીતને એકલા મૂકીને જવાનું સાંવરીનું મન જરાપણ નહોતું પણ પોતાના ડેડીને કારણે તે તૈયાર થઈ હતી અને તેમાં પણ પછી તો પોતાના મધર ઈન લોવની પરમિશન મળી એટલે સાંવરીને થોડી રાહત થઈ તેણે તરતજ મીતને પોતાની ટિકિટ બુક કરાવી દેવા કહ્યું અને તે જ દિવસની રાત્રિની ટિકિટ તેને મળી ગઈ.
સાંવરીએ ફટાફટ પોતાનો સામાન પેક કર્યો અને પછી લંચ બનાવવા માટે રસોડામાં ગઈ આજે તેણે પોતાના પતિદેવનું ફેવરિટ રીંગણનું ભરથું અને બાજરીનો રોટલો બનાવ્યો અને બંને સાથે ઓફિસે જવા માટે નીકળ્યા.
મીત અને સાંવરી બંને ઓફિસમાં પહોંચી ગયા અને પોત પોતાના ટેબલ ઉપર કામ કરવા માટે ગોઠવાઈ ગયા અને એટલામાં ફરીથી મીતના મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી મીસ કોલ આવ્યો...
ઓફિસમાં જઈને સાંવરી પોતાના કામમાં લાગી ગઈ એટલે રાત્રે મીતના મોબાઈલમાં કોનો મીસકોલ હશે અને તેને મીતનું શું કામ હશે તેવો કંઈ તેને વિચાર જ ન આવ્યો અને તે બાબતે તેણે મીતને કંઈ પૂછ્યું પણ નહીં. પરંતુ અત્યારે સવારમાં ફરીથી મીતના મોબાઈલમાં મીસકોલ આવ્યો એટલે તે દિવાકરભાઈની કેબિન ખાલી હતી એટલે તેમાં જઈને તેમની ચેર ઉપર ગોઠવાઈ ગયો અને મીસકોલવાળાને સામેથી તેણે ફોન કર્યો.
તો સામેથી જેનીનો અવાજ આવ્યો એટલે મીત ચમક્યો.
જેની: ગુડ મોર્નિંગ.
મીત: ગુડ મોર્નિંગ, આ કોનો નંબર છે ?
જેની: આ મારો નવો નંબર છે, સેવ કરી લેજે.
મીત: તો તેની ઉપરથી રાત્રે મીસકોલ કેમ કર્યો હતો ?
જેની: મને એમ કે, સાંવરી તારી સાથે હોય અને તને કંઈ તકલીફ થાય.
મીત: તો સવારે ફોન થાય ને અથવા ખાલી મેસેજ કરી દેવાય.
જેની: ઓહ, સોરી એવું તો કંઈ મને યાદ જ ન આવ્યું અને સાંભળ પેલો જૂનો નંબર મેં બિલકુલ બંધ કરી દીધો છે કારણ કે તેની ઉપર સુજોય બાબતે કંઈ ઈન્કવાયરી કે કંઈ આવે તો એટલા માટે અને હવે આ મારો નવો નંબર જ ચાલુ રહેશે એટલે તું ફોન કરે તો આ નંબર ઉપર કરજે.
મીત: ઓકે, એટલું કહેવા માટે મીસકોલ કરે છે બુધ્ધુ. એક મેસેજ કરી દેવાય.
જેની: અરે સોરી યાર.
મીત: ઓકે ચલ મૂકું બાય.
જેની: સાંભળને..
મીત: હા બોલ..
જેની: તું મને મળવા માટે ક્યારે આવે છે ?
મીત: સાંવરી આજે રાતની ફ્લાઈટમાં ઈન્ડિયા જાય છે એટલે પછી હું ફ્રી જ છું એટલે મળીએ આપણે.
જેની: ઓકે, પણ તે ઈન્ડિયા કેમ જાય છે ?
મીત: તેના ડેડીની તબિયત થોડી ખરાબ છે એટલે.
જેની: ઓહ ઓકે ઓકે.
મીત: ઓકે ચલ હવે મૂકું બાય.
જેની: ઓકે બાય સી યુ
મીત: ઓકે.
અને જેની સાથે વાત પૂરી કરીને મીત પણ પોતાના કામમાં લાગી ગયો. આજે પણ સાંવરીને ઈન્ડિયા જવા માટે નીકળવાનું હતું એટલે બંનેએ ઓફિસેથી થોડું વહેલું જ ઘરે જવા માટે નીકળવું પડે તેમ હતું.
સાંવરી એક ચાર્ટ બનાવી રહી હતી જેમાં મીતે ખાલી માલની લે વેચની નોંધણી જ કરવાની રહે એટલે આપોઆપ બધો તાળો મળી જાય અને મીતનું કામ થોડું ઈઝી થઈ જાય એટલે ચાર્ટ બનાવીને તેણે મીતને પોતાની બાજુમાં બેસાડ્યો અને કઈરીતે તે બધું ફીલઅપ કરવાનું તે સમજાવી દીધું પછી મીત થોડીકવાર રીલેક્સ થવા માટે પોતાની કેબનની બહાર નીકળ્યો એટલે સાંવરીએ ઓસ્ટિનને પોતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે સૂચના આપવા માટે પોતાની કેબિનમાં બોલાવ્યો કારણ કે ઓસ્ટિન ખૂબજ ડાહ્યો અને કામ બાબતે થોડો સિન્સીયર પણ હતો તેથી સાંવરીને તેના કામ ઉપર ખૂબ વિશ્ર્વાસ હતો તેણે ઓસ્ટિનને આખીયે ઓફિસમાં દરેકે દરેક બાબતનું બધીજ વસ્તુઓનું ધ્યાન રાખવા સમજાવ્યો અને પૈસાની બધીજ લેવડ દેવડનો હિસાબ પણ તેણે ઓસ્ટિનને જ સોંપ્યો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં મીતસરને હેલ્પ કરવા પણ સમજાવ્યું અને મીતને પણ તેણે કહ્યું કે, પૈસાના હિસાબનું કામ તું ઓસ્ટિનને જ સોંપજે અને તો પણ રોજે રોજનો હિસાબ ચેક કરતો રહેજે એટલે છેલ્લે બધી ભૂલ ન પડે અને પછી સાંવરીએ અને મીતે બંનેએ ફટાફટ પોતાનું કામ પતાવ્યું અને બંને વહેલા જ ઓફિસેથી ઘરે જવા માટે નીકળી ગયા.
ઘરે આવીને સાંવરીએ પોતાનું પેકિંગ ફાઈનલ ચેક કરી લીધું કે કંઈ રહી તો નથી જતું ને અને પછી બંને એરપોર્ટ ઉપર જવા માટે રવાના થયા.
રસ્તામાં સાંવરી મીતને સમજાવી રહી હતી કે, " વહેલો ઉઠી જજે, વહેલો ઓફિસે પહોંચી જજે, ઓફિસમાં બરાબર બધાજ ડિપાર્ટમેન્ટનું ધ્યાન રાખજે અને ખાવા પીવાનું સાચવજે, તારી તબિયત સાચવજે, ડેડીને સારું થશે એટલે તરત જ હું પાછી આવી જઈશ અને આટલું સમજાવતાં સમજાવતાં તે થોડી ઢીલી પડી ગઈ અને મીતને કહેવા લાગી કે, " માય ડિયર મીતુ એક વાત કહું, અંદરથી મને જાણે કંઈક બેચૈની જેવું થયા કરે છે. મારા હાર્ટબીટ (હ્રદયના ધબકારા) વધી ગયા છે. કંઇ જ ચેન પડતું નથી. ઘણાંબધાં લાંબા સમય બાદ આપણે બંને છૂટાં પડી રહ્યા છીએ હું એકલી તને અહીંયા આમ એકલો મૂકીને કઈરીતે જવું અને તને પણ અહીંયા એકલાને નહીં ગમે તું એકલો કઈ રીતે રહીશ ? બસ મને એવા બધાજ વિચારો આવ્યા કરે છે અને તું મને ખૂબજ યાદ આવીશ. મારી તો જવાની ઈચ્છા જરાપણ નથી પણ હવે શું થાય ગયા વગર છૂટકો પણ તો નથી.
મીત જરાક હસી પડ્યો અને હસતાં હસતાં સાનીયાને તે કહેવા લાગ્યો કે, " એક કામ કર તું જઈશ જ નહીં. "
સાંવરી પણ હસી પડી અને બોલી કે, " જાને યાર એવું ના કરીશ, પછી ફરી બોલી કે, " ઓકે ચલ એવું જ કરું " અને બંને હસી પડ્યા.
પછી મીત તેને શાંતિથી સમજાવતાં કહેવા લાગ્યો કે, " તું શાંતિથી જા મારી ચિંતા બિલકુલ ન કરીશ અને ઓફિસની પણ ચિંતા ન કરીશ હું બધું જ અહીંયા સંભાળી લઈશ.
અને એરપોર્ટ આવ્યું એટલે સાંવરી તેમજ મીત બંને નીચે ઉતર્યા અને મીતે સાંવરીના બંને હાથ પોતાના હાથમાં લઈ દબાવી દીધા અને તેને ચોંટી પડ્યો. જાણે બંને જણાં એકબીજાથી છૂટાં પડવા ન માંગતા હોય તેમ વાતાવરણ જાણે એકદમ ગમગીન બની ગયું હતું.
સાંવરીએ મીતને હગ કર્યું અને તેની આંખમાં આંસુ આવી ગયાં. મીત પણ તેને વ્હાલથી પંપાળવા લાગ્યો અને તેને કીસ કરવા લાગ્યો અને "ટેક કેર" કહીને બંને એકબીજાથી છૂટાં પડ્યા. છેવટે એનાઉન્સમેન્ટ થયું અને મીતે સાંવરીને પોતાની ટિકિટ અને આધાર કાર્ડ હાથમાં લઈ અંદર જવા કહ્યું. સાંવરી છેલ્લે પોતાના મીતને બાય કહી ફ્લાઈંગ કીસ આપી અંદર જવા નીકળી ગઈ.
સાંવરીના ફ્લાઈટે ઈન્ડિયાભણી ઉડાન ભરી અને મીત તે જોઈ રહ્યો....
સાંવરી ઈન્ડિયા જવા માટે ફ્લાઈટમાં બેસી તો ગઈ હતી પરંતુ મીત અને મીતનો પ્રેમ જાણે તેને પાછી બોલાવી રહ્યા હતા તેનાં હાથમાં અને હ્રદયમાં મીતનો સ્પર્શ જીવંત રાખીને તે ઈન્ડિયા જઈ રહી હતી તેને શંકા હતી કે મીત ઓફિસનો બધોજ વહીવટી બરાબર સંભાળી તો શકશે ને...??
મીત સાંવરીને મૂકીને રીટર્ન થયો એટલે તેને પણ થોડું સૂનું સૂનું લાગવા લાગ્યું અને તે પણ એમ વિચારવા લાગ્યો કે, મને એકલા એકલા તો નહીં જ ગમે પણ હવે શું થાય સાવુના પપ્પાની તબિયત આટલી બધી બગડી હોય તો તેને મોકલવી તો પડે જ ને !! પણ ખરેખર ઘણાંબધાં લાંબા સમય પછી હું અને સાંવરી છૂટાં પડ્યા.. તેના વગર રહેવું જાણે મુશ્કેલ જ નહીં નામુમકીન છે તેને પણ ગમતું નહીં હોય પણ હવે શું થાય ?? લાવ એને ફોન કરું... અને તરતજ મીતે સાંવરીને ફોન લગાવ્યો...
હવે મીત ઓફિસનો આટલો મોટો વહીવટ એકલે હાથે કેવીરીતે સંભાળે છે ? જેનીને મળવા જવાનો તેને સમય મળે છે કે નહિ ? આગળ હવે શું થશે ? તે જોઈએ આપણે આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/5/24