આત્મજા - ભાગ 11 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 11

આત્મજા ભાગ 11

“ હા મમ્મીએ મને વાત કરી હતી. તો કહેતા હતા કે ભુવાજીના બધા વેણ સાચા પડે છે..!” કીર્તિ બોલતા બોલતા જ અટકી ગઈ.

“ઓહ..! તો બા એ તમને બધી વાત કરી દીધી છે. તો તમને એ પણ ખબર હશે કે બાની શું ઈચ્છા છે."

" પણ ભાભી..! મારુ માનવું છે ત્યાં સુધી મમ્મી પણ તેમની જગ્યાએ ખોટી નથી. " કીર્તિએ ખચકાતા કહ્યું.

" તો હું ખોટી છું કીર્તિબેન..? દીકરી પ્રત્યેની મારી મમતા ખોટી છે..? એક સ્ત્રીની સંવેદનશીલતા ખોટી છે..? તમે જ કહો, મારી જગ્યાએ તમે હોય તો શું કરો ?" નંદિનીએ કહ્યું. નંદિનીની વાત સાંભળીને કીર્તિને થયું કે ભાભી પણ તેઓની જગ્યાએ સાચા જ છે.

" હું એમ નથી કહેતી કે તમે ખોટા છો પણ મારી મમ્મીના સ્થાને એક વાર તમે ઉભા રહીને વિચારી જુઓ. જેમ તમને તમારા સંતાન માટે અત્યારે આટલી લાગણી છે તો મમ્મીને તેઓનાં જુવાનજોધ દીકરાની ચિંતા થાય તે પણ સ્વાભાવિક છે." કીર્તિએ પોતાની મમ્મીનો પક્ષ લેતાં કહ્યું.

" ભુવાજીએ કહેલ વેણ પર આંધળો વિશ્વાસ મૂકી ખોટી ચિંતા કરવાનો શો મતલબ ?"

" તમારા માટે ભુવાજી પરનો વિશ્વાસ આંધળો હશે પણ મમ્મીને તો તેઓએ કહેલ એક એક વેણ પર અતૂટ વિશ્વાસ છે તેનું શું ભાભી...?

" કંઈ નહીં તેઓને કહેજો કે ભુવાજીની વાતો પર એટલો બધો વિશ્વાસ હોય તો કરી લે તેઓનાં દીકરા અને પરિવારનો વિનાશ થતો બચાવવાના પ્રયત્નો. મને મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે તેઓ મારા સંતાન અને મારા પરિવાર બન્નેને સલામત રાખશે." નંદિનીએ ગણેશજીની પ્રતિમા સામે જોઈ પુરી શ્રદ્ધાથી કહ્યું.

" હું તો થોડાં દિવસ માટે અહીં આવી છું પણ મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. જો મમ્મીની લાગણી જોઈ તેનો પક્ષ લઉં તો સત્યને દગો થશે ને જો સત્યનો સાથ લઉં તો માની લાગણી દુભાય છે. આખરે મારે કરવું શું ? "

" મારાથી એમ તો ન કહેવાય કે તમેં સત્યની સાથે રહી મારો પક્ષ લો, પણ એટલું જરૂર કહીશ કે અંધશ્રદ્ધાને પોષણ મળે તેવું કંઈ ન કરતા. આથી તટસ્થ જ રહો..? "

“તમારો કે મમ્મી નો પક્ષ લેવાનો સવાલ નથી. સવાલ માત્ર મારા પરિવારનો છે. હું નથી ઈચ્છતી કે કોઈપણ કારણસર મારો પરિવાર મુશ્કેલીમાં મુકાય.” કીર્તિએ કહ્યું.

“તમારો પરિવાર..! શું આ પરિવાર મારો નથી..? શું મને આ પરિવારની પરવા નહીં થતી હોય..? આ પરિવારની સભ્ય હોવાથી હું ક્યારેય નહીં ઇચ્છું કે મારા પરિવારનો વિનાશ થાય. હું માત્ર અંધશ્રદ્ધાની વિરોધી છો. મને તે ઢોંગી ભુવાજીની વાતો પર કોઈ જ વિશ્વાસ નથી.” નંદિનીએ દલીલ કરતાં કહ્યું.

“ભાભી સાથે દલીલમાં હું ક્યારેય નહીં પહોંચી શકું. તેઓની દરેક દલીલ સત્ય અને તથ્યથી ભરેલી હોય છે. આથી તેઓની સાથે દલીલ કરવાનો કોઈ જ મતલબ નથી.” આમ, મનમાં જ વિચારી કીર્તિ ગુડનાઇટ કહી બેડરૂમની બહાર નીકળી ગઈ.

“હું આપના સ્વભાવને સારી રીતે જાણું છું કીર્તિ બહેન..! બાએ ભલે તમને મારી વિરુદ્ધ ભડકાવ્યા હોય, પણ આપને સાચા- ખોટાની સમજ સારી પેઠે છે. કદાચ પ્રદીપ મને નહિ સમજી શકે, મારી તકલીફોને નહિ સમજી શકે, પણ મને વિશ્વાસ છે કે આપ અને બાપુજી જરૂર મને સમજી શકશો.” આમ મનમાં જ વિચારી નંદિનીએ બેડ પર લંબાવ્યું.

આ બાજુ કીર્તિએ કંચનબહેનને બધી વાત વિગતે કહી. કીર્તિ એ જ્યારે કંચન બહેનને હીલવાળા સેન્ડલ વાળી વાત કહી તો કંચનબેનના મગજમાં જાણે કોઈ ચમકારો થયો હોય તેમ તેઓ ખુશ થઈ ગયા. તેઓનો હસતો ચહેરો જોઈ કીર્તિને નવાઈ લાગી. તેણે પૂછી જ લીધું.

“મમ્મી તને હસુ કઈ વાતનું આવે છે..?” કીર્તિએ પૂછેલા પ્રશ્નનો જવાબ ન આપવો પડે એટલે તેઓએ હસતાં જ નથી તેવો ચહેરો બનાવી કહ્યું,“હું ક્યાં હસું છું.?”

“હે ભગવાન..! શું હાલત કરી દીધી છે તેં અમારા ઘરની..? સૌના મગજ ખરાબ થઈ ગયા છે...!” આટલું કહી કીર્તિ તેના બેડરૂમમાં જઈ સૂઈ ગઈ.

“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ નહીં પણ હવે જ મગજ ચાલતા થયા છે. બેટા..! હવે તું દેખ, કંચનનો કમાલ..!" મનમાં મનમાં મલકાતા જ કંચન બહેન એકલા એકલા જ બોલવા લાગ્યાં.

To be continue...

મૌસમ😊