સનક બોલ્યા, “આ પ્રમાણે કર્મના પાશમાં બંધાયેલા જીવો સ્વર્ગ આદિ પુણ્યસ્થાનોમાં પુણ્ય કર્મોનું ફળ ભોગવીને તથા નરકની યાતાનાઓમાં પાપોનું અત્યંત દુઃખમય ફળભોગ વીત્યા પછી ક્ષીણ થયેલાં કર્મોના અવશેષ ભાગથી આ લોકમાં આવીને સ્થાવર આદિ યોનિઓમાં જન્મ લે છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી અને પર્વત તથા તૃણ આ બધાં સ્થાવર નામથી વિખ્યાત છે. સ્થાવર જીવો મહામોહથી ઢંકાયેલા હોય છે. સ્થાવર યોનિઓમાં તેમનું જીવન આ પ્રમાણે હોય છે. તેમને પ્રથમ બીજરૂપે વાવવામાં આવે છે. ત્યારબાદ જળ સિંચાયા પછી તેઓ મૂળ ભાવને પ્રાપ્ત થાય છે. મૂળમાંથી અંકુર ઉત્પન્ન થાય છે, અંકુરમાંથી પાંદડાં, થડ, પાતળી ડાળીઓ ફૂટે છે. શાખાઓમાંથી કળી અને કળીમાંથી ફૂલ પ્રકટે છે. ફૂલોમાંથી જ અનાજ તથા ફળ ઉત્પન્ન થાય છે. સ્થાવર યોનિઓમાં જે મોટાં મોટાં વૃક્ષો હોય છે, તેઓ પણ કપાવું, દાવાનળમાં બળવું તથા ટાઢ-તડકો સહેવો વગેરે મહાન દુઃખ ભોગવીને મૃત્યુ પામે છે , ત્યારપછી તે જીવો કીટ આદિ યોનિઓમાં ઉત્પન્ન થઇ અતિશય દુઃખ ભોગવતાં રહે છે.
પોતાનાં કરતાંબળવાન પ્રાણીઓ દ્વારા કષ્ટ આપવામાં આવતાં તેઓ તેનું નિવારણ કરવા અસમર્થ થાય છે. ટાઢ અને પવન આદિથી ભારે કષ્ટ પામે છે અને દરરોજ ભૂખથી પીડાઈને મળમૂત્ર આદિમાં ખદબદતા રહે છે. ત્યારપછી એવા જ ક્રમથી પશુયોનિમાં આવીને પોતાના કરતાં બળવાન પશુઓના ઉપદ્રવથી ભયભીત થઈને ભારે ઉદ્વેગ અનુભવતા રહીને કષ્ટ ભોગવ્યા કરે છે. તેમને પવન અને પાણી અંગે ઘણું કષ્ટ ભોગવવું પડે છે.
અંડજ (પક્ષી) ની યોનિઓમાં તેઓ ક્યારેક પવન ભક્ષણ કરીને રહે છે અને ક્યારેક માંસ અને અપવિત્ર વસ્તુઓ ખાતાં હોય છે. ગ્રામીણ પશુઓની યોનિમાં આવીને તેઓ ક્યારેક ભાર ખેંચવાનું, દોરડાં વગેરેથી બંધાવાનું, લાકડીઓથી ફટકારાવાનું તેમ જ હળમાં જોતરાવાનું દુઃખ ભોગવવું પડે છે. આ પ્રમાણે અનેક યોનિઓમાં ભ્રમણ કરીને જીવો મનુષ્ય યોનિમાં જન્મે છે. જો કોઈ ખાસ પુણ્ય કર્યું હોય તો ક્રમ વિના પણ શીઘ્ર મનુષ્યયોનિ પ્રાપ્ત કરી લે છે.
મનુષ્ય યોનિમાં જન્મ પામીને પણ દરિદ્ર, અંગહીન અથવા અધિક અંગવાળા થઈને તેઓ કષ્ટ અને અપમાન સહન કરે છે તથા તાવ, ટાઢ અને તડકો તેમ જ અનેક પ્રકારના રોગોથી પીડાઈને ભારે કષ્ટ ભોગવે છે.
મનુષ્યજન્મમાં પણ જયારે સ્ત્રી એન પુરુષ મૈથુન કરે છે, તે સમયે વીર્ય સ્ખલિત થઈને જયારે જરાયુ (ગર્ભાશય)માં પ્રવેશ કરે છે, તે જ સમયે જીવ પોતાનાં કર્મોને વશ થઈને તે વીર્યની સાથે ગર્ભમાં પ્રવેશી રજ-વીર્યના કલલમાં સ્થિર થાય છે. તે વીર્ય જીવના પ્રવેશ કર્યાના પાંચ દિવસ પછી કલલરૂપે પરિણત થાય છે. ત્યાર બાદ પંદર દિવસ પછી તે પલલ (માંસ-પિંડના જેવી સ્થિતિ) ભાવને પ્રાપ્ત થઈને એક માસમાં વધીને પ્રાદેશ (અંગૂઠા અને તર્જનીનો વિસ્તાર કરવામાં આવતાં, બંનેના ટેરવા સુધીની લંબાઈ.) જેવડો થાય છે. ત્યારથી માંડીને પૂર્ણ ચેતનાનો અભાવ હોવા છતાંય માતાના ઉદરમાં ન વેઠી શકાય એવો તાપ અને કલેશ થવાને લીધે તે એક સ્થાન ઉપર સ્થિર ન રહી શકવાથી વાયુને પ્રેરણાથી આમતેમ ભ્રમણ કરે છે. ત્યાર બાદ બીજો મહિનો પૂર્ણ થતાં તે મનુષ્યનો આકાર પામે છે. ત્રીજો મહિનો પૂર્ણ થયા પછી તેને હાથ-પગ આદિ અવયવો પ્રકટ થાય છે અને ચાર માસ પૂર્ણ થયા પછી તેના સર્વ અવયવોની સંધિ થઇ ગયાનું જણાવા લાગે છે. પાંચ મહિના પછી આંગળીઓ પણ નખ આવવા લાગે છે. છ મારે નખોની સંધિ સ્પષ્ટ થઇ જાય છે, તેની નાભિમાંની નાળ દ્વારા અન્નરસ મેળવીને પોષણ પામે છે. તેનાં સર્વ અંગો અપવિત્ર મળમૂત્ર આદિથી ખરડાયેલાં રહે છે. જરાયુ-ઓળમાં તેનું શરીર બંધાયેલું હોય છે અને તે માતાનાં રક્ત, હાડકાં, કીડા, વસા, મજ્જા, સ્નાયુ અને કેશ આદિતજી દુષિત તથા ગંધાતા શરીરમાં નિવાસ કરે છે. માતાએ ખાધેલા ખાટા, ખારા અને ઊના ખોરાકથી તે દાઝતો રહે છે.
પોતાને આવી કપરી સ્થિતિમાં જોઇને તે દેહધારી પોતાના પૂર્વજન્મોની સ્મૃતિના પ્રભાવથી અગાઉ વેઠેલાં નરકનાં દુઃખોને યાદ કરીને વધુ કષ્ટ પામે છે. પોતે કરેલ પાપો માટે વિલાપ કરે છે અને નવા જન્મમાં સત્કર્મ કરવાનું નક્કી કરે છે.”
સનકે આગળ કહ્યું, “હે નારદ, જયારે માતાના પ્રસવનો સમય આવે છે તે સમયે ગર્ભસ્થ જીવ વાયુથી અત્યંત પીડાઈને માતાને અપન દુઃખ આપતો કર્મપાશથી બંધાઈને બળજબરીથી યોનિમાર્ગમાંથી નીકળે છે. બહાર નીકળતી વખતે તમામ નરક યાતનાઓ એકીસાથે ભોગવવી પડે છે. બહારની હવા લાગતાં જ તેની સ્મરણશક્તિ નષ્ટ પામે છે અને પછી તે જીવ બાલ્યાવસ્થા પામે છે. તેમાં પણ પોતાના જ મળ-મૂત્રથી તેનું શરીર ખરડાયેલું રહે છે. આધ્યાત્મિક આદિ ત્રિવિધ દુઃખોથી પીડાઈને પણ તે કશું જ કહી કે દેખાડી શકતો નથી. તેના રડવાથી લોકો એમ સમજે છે કે ભૂખ-તરસથી પીડાઈ રહ્યું છે, તેથી તેને દૂધ આપવું જોઈએ. માંકડ કે મચ્છર તેને કરડે તો તે તેને દૂર કરવા માટે અસમર્થ હોય છે. ધીમે ધીમે મોટો થાય તેમ માતાપિતા અને ગુરુ વગેરેનો ઠપકો સાંભળે છે અને ક્યારેક તેમના હાથનો માર પણ ખાય છે. વળી તે ઘણાં બધાં નકામાં કાર્યોમાં લાગેલો રહે છે, તે સફળ ન થવાથી માનસિક કષ્ટ ભોગવે છે.
ત્યારબાદ તરુણાવસ્થા આવી પહોંચતાં જીવ ધનોપાર્જન કરવાની પ્રવૃત્તિમાં પડે છે. કમાયેલા ધનની રક્ષા કરવાના કામમાં લાગેલો રહે છે. તે ધન નષ્ટ થાય કે ખર્ચાઈ જાય તો અતિ દુઃખ પામે છે. આમ તે મોહમાયામાં લપેટાયેલો રહે છે. તેનું અંત:કરણ કામક્રોધથી દૂષિત થયેલું રહે છે. બીજાઓના ગુણોમાં પણ તે દોષ જોયા કરે છે. પારકું ધન અને પારકી સ્ત્રી હરી લેવાના પ્રયત્નમાં લાગેલો રહે છે. કુટુંબના ભરણપોષણની ચિંતામાં વ્યાકુળ રહે છે અને પોતાનું દુઃખ દૂર કરવામાં અસમર્થ બની જાય છે.
આ જ પ્રમાણે જીવને જયારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તેની શક્તિ ક્ષીણ થવા માંડે છે; વાળ સફેદ થઇ જાય છે ને શરીરે કરચલીઓ પડી જાય છે. અનેક પ્રકારના રોગો સતાવવા લાગે છે. પુત્ર આદિ છણકા કરવા લાગે છે. ત્યારે હું ક્યારે મરીશ? એ ચિંતાથી વ્યાકુળ થઇ જાય છે. મારા ગયા પછી કુટુંબનું શું થશે એવી ચિંતાઓથી ગ્રસિત રહે છે, આવી જ હાલતમાં તેના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે.
ત્યારબાદ યમદૂતોની ધમકી અને હાકોટા સાંભળતો તે જીવ પાશમાં બંધાઈને પૂર્વવત નરક આદિનાં કષ્ટ ભોગવે છે. તે જીવનાં કર્મોનો ક્ષય થાય ત્યાં સુધી કષ્ટ ભોગવવું પડે છે.
હે દ્વિજશ્રેષ્ઠ, એટલા માટે સંસારરૂપી દાવાનળના તાપથી સંતપ્ત માણસે પરમજ્ઞાનનો અભ્યાસ કરવો. જ્ઞાન દ્વારા તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જ્ઞાન વિનાનાં મનુષ્યોને પશુ કહેવામાં આવ્યાં છે. સર્વ કર્મોને સિદ્ધ કરનારા મનુષ્યજન્મ પામીને પણ જે મનુષ્ય ભગવાન વિષ્ણુની સેવા કરતો નથી તેનાથી અધિક મૂર્ખ કોઈ નથી.
અધ્યાત્મ જ્ઞાનથી યુક્ત તથા ભગવાનની આરાધના કરનારા માણસો પરમ ધામને પામે છે. જેનાથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે, જેનાથી ચેતના પામે છે અને જેનામાં એનો લય થાય છે, તેવા ભગવાન વિષ્ણુ જ સંસારના બંધનમાંથી છોડાવનાર છે.
નિર્ગુણ હોવા છતાંય જે અનંત પરમેશ્વર સગુણ જેવા પ્રતીત થાય છે, તે દેવોના ઈશ્વર શ્રીહરિની પૂજા-અર્ચના કરીને મનુષ્ય સંસારબંધનથી મુક્ત થાય છે.”
ક્રમશ: