નંદિની ઘરની બહાર તો નીકળી ગઈ પણ તે જશે ક્યાં..? તે એકલી નહોતી. તેની સાથે તેનો સાત મહિનાનો ગર્ભ હતો. કોઈપણ ભોગે નંદિનીએ તેની રક્ષા કરવાનું પ્રણ લીધું હતું.
" જો હું અહી ક્યાંક રહીશ તો કુટુંબનું નાક કપાશે. મારે આ શહેરથી થોડે દૂર જઈને રહેવાની વ્યવસ્થા કરવી પડશે." આમ વિચારી નંદિની ધીમે રહીને બસનું પગથિયું ચડી. પાછળ વળી તેણે પોતાના શહેર પર નજર ફેરવી જાણે અલવિદા કહેતી હોય તેમ મોઢું ફેરવી તે બસમાં ચડી ગઈ અને સીટ પર ગોઠવાઈ ગઈ. નંદિની બારી પાસે બેસી એકધારી નજરે બહાર જોઈ રહી હતી. બસ તેની ઝડપે દોડી રહી હતી ને શહેર તેનાથી દૂર ભાગે જતું હતું. લગ્નથી લઈને અત્યારે સુધી બનેલી બધી જ ઘટનાઓ એક પછી એક તેના માનસપટ પરથી પસાર થતી હતી. ત્યાં તેની આંખ લાગી ગઈ ને તે સુઈ ગઈ.
" ચાલો..ચાલો..છેલ્લું સ્ટેશન આવી ગયું." બસની અચાનક બ્રેક લાગતાં જ નંદિની જાગી તો કંડકટર બધાને ઊતરવાનું સૂચન આપી રહ્યો હતો. નંદિની ધીમે ધીમે નીચે ઉતરી. થોડીવાર ત્યાં જ ઊભા રહીને તેણે ચારેય બાજુ નજર ફેરવી.
" હવે આ શહેરમાં જ મારે રહેવાનું છે. આને જ મારે મારુ ઘર બનાવવાનું છે. " આમ, વિચારી તે બસસ્ટેશનની બહાર નીકળી.
ઘણાં સંઘર્ષો બાદ તે શહેરમાં નંદિની સેટ થઈ ગઈ. નાના ધોરણના બાળકોનું ટ્યૂશન કરાવી તે પોતાનું ગુજરાન ચલાવતી હતી. બે મહિનામાં તો તેના ટ્યુશન આવનાર બાળકોની સંખ્યામાં વધારો થયો હતો. તે સારું એવું શિક્ષણ બાળકોને આપતી હતી. આથી આખા શહેરમાં તેની ખ્યાતિ વધી હતી.
રોજના નિત્યક્રમ પ્રમાણે નંદિની સાંજના સમયે ઘરની પાસે આવેલા બગીચામાં ચાલવા ગઈ હતી. પછી તે એક બાંકડા પાસે આવીને બેઠી. બેઠી બેઠી ત્યાં પુસ્તક ખોલીને વાંચતી હતી ત્યારે અચાનક કોઈ યુવાન દોડતો દોડતો આવીને તેના બાંકડાની પાછળ સંતાઈ ગયો.
“પ્લીઝ પ્લીઝ સિસ્ટર..! કોઈ શોધતું શોધતું અહીં આવે તો તેને મારા વિશે કંઈ કહેતા નહીં. પ્લીઝ સિસ્ટર મારી મદદ કરો." તે યુવાનના આજીજી ભર્યા શબ્દો સાંભળી નંદિનીને થોડી નવાઈ લાગી. એવામાં જ ચાર માણસો તે યુવાનને શોધતા-શોધતા નંદીની પાસે આવ્યા.
" તમે અહીં કોઈ બ્લેક ટીશર્ટ પહેરેલી હોય એવા દુબળા- પાતળા ને ઊંચા - ગોરા માણસને જોયો છે..?"
" માફ કરશો..! તમે કહી રહ્યા છો એવા કોઈ માણસને મેં જોયો નથી. ” નંદિનીએ પુસ્તક વાંચતા-વાંચતા કહ્યું. યુવાનને શોધવા આવેલ ચારે માણસો બગીચામાં થોડીવાર આમથી તેમ ફરી ને ચાલ્યા ગયા. નંદિની પાછળના બાંકડા પર બેઠેલા તે યુવાને ઊંડો શ્વાસ લીધો અને ઉભો થયો.
" તમારો ખુબ ખુબ આભાર સિસ્ટર..! થેન્ક્યુ સો મચ..!" તે યુવાનને નંદીનીનો આભાર વ્યક્ત કરતા કહ્યું.
" મારે જાણવું છે કે તેઓ કોણ હતા..? અને તમને કેમ શોધી રહ્યા હતા..?" નંદિનીએ કડક સ્વરે કહ્યું.
" તમને કહું પણ તમે કોઈને કહેશો નહીં ને..? મારા જીવને થોડો ખતરો છે."
" પહેલાં જાણી લઉ કારણ..! યોગ્ય છે કે અયોગ્ય પછીથી હું બીજો નિર્ણય લઈશ." નંદિનીએ કહ્યું.
" તમે હરખસિંગને ઓળખો છો..?" તે યુવાનના મોઢે હરખસિગનું નામ સાંભળીને જ નંદિની ચોંકી ગઈ.
" હા બહુ સારી રીતે ઓળખું છું. ખૂબ જાણીતા રાજવી પરિવારના વડીલ છે તેઓ. સ્વભાવે ખૂબ ઉદાર અને સમજુ છે. તેઓને શું થયું..?" નંદિનીએ પૂછ્યું.
" શું નથી થયું તે કહો..! તેઓનો પરિવાર હવે રાજવી રહ્યો નથી. તેઓનું બધું જ છીનવાઈ ગયું છે. હરખસિંગના મારા પિતા પર ઘણા ઉપકાર હતા. છેલ્લા નવ એક મહિનાથી ઘરની સ્થિતિ કથળતી ગઈ છે. વર્ષોથી ઠાઠમાઠથી રહેતા પરિવારની આવી દશા જોઈ. મને કંઈક ગડબડ લાગી. બાળપણથી જ જિજ્ઞાસાવૃત્તિ નો સ્વભાવ ધરાવનાર મે રાજવી પરિવાર વિશે બાપુ પાસેથી એટલે કે મારા પિતા પાસેથી મેં બધી જ માહિતી મેળવી. તેઓએ મને ભુવાજીએ કહેલી વાતો પણ કહી."
" ભુવાજીની કઈ વાત કહી તમને..?" નંદિનીએ પૂછ્યું.
To be continue....
મૌસમ😊