" આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથી દૂર થઈ જાય છે ત્યારે કેવી દુઃખની લાગણી અનુભવાય છે તે મારાથી વધારે સારી રીતે કોણ જાણી શકે..? રાજાજી..! હું આપની તકલીફ.. સમસ્યાને સમજી શકુ છું. મને વિશ્વાસ છે, આપણે બધાએ આપણા પ્લાન મુજબ આ કાર્યને સફળ કરી શકીશું. આપ જરૂરથી આપના પરિવારને મળી શકશો. જરૂરથી રાજગાદી પણ પાછી મેળવી શકશો અને હું મારા ડેડની પાછા લાવી શકીશ." આટલું બોલતા લિઝાની આંખોમાં પાણી આવી ગયા.
" જરૂરથી...આપણે સફળ થઈશું..!" કહી જૉનીએ લિઝાના માથે હાથ ફેરવ્યો અને તેને ભેટી પડ્યો. સુશ્રુત અને હર્ષિત પણ ઈમોશનલ થઈ ગયા અને તેઓને ભેટી પડયાં. રાજા તેઓની એકતા અને મૈત્રીભાવને જોઈ રહ્યાં હતાં. લિઝાએ ઈશારો કર્યો તો તેઓ પણ ચારેય સાથે જોડાઈ ગયા. આ મૈત્રીભાવમાં સાહસ અને પ્રેમ બંને હતા. લિઝાના સ્વભાવથી હર્ષિત પ્રભાવિત હતો. જ્યારે લિઝા હર્ષિતના ડેશીંગ લૂકથી પ્રભાવિત હતી. અને ભોળો સુશ્રુત અમસ્તો જ નિર્દોષ ભાવે લિઝાને પસંદ કરતો હતો.
ચારેય મિત્રો વેશભૂષાની ઓરડીમાં ગયા. ઓરડીમાં ચારે બાજુ જુદા જુદા પ્રકારના કપડાઓ ગોઠવેલા હતા. ક્યાંક સૈનિકોના કપડા હતા, તો ક્યાંક ગામડાના સ્ત્રી પુરુષના કપડા હતા, ક્યાંક અંગ્રેજી કપડા હતા તો કોઈ ઠેકાણે રસોઈયા મહારાજ જેવા વિવિધ કાર્યોમાં પારંગત હોય તેવા વ્યવસાયકારોના કપડાઓ, અલંકારો અને હથિયારો સાથે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા.
"અરે વાહ મહારાજ...!અહીં તો બધા જ પ્રકારની વેશભૂષા માટેના કપડા છે." ઓરડીમાં ચારે બાજુ નજર કરતા જોની એ કહ્યું.
" મારે મુખ્ય સેવિકાના કપડા જોઈએ છે, તે ક્યાં છે ? મહારાજજી...! મુખ્ય સેવિકા કેવા કપડાં પહેરતી હશે ? મને તો અહીંના લોકોનો ખાસ પરિચય નથી. મને બિલકુલ અંદાજ નથી કે રાજ મહેલની સેવિકાઓ કેવા કપડાં પહેરતી હશે અને શું કામ કરતી હશે ?" પોતાની વેશભૂષાને અનુરૂપ કપડાં શોધતી શોધતી લિઝાએ કહ્યું.
" અહીં મુખ્ય સેવિકાનો ડ્રેસ કોડ ફિક્સ છે. અહીં મુખ્ય સેવિકા સફેદ બ્લાઉઝ અને સફેદ ચણીયાની ઉપર લાલ રંગની ઘાટા પટ્ટાવાળી સાડી પહેરતી હોય છે. માથે અંબોડો બનાવી તેની ઉપર સ્કાર્ફ પહેરતી હોય છે અને કેટલાક ઘરેણા પણ પહેરતી હોય છે." રાજાએ મુખ્ય સેવિકાને અનુરૂપ ડ્રેસ કાઢીને લિઝાના હાથમાં મુકતા કહ્યું.
" રસોઈયા મહારાજ શું પહેરતા હશે? મારે તેને અનુરૂપ કપડાં શોધવા પડશે. મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ કુરતો અને લેંઘો પહેરતા હશે" સુશ્રુતે પોતાની વેશભૂષા મુજબ કપડા શોધતા શોધતા કહ્યું.
" લેંઘો...? રસોઈયા મહારાજ લેંઘો પહેરતા હશે ? આપણા હિન્દુસ્તાનમાં તો રસોઈયા મહારાજ ધોતી પહેરતા હોય એવું મને જણાયું છે." હર્ષિતે વિચારતા કહ્યું.
"હમ્મ..! મને તો મુખ્ય સેવિકાના કપડા મળી ગયા. જો તો હર્ષિત કેટલા સુંદર છે..? પણ મેં આવા કપડાં ક્યારેય પહેર્યા નથી. હું આ કપડામાં કમ્ફર્ટેબલ રહી શકીશ કે કેમ ?" કપડાં મળી જતાં લિઝાએ ઉત્સુકતા સાથે થોડી કન્ફ્યુઝ થઈ કહ્યું.
"તું કોઈપણ કપડાં પહેરે, તું સુંદર જ લાગીશ લિઝા..!" હસીને હર્ષિતે કહ્યું. લિઝાએ સ્માઈલ કરી અને કપડાં ચેન્જ કરવા ગઈ.
" મને સૈનિકના કપડા મળી ગયા હર્ષિત...! ચાલ ફટાફટ આપણે આ પહેરી લઈએ, જેથી કરીને આપણે આપણા પ્લાનને જલ્દીથી અંજામ આપી શકીએ. બે જોડી સૈનિકના કપડા હાથમાં લેતા જોનીએ હર્ષિતને સંબોધીને કહ્યું.
હર્ષિત અને જોનીએ સૈનિકના કપડા પહેરી લીધા. સુશ્રુત રસોઇયાના વેશમાં ઘણો ક્યુટ લાગતો હતો. જ્યારે લિઝા મુખ્ય સેવિકાના વેશમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બસ હવે રાજાની વેશભૂષા બાકી રહી હતી.
To be continue..
😊 મૌસમ😊