ભાવ ભીનાં હૈયાં - 15 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાવ ભીનાં હૈયાં - 15

શશાંકની વાતો, તેનો વ્યવહાર તથા લાગણીસભર ચહેરાથી હું પણ પ્રભાવિત થઈ ગઈ હતી. તે હંમેશા પ્રેમ અંગેના વિવાદમાં મારાથી જીતી જતો. તેમ છતાં મેં સ્પષ્ટ તો નહોતું જ કહેલું કે હું પણ તેને ખૂબ ચાહતી હતી, પણ તેને વિશ્વાસ હતો કે હું તેને ચાહું છું.

" શશાંક..! એક વાત પૂછું..? તું સ્વભાવે કુલ, દેખાવે ડેશિંગ અને પૈસેટકે અમીર છે. તો તને મારા જેવી શાંત,સરળ અને સામાન્ય ઘરની છોકરી કેવીરીતે પસંદ આવી..?" એક દિવસ મેં તેને પૂછી જ લીધું.

" બેટા...! એમાં એવું છે ને કે જ્યારે માણસને પ્રેમ થાય ને ત્યારે બાકીની બધી વસ્તુ કે બાબતો ગૌણ બની જાય છે. અને કોને કહ્યું તું શાંત ને સરળ છે..? તું કેટલી શાંત અને સરળ છે તે તો મેં હોસ્પિટલમાં જોઈ લીધું હો..! એટલે શાંત અને સરળ હોવાના નાટક તો તું ના જ કર.વાત રહી અમીર ગરીબની તો એમાં એવું છે ને મેરી જાન..! પૈસા જોઈ પ્રેમ ક્યારેય ન થાય અને પૈસા જોઈ પ્રેમ થાય તો તે પ્રેમ ક્યારેય ન ટકે."

બિન્દાસ્તપણે તેણે મારી આંખોમાં આંખ નાખી કહ્યું. તેની દરેક વાત ધારદાર હોતી. તે જે કંઇ હોય તે સ્પષ્ટ કહી દેતો. ક્યારેય ડરતો નહિ. મને તેની આ ખૂબી બહુ ગમતી.

" શશી..! પ્રેમ એટલે શું..?" મને તેને સાંભળવો ગમતો આથી હું અમસ્તા જ તેને સવાલ કરે જતી.

" બાય ધ વે..!
શશાંકમાંથી તારું મને શશી કહી બોલાવવું તે છે પ્રેમ.
જાનેમન..! દિનરાત તને મારી ચિંતા સતાવે તે છે પ્રેમ.
મારી સાથે વાત કરતાં કરતાં તારું શરમાઈ જવું તે છે પ્રેમ.
તારી સાદગીમાં રહેલી સુંદરતાને હું નિહાળું તે છે પ્રેમ.
વણ કહે તારા મનને હું જાણી લઉં તે છે પ્રેમ.
વણ બંધને સ્નેહના તાંતણે આપણું બંધાઈ જવું તે છે પ્રેમ."

શશાંકએ મારો હાથ તેના હાથમાં લઈ મારી સામે જોતાં કહ્યું. તેની આંખોમાં એક ગજબની ચમક હતી. તેના શબ્દે શબ્દોમાં મારા અને પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ છલકાતો હતો. તેનાં એક એક શબ્દો મારા હદયને સ્પર્શતા હતા. માત્ર પિતાના સહવાસમાં રહેલી હું શશાંકના આવા સ્નેહભર્યા વ્યવહારથી ભાવુક થઈ ગઈ. મારી આંખો ભરાઈ ગઈ. ના ઇચ્છતા પણ હું તેની સામે રડી ગઈ.

" ઓય..અભિ..! શું થયું યાર..પ્લીઝ..તારે રડવાનું નહિ યાર..! " શશાંકએ મારી આંખો લૂછતાં કહ્યું. હું કંઈ ન બોલી શકી, બસ હસીને તેના હાથને ચૂમી લીધો.

" અભિ..! એક વાત કહું..? મને ખબર છે તને ડર છે કે હું પ્રેમનું નાટક કરી તને છેતરીશ તો..! એટલે જ તું સ્પષ્ટપણે તારા પ્રેમનો એકરાર નથી કરતી...હે ને..? પણ તું બિલકુલ ચિંતા ન કર યાર. હું ખરેખર તારી સાથે દીલથી જોડાયો છું. હું તારી સાથે કંઈ જ ખોટું નહિ કરું કે ના તારી સાથે કંઈ જ ખોટું થવા દઈશ..આ મારી પ્રોમિસ છે તને." મને વિશ્વાસ અપાવતાં શશાંકએ કહ્યું.

" આટલું કહી તે ખરેખર મારો ડર દૂર કરી મનનો ભાર હળવો કરી દીધો શશી..!" મેં કહ્યું.

" તો હવે રાહ કોની જોવે છે..? હવે તો બોલ તે મેજિકલ થ્રિ વર્ડ્સ..! તે સાંભળવા મારા કાન તરસી રહ્યાં છે યાર..!"શશાંક અનિમેષ નજરે મારી સામે જોતા બોલ્યો.

" આઈ...!"

" આઈ...હા, બોલ અભિ..આગળ બોલ..!"

"લવ..!"

" હમ.. લવ..!"

" આઈ લવ માય ફાધર..!" આટલું કહી હું ત્યાંથી ભાગી.

" અભિ..! બોલને યાર..આવું ન કર..!" મારી પાછળ પાછળ દોડતાં તે કહેવા લાગ્યો.

" મારા દિલમાં શું છે તે તો તું જાણે જ છે..! તો બોલવાની ક્યાં જરૂર છે..?" કોલેજના ગાર્ડનમાં ભાગતા ભાગતા મેં કહ્યું.

" મને ખબર છે.. તો પણ તારા મોઢે મારે સાંભળવું છે યાર..!" મારી પાછળ ભાગતા ભાગતા તેણે કહ્યું.

" પછી ક્યારેક..અત્યારે નહિ..!"

" એક દિવસ તું સામે ચાલીને આવીશ અને મને કહીશ કે આઈ લવ યુ શશી..!"

To be continue