ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરેલ હતાં. થોડીક દૂર નાની નાની નાવડીયો પણ હતી. વેપારી બંદર હોવાથી લોકોને અવરજવર પણ વધારે હતી. તેમાં કાળા અને ગોરા બંને પ્રકારના માણસો હતા. અબ્દુલ્લાહી સિવાય બાકીના પાંચેય જણ આ ટાપુ પર પહેલીવાર આવ્યા હતા. આથી જહાજમાંથી ઉતરીને અબ્દુલ્લાહી આગળ થયા અને પાછળ પાછળ બાકીના પાંચે મિત્રો ચાલતા થયા.
લિઝા, જોની, હર્ષિત અને ઈબતીહાજ આજુબાજુના લોકો, તેઓનો વર્તન વ્યવહાર તેમજ ઝાંઝીબારના ટાપુઓનું અવલોકન કરી રહ્યા હતા. જ્યારે સુશ્રુત ડરનો માર્યો નીચે જોઈએ ચૂપચાપ ચાલી રહ્યો હતો. તેના મનમાં ડર હતો કે કોઈ મને સવાલ પૂછી લેશે તો..? હું તેનો યોગ્ય જવાબ નહીં આપી શકું તો..? તેઓ મને પણ દાદાજીની દાદાજીની જેમ પકડીને જીવથી મારી નાખશે તો..? બસ આ જ પ્રકારના વિચારો આવતા ચૂપચાપ ચાલ્યો જતો હતો.
"જોની તેં નોટિસ કર્યું...? અહીં ગોરાઓ કરતાં કાળા લોકો જ મજૂરી કરી રહ્યા છે. જ્યારે ગોરા અંગ્રેજો હુકમ ફરમાવી રહ્યા છે. મતલબ અબ્દુલ્લાહીજી બરાબર કહી રહ્યા હતા. આ પ્રદેશ સંપૂર્ણપણે અંગ્રેજોનો ગુલામ બની ગયેલો છે. લિઝાએ ધીરે રહીને જૉનીને કહ્યું.
"લિઝા...તું ધીમે રહીને બોલને યાર..! કોઈ અંગ્રેજ સાંભળી જશે તો આપણને પણ પકડીને ગુલામ બનાવી દેશે..!" લિઝાનો હાથ પકડી ધીમે રહીને સુશ્રુતે કહ્યું.
"અરે તું આટલો ડરે છે કેમ..? કોઈ આપણને મારી નાખવાનું નથી..! કે કોઈ આપણાને ગુલામ પણ બનાવી દેવાનું નથી..! ચિંતા ન કર. આપણે બજારમાંથી થોડા ઘણા મસાલા અને નાના સૂક્ષ્મ હથિયારો લઈને ફટાફટ અહીંથી રવાના થવાનું જ છે." લિઝાએ સુશ્રુતને સમજાવતા કહ્યું.
કિનારાથી થોડે દૂર માર્કેટ શરૂ થયું. મસાલાની સરસ મજાની સુગંધ આવતી હતી. માર્કેટમાં શરૂ થતા જ ડાબી અને જમણી બંને બાજુએ સામસામે હરોળ બંધ નાની મોટી ઘણી દુકાનો હતી. અબ્દુલ્લાહી એક પછી એક દુકાન વટાવતા આગળ વધી રહ્યા હતા. બાકીના પાંચે યુવાનો તેમની પાછળ પાછળ જઈ રહ્યા હતા. તેઓને ખુદને પણ સમજ નહોતી કે તેઓ શા માટે આમ ફરી રહ્યા હતા. બસ અબ્દુલ્લાહીના વિશ્વાસે તેઓ અબ્દુલ્લાહીને અનુસરી રહ્યા હતા.
લવિંગ... જાયફળ...તજ... કાળા મરી... જેવા અનેક પ્રકારના વિવિધ મસાલાઓની દુકાનો આવતી હતી. આવા મસાલાઓને દુકાન જોઈએ નીચું ઘાલીને ચાલતા સુશ્રુતે તુરંત જ આજુબાજુ નજર કરી. તેની ખુશ્બુ સુશ્રુતને પ્રભાવિત કરી રહી હતી. રસોઈ બનાવવાના શોખીન સુશ્રુત મસાલા જોઈ ગાંડોતુર બની ગયો. તે દરેક દુકાન પાસે જઈ મસાલાને હાથમાં લઈ... ચકાસતો... તેને સૂંઘતો.. અને જાણે મનમાં જ કોઈ સ્વાદ માણતો હોય તેવો અનુભવ કરતો. હર્ષિત ઊભા રહી ગયેલા સુશ્રુતનો હાથ પકડી, ખેંચીને દોડવા લાગ્યો.
"અરે સારી ક્વોલિટીના મસાલા છે...! મારે ખરીદવા છે...! થોડીવાર ઉભો તો રહે હર્ષિત...!" હર્ષિતને રોકતા સુશ્રુત બોલ્યો.
"અરે પણ અબ્દુલ્લાહીમામુ અને બાકીના મિત્રો આગળ નીકળી ગયા છે. તું પાછળ રહી જઈશ તો ઉપાધિ થશે. ચાલ, ફટાફટ..! આપણે અહીં મસાલા લેવા જ આવ્યા છીએ. પરંતુ થોડી ધીરજ રાખ ભાઈ..!" આટલું કહી હર્ષિતે સુશ્રુતનો હાથ પકડી આગળ લઈ ગયો. બંને મિત્રો દોડતા દોડતા પોતાના ટોળા સુધી પહોંચી ગયા.
થોડા આગળ ચાલ્યા બાદ અબ્દુલ્લાહીજી એક દુકાને જઈ ઉભા રહી ગયા અને તે દુકાનદાર સાથે ઝાંઝીબારની ભાષામાં વાતચીત કરવા લાગ્યા. અબ્દુલ્લાહીને આ રીતે વાતચીત કરતા જોઈએ બાકીના પાંચેય યુવાનો સ્તબ્ધ બની ગયા કેમકે પાંચમાંથી કોઈ પણ તે ભાષા સમજી શકતું નહોતું. અબ્દુલ્લાહી અને તે દુકાનદાર વચ્ચેની વાત પરથી તો સમજાતું નથી પરંતુ તે બંનેના હાવ ભાવ અને વ્યવહાર જોઈ સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ ઘણા સમયથી એકબીજાને ઓળખતા હોય. તેમ જ આજે ઘણા સમય બાદ મળ્યા હોવાથી બંનેને ખુશી પણ થઈ રહી હતી. થોડો સમય વાતચીત કર્યા બાદ અબ્દુલ્લાહીજી પાંચેય મિત્રો પાસે આવ્યા.
"સુશ્રુત..! કયા કયા મસાલા કેટલી કેટલી માત્રામાં લેવાના છે..? લે આ કાગળ અને પેન..! ફટાફટ લિસ્ટ બનાવી દે..!" કાગળ અને પેન સુશ્રુતને પકડાવતા અબ્દુલ્લાહીએ કહ્યું.
"ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિત્ર છે. ઝાંઝીબારના સ્ટોન ટાઉનનો જ રહેવાસી છે. પરંતુ આમ જ વેપાર અર્થે મારે અહીં ઘણી વાર આવવાનું થતું હોવાથી તે મારો ખાસ મિત્ર બની ગયો છે. તેનું નામ ચુકાસુ છે. તે કહી રહ્યો છે કે સ્ટોન ટાઉનમાં તેના ઘરે ચલો. તેનો દીકરો પ્રખ્યાત જાદુગર છે અને તેનું જાદુ જોવા આવવાનો આગ્રહ કરે છે. શું કરશું..? એક રાત રોકાઈ જઈશું..?" અબ્દુલ્લાહીજીએ દુકાનદારનો પરિચય આપતા કહ્યું.
To be continue...
મૌસમ😊