Narad Puran - Part 22 books and stories free download online pdf in Gujarati

નારદ પુરાણ - ભાગ 22

નારદ બોલ્યા, “હે ભગવન, આપ વિદ્વાન છો તેથી મેં આપને જે કંઈ પૂછ્યું તે સર્વ આપે કહ્યું અને સંસારના પાશમાં બંધાયેલાઓનાં ઘણાં બધાં દુઃખોનું વર્ણન કર્યું. કર્મને લીધે દેહ પ્રાપ્ત થાય છે, દેહધારી જીવ કામનાઓથી બંધાય છે, કામને લીધે તે લોભમાં ફસાય છે અને લોભથી ક્રોધના તડાકામાં સપડાય છે. ક્રોધથી ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થવાથી બુદ્ધિ બગડે છે અને જેની બુદ્ધિ નાશ પામે છે, તે મનુષ્ય ફરીથી પાપ કરવા માંડે છે. એટલા માટે દેહ એ જ પાપનું મૂળ છે. મનુષ્ય આ દેહના ભ્રમનો ત્યાગ કરીને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે તેનો ઉપાય બતાવો.”

        સનકે કહ્યું, “હે મહાપ્રાજ્ઞ, સુવ્રત, જેની આજ્ઞાથી બ્રહ્મા જગતનું સર્જન કરે છે, વિષ્ણુ પાલન અને રુદ્ર સંહાર કરે છે; મહત્ત્તત્વથી લઈને  વિશેષ સુધીનાં બધાં જ તત્વો જેના પ્રભાવથી ઉત્પન્ન થયાં છે, તે રાગ-શોકથી રહિત, સર્વવ્યાપી ભગવાન નારાયણને જ મોક્ષદાતા જાણવા જોઈ. સંપૂર્ણ ચરાચર જગત જેનાથી ભિન્ન નથી તથા જરા અને મૃત્યુથી જે પર છે, તે તેજ-પ્રભાવવાળા ભગવાન નારાયણનું ધ્યાન કરીને મનુષ્ય દુઃખથી મુક્ત થઇ જાય છે.

        કલ્પના અંતે જે બધાંને પોતાની અંદર સમાવી લઈને પોતે જળમાં શયન કરે છે, વેદના અર્થને જે જાણે છે, જેનું કર્મકાંડના વિષયમાં વિદ્વાન માણસો નાના પ્રકારના યજ્ઞો દ્વારા યજન કરે છે, તે જ ભગવાન કર્મફળના દાતા છે અને નિષ્કામભાવથી કર્મ કરનારાઓને તેઓ જ મોક્ષ આપે છે. ધ્યાન, પ્રણામ અથવા ભક્તિપૂર્વક પૂજન કરવાથી જેઓ પોતાનું સ્થાન ‘વૈકુંઠ’ આપી દે છે. તે દયાળુ ભગવાનની આરાધના કરવી જોઈએ. જે યોગીપુરુષ યોગમાર્ગની વિધિથી આવા પરમ તત્વની ઉપાસના કરે છે, શમ-દમ આદિ ગુણોથી યુક્ત અને કામ આદિ દોષોથી રહિત છે, તે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે.”

        નારદે પૂછ્યું, “વક્તાઓમાં શ્રેષ્ઠ, કયા કર્મથી યોગીઓના યોગની સિદ્ધિ થાય છે, તે ઉપાય યથાર્થરૂપથી મને કહો.”

        સનકે કહ્યું, “તત્ત્વાર્થચિંતક કહે છે કે પરમ મોક્ષ ગાયનથી જ પ્રાપ્ત થાય છે, તે જ્ઞાનનું મૂળ ભક્તિ છે. ભગવાનની પ્રીતિ અર્થે કામ કરનારાઓને ભક્તિ પ્રાપ્ત થાય છે. લેશમાત્ર ભક્તિ હોય તો પણ અક્ષય પરમ ધર્મ સંપન્ન થાય છે. શ્રદ્ધાથી બધાં પાપ નષ્ટ થાય છે. પાપોનો નાશ થવાથી નિર્મળ બુદ્ધિનો ઉદય થાય છે. જ્ઞાનીજનોએ તે નિર્મળ બુદ્ધિને જ્ઞાન એવી સંજ્ઞા આપી છે.

        યોગના બે પ્રકાર છે. કર્મયોગ અને જ્ઞાનયોગ. કર્મયોગ વિના મનુષ્યને જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી, એટલા માટે કર્મયોગમાં તત્પર રહીને શ્રદ્ધાપૂર્વક શ્રીહરિની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણ, ભૂમિ, અગ્નિ, સૂર્ય, જળ, ધાતુ, હૃદય તથા ચિત્ર નામે ભગવાન કેશવની આઠ પ્રતિમાઓ છે. ભક્તિપૂર્વક ભગવાનનું એમના વિષે પૂજન કરવું જોઈએ. અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ઈર્ષ્યાનો ત્યાગ તથા દયા-આ સદગુણ જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેમાં સમાન રૂપથી આવશ્યક છે.

        જે બીજાના દોષો જોવામાં સંલગ્ન રહીને તપ, પૂજા અને ધ્યાન કરે છે, તેનાં તે તપ, પૂજા અને ધ્યાન વ્યર્થ નીવડે છે. તેથી શમ-દમ આદિ ગુણોને સાધવાના કાલમાં લાગી વિધિપૂર્વક ક્રિયાયોગ (કર્મયોગ)માં તત્પર થઈને મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન વિષ્ણુનું જે સારી રીતે પૂજન કરે છે, તે કર્મયોગી કહેવાય છે. ઉપવાસ આદિ વ્રત, પુરાણશ્રવણ આદિ સત્કર્મ તથી ફૂલ દ્વારા કરાતી પૂજાને ક્રિયાયોગ કહેવાય છે. આ પ્રમાણે ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને ક્રિયાયોગના ચિત્ત લગાડનારા મનુષ્યોનાં પૂર્વજન્મમાં કરેલાં પાપો નષ્ટ થઇ જાય છે.

        બુદ્ધિમાન મનુષ્યે શાસ્ત્રના અર્થને જાણવામાં કુશળ સાધુ પુરુષોના સહયોગથી આ ચરાચર વિશ્વમાં રહેલી નિત્ય અને અનિત્ય વસ્તુઓનો સારી પેઠે વિચાર કરવો. સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે. કેવળ ભગવાન શ્રીહરિને નિત્ય માનવામાં આવ્યા છે. તેથી અનિત્ય વસ્તુઓનો પરિત્યાગ કરીને શ્રીહરિનો આશ્રય લેવો.  ભોગોથી વિરક્ત ન થનાર, અનિત્ય પદાર્થોમાં આસક્ત થનાર મનુષ્યના સંસારબંધનનો નાશ ક્યારેય થતો નથી.

        પર અને અપર ભેદથી આત્માને બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. પર આત્મા અથવા પરબ્રહ્મને નિર્ગુણ કહેવામાં આવ્યો છે તથા અપાર આત્મા કે અપાર બ્રહ્મને અહંકારયુક્ત હોવાનું કહેલ છે. આ બંનેનું અભેદ જ્ઞાન ‘જ્ઞાનયોગ’ કહેવાય છે. આ પંચભૌતિક શરીરની અંદર હૃદયદેશમાં જે સાક્ષીરૂપે સ્થિત છે, તેને સાધુ પુરુષોએ અપરાત્મા કહ્યો છે તથા પરમાત્માને પર માનવામાં આવ્યો છે.

        શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. તે ક્ષેત્રમાં સ્થિત આત્મા છે, તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. પરમાત્મા અવ્યક્ત, શુદ્ધ તેમ જ સર્વત્ર પરિપૂર્ણ કહેવાય છે. જયારે જીવાત્મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન થઇ જાય છે, ત્યારે અપરાત્માના બંધનનો નાશ થાય છે. મનુષ્યોના બુદ્ધિભેદને લીધે તે ભિન્ન હોવાનું જણાય છે.

        હે બ્રહ્મન, શબ્દબ્રહ્મમય જે મહાવાક્ય આદિ છે; અર્થાત વેદમાં વર્ણવેલ જે ‘તત્વમસિ’ ‘સોહમસ્મિ’ વગેરે મહા વાક્યો છે, તેમના ઉપર વિચાર કરવાથી જીવાત્મા અને પરમાત્માનું અભેદ જ્ઞાન પ્રકાશિત થાય છે. મુક્તિનું તે સર્વશ્રેષ્ઠ સાધન છે. જેમના ઉપર માયાનો પડદો પડેલો છે, તેઓ માયાને લીધે પરમાત્મામાં ભિન્નતા જુએ છે, એટલા માટે યોગબળથી માયાને અસાર સમજીને તેનો ત્યાગ કરવો. માયા સદ્રૂપ નથી, અસદ્રૂપ નથી, તેમ સદ કે અસદ ઉભયરૂપ નથી તેથી તેણે અનિર્વાચ્ય સમજવી. તે કેવલ ભેદબુદ્ધિ આપનારી છે. જેઓ માયાને જીતી લે છે, તેમના અજ્ઞાનનો નાશ થાય છે.

        હે મુનિશ્રેષ્ઠ, યોગી પુરુષે યોગ દ્વારા અજ્ઞાનનો નાશ કરવો. આઠ અંગોથી યોગ સિદ્ધ થાય છે; તેથી હું તે આઠ અંગોનું યથાર્થ વર્ણન કરું છું.

        મુનિવર નારદ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-યોગનાં આ આઠ અંગો છે. હે મુનીશ્વર, હવે ક્રમશ: ટૂંકમાં એમનાં લક્ષણ કહું છું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અક્રોધ અને અનસૂયા- આ સંક્ષેપમાં યમ કહેવાય છે. સકળ પ્રાણીઓમાંનાં કોઈને પણ કષ્ટ ન આપવું તે ભાવને ‘અહિંસા’ કહેલ છે. ધર્મ અને અધર્મનો વિચાર કરીને જે યથાર્થ વાત કહેવામાં આવે છે તેને શ્રેષ્ઠ પુરુષો ‘સત્ય’ કહે છે. ચોરી કરીને અથવા તો બળજબરીથી પારકા ધનને પડાવી લેવું એ ક્રિયાને ‘સ્તેય’ કહી છે; એનાથી વિપરીત કોઈની વસ્તુ ન લેવી તેને ‘અસ્તેય’ કહે છે. સર્વ પ્રકારના મૈથુનનો ત્યાગ ‘બ્રહ્મચર્ય’ કહેવાય. આપત્તિકાળમાં પણ દ્રવ્યનો સંગ્રહ ન કરવો, તેને ‘અપરિગ્રહ’ કહેલ છે. જે માણસ કોઈને કઠોર અને કૃરતાભર્યાં વચન કહે છે, તેના તે ભાવને ધર્મજ્ઞ પુરુષો ‘ક્રોધ’ કહે છે.

        એનાથી વિપરીત શાંતભાવનું નામ ‘અક્રોધ’ છે. કોઈની ચડતી થતી જોઇને મનમાં સંતાપ-બળાપો થાય, તેણે સાધુ પુરુષો અદેખાઈ-ઈર્ષ્યા અથવા ‘અસૂયા’ કહે છે. એ અસૂયાનો ત્યાગ એ જ ‘અનસૂયા’ છે.

હે દેવર્ષિ, મેં જે સંક્ષેપમાં જણાવ્યા તે યમ છે. હવે હું તમને ‘નિયમ’ વિષે જણાવું છું. તપ, સ્વાધ્યાય, સંતોષ, શૌચ, ભગવાન વિષ્ણુની આરાધના અને સંધ્યોપાસના આદિ ‘નિયમ’ કહેવાય છે. ચાંદ્રાયણ આદિ વ્રતો દ્વારા શરીરને કૃશ કરવામાં આવે છે, તેને ‘તપ’ કહેવામાં આવે છે. હે બ્રહ્મન, ૐકાર, ઉપનિષદ, દ્વાદશાક્ષર મંત્ર ( ૐ નમો ભગવતે વાસુદેવાય), અષ્ટાક્ષરમંત્ર (ૐ નમો નારાયણાય) તથા તત્વમસિ આદિ મહાવાક્યોનો જપ, અધ્યયન અને વિચારને ‘સ્વાધ્યાય’ કહ્યો છે. સ્વાધ્યાય વગર યોગ સિદ્ધ થતો નથી, પરંતુ યોગ વિના પણ કેવલ સ્વાધ્યાય મંત્રથી મનુષ્યોનાં પાપોનો નાશ થઇ જાય છે.

જપ ત્રણ પ્રકારના કહ્યા છે. વાચિક, ઉપાંશુ અને માનસ. આ ત્રણમાં પહેલાના કરતાં બીજો અને તેના કરતાં ત્રીજો એમ ઉત્તરોત્તર એકબીજાના કરતાં શ્રેષ્ઠ છે. વિધિપૂર્વક અક્ષર અને પદ સ્પષ્ટ બોલીને કરવામાં આવતાં મંત્રના ઉચ્ચારણને ‘વાચિક’ જપ કહ્યો છે. કંઈક મંદ સ્વરે મંત્રનો ઉચ્ચાર કરતી વખતે એક પદથી બીજા પદને છુટ્ટા પાડતા જવું, તેને ‘ઉપાંશુ’ જપ કહેલ છે પહેલાના કરતાં આનું બમણું મહત્વ છે. મનમાં ને મનમાં અક્ષરોની શ્રેણીનું ચિંતન કરતા રહીને તેનો અર્થ પર કરવામાં આવતા વિચારને ‘માનસ’ જપ કહેવામાં આવે છે. માનસ જપ યોગસિદ્ધિ આપે છે.

પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે તેનાથી જ પ્રસન્ન રહેવું, તે ‘સંતોષ’ કહેવાય છે. બાહ્ય શૌચ અને આભ્યંતર શૌચ ભેદથી ‘શૌચ’ બે પ્રકારનું માનવામાં આવ્યો છે. જળથી કરવામાં આવતી શુદ્ધિને ‘બાહ્યશૌચ; કહેવામાં આવે છે અને અંત:કરણના ભાવની શુદ્ધિને આભ્યંતર શૌચ કહેવામાં આવે છે. તેના વગર યજ્ઞમાં આપેલી આહુતિ નિષ્ફળ થાય છે.

મન, વાણી અને ક્રિયા સ્વર સ્તુતિકથાનું શ્રવણ તથા પૂજા કરવાથી ભગવાન વિષ્ણુમાં થયેલી દૃઢ ભક્તિને વિષ્ણુની ‘આરાધના’ કહેવામાં આવી છે. ત્રણેય કાળમાં કરવામાં આવતી સંધ્યાને ‘સંધ્યોપાસના’ કહેવામાં આવે છે.

આ પ્રમાણે મેં યમ અને નિયમો સંક્ષેપથી કહ્યા. એમના દ્વારા શુદ્ધ થયેલા ચિત્તવાળાને મોક્ષ હાથવેંતમાં જ હોવાનું માનવામાં આવે છે.”

ક્રમશ:     .    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED