આત્મજા - ભાગ 2 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 2

આત્મજા ભાગ 2

રાતો ચોળ થઈ ગયેલા ગાલને પંપાળતી નંદિની પ્રદીપની સામે જ જોઈ રહી. ગુસ્સાથી લાલ થઈ ગયેલી આંખોમાંથી બોર બોર જેવડાં આંસુઓ પડી રહ્યા હતા. પ્રદીપનો આવો વ્યવહાર પહેલીવાર નહોતો. છેલ્લા ત્રણ વર્ષમાં નંદિની ઘણીવખત પ્રદીપના ગુસ્સાનો શિકાર બનેલી. ગરીબ માતા પિતાએ આપેલ સંસ્કારોને વળગી રહી નંદિની મૂંગા મોઢે બધું સહન કરે જતી. પણ આ વખતે તો સવાલ હતો તેના સંતાનને બચાવવાનો.

કમને નંદિની ઊભી થઈ. બે હાથ વડે આંખો પોછાતી તે બાથરૂમ તરફ ગઈ.વૉશ બેસીનમાં પાણીની છાલક મારીને તેણે પોતાનો ચહેરો ધોયો અને અરીસા સામે જોયું. રડી રડીને લાલ થયેલા આંખોમાં હજુ પણ ગુસ્સો હતો. ગુસ્સો હતો સમાજ પર.. સમાજના ખોખલા રીતિ રિવાજો પર... ગુસ્સો હતો દીકરા-દીકરીના ભેદભાવ ભરી નીતિ પર.. હા, તેને ગુસ્સો હતો પોતાની લાચાર નારી જાત પર...!

“આખરે કેમ..? કેમ નારી જાત પર આટલો અત્યાચાર... ? આખરે કેમ..? કેમ દર વખતે સ્ત્રીઓએ જ સહન કરવાનું..?
જન્મે ત્યારથી ભેદભાવભર્યા વ્યવહાર સાથે જીવવાનું. દીકરી મોટી થાય એટલે ઘર પરિવાર છોડી પારકા ઘેર જવાનું..! પારકાઓને પોતાના બનાવવાના..!છતાં ત્યાં પણ પારકાઓનો પારકા જેવો જ વ્યવહાર..! પોતાની બધી ઈચ્છાઓ મારીને બીજાઓની ઈચ્છાઓ પુરી કરવાની..બીજાઓને ખુશ રાખવાના પ્રયત્નો કરવાના.આટ આટલું કરવા છતાં છેવટે મળે શું..? દર્દ..તકલીફો..શારીરિક અને માનસિક અત્યાચારનો ભોગ બનવાનું..! હે પ્રભુ તારો આ કેવો ન્યાય છે ?" મનમાં ને મનમાં આમ વિચારતી હતી ત્યાં બહારથી પ્રદીપનો અવાજ આવ્યો.

" નંદિની કેટલી વાર..?"

" આવું છું " કહી નંદિની દોડતી ભગવાનના મંદિર પાસે ગઈ. બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી.

" હે પ્રભુ..! તું તો બધું જાણે જ છે. છતાં તને હું અરજ કરું છું કે આજ મારી તું મદદ કરજે. મારા ગર્ભમાં દીકરી હોવાની ભુવાજીની વાતને તું ખોટી સાબિત કરજે. જો મારા ગર્ભમાં દીકરી હશે તો આ માં દીકરો તેને જીવતી નહિ છોડે. મારે આ પાપ નથી કરવું પ્રભુ..! આવી પ્રાર્થના હું દીકરો મેળવવા નથી કરતી પણ દીકરીની હત્યા કરવા મજબૂર ન થવું પડે તે માટે કરું છું.મહેરબાની કરી તું બધું સંભાળી લેજે." ત્યાં ગાડીના હોર્નનો અવાજ આવવા લાગ્યો. નંદિની ફટાફટ બહાર ગઈ અને ગભરતાં હૈયે ગાડીમાં ગોઠવાઈ. સાસુમાં પહેલાથી જ ગાડીમાં બેસી ગયા હતાં.

ઘરથી હોસ્પિટલ જવા ત્રણેય નીકળી પડ્યા. પ્રદીપ, નંદિની અને તેના સાસુ કંચનબેન હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં ઘણા લોકો હતા પરંતુ પોતાની વગને કારણે જેવા કેબિનમાંથી પેશંટ બહાર નીકળ્યા પ્રદીપ અને કંચનબેન નંદિનીને લઇને કેબિનમાં ગયા.
છેલ્લા બે મહિનાથી ડોક્ટર પણ નંદિનીને ઓળખતા હતા. કેમકે રૂટિન ચેક અપ નંદિનીનું તે ડોક્ટર જ કરતા હતા.

“કેમ છે નંદિની..! મજામાં..?” ડોક્ટરે નંદીની સામે જોઇ કહ્યું. નંદિનીએ માત્ર ડોક્ટરની સામે જોયું. ડોક્ટર એક સ્ત્રી હતી. નંદિનીને એમ કે તે તો તેની વ્યથા સમજશે. બસ તે મોકાની રાહ જોતી હતી.

“અ... અ... બેન..!” કંચનબેન બોલતા બોલતા અટકી જતા.

“શું થયું કંચનબેન..? તમે કઈ કહેવા માંગો છો..? જે પણ હોય ખુલીને વાત કરો.” ડોક્ટરે કહ્યું.

“એ જ કે મારા પેટમાં રહેલ બાળક સલામત તો છે ને..? બસ તેઓ એ જ પૂછવા જતા હતા.” નંદિનીએ વાત ફેરવતા કહ્યું. નંદિની વાત સાંભળી પ્રદીપ લાલચોળ થઈ ગયો.

“વાત એમ છે કે અમારે જાણવું છે કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..?” પ્રદીપએ સીધેસીધું કહી દીધું.

“એ વાત તો તમે જાણો જ છો કે અત્યારે ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવવું બંને ગુનો છે. હું આ જોખમ ન લઈ શકું.” ડોક્ટરે કહ્યું.

To be continue...

મૌસમ😊