(કનિકા ઝલકને બધી જ વાતો પૂછે છે. કેવી રીતે એ છોકરાના મનમાં નફરત અને ઈર્ષાની ભાવના જાગે છે અને એ જ ભાવનામાં વહી તે તેના પર એસિડ નાંખી દે છે. સિયાનું ઘર સરસ રીતે સજાવેલું છે. આજે દાદા ઘરે આવવાના હોવાથી બધા દોડધામમાં લાગેલા છે. હવે આગળ....)
કેશવે સિયાને કહ્યું કે,
“સિયા બેટા, હવે દાદાને આરામની જરૂર છે અને એમને ડૉક્ટરે વધારે બોલવાની ના પણ પાડી છે. તો વાતો કરવાની રહેવા દઈ અને એમને બને એટલો આરામ કરવા દો. અને હા, બેટા દાદાનું જમવાનું, દવાનું અને આરામનો ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે, તો એ કામ તમારું. જા દાદાને રૂમમાં લઈ જા અને દાદીને પણ લઈ જા.”
દાદા બેડ પર આડા પડયા અને દાદી પણ બેડ પર જ બેઠયા એટલી વાર સિયા ચૂપચાપ ઊભી રહેલી જોઈ દાદાએ પૂછ્યું કે,
“મારી લાડકીને શું થયું છે? કેમ મ્હોં ફૂલાવીને બેઠી છે, બોલ જરા...”
દાદાનો પુચકાર સાંભળી નાનું છોકરું મમ્મી પપ્પાની ફરિયાદ દાદાને કરે તેમ જ સિયા,
“આજનું કંઈ નથી થયું? આ તો તમે બીમાર પડ્યાને એના... એના પહેલાંનું છે.”
“સારું તો એના પહેલા શું થયું હતું?”
“દાદા.... દાદા તમે મારી જ મજાક ઉડાવી ગમે છે, હું વાત જ નહીં કરું. મારી વાત સાંભળનાર અને સમજનાર આ ઘરમાં કોઈ નથી.”
“એવું નથી બેટા, તું મને કંઈ નહીં, તું તો મારી લાડલી નહીં? શું થયું છે તને?”
“હું કેવી રીતે કહું કે તમારી લાડલી છે ને તમારા વગર સૂની પડી ગઈ હતી. મારે તમારી સાથે કંઈ વાત નથી કરવી...”
“પણ હું વાત કરવા માગું છું, એટલા માટે કે તું મારી લાડલી છે ને હું તારો દાદો છું. હવે બોલ શું વાત બની છે?”
સિયાએ તેને મમ્મીએ માનવ વિશે જે કહ્યું એ બધું જ કહી દીધું એટલે દાદાએ કહ્યું કે,
“જો બેટા અહીંયા આવ અને મારી પાસે બેસ. તને ખબર છે, તને સૌથી વધારે પ્રેમ કોના ઉપર છે?”
“હા ખબર છે ને, તમે જ મને વ્હાલ કરો છો.”
“હું તો કરવાનો જ છું, પણ જો સૌથી વધારે આ વ્હાલ તો તારી મમ્મી તને કરે છે, તારા પપ્પા તને કરે છે. તેમને ખબર છે કે તારા માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી? એમને એ લોકો કંઈ એમને એમ ના કહેતાં હોય, પણ એમને આ દુનિયા જોઈ છે, આજકાલના રંગઢંગ જોયા છે. જે હું કે તારી દાદી ના જોઈ શકીએ અને તારી એ સમજની બહારની વાત છે. અને સાથે સાથે એમને એ પણ ખબર છે કે તું એમની લાડલી, આ ઘરનો જીવ છે. તો જે તારા માટે કંઈ યોગ્ય ન હોય અને તો જ તે તને બિલકુલ ના પડશે. સાથે એ ડર પણ છે કે તું મારી આટલી લાડલી છે, એટલે તને ખોટું તો ના જ કહે, નહિતર મારા ગુસ્સાને એમને સામનો કરવો પડે. એ તને ખબર છે ને?”
“એ તો હા દાદા પણ....”
“બેટા આ રીતે જ તારું માનવ સાથે ફરવા જવાની તો વાત અલગ છે, તું માનવ સાથે જા કે બીજી ફ્રેન્ડ સાથે પણ આવી રીતે મમ્મી પપ્પાને કે અમને કોઈને કીધા કર્યા વગર ફરવા જવું, એ કેટલું યોગ્ય છે.”
“તો ફરવા જવું, મૂવી જોવા જવું એ ખરાબ છે?”
“ના જો ગાર્ડનમાં ફરવું એ તો થોડી વાત ખોટી બને? બેટા તારી ઈચ્છા થાય તો તું કહે અને તુ તારા ફ્રેન્ડ સાથે જા. પણ માનવ જોડે શું કામ જવું પડે?”
દાદીએ કહ્યું તો સિયા,
“દાદી પણ મારી ફ્રેન્ડ અને માનવ એમાં શું ફરક? એનાથી શું બદલાઈ જાય?”
“બેટા તું હજી નાસમજ છે કે આ ફરક શું એ કેમ કરીને સમજાવો.”
દાદીએ દાદા સામે જોયું તો દાદાએ વાતનો દોર પાછો પોતાના હાથમાં લીધો.
“એટલા માટે કે તને નાની એવી નથી સમજ પડી રહી કે તારી મમ્મી પપ્પા એ જેટલી જિંદગી જીવી છે ને એટલી જ જિંદગી તે તો નથી જીવી એટલી જ દુનિયા વિશેની તને નથી ખબર. એટલે જ એ લોકો તને વારેવારે ટોકી રહ્યા છે કે તને એ કામ નહીં કરવાનું કહી રહ્યા છે તો તારા માટે એમાં કંઈક સારું હશે. માટે ખોટું લગાડી ને નારાજ ના થવાય. જેમ તારી મરજી મુજબ ના થાય તો તું એ વાતને લઈ ભગવાનથી ખોટું લગાડે છે?”
“ના...”
“કેમ?... કેમ કે એટલા માટે કે આપણને એના પર શ્રધ્ધા છે કે તે જે કરશે તે સારું જ કરશે. એવી જ રીતે આપણા મમ્મી પપ્પા જો આપણને કંઈક કહેતા હોય ને તો સમજી જવાનું કે આમાં કંઈક તો ખોટું છે. અને એકવાર એ વસ્તુ વિશે વિચારવાની જરૂર છે. પછી તને જો એમ લાગે ને કે આમાં કંઈ ખોટું નથી તો જ આગળ વધ. પણ એવું બનશે જ નહીં.”
“અને જો હું સાચી હોવ તો....”
“તો પછી તું એમને તારા મનની વાત શાંતિથી સમજાવ અને એકવાર તારી શાંતિથી વાત સમજાવીશ તો તે સમજશે. આમ પણ તું તારા મનની વાત સમજાવવા માંગતી હોય તો તારે જ ધીરજ રાખવી પડે.”
“આ બધી વાત બરાબર પણ એ લોકો મારી વાત સમજે નહીં તો?”
“જો બેટા કહેવતમાં કહેવાયું છે ને કે ‘ધીરજના ફળ હંમેશાં મીઠા હોય’ તો કોઈ કામ ના થાય એમ કેમ બને. ચાલ હવે એક સ્માઈલ આપ કેટલા દિવસે તારી મીઠી મીઠી સ્માઈલ જોઈ નથી.”
દાદાએ એમ કહ્યું એટલે સિયાએ એક સ્માઈલ આપી અને કહ્યું કે,
“હું તમારા માટે ખીચડી લઈને આવું.”
“પાછી ખીચડી... મારે નથી ખાવી.”
“દાદા પપ્પાએ, ડોક્ટરે કીધું છે. પછી જો તમે તમારું ધ્યાન ના રાખો તો મારું શું થાય અને આમ પણ તમને ડોક્ટર જે કીધું હોય એ જ ખાવું પડે કે નહીં, અને પરેજી પાળવી પડે તો પાળવી જ પડે, એમાં શું નવાઈ છે. ફરી પાછું આવું કંઈ થાય તો... હમણાં તો બધું સાચવવું જ પડશે એટલે મારે તમારી કઈ વાત સાંભળવી નથી.”
“હા ભાઈ હા મારે ખીચડી જ ખાવાની છે, બસ.”
તે હસીને ખીચડી લેવા જતી રહી અને એને જતી જોઈ ધીરુભાઈ બોલ્યા કે,
“સુધા, કેવું નહીં દીકરીને મા, દાદી, બહેન, મિત્ર બનતાં પણ આવડે અને દીકરી બનતા પણ આવડે. તે નર્સ બનીને સેવા પણ કરી શકે અને લાડ લડાવી આંખની કીકી પણ બની શકે. મને દીકરી નથી પણ આ સિયા જેવી આપણી પૌત્રી આપી ભગવાને એ ખોટ પણ પૂરી કરી દીધી.”
સુધાબેન કહ્યું કે,
“કદાચ એટલે જ દીકરી તમારા રિટાયરમેન્ટના સમયે જ આ ઘરમાં આવી....”
“એટલા માટે કે હું બધા લાડ એને આરામથી લડાવી શકું.”
“હા અને એના વ્હાલમાં મનફાવે તેમ તેનું બાળપણ માણી શકીએ. એટલે તો કહેવાય છે ને ‘દીકરી એટલે વ્હાલનો દરિયો’ અને વ્હાલના દરિયામાં તો ડૂબકી મારવી પડે ને?”
“હાસ્તો મારે તો મારા વગર કંઈ છૂટકો છે.”
ધીરુભાઈ એમ કહ્યું એટલે સુધાબેન અને તે બંને હસી પડ્યા.
(દાદા આવું કેમ બોલ્યા? તે હજી સિયાને કેમ કરી સમજાવશે? સિયા એમની વાત માનશે? તે તેના મમ્મી પપ્પાને નજરીયો સમજશે? અને એનો સમજવા તે શું કરશે? દાદા તેનો નજરીયો સમજશે? કનિકા ઝલકના કેસમાં શું એક્શન લેશે? એ ગુનેગારને પકડશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૪)