વર્ષોથી પોતાના તેમજ બીજાના ભવિષ્યમાં શું થશે.. એ જાણવાની માણસને એક અદભુત ઈચ્છા રહી છે.. અને એ ઈચ્છા ના ફળ સ્વરૂપે મનુષ્ય એ ઘણી બધી શોધખોળો કરી છે અને જ્યોતિષ એમાંની એક મૂળ શોધ છે.. પણ સાચા અર્થમાં જ્યોતિષ એ માત્ર ભવિષ્ય જોવાની વિદ્યા નથી અથવા એવું કહું તો એ ખોટું નથી કે ભવિષ્ય જોવાના કે જાણવાના ખ્યાલ ના કારણે જ્યોતિષ વિષય ભ્રષ્ટ થયો છે. જ્યોતિષશાસ્ત્રની મૂળ વ્યાખ્યા કહું તો જ્યોતિ બતાવવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. એક નાનકડો પ્રયોગ કરજો.. તમારા કોઈ મિત્રને કહેજો કે તમારી કોઈ કીમતી વસ્તુ તમારા જ ઓરડામાં એવી જગ્યાએ સંતાડી દે જ્યાં તમને ખૂબ શોધ્યા પછી પણ ન મળે અને અંધારામાં તમે એ વસ્તુ શોધીને બતાવજો. ઓરડો તમારો છે.. વસ્તુ પણ તમારી છે.. ફક્ત એમાં અંધારું છે.. અને તમારા મિત્ર એ વસ્તુ સંતાડી દીધી છે. હવે વસ્તુ ખૂબ કીમતી છે. તમારે 15 મિનિટનો સમય લેવાનો છે અને 15 મિનિટમાં એ કીમતી વસ્તુ શોધી બતાવવાની છે. હવે તમારે 15 મિનિટ પછી લાઈટ કરવાની છે અને લાઈટ કરીને એ વસ્તુ શોધવાની છે. જો એ વસ્તુ મળી જાય તો શાબાશ ..નહિતર તમારો મિત્ર એ વસ્તુ ગોતીને તમને આપી દેશે. હવે આ પ્રયોગ કરવાનું મહત્વ શું છે? આ પ્રયોગ કરવાથી તમે જીવનમાં અજવાળાનું મહત્વ અને કોઈના માર્ગદર્શનનું મહત્વ સમજી જાશો.
ઓરડો તમારો જાણીતો છે, એમ જીવન પણ તમારું જ છે. દરેક વ્યક્તિ સફળતા, સુખ, શાંતિ,અને સંપત્તિ જેવી કિંમતી વસ્તુઓ આ જીવનરૂપી ઓરડામાં શોધે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દરેકને આ વસ્તુઓ મળતી નથી કારણ કે વ્યક્તિને પોતાના જીવનમાં પોતાના જ વિશે બરાબર જાણકારી હોતી નથી. કુદરત કોઈને પણ મેન્યુઅલ સાથે મોકલતો નથી. માટે પોતાની જાતને સમજવા માટે, ઓળખવા માટે એક વ્યવસ્થિત પદ્ધતિની જરૂર હોય છે. જે પ્રકાશની જેમ જીવનરૂપી અંધારામાં વ્યક્તિને સહાય કરે છે. અને થોડાક પ્રયત્નોના અંતે એ પ્રકાશના સહારે વ્યક્તિને પોતાની કીમતી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ એ કાંઈ નથી પણ પેલો મિત્ર છે જેને ખબર છે કે તમારા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને તમે જે કંઈ પણ શોધો છો એ ક્યાં છે અને એ તમારા જીવનમાં યોગ્ય પ્રકાશ કરીને તમને એ વસ્તુ મેળવી આપવામાં સહાય કરે છે. હા , ફરક એટલો છે કે તમારા પેલા મિત્રની જેમ જ્યોતિષી એ તમારા જીવનના સુખ શાંતિ અને સંપત્તિ હાથે કરીને ક્યાંક છુપાડેલા નથી 🤣🤣.
આ લાઈટ ના પ્રયોગ દ્વારા તમે જીવનમાં અવેરનેસ નું મહત્વ શીખી લેશો. જે કોઈ સમસ્યા છે એના વિશે જાગૃત થવાથી, એને સ્વીકારવાથી, અને એ સમસ્યા માંથી મુક્ત થવા પૂરતા પ્રયત્નો કરવાથી તમે સમસ્યા પર વિજય મેળવી શકશો. જ્યોતિષ માત્ર એક માધ્યમ છે.
આટલી પ્રસ્તાવના પછી આપણે વિષય પ્રવેશ કરીએ,
ભારત વર્ષ સદીઓથી યોગ, વિજ્ઞાન ,આધ્યાત્મ, દ્વારા જીવનના દરેક આયામોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરી વિશ્વ ને નવી નવી પદ્ધતિઓ આપતો આવતો દેશ છે. જ્યોતિષ મુખ્યત્વે વેદાંગ છે. વેદાંગ એટલે વેદોનું અંગ.. વેદોને સમજવા માટે જ્યોતિષ જાણવું આવશ્યક છે. માટે વર્ષો પહેલા વેદના અભ્યાસી બ્રાહ્મણો જ્યોતિષને ગુપ્ત રાખતા હતા. હવે આપણે જ્યોતિષનું મૂળ સમજી લઈએ. જ્યોતિષશાસ્ત્રમાં માણસને અને માણસના જીવનને અસર કરતા ગ્રહો નક્ષત્રો અને રાશિઓનો અભ્યાસ કરવામાં આવે છે. હવે તમે એમ પૂછશો કે આટલા દૂર રહેલા આકાશી પિંડો માણસના શરીરને કઈ રીતે અસર કરે છે?અને પ્રકૃતિ પર પણ એ બધાની અસર કઈ રીતે થાય છે?
તો એ સમજવા માટે આપણે સૂરજ અને ચંદ્રમાનું ઉદાહરણ લઈએ.. ચોમાસાના દિવસોમાં જ્યારે સૂરજ વાદળો પાછળ છુપાઈ જાય છે તો આપણા જીવનની ઉર્જા પર એની વિશેષ અસર થાય છે. તથા બે ચાર દિવસ જો સુરજ સંતાઈ રહે તો આપણી બધાની ખૂબ જ ખરાબ હાલત થાય છે. સુસ્તી થાક અને બેચેની અનુભવાય છે. આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રમા ની અસર ન કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે..અને ચંદ્રમાં એ જળ તત્વ પર વિશેષ અસર કરે છે આમ આપણા શરીરમાં પણ જળનું પ્રમાણ ઘણું બધું છે માટે ચંદ્રમાં અને સુરજ જેમ પંચમહાભુતો પર વિશેષ અસર કરે છે એ જ રીતે અન્ય ગ્રહો જેવા કે બુધ મંગળ ગુરુ શુક્ર શનિ યુરેનસ નેપ્ચ્યુન પ્લુટો રાહુ અને કેતુ આ બધા પણ મનુષ્ય જીવન અને પંચમહાભુતો પર નાની મોટી વિશેષ અસરો કરે છે આ જ્યોતિષ નો મૂળ ખ્યાલ છે.
હવે વ્યક્તિ વિશેષના જીવનમાં આ અસરો જોવા અને જાણવા માટે વ્યક્તિની કુંડળી બનાવવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિની કુંડળી બનાવતા પહેલા તેનું નામ, તેની જન્મ તારીખ, તેનો જન્મ સમય, અને તેના જન્મનું સ્થળ જાણી લેવામાં આવે છે. પહેલા એનું વિશ્લેષણ કરીએ. નવા જન્મેલા બાળકનું નામ કરણ થયું હોતું નથી માટે નવજાત બાળકનું નામ લેવામાં આવતું નથી. પણ આપણે જો જન્મ તારીખ ને જોઈએ તો જન્મ તારીખ એ સમયચક્ર એટલે કે ટાઈમનો ભાગ છે. જન્મ સમય પણ સમયચક્રનો ભાગ છે. જન્મ સ્થળ એ બીજું કંઈ નહીં પણ પૃથ્વી પરનું એક સ્થળ છે ,એક સ્પેસ છે.. જ્યાં વ્યક્તિનો જન્મ થાય છે. આમ ટાઈમ અને સ્પેસના કોમ્બિનેશનથી વ્યક્તિના જન્મ સમયે પૂર્વ દિશામાં જે તારાઓનો સમૂહ આવેલો છે એ તારાઓના સમૂહના આધારે તેની કુંડળી બને છે. જ્યોતિષ વિષય નો આરંભ કલ્પનાથી થાય છે અને કલ્પના દ્વારા ઋષિમુનિઓએ ગ્રહોને અને તારાઓને મનુષ્ય જીવન સાથે જોડેલા છે માટે જ્યોતિષ એ નક્કર વાસ્તવિકતા નહીં પણ કલ્પના ના આધારે વાસ્તવિકતા સાથે જોડતું શાસ્ત્ર છે.
કેવી રીતે? હું તમને સમજાવું.. ઋષિમુનિઓએ આખા અવકાશને એટલે કે આખા બ્રહ્માંડને 360 અંશનું એક વર્તુળ કલ્પ્યું છે. પૃથ્વી પરથી જોતા ચંદ્રમાના ભ્રમણ માર્ગને કુલ 12 ભાગમાં જો વેચવામાં આવે તો 360 અંશના એક વર્તુળના 12 સરખા ભાગ કરતા 30 ડિગ્રી નો એક એમ કુલ 12 ભાગ મળે છે. આ 30 ડિગ્રીના એક ભાગમાં સવા બે નક્ષત્ર એટલે કે તારાઓના ઝુંડ આવેલા છે. હવે આ 12 સરખા ભાગને ઓળખવા માટે એક એક નામ આપેલા છે. પહેલો ભાગ મેષ છે, બીજા ભાગનું નામ વૃષભ છે, ત્રીજા ભાગનું નામ મિથુન છે, ચોથો ભાગ કર્ક છે, પાંચમો ભાગ સિંહ છે, છઠ્ઠો ભાગ કન્યા છે સાતમો ભાગ તુલા છે, આઠમો ભાગ વૃષીક છે, નવમો ભાગ ધનુ છે, 10 મો ભાગ મકર છે, 11 મો ભાગ કુંભ છે, અને 12 મો ભાગ મીન છે.
આમ દરેક ભાગના એક નિશ્ચિત નામ છે અને આ નામનો એક નિશ્ચિત ક્રમ છે એટલે વ્યક્તિની કુંડળીમાં ક્યારે રાશિનું નામ લખવામાં આવતું નથી ફક્ત રાશિનો ક્રમ લખવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે સમજી લો :મારો જન્મ 26 ઓગસ્ટ 1993 ના રોજ, સાંજે 7:00 વાગ્યા અને 12 મિનિટે અમદાવાદમાં થયો હતો. તો બરાબર આ સમયે પૂર્વ દિશામાં જોતા કુંભ રાશી નો ભાગ દેખાય છે એટલે મારી કુંડળીના પ્રથમ સ્થાનમાં 11 મો નંબર લખેલો છે. હવે 11 મો નંબર લખેલો હોવાથી મારો જન્મ કુંભ રાશિમાં થયો છે અને કુંભ રાશિ એ મારા લગ્નની રાશી છે. જેને જન્મલગ્ન કહેવામાં આવે છે.
લગ્ન નો અર્થ અહીંયા જોડાણ થાય છે. પૃથ્વી સાથે મારું પ્રથમ જોડાણ કુંભ રાશિમાં થયું હતું. પૂર્વ દિશા ઉદય ની દિશા હોવાથી એ દિશા લેવામાં આવે છે. આમ પ્રથમ ભાગમાં 11 મી રાશી હોવાથી બીજા ભાગમાં 12મી ત્રીજા ભાગમાં પહેલી રાશિ એમ બાર ભાગની કુંડળી બને છે. આ બારે બાર ભાગને ઘર કહેવામાં આવે છે. અને દરેક ઘરમાં એક રાશિ આવેલી હોય છે. ગ્રહો નિરંતર આ બારે બાર રાશિમાં વિચરણ કરતા હોય છે. યાદ રાખો માત્ર ગ્રહો ફરે છે એટલે કે વિચરણ કરે છે રાશિ અને તારાઓ વિચરણ કરતા નથી. માટે રાશિ અને નક્ષત્રો સ્થિર છે. એટલે દરેક વ્યક્તિની કુંડળીમાં જન્મ લગ્ન અને ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે. હવે સૌર મંડળમાં મુખ્યત્વે સાત દ્રશ્યમાન ગ્રહો છે. વિજ્ઞાનના આધારે સૂર્યને તારો માનવામાં આવે છે અને ચંદ્રમાને પૃથ્વીનો ઉપગ્રહ માનવામાં આવે છે પણ જ્યોતિષ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઋષિમુનિઓ દ્વારા સૂર્યને પણ અને ચંદ્રમા ને પણ ગ્રહો જ માનવામાં આવે છે. આમ અનુક્રમે સૂર્ય, બુધ,
શુક્ર, ચંદ્રમા, મંગળ, ગુરુ, શનિ એમ 7 દ્રશ્યમાન ગ્રહો છે. પૃથ્વી પરથી ગ્રહોની સ્થિતિઓ જોતા હોવાના કારણે પૃથ્વી ગ્રહ ને લેવામાં આવતો નથી. હવે માની લો કે કુંભ રાશિમાં મારા જન્મ સમયે શનિ ગ્રહ વિચરણ કરતા હતા તો મારા જન્મ લગ્નમાં એટલે કે જન્મકુંડળીમાં પહેલા ઘરમાં શનિ જોવા મળશે. જન્મકુંડળી વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના બધા જ સમયને આવરી લે છે માટે આજીવન મારી કુંડળી માં પહેલા ઘરમાં શનિ જ રહેશે.
આમ આટલી માહિતી પરથી તમે જ્યોતિષનું પ્રારંભિક જ્ઞાન મેળવી શક્યા હશો. જ્યોતિષ એક અનંત , આખા સમુદ્ર સમાન છે. માત્ર એક નાનકડા લેખમાં એનું વર્ણન કરવું અશક્ય છે માટે જિજ્ઞાસુઓ ને વિનંતી છે કે આ વિષયનો આગળ અભ્યાસ કરતા રહે અને નવા નવા મોતી મેળવતા રહે.