ખજાનો - 53 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 53

"જોકે હમણાં તેઓ બેભાન છે ત્યાં સુધી બહુ વાંધો નહીં આવે પણ, આપણે જૉની અને હર્ષિતની શું સ્થિતિ છે તે જાણવું રહ્યું." રાજાએ બંનેની ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"તો તેઓની ખબર કેવી રીતે મેળવીશું ?" સુશ્રુત બોલ્યો.

"મને લાગે છે કે સૌથી પહેલા આપણે મહેલમાં રહેલ રાજ્યના માણસોને ભેગા કરીને એક મીટીંગ કરવી જોઈએ અને રાજ્યમાં ક્યાંય પણ જો નુમ્બાસાનો કોઈ માણસ હોય તો તેને પકડી લાવે, તેવો આદેશ આપવો જોઈએ. વાત રહી દરિયા કિનારે રહેલ સૈનિકોની તો સૌથી પહેલા મારા સૈનિકો જે બંદી બનેલાં છે તેઓને છોડાવી દઈએ, જેથી કરીને તેઓની સહાયથી નુમ્બાસાના સૈનિકોને પકડી શકાય. પછી વિચારીએ કે સુરંગમાં પુરેલા નુમ્બાસા અને તેના બાકીના સાથીદારોનું શું કરવું. " આટલું કહી રાજા ઊભા થયા.

સોમાલિયાના જ એક વિશ્વાસુ માણસને રાજાએ બોલાવ્યો. અને મહેલમાં કામ કરતા અન્ય સૈનિકો તેમજ માણસોને તુરંત રાજા પાસે દરબારમાં બોલાવ્યા. ફારોહ સહુરે રાજાએ રાજ્ય અને મહેલમાં નુમ્બાસાના હાથ નીચે કામ કરતા રાજ્યના માણસો પાસેથી બધી જ વિગતો પ્રાપ્ત કરી. તેઓની મદદથી રાજ્યના સૈનિકોને છોડાવી દીધા. રાજાના આદેશ મુજબ કામ ખૂબ જ ઝડપથી અને સારી રીતે થઈ રહ્યું હતું. લિઝા અને સુશ્રુત સાથે રાજાએ કેટલાક સૈનિકોને દરિયા કિનારે મોકલ્યા. શસ્ત્રથી સજ્જ રાજાના સૈનિકોએ નુમ્બાસાના સૈનિકો પર આક્રમણ કર્યું અને તેઓને હરાવી દીધા. જોની અને હર્ષિત સૈનિકોને હરાવવાનો અલગ જ પ્લાન ઘડી રહ્યા હતા. પરંતુ રાજાના સૈનિકોએ નુમ્બાસાના માણસોને હરાવી દીધા અને તેઓને કેદમાં લઈ લીધા. આ જોઈને જૉની અને હર્ષિત બંનેને થોડી નવાઈ લાગી, પરંતુ નુમ્બાસાના બધા માણસો પકડાઈ જવાથી, ચારે મિત્રો અને રાજા ખૂબ ખુશ થઈ ગયા. બધી જ વ્યવસ્થા ફરીથી કરવાની હોવાથી રાજાએ મહેલના મુખ્ય મુખ્ય માણસોને બોલાવ્યા. તે પહેલા ચારે મિત્રોને પોતાના શયન કક્ષમાં બોલાવ્યા અને પોતે ફ્રેશ થવાં ચાલ્યાં ગયાં.

"આવો... બેસો..! આપ ચારેયની મદદથી હું કેદમાંથી છૂટી ગયો તેમજ સુશ્રુત અને લિઝાના અદભુત પ્રયાસ અને તેમના સાહસ ભર્યા કામોથી આજે મેં નુમ્બાસાને હરાવ્યો છે. લિઝા અને સુશ્રુતના કામથી હું ખૂબ ખુશ થયો છું. એ ઉપકારનો બદલો તો એક દિવસ હું જરૂરથી ચૂકવીશ, પરંતુ મેં આપેલા વચન મુજબ બોલો તમારે મારી શું સહાયની જરૂર છે ?" રાજાના વેશમાં એકદમ ફ્રેશ અને તાજગી અનુભવતા ફારોહ સહુરે રૂવાબથી કહ્યું.

"મહારાજ મેં આપને પહેલા પણ કહ્યું હતું કે મારા ડેડ માઈકલ આદિવાસીઓની કેદમાં ફસાઈ ગયેલા છે. બસ તેઓ સુધી પહોંચવા માટે અને તેઓને છોડાવવા માટે આપની મદદની જરૂર છે." લિઝાએ કહ્યું.

"આપના ફાધર શ્રીમાન માઈકલ સુધી પહોંચવા માટેનો નકશો આપની પાસે છે ? " રાજાએ પૂછ્યું.

"એ બધુ નુમ્બાસાએ અમારી પાસેથી છીનવી લીધું હતું. અત્યારે હાલની સ્થિતિમાં અમારી પાસે કોઈ જ નકશો નથી. અમારી પાસે કોઈ હથિયાર નથી અને આગળ કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડશે તેનો પણ કોઈ અંદાજ નથી આપ સોમાલીયાના રાજા છો. આપનો વેપાર દક્ષિણ આફ્રિકા સુધી ફેલાયેલો છે. આપના દ્વારા જ નકશો બનાવવામાં આવ્યો હતો. તો બની શકે તો આપ..આપને ઠીક લાગે તે રીતે મદદ કરી શકો છો." જૉનીએ કહ્યું.

"દક્ષિણ આફ્રિકાના ખજાનાનો નકશો...! હમ... હવે એક કામ થઈ શકે. વાસ્તવમાં ખજાના સુધી પહોંચવાનો નકશો મેં જ ભૂગોળવિદ પાસેથી બનાવડાવ્યો હતો. તે નકશાની બીજી કોપી મારી પાસે છે. મેં આગળ પણ તમને કહ્યું હતું કે ખજાનો માત્ર મારી સુખ સાહેબી માટે નહીં પરંતુ મારી ગરીબ પ્રજાને સમૃદ્ધ બનાવવા માટે ખજાના સુધી પહોંચવાનો મારો હેતુ હતો. તો મારા અનુભવી બે માણસોને જો હું તમારી સાથે મોકલું તો તમને થોડી મદદ પણ રહેશે અને ખજાના સીધું મારાં માણસો પહોંચી જશે તો મારાં સોમાલિયાનો પણ ઉદ્ધાર થશે. તમને શ્રીમાન માઇકલ સુધી પહોંચાડવાની અને કોઈ મુશ્કેલી આવે તો તમારી રક્ષા કરવાની જવાબદારી હું મારા અનુભવી બે માણસોને સોપુ છું. આ સિવાય કોઈ મદદ તમારે જોઈતી હોય તો કહો. અને હા..લિઝા અને સુશ્રુતે તો તેઓની હિમત અને સાહસથી મારું દિલ જીતી લીધુંછે. તેઓને હું અલગથી કોઈ ઇનામ આપવા ઇચ્છું છું. પણ હમણાં નહીં. તમે પરત ફરો ત્યારે. આ સાહસવીરોને તેમની યોગ્યતા મુજબ પ્રોત્સાહન મળવું જોઈએ. તે માટે મારે વિચારવા થોડો સમય જોઈશે. જે હમણાં તમારી પાસે નથી. શ્રીમાન માઇકલને છોડાવવા એ આપણી સૌથી પહેલી પ્રાયોરિટી છે." રાજાએ કહ્યું.

To be continue...

મૌસમ😊