આત્મજા - ભાગ 6 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 6

આત્મજા ભાગ 6


થોડીવારમાં હરખસિંગને ભાન આવી ગયું. પ્રદીપ અને કંચનબેનના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે સૌ હરખસિંગના ખબરઅંતર પૂછી પોતપોતાના ઘરે જવા રવાના થયા. પ્રદીપ તેનાં ધંધે ગયો ને કંચનબેન પોતાના પતિની સેવામાં લાગી ગયા. પણ મનમાં તો એક જ વિચાર આવતો હતો કે, " આ અશુભ..નંદિનીના પેટમાં છોકરી હોવાનાં લીધે જ થયું છે. ભુવાજીએ કહેલ વેણ ક્યારેય ખોટું ન જ પડે..! કંઈ પણ કરીને કસુવાવડ કરવા નંદિનીને સમજાવી જ પડશે."

બપોરના સમયે હરખસિંગ સૂતાં હતા ત્યારે કંચનબેન નંદિની પાસે ગયા. નંદિની પણ સૂતી હતી. કંચનબેન નંદિની પાસે જઈ બેઠાં. પોતાની પાસે કોઈ આવીને બેઠું હોવાનો અણસાર થતાં નંદિનીની આંખ ખુલી ગઈ. સામે સાસુમાંને બેઠેલા જોઈ નંદિની ભડકી. બેઠી થઈ તે સાસુમાંથી થોડે દુર ટૂંટિયું વાળીને બેસી ગઈ.

" કેમ આટલું ડરે છે તું ? હું તને કઈ નહિ કરું ? " કંચનબેને ખોટો દિલાસો આપતાં કહ્યું. નંદિની તેઓને માત્ર જોઈ જ રહી હતી.

" જો બેટા..! એક વાત તું સમજ. તારી જીદથી આપણા ઘરમાં અશુભ થવાની શરૂઆત થઈ ગઈ છે. હું તારી દુશ્મન નથી. બસ તારું ને પ્રદીપનું ભલું ઈચ્છું છું. મારી ને તારા બાપુની તો હવે ઉંમર થઈ પણ પ્રદીપનું તો વિચાર..! ઘરમાં અભાગણી દીકરી જન્મશે તો પ્રદીપ સાથે તારી પણ સુખ સુવિધાનો વિનાશ થશે. બાળકનું શું છે..? થોડાં સમય બાદ તમે બીજું બાળક લાવી શકો છો. તો મારું માન, અત્યારે આપણે આ દુર્ભાગી છોકરી નથી જોઈતી. તે બહાર આવી આપણા સુખ ચેનને મારી નાખે તે પહેલાં તું તેને પેટમાં જ મારી નાખ."

" ના, બા..! મારાથી તેમ નહિ થાય..! મેં મારી દીકરીને વચન આપ્યું છે કે હું તેની રક્ષા કરીશ. આ મારું પહેલું સંતાન છે અને તેને હું ક્યારેય મારા પેટમાં નહીં મારુ...!" પેટે હાથ ફેરવતાં નંદિનીએ કહ્યું. તેની દીકરી પ્રત્યેની મમતા તેના વ્યવહારમાં વર્તાતી હતી.

"તો તું નહિ જ માને એમ ને..!" કંચનબેને આંખો કાઢીને કહ્યું.

" ભુવાજીની વાતો પર આટલો વિશ્વાસ ન કરો બા..! ભગવાન પર શ્રદ્ધા રાખો, બધું સારું થશે. દીકરી તો લક્ષ્મીજીનો અવતાર કહેવાય..! તે ક્યારેય કુળનો નાશ ન કરે..! તે તો બે બે કુળને તારશે બા..! " નંદિની બોલે જતી હતી ત્યાં કંચનબેન ઉભા થયા.

" નથી સાંભળવું મારે તારું કોઈ ભાષણ..!" આટલું કહી તે ચાલતાં થયા.

" હું જીવું છું ત્યાં સુધી તો હું તારી છોકરીને આ ઘરમાં નહિ જ જનમવા દઉં. હું મારા દીકરાનો વિનાશ નહિ જ થવા દઉં." મનમાં ને મનમાં બબળતા બબળતા કંચનબેન તેઓના પતિ પાસે ગયા.

" આજ કંઇક ગુસ્સામાં લાગે છે કંચન..! શું થયું..?" હરખસિંગે કંચનબેનનો ચહેરો વાંચતા પૂછ્યું.

" ગુસ્સો જ આવે ને..! તમારાં છોકરાની વહુ મારી કે પદીયાની એક વાત સાંભળતી નથી." કંચનબેન ઉતાવળે હિંચકો ઝૂલતા બોલ્યા.

" પણ થયું શું..? વિગતવાર તું મને કંઈ કહીશ..? પોતાની પથારીમાં બેઠા થઈ હરખસિંગએ પૂછ્યું.

" તમારાં છોકરાની વહુના પેટમાં છોકરી છે. તમને તો ખબર છે ને ભુવાજીએ શું કીધેલું..? છોકરી આવશે તો આપણા ઘરનો વિનાશ પક્કો સમજો. નંદિની જીદ કરી બેઠી છે કે તે તો તેની છોકરીને જન્મ આપશે જ. મારી કે પદીયાની એક વાત સાંભળવા તૈયાર નથી. કેટલું સમજાવ્યું મેં તેને પણ તે તો તેના વિચારથી અડગ થઈ ગઈ છે. તે એકની બે ન થઈ તે ન જ થઈ."

" એવું કંઈ ન હોય કંચન...! એમ છોકરી આવવાથી વિનાશ ન થાય..! તું ફોગટની ચિંતા ના કર. કોઈ વિનાશ નહિ થાય..!"


To be continue...

મૌસમ😊