તે રાત્રે લગ્નના સોનેરી સપનાઓ સેવી અમે બન્ને સુઈ ગયા. બન્નેને વિશ્વાસ હતો કે તેઓની પ્રેમ કહાની અધૂરી નહિ રહે.
“પછી શું થયું.? તારા પપ્પા લગ્ન માટે માની ગયા..?” અભયે પૂછ્યું.
“બાકીની વાત પછી કહીશ. તું જો તો કેટલા વાગ્યા..? બે વાગવા આવ્યા છે, આવતીકાલે તમારા લગ્ન છે. મને લાગે છે હવે આપણે સુઈ જવું જોઈએ.” અભિલાષાએ ઉભા થતા કહ્યું.
“બેસ ને યાર..! આગળ બોલને..!શું થયું..?અમારે જાણવું છે.” કીર્તિએ અભિલાષાનો હાથ પકડી નીચે બેસાડતા કહ્યું.
“આજ તો મેં નક્કી કર્યું છે. પ્રેમની પરિભાષા બરાબર ન સમજી લઉં ત્યાં સુધી લગ્ન કરીશ નહીં. મને લાગે છે કે પ્રેમની સંકલ્પનાને બરાબર સમજવા માટે અભિલાષા મારે તારી આખી પ્રેમ કહાની સાંભળવી અને સમજવી પડશે” અભયે કીર્તિનો હાથ પોતાના હાથમાં લઈ અભિલાષા સામે જોતા કહ્યું.
“અરે પણ આવતીકાલે તમારા બંનેના લગ્ન છે. ઉજાગરો થશે તો લગ્નના મંડપમાં મૂડ નહીં રહે, ફોટા પણ સરખા ન આવી શકે. એના કરતાં વધારે સારું એ છે કે અત્યારે સુઈ જાવ બાકીની સ્ટોરી તમને પછી કહીશ” અભિલાષાએ કહ્યું.
“અરે યાર એ બધી ચિંતા તું છોડ ને..! અમારા લગ્ન છે. અમને તેની ચિંતા નથી તો તું કેમ ચિંતા કરે છે..? અમારે તો બંનેએ તારી પ્રેમ કહાનીનો શું અંત આવ્યો તે જાણવું છે. હેને કીર્તિ..!” અભયએ કહ્યું.
“હા, અમને કઈ ઉજાગરો નથી થતો. તું બોલ શું થયું.? તારા પપ્પા તમારા લગ્ન માટે માની ગયા..?” કીર્તિએ કહ્યું.
“તો તમે નહીં જ માનો એમ ને..? ઠીક છે તો સાંભળો, બીજા દિવસે સાંજે મારા પપ્પા ઘરે આવ્યા. તેઓના ચહેરા પર ગજબની ખુશી છવાયેલી હતી. આટલા ખુશ તો મેં તેઓને ઘણા સમય પછી જોયા હતા. તેઓએ બેગ સોફા પર મૂકી. બેગ માંથી મીઠાઇનું બોક્સ કાઢ્યું અને મને ખવડાવતા કહ્યું,' દીકરા મોઢું મીઠું કર..! તારા માટે ખૂબ સારા સમાચાર લાવ્યો છું.'
“અરે પણ એવા તો કેવા સમાચાર છે કે તમે આજે ફુલ્યા નથી સમાતા..?" મેં મીઠાઈ ખાતા ખાતા જ પૂછ્યું.
“સમાચાર જ એવા ગજબના છે કે મારી ખુશીનો પાર નથી રહ્યો.” રૂમાલથી મોઢું લૂછી પપ્પા સોફા પર બેઠા.
“હવે તમે કહેશો કે નહીં કે શું સમાચાર છે..?”
“મારી પાસે બેસ દીકરા..! કહુ તને..!"
હું સોફા પર તેમની બાજુમાં ગોઠવાઈ. મારા માથે હાથ ફેરવી તેઓએ મને કહ્યું,“સૌરાષ્ટ્ર મારો પેલો મિત્ર છે ને.. હરગોવન..! તેના ઘેર ગયો હતો.”
“હા..! હરગોવન કાકાના ઘરે..? કેમ છે તેઓ બધા મજામાં ને..?”
“હા, તેઓ બધા મજામાં છે. ત્યાં અમે તને બહુ યાદ કરી હો..!”
“મને યાદ કરી..! કેમ..?”
“તું નાની હતી ને.! ત્યારથી તું હરગોવનને બહુ ગમતી. તારા નખરા, તારી કાલી કાલી ને તોતલી બોલી તે બધું તેને બહુ ગમતું.”
“એ બધું તો ઠીક છે પણ સારા સમાચાર શું છે..? મૂળ વાત પર આવો ને પપ્પા..!”
“હરગોવનના દિકરા પ્રિતમ સાથે તારું પાકું કરીને આવ્યો છું. જોકે પાક્કું તો તું અને પ્રીતમ નાના હતા ત્યારે જ કરી દીધું હતું. બસ અત્યારે તો હું ખાસ પ્રીતમને મળવા ગયો હતો. તેને જોઈ મારા દિલને ટાઢક વળી. વર્ષો પહેલા નક્કી કરેલ સગપણ એકદમ બરાબર છે. પ્રીતમ તારા જેવડો જ છે. રંગે, રૂપે અને સ્વભાવે ખૂબ સારો છે. તેને એરફોર્સમાં ખૂબ સારા પગારવાળી જોબ મળી છે. સંસ્કારી પણ એટલો જ છે. તેને જોઈ થયું કે હરગોવનના ઘરે મારી દીકરી ખૂબ ખુશ રહેશે. આજ પ્રીતમને મળીને મારી તારા પ્રત્યેની સઘળી ચિંતા દૂર થઇ. દીકરા આજ તું નહિ માને કે હું કેટલો ખુશ છું..!” ઊઠીને ભગવાનના ગોખલા તરફ જઈ દર્શન કરતા પપ્પાએ કહ્યું.
To be continue