ખજાનો - 48 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 48

જોની અને હર્ષિત ઓલ ધ બેસ્ટ કહીને સુરંગના બીજા માર્ગેથી બહાર નીકળવા ચાલતા થયા, જ્યારે રાજા, લિઝા અને સુશ્રુત મોટેથી ઓલ ધ બેસ્ટ બોલીને, મહેલના રાણી કક્ષ તરફના માર્ગ તરફ ચાલતા થયા.

" સુશ્રુત તને ખબર છે ને તારે શું કરવાનું છે"

" જી મહારાજ મને બરાબર ખબર છે મારે શું કરવાનું છે નિશ્ચિત રહો."

" તારા ભોળા સ્વભાવને કારણે મને ડર છે કે તું ક્યાંય ગફલત ન ખાઈ જાય અને તારો જીવ જોખમમાં ન મુકાઈ જાય."

" રાજાજી...! સુશ્રુત ભોળો છે, પણ ખૂબ સમજદાર છે. તેના રૂપ અને વાતોને કારણે તેને સામાન્ય ન માનો. મને વિશ્વાસ છે મારો દોસ્ત ખૂબ સારી રીતે પોતાનું કાર્ય પુર્ણ કરશે."

" થેન્ક્યુ સો મચ લિઝા ફોર બીગ કોમ્પ્લીમેન્ટ..! તારો વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું." લિઝા સામે જોઈ મીઠી સ્માઈલ કરતા સુશ્રુતે કહ્યું.

ત્રણેય રાણી કક્ષ તરફ પહોંચવા આવ્યા.ધીમા પગલે તેઓ ખૂબ શાંતિથી આગળ વધ્યા. સુરંગ અને રાણી કક્ષની મધ્યમાં નાનો અમથો એક દ્વાર હતો. રાણી કક્ષમાંથી જોતા તે દ્વાર જેવુ બિલકુલ લાગતું ન હતું. તે દ્વાર પર એક છિદ્ર ( કાણું ) હતું. તે છિદ્ર દ્વારા આખો રાણી કક્ષ જોઈ શકાતો હતો. કક્ષમાં કોણ કોણ છે ? કઈ કઈ વસ્તુ ક્યાં પડી છે? તે દરેક બાબત 360°ના એન્ગલથી ખૂબ સારી રીતે જોઈ શકાતી હતી.

" ગજબ વ્યવસ્થા કરી છે હો..! રાજાજી આપને ધન્ય છે..!" સુરક્ષાને લગતી આટલી સચોટ વ્યવસ્થા જોઈને સુશ્રુતે નવાઈ સાથે કહ્યું.

" માત્ર સુરંગ જ નહીં આખાય રાજ્યની ફરતે સચોટ વ્યવસ્થા કરી હતી. તેમ છતાંય નુમ્બાસાએ મને કેદ કરીને મારા રાજ્યને હડપી લીધું. આપણે નુમ્બાસાને સરળ લેવાનો નથી. તે ઘણો હોશિયાર અને ચતુર છે. આપણે થોડુંક સાવધાનીથી કામ લેવું પડશે."

" જી મહારાજ...! આપ સાચું કહી રહ્યા છો. નુમ્બાસાને લાઈટલી લેવો એ આપણી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે." લિઝા બોલી.

" રાણી કક્ષમાં કોઈ નથી. મને લાગે છે કે આ જ ખરો સમય છે, આપણો રાણી કક્ષમાં પ્રવેશવાનો. સૌથી પહેલા હું રાણી કક્ષમાં પ્રવેશું છું, ત્યારબાદ તમને ઈશારો કરુ,ત્યારે જ તમારે સુરંગમાંથી રાણી કક્ષમાં આવવાનું." રાજાએ કહ્યું.

રાજા રાણી કક્ષમાં પ્રવેશે છે. ત્યાં જ કોઈ સ્ત્રીની પાયલનો અવાજ આવે છે. આથી રાજા કક્ષના પડદા પાછળ સંતાઈ ગયા. ત્યાં તેમને ભાન થાય છે કે પોતે રાજાના વેશમાં નહિ પણ મુખ્ય સેવિકાના વેશમાં આવ્યા છે. આથી તેઓ કક્ષના શૃંગારખંડ પાસે શૃંગારની વસ્તુઓને વ્યવસ્થિત કરવામાં લાગી ગયા.

નુમ્બાસા કોઈ સ્ત્રીને પકડીને લઈ આવ્યો હતો. નુમ્બાસા સાથે બે પહેરેદાર પણ હતા. પણ નુમ્બાસાએ તેને ઈશારો કરી કક્ષની બહાર ચાલ્યાં જવાનો આદેશ આપ્યો. આથી મસ્તક નમાવી પાછા પગે બન્ને પહેરેદાર ચાલ્યાં ગયા. નુમ્બાસાએ તે સ્ત્રીનો હાથ ખેંચીને શયન પથારી પર ધક્કો માર્યો. ત્યાં જ પાસેના શૃંગાર ખંડમાંથી અવાજ આવતાં નુમ્બાસા તે તરફ ગયો. તેણે રાજાને પાછળથી સ્ત્રીના વેશમાં જોયાં. તેને જોઈ હરખઘેલો બનેલો નુમ્બાસા રાજાની નજીક આવે તે પહેલાં ફરી તે સ્ત્રીની પાયલનો અવાજ સંભળાયો. શયન પથારી પાસે ઊભી થઈ ગયેલી તે સ્ત્રીને જોઈને નુમ્બાસાએ ફરી ધક્કો માર્યો. તે સ્ત્રી કક્ષમાંથી ભાગવા માંગતી હતી પણ તે નુમ્બાસાના સ્વભાવને સારી રીતે ઓળખી ગઈ હતી. ડરની મારી ચૂપચાપ નુમ્બાસાના બળજબરી પૂર્વકના વ્યવહારને સહન કરી રહી હતી. પણ આ બધુંય દ્રશ્ય છિદ્ર મારફતે સુશ્રુત અને લિઝા જોઈ રહ્યાં હતા.

" સુશ...! મારાથી આ સ્ત્રીની હાલત જોઈ નથી શકાતી."

" મને પણ લાગે છે કે આને બરાબરનો પાઠ ભણાવવો પડશે."

" શું કરશું..? "

" આ બળવાનને બળથી નહિ, કળથી હરાવવો પડશે."

" જે કંઈ પણ કરવું હોય તો જલ્દીથી કરવું પડશે. હું તે સ્ત્રીને આ લૂંટારાની હવસનો શિકાર બનતાં નહિ જોઈ શકું."

"સૂક્ષ્મ હથિયારોથી એક સાથે તેની પર વાર કરવો પડશે. તું રેડી છે ને ?"

" હા, તું સૌથી પહેલાં તેને મૂર્છિત કરવાની સોય તેને ભોંકી દેજે. જેથી કરીને તેની તાકાત ઓછી થાય."

" મને ખબર છે મારે શું કરવાનું છે.વન...ટુ..થ્રિ..ગો...!" કહેતા સુશ્રુતે લિઝાનો હાથ પકડી સુરંગનો દ્વાર ખોલીને કક્ષમાં પ્રવેશ કર્યો.

( શું સુશ્રુત અને લિઝા નુમ્બાસાને રોકી શકશે ? કે પછી કોઈને બચાવવાની ભાવના તેમનો જીવ જોખમમાં મુકશે ? હર્ષિત અને જૉની તેમનું જહાજ શોધી શકશે કે પછી કોઈ બીજી જ મુસીબતમાં ફસાઈ જશે ? તે જાણવા મારા વ્હાલા વાંચક મિત્રો આપને ખજાનોનો આગળ નો ભાગ વાંચવો પડશે.)

😊 ખુશ રહો...મસ્ત રહો..ખુશહાલ રહો...😊

🙂મૌસમ🙂