આત્મજા - ભાગ 5 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 5

આત્મજા ભાગ 5

એવાંમાં નંદિની આવી. ઘર આંગણે લોકોને ટોળે વળેલાં જોઈ તે પણ ગભરાઈ ગઇ. દોડતી તે અંદર આવી.

" શું થયું બાપુને..? કેમ બધા ટોળે વળ્યાં છે ?" સસરા પાસે આવીને બેસતા નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું.

" કાળમુખી..! આ બધું તારા લીધે જ થાય છે. ભુવાજીએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે તારી છોડી ઘરનો વિનાશ નોટરશે. જો અભાગી..! વિનાશની શરૂઆત થઈ ગઈ. હજુ સમય છે સમજી જા.!" કંચનબેને નંદિની પર ગુસ્સો ઠાલવતા કહ્યું.

" બા, એવું ના હોય, તમે ચિંતા ન કરો..! બાપુને હું કંઈ નહીં થવા દઉં..!" આટલું કહી જાણે આખી ઘટનાનો ચિતાર મેળવી નંદિની દોડતી ઘરમાં ગઈ અને છરી, મલમ અને સુતરાઉ કાપડનો ટુકડો લઈને આવી.

કોઈને પણ કંઈ પણ પૂછ્યા વગર નંદિનીએ છરીથી હરખસિંગના ડાબા પગે ઘા કર્યો. ધડધડ કરતું કાળું પડી ગયેલું લોહી બહાર વહેવા લાગ્યું. આ જોઈ પ્રદીપ અને કંચનબેન ગુસ્સે થઈ ગયાં.

" પાપી..! હરામી..! આમ, કરવાની તારી હિંમત શાથી થઈ..? પદીયાના બાપુને કઈ થઈ જશે તો તને જીવતી નહિ મેલું.!" કંચનબેને ક્રોધિત થઈ કહ્યું.

" શું કરી રહી છે આ તું..? બાપુને છરી મારી દીધી..? કંઈ ભાન પડે છે તને ? જો કેટલું લોહી વહે છે..? બાપુને કાંઈ થઈ જશે તો..?કાળમુખી..અભાગી..દૂર ખસ અહીંથી..!" નંદિનીના હાથનું બાવડું પકડી તેને દૂર ખસેડીને ધક્કો મારતાં પ્રદીપે કહ્યું. ધક્કો લાગતાં નંદિની જમીન પર પછડાઈ ગઈ. તરત તેને પોતાના ગર્ભમાં રહેલ સંતાનનો વિચાર આવતાં તેણે પોતાને સંભાળી અને પોતાના પેટ પર હાથ ફેરવવા લાગી.

" દુનિયાને જે કહેવું હોય તે કહે દીકરા..! પણ હું તને વચન આપું છું કે તને હું કંઈ જ નહીં થવા દઉં. હમેશા તારી રક્ષા કરીશ." પેટે હાથ ફેરવતાં મનમાં જ વિચારતાં નંદિનીની આંખો ભરાઈ ગઈ. ત્યાં જ એક ઘરડા માજીની નજર નંદિની પર પડતાં તેઓ નંદિની પાસે ગયા અને ધીમેથી તેને ઊભી કરીને ઘરમાં લઈ ગયા. પોતાની માં હોતી તો આવી જ હોતી, મારી તકલીફને તરત જ સમજી જતી. એમ વિચારી નંદિની તે માજીને ભેટી પડી.

" ચિંતા ન કર બેટા..! તને તકલીફ પડશે પણ તારું મન મક્કમ રાખજે, બધું સારું થઈ જશે." આટલું કહી તે માજી ચાલ્યા ગયા. નંદિની તેઓને જતાં જોઈ જ રહી.

" વગર કીધે આ માજી જાણે મારી બધી તકલીફોને જાણી ગયા અને મને આશ્વાસન આપી ગયા. ઘડીભર તો જાણે સાક્ષાત મારી સ્વર્ગસ્થ માં જ ન આવી હોય..? એવું લાગ્યું." નંદિની તેના રૂમમાં જઈને આડી પડી. આ બાજુ પ્રદીપ દોડતો ડૉક્ટરને બોલાવી આવ્યો.

" શેઠના પગે છરીથી આ કાપો કોણે માર્યો..?" પગને કોટનથી સાફ કરતાં ડૉક્ટરએ પૂછ્યું.

" અરે મારી બેવકૂફ બૈરીએ..! કોઈને કંઈ પૂછ્યા વગર જ ઘરમાંથી છરી લઈ આવી ને બાપુના પગે ઊંડો ઘા કરી દીધો.
તેના લીધે બાપુનું બહુ જ લોહી વહી ગયું." પ્રદીપે ડોક્ટરને કહ્યું.

" તમારી પત્ની બેવકૂફ નથી, પણ આજે તેણે બહુ જ સમજદારી ભર્યું કામ કર્યું છે. જો આમ ન કર્યું હોત તો સાપનું ઝેર આખા શરીરમાં ફેલાઈ જાત અને શેઠનો જીવ બચાવવો બહુ ભારે પડી જાત.તમારી પત્નીએ જે કર્યું તે સારું કર્યું." હરખસિંગના પગે મલમપટ્ટી કરતાં કરતાં ડૉક્ટરએ કહ્યું.

ડૉક્ટરની વાત સાંભળીને પ્રદીપ અને કંચનબેન સ્તબ્ધ રહી ગયા. તેઓના મનમાં ભુવાજીએ ઠોસી બેસાડેલી વાતએ જાણે તેઓની સાચા ખોટાંની સુજબઝ જ છીનવી લીધી હતી. ભુવાજીના કહેલા વચન પર તેઓને એટલો બધો આંધળો વિશ્વાસ બેસી ગયો હતો કે તેઓ બન્ને પોતાના જ ઘરના સભ્ય એવી નંદિનીને પોતાનો દુશ્મન માની બેઠેલા.

To be continue...

મૌસમ😊