"લવ યુ યાર"ભાગ-5
મિતાંશ વિચારી રહ્યો હતો કે, હું ખરેખર તો સાંવરીને જોવા માટે તો ઈન્ડિયા નથી આવ્યો ને, અને ખરેખર એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ગયું અહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો.
મમ્મીને તો "હા" જવાબ આપી દીધો પણ પોતાની જાતને શું જવાબ આપવો..??
પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા.
કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના પણ જતો. ફ્રેન્ડસ જોડે આઉટીંગ કરવા, ક્લબમાં ને મૂવી જોવા ને એમ જતો રહેતો, પણ આ વખતે આટલો બધો સીન્સીયર કામ પ્રત્યે થઇ ગયો છે જોઇને મમ્મી-પપ્પા અને આખા ઓફિસ સ્ટાફને નવાઇ લાગી.
રોજ કંઇ ના કંઇક બહાને સાંવરીને પોતાની કેબિનમાં બોલાવતો અને નવા નવા પોઇન્ટ્સ કાઢી તેની ઉપર ડિસ્કશન કરતો. સાંવરીને પણ થતું કે આ સરને શું થયું છે !! નાના ક્વેશ્ચન્સ પણ મને કેમ પૂછે છે ? હવે તે, કંઇપણ ડીસીસન લેતા પહેલા સાંવરીને પૂછતો પછી જ નક્કી કરતો. સાંવરી સાથે તેનું બરાબર બનવા લાગ્યું હતું.
એક દિવસ તેણે સાંવરીને પૂછી જ લીધું, " તમે કેમ મેરેજ નથી કર્યા, હજી સુધી, નથી કરવા કે પછી કંઇ બીજુ રીઝન છે ? "
સાંવરી: ના,ના એવું નથી હું થોડી બ્લેક છું એટલે મારી કમ્પેરમાં કોઈ છોકરો મળશે એટલે કરીશ.
મિતાંશ: ઓહ, આઇ સી. બોલીને અટકી ગયો.
તે પણ ઘઉંવર્ણો જ હતો, બહુ રૂપાળો ન હતો. પણ છોકરાઓ તો ઘઉંવર્ણ જ સારા એવું તે વિચારતો અને પોતાની જાતને હીરો સમજતો.મમ્મી છોકરીઓ જોવા માટે કેટલાય સમયથી જીદ કરી રહી હતી. પણ મિતાંશ કહ્યા કરતો કે, " મને લાઇફ થોડી એન્જોય કરી લેવા દે, થોડું સ્ટેબલ થઇ જવા દે. પછી જ હું મેરેજ કરીશ."
સાંવરીની સાથે ઓફિસમાં કામ કરતા બધાને સાંવરીની ઇર્ષા આવવા લાગી. કારણકે મીત સર તેને ખૂબ સારું રાખતા. ( મિતાંશને ઓફિસમાં બધા મીત સર કહેતા)
એક દિવસ તો તેની કામ કરતી તેની ફ્રેન્ડ રેશ્માએ તેને મજાકમાં કહ્યું પણ ખરું કે, " તું ગમી તો નથી ગઇને, મીત સરને ? લાગે છે એવું. " સાંવરીએ વચમાં જ વાત કાપી અને બોલી, " ના, ના યાર શું તું પણ એવું કંઇ નથી. એ ક્યાં અને હું ક્યાં, શું તું પણ યાર, કંઇપણ બોલે છે. "
રેશ્મા: ના, આતો તારા વગર એમને ચાલતું નથી ને એટલે એવું લાગ્યું. અને બંને જણા ખડખડાટ હસી પડ્યા.
મિતાંશ હવે ચા,કોફી પણ સાંવરી સાથે શેર કરીને જ પીતો તેને મનમાં થતું કે સાંવરીને કઇ રીતે કહું કે તું મને ખૂબ ગમે છે.
ચોમાસાની રૂતુ હતી. એક દિવસ ખૂબ વરસાદ પડ્યો. મિતાંશે બધાને ફટાફટ ઘરે નીકળી જવા કહ્યું. સાંવરી પણ પોતાનું કામ પતાવી નિકળવા લાગી. એક્ટિવા લઇને આવતી હતી. બહુ કિકો લગાવી પણ આજે એક્ટિવા સ્ટાર્ટ જ ન હતું થતું. શું કરવું કંઇ સમજણ પડતી ન હતી. એટલામાં મિતાંશ ઓફિસની બહાર નીકળ્યો તો તેણે આ જોયું તે તરત જ સાંવરીની બાજુમાં જઇ ઉભો રહી ગયો અને કહેવા લાગ્યો," રહેવા દો,એક્ટિવા હું તમને કારમાં ડ્રોપ કરી જવું છું."
સાંવરીને પણ ખબર હતી કે આજે હેલ્પ લીધા વગર છૂટકો નથી. તે "ઓકે સર" એટલું જ બોલી. અને પછી એ અને મિતાંશ કારમાં ઘરે જવા નિકળ્યા.(બંને લગભગ અડધા ઉપર પલળી ચૂક્યા હતા. અને મિતાંશ સાંવરીના પ્રેમમાં પૂરો પલળી ચૂક્યો હતો. સાંવરીને થોડી ઠંડી ચઢી હતી.)
રસ્તામાં એક છાપરા નીચે ચાની નાની દુકાન આવી. એટલે મિતાંશે તેને પૂછ્યું કે, " ચા પીશો તમે, આપણે ચા પીએ. " સાંવરીની ઇચ્છા પણ ચા પીવાની હતી. મિતાંશે આદુવાળી મસ્ત ચા બનાવડાવી અને બંને ત્યાં નાની પાટલી મૂકેલી હતી ત્યાં બેઠા.
સાંવરીએ મિતાંશને પૂછ્યું, " તમે આવી નાની કીટલી ઉપર ચા પીવો ?"
મિતાંશ મજાક કરતાં બોલ્યો, " હા, પીએ ને કેમ ? તમને એવું લાગ્યું અમે માણસ નથી ?
સાંવરી જરા હસીને બોલી, " ના,ના એવું નહિ પણ તમે ( એટલું બોલીને અટકી ગઇ)
મિતાંશ ખડખડાટ હસ્યો, " કેમ અટકી ગયા, અમે શું ? "
સાંવરી મનમાં બોલી (હવે બોલી જ કાઢવા દે.) એટલે તમે પૈસાવાળા રેસ્ટોરન્ટમાં જ ચા પીવોને એમ ?
મિતાંશ: મલકાતાં, મલકાતાં મેડમ, અમે બધે ચા પણ પીએ અને ક્યાંક સારું, ટેસ્ટફુલ ફાસ્ટફૂડ બનતું હોય તો તે પણ બહાર ખઇ લઇએ. એવું કંઇ નંઈ.
આજે ઘણાંબધા દિવસે મિતાંશ આવું ખડખડાટ હસ્યો હતો. તેને સાંવરી સાથે વાતો કરવાની આ રીતે સમય વિતાવવાની ખૂબજ મજા આવતી હતી.
બંને ગરમાગરમ ચાની ચુસ્કી લેતા હતા અને મિતાંશ મનમાં વિચારી રહ્યો હતો, કેવું મસ્ત એટમોશફીઅર છે..!! વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે એવું મિશ્રણ છે આતો...!!વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યા છે.આ તરસી ધરતી તૃપ્ત થઇને સુગંધ ફેલાવીને જાણે બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગે છે.કેટલી અદ્ભૂત અને સુંદર આ સાંજ છે....!!
આનાથી યોગ્ય સમય સાંવરીને પ્રપોઝ કરવાનો બીજો કોઈ હોઇ ન શકે...!! જાણે પ્રકૃતિ પણ મને સાથ આપતી હોય તેમ લાગે છે.
આંખોમાં એક અજબ ભાવ સાથે....વધુ આવતા ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/3/23